Get The App

સંવાદી વાતાવરણ સર્જવાના ઉપાયો .

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
સંવાદી વાતાવરણ સર્જવાના ઉપાયો                       . 1 - image


- એક જ દે ચિનગારી-શશિન્

- આજે શિક્ષણ અને સુવિધાઓ વધી છે પણ માણસનો ઠરેલપણા સાથેનો નાતો કપાઈ ગયો છે. ''ભૂમિ પરની ગંદી વસાહતો કરતાં મનોભૂમિ પરની ગંદી વસાહતો વધુ ખતરનાક છે.''

''ત ને કોઈ કામ યોગ્ય રીતે કરતાં આવડે છે ? જો, મારા પેન્ટને તેં કેવી કઢંગી રીતે ઈસ્ત્રી કરી છે. તારામાં અક્કલનો છાંટો છે ખરો ? એક પતિની પત્ની પરત્વે પ્રતિક્રિયા.''

''મેડમ, તમારો પુત્ર બુદ્ધિનો બારદાન છે. એ ક્યારેય સારી કારકિર્દી બનાવી શકવાનો નથી. તમે એને પ્રમાદી બનાવી દીધો છે. હું તે ચલાવી લેવા માગતો નથી ! શાળાના આચાર્યનો બડબડાટ.

''મિ. વર્મા, બંધ કરો તમારો બકવાસ. મોકો મળે કે તરત જ પ્રોબ્લેમ લઈને દોડી આવો છો. તમે જિંદગીભર સુધરવાના નથી. તમને નિમણુંક આપીને કંપનીએ ભારે ભૂલ કરી છે. નાઉ ગેટ આઉટ. એક પણ શબ્દ બોલ્યા વગર ચાલ્યા જાઓ. મેનેજર પોતાની હાથ નીચેના બેઠાડુ કર્મચારીને કહે છે.''

આવાં દ્રશ્યો ઘર, સંસ્થાઓ, કંપનીઓ, ઓફિસોમાં સરકારી-અર્ધસરકારી કચેરીઓમાં જોવા મળે છે. ઘાંટાઘાટ કરવાને ભારતના લોકો પોતાનો જન્મસિદ્ધ અધિકાર માને છે. વિસંવાદ પહેલાં સંવાદ પછી આવી મનોવૃત્તિ ભયાનક છે.

શિક્ષણ માણસને સંયમી બનાવે છે. એ સંયમમાં વાણીનો સંયમ અતિ મહત્વનો છે. કારણ કે વિસ્ફોટક વાણી એ પોતે જ અભિશાપ છે. એણે જાતજાતના વિનાશો નોંતર્યા છે. ભગવાને માણસને બે કાન એટલા માટે આપ્યા છે કે એ બમણી ધીરજથી બીજાની વાત સાંભળી શકે. જો તમે માણસને એટલા માટે વઢતા હો કે તે સુધરે. પણ એ ઉદ્દેશ ધમકાવવાથી સિદ્ધ નહીં થાય. અપમાનિત કે ભયગ્રસ્ત માણસ માનસિક અસ્વસ્થ બની ફરી ભૂલ કરી બેસશે. માણસ વિવેકશીલ અને સંયમી પ્રાણી છે પણ ભગવાને તેના ગળામાં સાઈલેન્સર નથી મૂક્યું.

ભૂલ કરનારની એ ખાસિયત છે કે તે પોતાના બચાવમાં કહેશે કે મેં ભૂલ કરી જ નથી ! મારી પર ખોટો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. એવી માન્યતાવાળા સમક્ષ તમે ભૂલ સ્વીકારનો પ્રસ્તાવ મૂકો તો પથ્થર ઉપર પાણી સર્જાશે. એને બદલે તમે સકારાત્મક વાત કરો કે તમે ભૂલ કરો એવા છો જ નહીં. અકસ્માતે ભૂલ થઈ ગઈ હોય એ સ્વાભાવિક છે. તપાસી જોજો, અને તેમાં તથ્ય જણાય તો આવશ્યક સુધારો કરી લેજો.

વ્યવહારમાં આપણે એક મોટી ભૂલ એ કરીએ છીએ કે જ્યાં બરફની જરૂર હોય ત્યાં ઉકળતું પાણી રેડીએ છીએ. પરિણામે બીજી વ્યક્તિ દાઝે છે અને તે મનમાં ખુન્નસ રાખી તમારી ઉપર ઉકળતું તેલ રેડવાનો પેંતરો રચ્યા કરે છે. માણસની વાત ભાવનાપૂર્વક, શાન્તિથી સાંભળી એ તેને જીતી લેવાનો સર્વોત્તમ માર્ગ છે. બીજો માણસ પોતાની વાત રજૂ કરતો હોય ત્યારે તેની વાત કાપી નાખવી કે તેના દોષોની યાદી બહાર પાડવી એ સ્વસ્થ અને સંવાદી વાતાવરણ માટે હાનિકારક વસ્તુ છે. કોઈ પણ માણસને બીજાની હાજરીમાં ઉતારી પાડવો કે જાહેરમાં ઉતારી પાડવો એ વર્તનની નિકૃષ્ટ રીતે છે. આપણે કોઈ વાતમાં અસંમતિ પ્રદર્શિત કરવી હોય ત્યારે રોષને છુટ્ટો દોર આપીએ છીએ. પરિણામે રોષ જીતે છે પણ આપણે હારીએ છીએ. અસમ્મતિની સ્થિતિમાં તમે ખરાબ રીતે ઈન્કાર કે અસ્વીકાર કરવાને બદલે સામેની વ્યક્તિને એમ કહો કે તમે કહ્યું એ પણ એક વિકલ્પ છે. હજી બીજા વિકલ્પોની આપની પાસે આશા રાખું છું. તમારા આવા શબ્દો તમારા વિરોધીને ટાઢો પડવામાં મદદરૂપ થશે. કોઈ વાત પર સમ્મત થવું એમાં બહાદુરી નથી પણ કોઈની અસમ્મતિને સંમતિમાં પલટાવી નાખવી એ બહાદુરી છે. ઘર અને કાર્યાલયોમાં સંવાદી વાતાવરણ સર્જવાના છ ઉપાયો કયા ?

૧. તમે વડા છો, તો હાથ નીચેના સભ્યો કે પરિવારજનોને વડપણની પ્રતીતિ થવા દો.

૨. તમારી વાત બીજાને મનાવવા માટે આક્રમક કે કોપાવિષ્ટ ન બનો, પણ બીજાની વાત આદરપૂર્વક સાંભળો.

૩. વ્યર્થ વાદવિવાદમાં ઉતરવાને બદલે ઉચિત અને આવશ્યક મુદ્દા પરત્વે સ્પષ્ટ રીતે તમારી વાત સંક્ષેપમાં રજૂ કરો.

૪. દોષકર્મી બનવાને બદલે ગુણદર્શી બનો. માણસના દોષોનું બુલેટિન બહાર પાડવાને બદલે તેની ક્ષતિ કે દોષની ક્ષણોમાં મિઠાશપૂર્વક તેનું ધ્યાન દોરો. જ્યાં ટકોરની જરૂર હોય ત્યાં ડફણાનો ઉપયોગ કરનારે અંતે પસ્તાવું પડે છે.

૫. સામસામે બેસીને નિખાલસ ચર્ચા કે વાત કરવાથી પ્રશ્નનો નિકાલ સહેલાઈથી આવી શકે છે. ચર્ચા દરમ્યાન ઉતાવળિયા કે અહંકારી ન બનો.

૬. મોટા સાબિત થવું છે ? તો નાના બનવાની કળા હસ્તગત કરી લો.

Tags :