Get The App

એબોર્શન તો કરાવવું જ પડશે! .

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
એબોર્શન તો કરાવવું જ પડશે!                             . 1 - image


- રજનીગંધા-વિભાવરી વર્મા

- અનુપમા તેની પોતાની કમાણી તો ક્યારેય ભોગવી જ શકી નહોતી. એ તો માત્ર અને માત્ર પોતાની એક્ટિંગની કરિયર પાછળ દોડતી રહી હતી

'કોં ગ્રેચ્યુલેશન્સ ! યુ આર પ્રેગનન્ટ !' લેડી ડોક્ટરના આ શબ્દો સાંભળતાં જ અનુપમા જાનીના મનમાં ખુશીની લહેર ફરી વળી ! કેબિનની બહાર નીકળી ત્યારે તો તેના પગ જાણે હવામાં ઊડી રહ્યા હતા ! અને કેબમાં બેસીને મુંબઈના સમંદરને લહેરાતો જોઈને એને લાગ્યું કે પાણીના પેલા છેડેથી એક મેઘધનુષ ઊગી રહ્યું છે !

'વાઉ ! ફાઈનલી... અનુપમા જાનીએ ટેક્સીની ખુલ્લી બારીમાંથી આવી રહેલા ભીના પવનને ઊંડા શ્વાસ વડે ફેફસામાં ભરી લીધો.' 'ફાઈનલી હવે હું એક બ્રેક લઈ શકીશ !'

અનુપમા જાની એક એકટ્રેસ હતી. માત્ર ચીલાચાલુ અભિનેત્રી નહી, અનુપમા જાનીનું નામ એક દમદાર અભિનેત્રી તરીકે લેવાતું થઈ ગયું હતું. અને આ છેલ્લાં પાંચ વરસની સખત મહેનતનું પરિણામ હતું.

પહેલાં ગુજરાતી નાટકો, પછી હિન્દી નાટકો, પછી શેક્સપિયર સહિતનાં અંગ્રેજી નાટકોમાં અનુપમાની ટેલેન્ટ ઝળકી ઊઠી હતી. એકાદ વરસમાં તો તેને હિન્દી ફિલ્મોમાં નાના છતાં દમદાર કેરેકટર્સનાં રોલ મળવા માંડયા હતા. લોકો તેને 'આજની નીના ગુપ્તા' કહેવા લાગ્યા હતા.

આટલું ઓછું હોય તેમ હવે અનુપમાની ત્રણ-ત્રણ વેબસિરીઝો હિટ થઈ ચુકી હતી. ઈન ફેક્ટ, વેબસિરીઝમાં જો અનુપમાનું નામ હોય તો તેનો વ્યુઅરશીપ ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ બંધાઈ જતી હતી !

પણ હવે અનુપમા થાકી હતી. તેને ક્યારથી એક બ્રેક લેવાનું મન થયા કરતું હતું. એમાં આ 'ગુડ ન્યુઝ' મળી ગયા !

અંધેરીના લકઝુરીયસ એપાર્ટમેન્ટમાં દાખલ થતાં જ તે પોતાના પતિ નીરવને આ જબરદસ્ત ન્યુઝ આપવા માટે ઉતાવળી થઈ ગઈ હતી. પણ આ શું ?

ઘરમાં દાખલ થતાંની સાથે જ જુએ છે તો ડ્રોઈંગ રૂમમાં નીરવની મમ્મી અને નીરવની બહેન શિવાની હરખથી એક પછી એક સાડી જોઈ તપાસીને એક સેલ્સમેન જેવા માણસ સાથે ભાવતાલ કરી રહ્યા હતા.

'અરે વાહ અનુપમા !' નીરવે તેને ઉમળકાથી આવકારતાં કહ્યું 'તું બહુ રાઈટ ટાઈમે આવી છે ! જો, આમાંથી તને કઈ કઈ સાડીઓ ગમે છે ?'

અનુપમા કન્ફયુઝડ હતી. આ બધું શું છે ? આટલી બધી સાડીઓ... ઘરમાં ?

'હવે આપણું સ્ટેટસ શો-રૂમમાં જવાનું વધી રહ્યું ! હવે તો શો-રૂમ ખુદ ચાલીને અનુપમા જાનીને ઘરે આવે છે !' નીરવે અનુપમાને સોફામાં બેસાડતાં કહ્યું:

'આફટર ઓલ, અનુપમા જાનીની નણંદ, એટલે કે મારી વ્હાલી બહેનનાં મેરેજ આવી રહ્યા છે ને !'

'પણ એતો-'

'તારીખ ફાઈનલ થઈ ગઈ, બેટા !' અનુપમાની સાસુ બોલી ઊઠી: 'ફક્ત એક જ મહિનો રહ્યો છે !'

'અને તું જોજે તો ખરી ?' નીરવે તેની બહેન શિવાનીનો ખભો થાબડતાં કહ્યું 'આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વટ પડી જાય એવું મેરેજ થવાનું છે ! આખરે આપણી સુપરસ્ટાર અનુપમા જાનીની નણંદના મેરેજ છે, કંઈ જેવી તેવી ઈવેન્ટ થોડી છે ?'

'ઓહ.' અનુપમા જરા અટકી ગઈ. તે નીરવને પેલા 'ગુડ ન્યુઝ' આપવા માગતી હતી. ત્યાં તો નીરવે નવો ધડાકો કર્યો.

'ડિયર, આ તો કંઈ નથી, કાલે જ્વેલરને બોલાવ્યો છે. પરમ દિવસે ઈવેન્ટ મેનેજર જોડે એપોઈન્ટમેન્ટ છે.... અનુપમા, તું જોજે, મેં તો મિનિમમ ૬૦-૭૦ લાખનું બજેટ વિચારીને રાખ્યું છે ! કેમ કે આપણે બોલીવૂડની તમામ મોટી મોટી હસતિઓને ઈન્વાઈટ કરવી છે ! લોકોને ખબર તો પડે, કે અનુપમાનો સ્ટાર પાવર શું છે ? હેં !'

અનુપમા કંઈ બોલી નહીં. તે બેડરૂમમાં જઈને કપડાં બદલવા લાગી. એનું મગજ હવે ચકરાવે ચડયું હતું.

'છેલ્લા પાંચ વરસથી મહેનત હું કરું છું, કમાઈને હું લાવું છું, ઉજાગરા, નાઈટ શીફ્ટ, ડબલ શીફ્ટ હું કરૃં છું... અને આ બાજુ ? મારી સાસુ અને મારી નણંદને મારી કમાણીમાંથી જલસા જ કરવા છે ?'

હકીકતમાં આ કંઈ આજનું નહોતું. છેલ્લા પાંચ વરસથી અનુપમા તેની પોતાની કમાણી તો ક્યારેય ભોગવી જ શકી નહોતી. એ તો માત્ર અને માત્ર પોતાની એક્ટિંગની કરિયર પાછળ દોડતી રહી હતી. અને હવે ?

અને જ્યારે પોતે થોડી એસ્ટાબ્લિશ થયા પછી, એક બ્રેક લેવા માગે છે. એક બાળકને જન્મ આપીને સંસારિક સુખ ભોગવવા માગે છે ત્યારે...? ત્યારે આ પરાવલંબી કીડા જેવા લોકો મારા જ નામે ભભકાદાર મેરેજ રાખીને વટ પાડવા માગે છે ?

એ રાત્રે અનુપમાએ નીરવને ચોખ્ખું કહી દીધું 'નીરવ, હું પ્રેગનન્ટ છું, અને આ બાળક મારે રાખવું છે !'

આ સાંભળતાં જ નીરવ આગની જેમ ભડકી ઊઠયો: 'હાઉ ઈઝ ઈટ પોસિબલ, અનુપમા ? હું બીજી ત્રણ વેબસિરીઝના કોન્ટ્રાક્ટ ફાઈનલ કરી ચૂક્યો છું ? બે મહિના પછી સળંગ બાવીસ દિવસ સુધી તારાં ગુજરાતી નાટકોની ટુર અમેરિકામાં લઈ જવાની છે ! હું તો એડવાન્સ રૂપિયા લઈને બેઠો છું !'

'તો રૂપિયા પાછા આપી દે ! હું નથી ટુર કરવાની, કે નથી નવી વેબસિરીઝો લેવાની.'

'બકવાસ ના કર અનુપમા, હું કમિટ કરીને બેઠો છું !'

'તો કમિટ કરતાં પહેલાં તેં મને પૂછ્યું હતું ? ઈનફેક્ટ, તું ક્યારેય મને પૂછે છે ખરો ?'

'અચ્છા ? તો સાંભળ...' નીરવનો અવાજ ખારો થઈ ગયો. 'તુ આજે જે કંઈ છે ને, એ મારા લીધે છે.' જો મેં રાઈટ ટાઈમે રાઈટ ટાઈપના રોલના કોન્ટ્રાક્ટ ના કર્યા હોત તો - 

'તો ?' અનુપમાનો અવાજ ઊંચો થઈ ગયો. 'તો એમાં તેં શી મોટી ધાડ મારી છે ? એ કામ તો કોઈપણ પગારદાર પર્સનલ સેક્રેટરી પણ કરી શકે.'

'હા, પરંતુ સેક્રેટરી અને પતિમાં ફરક હોય છે.'

'ચોક્કસ હોય છે ! કેમ કે સેક્રેટરી એની અભિનેત્રીના પૈસા પોતાની બહેનના ઠાઠમાઠમાં નથી ઉડાવી મારતા !'

'બસ, બસ ! હવે એકપણ શબ્દ આગળ બોલીશ તો મારો હાથ ઊઠી જશે !'

પણ પાંચમા જ દિવસે ચિત્ર બદલાઈ ગયું. એક કાસ્ટિંગ એજન્સીમાંથી ફોન આવ્યો: 'મેડમ, તમે પેલી ઈન્ટરનેશનલ ફિલ્મના રોલ માટે ઓડિશન આપ્યું હતું ને ? એ મેઈન રોલ તમને મળી રહ્યો છે ! કોંગ્રેચ્યુલેશન્સ અનુપમા મેડમ !'

અનુપમા માની જ નહોતી શકતી ! વાઉ ! ગજ્જબના વ્યુઝ હતા ! ટોમ સેન્ડર્સ, જેને ઓલરેડી બે ઓસ્કાર નોમિનેશન્સ, એક ક્લિઓ એવોર્ડ અને એક કાન્સ એવોર્ડ મળી ચૂક્યા હતા, તેની ભારત અને બ્રિટનમાં બનનારી ફિલ્મમાં અનુપમાને 'મેઈન' રોલ મળી ગયો હતો ! શૂટિંગ બે મહિનામાં શરૂ થવાનું હતું.

- બસ, અનુપમાએ એબોર્શન કરાવી જ લીધું...

એબોર્શનના બીજા દિવસે અનુપમાનો હસબન્ડ નીરવ, પેલી કાસ્ટિંગ એજન્સીના માણસને ફોનમાં કહી રહ્યો હતો: 'પેલા બોગસ ન્યુઝ આપવા બદલ થેન્કસ, યાર ! હવે બસ એક જ કામ કરજે, એ રોલ અનુપમાને નથી મળવાનો એવા ન્યુઝ, મારી બહેનનાં મેરેજ પતે પછી જ આપજે...! મને ખાતરી હતી કે અનુપમા આ એક્ટિંગના બાટલામાં જરૂર ઉતરી જશે !'

Tags :