Get The App

મહાન ઓલ રાઉન્ડર કપિલ દેવને ક્રિકેટનો જરાય શોખ ન હતો

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
મહાન ઓલ રાઉન્ડર કપિલ દેવને ક્રિકેટનો જરાય શોખ ન હતો 1 - image

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

જા ણીને નવાઈ લાગે કે કપિલ દેવને ક્રિકેટનો જરાય શોખ જ ન હતો. તે તો તેના મિત્રો સાથે ફૂટબોલ રમતો હતો. એકવાર તેના ભાઈ ભૂષણની ટીમની મેચ ચાલતી હતી અને છેલ્લી ઘડીએ એક ખેલાડી આવી શક્યો નહીં. કોને લેવો એ પ્રશ્ન થયો. અંતે મેદાન પાસે તોફાનમસ્તી કરી રહેલી કપિલની 'ગેંગ'માંથી એકાદને સ્થાન આપવાનું નક્કી થયું. ભૂષણે ચોખ્ખું કહી દીધું, 'કુક્કુ (કપિલનું હુલામણું નામ) નહીં ચાલે. તેને ક્રિકેટમાં કાંઈ ગતાગમ પડતી નથી.' પણ અંતે કપિલને જ લેવાયો. મેચ શરૂ થઈ. કપિલને સમજાવવામાં આવ્યો કે 'તારે આ જગ્યાએ ઊભું રહેવાનું અને તારી પાસે બોલ આવે તો તેને રોકી બોલર તરફ ફેંકી દેવાનો.' થોડીવાર થઈ. કપિલ ઊભો ઊભો કંટાળી ગયો. તેના મિત્રો બાઉન્ડ્રી પાસે જ ઊભા હતા. કપિલ ખિસ્સામાંથી લખોટી કાઢીને તેમની સાથે રમવા માંડયો. એવામાં બેટ્સમેને કપિલ તરફ બોલ ફટકાર્યો. સૌએ બૂમ પાડી 'કુક્કુ, જલ્દી બોલ ઉઠાવ.' પણ કુક્કુ મહાશય તો લખોટી રમતા હતા. બધા ભેગા થઈ ગયા અને કપિલને સમજાવ્યો કે તું આમ કરીશ તો આપણે હારી જઈશું. અંતે કપિલે ગંભીરતા દાખવી નિર્ણાયક પળોમાં તેની પાસે બોલ આવ્યો ત્યારે તેણે આંખ મીંચીને બોલર તરફ ફેંક્યો. સીધા થ્રોથી સ્ટમ્પ ઊડી ગયા અને બેટ્સમેન રનઆઉટ થયો. એ સાથે ભૂષણ અને તેના મિત્રોની ટીમનો વિજય થયો.

ટાયર રિસાયકલિંગની જટીલ સમસ્યા

ટાયર બળ્યા પછી જે રાખ નીકળે છે અ પણ સિમેન્ટની ભઠ્ઠીઓમાં સિમેન્ટ બનાવવામાં કામ લાગે છે. ટાયરમાના સ્ટીલમાં રહેલો આયર્ન ઓક્સાઇડ સિમેન્ટની મજબૂતાઈ વધારે છે. લાફાર્જ નામની કંપની રોજનાં બે હજાર ટાયર બાળે છે. આ ટાયરો કંપનીને સિમેન્ટની ભઠ્ઠી માટે જોઈતા બળતણના ત્રીસ ટકા જેટલું બળતણ પૂરું પાડે છે. જોકે અહી અટલી પ્રચંડ ગરમી પેદા થાય છે કે પૃથ્વી પરનું નરક લાગે, કારણ કે ભઠ્ઠીનું અંદરનું તાપમાન ૩૭૦૦ ડિગ્રી ફેરનહીટ હોય ત્યારે બહારની ગરમી કાળઝાળ હોવાની જ. ટાયર રિસાઇકલિંગની એક બીજી રીત છે તેના ટુકડા કરીને અ ટુકડા નાનીઅમથી પ્રક્રિયા પછી વિવિધ ઉપયોગમાં લેવાની. દા.ત. રસ્તાઓ બનાવવા માટે આસ્ફાલ્ટ વપરાય તેમાં જૂનાં ટાયરોનો ઉપયોગ કરવાથી તે વધુ મજબૂત બની શકે. એક માઇલ લાંબો, ૩૬ ફુટ પહોળો અને ત્રણ ઇંચ જાડો રસ્તો બનાવવા માટે ૧૬ હજાર ટાયરોના ટુકડાની જરૂર પડે. ટાયરોની જંગી સમસ્યા વધવાને કારણે અમેરિકામાં તો ઇન્ટર-મોડલ ટ્રાન્સપોર્ટેશન ઍફિશિયન્સી નામનો ધારો રચીને અવી જોગવાઈ કરવામાં આવી છે કે રાજ્યની નાણાકીય સહાય દ્વારા બનતા તમામ રસ્તાઓમાં કમ સે કમ પાંચ હજાર જેટલું આસ્ફાલ્ટ રિસાઇકલ રબર ધરાવતું હોય.

કેળાં : દુનિયાનો સૌથી જૂનો 'ઉગાડાતો પાક' 

દુનિયાનો સૌથી જૂનો 'ઉગાડાતો પાક' કેળાં છે. મહાભારત અને રામાયણમાં પણ કેળાંનો ઉલ્લેખ છે. કેળાના છોડને દુનિયાનું સૌથી મોટું હર્બ (પોચા થડવાળી અને એક વાર ફૂલ આવ્યા બાદ મરી જનારી વનસ્પતિ, કાષ્ઠૌષધિ ગણવામાં આવે છે. મધ્યમ કદના કેળામાંથી તમને ફક્ત ૯૦ કેલરી જ ઊર્જા મળતી હોવાને કારણે તે ડાયેટિંગમાં ઉપયોગી છે. વજન ઉતારવા મથી રહેલી વ્યક્તિ માટે કેળાં એ રીતે ઉપયોગી છે કે તે ખાવાથી પેટ પણ ભરાઈ જાય છે અને શરીરમાં કેલરી પણ ઓછી જાય છે. કેળામાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે. તેને કારણે તે બ્લડપ્રેશરને નોર્મલ રાખવામાં ખાસ ઉપયોગી બને છે. એટલે જ બ્લડપ્રેશરના દર્દીઓને ડોક્ટર કેળાં ખાવાનું કહે છે. એક એવો પણ કિસ્સો નોંધાયો છે કે એક ખલાસીનું વહાણ મધદરિયે ખરાબે ચડી ગયેલું ત્યારે તે એક મહિના સુધી માત્ર કેળાં ખાઇને જીવતો રહેલો. મહિના પછી જ્યારે તે પોતાની દુનિયામાં પાછો ફર્યો ત્યારે તેની તબિયત અગાઉ કરતાં પણ સારી થઈ ગઈ હતી. 

ચીનાઓ કેળાના મૂળિયામાંથી દવા બનાવતા. જૂના જમાનામાં એ દવાઓ માથાનો દુખાવો, ઓરી-અછબડા અને કમળા જેવી વ્યાધિ મટાડવામાં વપરાતી. આફ્રિકાના યુગાન્ડા દેશના બુગાન્ડા પ્રાંતા લોકો દુનિયામાં સૌથી વધારે કેળા ખાતી (ખાઇ શકતી) પ્રજા છે. માનવામાં ન આવે એવી વાત એ છે કે એ લોકો રોજના પાંચ કિલો (હા, પૂરા પાંચ કિલો) કેળાં ખાઈ જાય છે, છતાં તેમનાં પેટ ફાટી નથી પડતા. અલબત્ત, કેળા સિવાય તેઓ ભાગ્યે જ કંઈ ખાય છે. ચીન, મલાગાશી, જાપાન અને સોલોમન ટાપુઓમાં કેળાના થડમાંથી રેશમ જેવું સુંવાળું વસ્ત્ર પણ બને છે.

દારૂ એક પીએ અને ચઢે બીજીને

બે સ્ત્રીઓ છે. અકનું નામ છે દાશા અને બીજીનું માશા. બન્ને મોસ્કોમાં રહે છે. બન્ને બહેનો છે. બેયને બહુ મોટી સમસ્યા સતાવી રહી હતી. દાશાનો પ્રોબ્લેમ એ હતો કે તે ધૂમ્રપાન નહોતી કરતી તેમ છતાં તેના ફેફસાં સિગારેટના ધુમાડાથી ત્રાસી ગયા હતા અને માશાનો પ્રોબ્લેમ એ હતો કે તે દારૂ નહોતી પીતી છતાં તેને દારૂનો નશો અવારનવાર હેરાન કરતો હતો. કારણ કે દાશા અને માશા બન્ને સિયામીઝ જોડિયાં બહેનો છે. બન્નેનાં માથાં જુદાં છે, પણ ધડ એક છે. આમાંની માશાને ધૂમ્રપાનની આદત હતી અને દાશા દારૂની દાસ હતી. પણ વાંધો એ હતો કે માશાથી દારૂનો નશો નહોતો સહન થતો અને દાશાને 'પોતાનાં' ફેફસામાં ધુમાડો જાય તે મંજૂર નહોતું. છેવટે બન્ને બહેનોએ નક્કી કર્યું કે હવે આપણી ઉંમર ૪૮ વર્ષની થઈ. હવે આપણે એકબીજા પર અત્યાચાર ગુજારવાનું બંધ કરવું જાઇએ. અને બન્નેએ મેડિકલ સેન્ટરમાં જઈને ડોક્ટરની મદદથી પોતપોતાનાં વ્યસનો છોડી દીધાં.

બેકરીમાં પાંઉ-બિસ્કીટને બદલે મળશે હાથ-પગ

જાપાનના બેકરી ઉત્પાદક વિશાઈ શિંગવોંગ તેમની બેકરી પ્રોડક્ટ્સનો આકાર બદલી નાખ્યો ત્યારથી તેમને ત્યાં ઘરાકોની ભારે ભીડ જામે છે. શિંગવોંગે ગોળ, લંબગોળ, ચોરસ, લંબચોરસ કે ચતુષ્કોણીય આકારને તિલાંજલિ આપીને વાનગીઓને આંખ, કાન, નાક, હાથ, પગ જેવા આકારમાં બનાવવા માંડી. એટલે હવે ગ્રાહકો કિલો નાક, કાન કે પગ માગતા થયા છે. શિંગવોંગની દુકાનનો લૂક જ બદલાઈ ગયો છે. તે હવે બેકરીને બદલે માનવશરીરના સ્પેરપાર્ટ્સનું ગોદામ હોય એવું લાગે છે. શિંગવોંગને આવો રચનાત્મક વિચાર કેવી રીતે આવ્યો તે વિશે વાત કરીએ તો શિંગવોગ વ્યવસાયે શિલ્પકાર હતો પણ તેનાં શિલ્પો ન વેચાતાં તેમાં તેને નિષ્ફળતા દેખાઈ. નવરાધૂપ શિંગવોંગે અભિનેતા ઍન્થની હોપકિન્સની ફિલ્મ 'હેનિબલ' જોઈ. શિંગવોંગના પિતા બેકરીની નાનકડી ફેક્ટરી સંભાળતા હતા. ફિલ્મ જોઇને શિંગવોંગને વિચાર આવ્યો કે આમેય લોકો મીઠાઇને બદલે માથું ખાવામાં વધુ રસ ધરાવતા હોય છે તો લોકોને બેકરીમાંથી બનાવેલું ટેસ્ટી માથું, હાથ, પગ ... વગેરે આપવામાં આવે તો? શિંગવોંગે પિતાજીને પોતાનો વિચાર કહ્યા. પિતાજીઅ વાત ગળે ઊતરી ગઈ. શિંગવોંગનો નવતર પ્રયોગ લોકોમાં ખૂબ ખૂબ પોપ્યુલર બન્યો.

* * *