- એક જ દે ચિનગારી-શશિન્
- સત્ય એટલે ઇશ્વરનું શ્રુતલેખન અસત્ય એટલે માણસનું લઘુલેખન સત્ય બોલનારે અનેક કષ્ટોનો સામનો કરવો પડે છે એટલે મોટાભાગના લોકો અસત્યનું જ શરણ લેતા હોય છે
બે માણસો ભયંકર ઝધડી રહ્યા હતા. બન્ને એકબીજાને મચક આપવા તૈયાર નહોતા. એક જણ માનતો હતો કે સેવા માટે સત્તાની જરૂર અનિવાર્ય છે. અને બીજો માનતો હતો કે સેવા પોતે જ સત્તા છે એટલે બાહ્ય સત્તાની જરૂર નથી. ઝઘડામાં બન્ને જણ એટલાં ગુલતાન હતાં કે વીજળીનો પુરવઠો પૂરો પાડતી મુખ્ય સ્વિચ દબાવવાનું ભૂલી ગયાં અને અંધકારને લીધે બૂમાબૂમ કરતાં કારીગરો એકઠા થઈ ગયા હતા.
કારીગરો પૈકીના એક વૃધ્ધે કહ્યું : 'ભાઈ, સેવા અને સત્તાની મોંકાણમાં તમે ફરજ અદા કરવાનું જ ભૂલી ગયા. કોણ સાચું છે, એને મહત્ત્વ આપવાને બદલે શું સાચું છે, એને મહત્વ આપો.'
સત્યને આપણે આચરણનો વિષય બનાવવાને બદલે વિવાદનો વિષય બનાવીને જાતજાતની અરાજકતા ઉભી કરી છે.
હકીકતમાં આપણે સત્યશોધક બનવા કરતાં આપણા પૂર્વગ્રહોના સંત્રી થવામાં જ આપણી શક્તિ વેડફી નાખીએ છીએ. આપણે સત્યના રક્ષક બનવાની જરૂર નથી, કારણકે સત્ય પોતે જ એટલું બધું ઓજસ્વી અને તેજસ્વી છે કે તે પોતે પોતાની રક્ષા કરી શકે છે.
મોટાભાગના લોકો એવો દાવો કરે છે કે તેઓ વિચારીને નિર્ણય લે છે. હકીકતમાં તેઓ પોતાના પૂર્વગ્રહો અને પૂર્વમાન્યતાઓને ક્રમબધ્ધ કરવાની કોશિશ જ કરતાં હોય છે. એટલે જ જે કૃષ્ણમૂર્તિ કહેતાં હતાં કે માનવજાતિને સત્ય કોઈ જ શીખવી શક્તું નથી. સત્યની અનુભૂતિ માણસને સ્વત: જ થાય છે.
સત્ય નથી સુવિચારના પાટિયા પર લખવાના અક્ષરો કે નથી ફરેબી શિક્ષકો અને દંભી ધર્મગુરુઓ દ્વારા અપાતો સદુપદેશનો વિષય. સત્યના ઝંડાધારીએ ઉછીનાં અજવાળાનાં પ્રવાસીઓ હોતા જ નથી.
એક માણસના પિતાને ફાંસીને માંચડે લટકાવી દેવામાં આવ્યા. થોડેક સમય પછી એ માણસ જીવનવીમાં- કંપનીનું દાવા ફોર્મ ભરવા બેઠો. એમાં પૂછેલા પ્રશ્નોના જવાબ આપવાના હતા. પ્રશ્નોતરીમાં મા-બાપના મૃત્યુનું કારણ પણ દર્શાવવાનું હતું, જેમાં વારસાગત દોષોનો સમાવેશ થતો હતો. માણસે માતા-પિતાનાં મોતનું કારણ લખ્યું. 'માતા ન્યુમોનિયાને કારણે અવસાન પામી હતી અને પિતાને સાચું બોલવાનો રોગ હતો.'
જ્યાં જુઠ્ઠાની બોલબોલા હોય, ત્યાં સત્યને જીવનનો સુયોગ નહીં. પણ રોગ જ મનાય છે. માણસની વાતમાંથી સત્ય તારવવાનું મુશ્કેલ હોય છે. બીજાની વાત સાંભળી, તેમાંથી અડધું તમે માનો તો ચતુર, પણ મૂળ વાતમાંથી કયું સ્વીકારપાત્ર ગણવું એનો તમે નિર્ણય કરી શકો તો તેજસ્વી. સત્ય દિગમ્બર છે. એને મામા-ફોઈના જાંગલા-ટોપીની જરૂર હોતી નથી.
કેટલાક લોકોને સત્યનું એટલું બધું ભૂત વળગે છે કે તેઓ સત્ય-પ્રેમખાતર ભૂલ કરનાર ક્ષમાપાત્રને કમોતે મારે છે.
સત્યને સમજવામાં થાય ખાવાને લીધે સ્વસ્થતાપૂર્વક બોલવાની કળા માણસ ભૂલી ગયો છે. બૂમ-બરાડા કે ધમપછાડા કરવાથી જ સત્ય સાબિત થઈ શકે છે, એ ભ્રમમાંથી એટલે જ આપણા નેતાઓ હજી મુક્ત થઈ શક્યા નથી.
અસત્ય એટલે માણસનું શોડહેન્ડ (લઘુલેખત), સત્ય એટલે ઇશ્વરનું ડિકટેશન (ઋતલેખન)
સત્ય એ સાધના છે, સત્ય એ તપ છે. સત્ય એ ઇશ્વર છે, એમ કરીને આપણે સત્યને ઉચ્ચ સ્થાને પ્રસ્થાપિત કરીએ છીએ, ત્યારે આપણી એ પણ ફરજ બની જાય છે કે સત્ય ખાતર ગમે તેવી વસ્તુનું બલિદાન આપીએ પણ સ્વાર્થ ખાતર સત્યને શૂળીએ ન જ ચઢાવવું જોઈએ.
કેવી વિચિત્રતા છે સત્ય અને અસત્યની ! સત્યના પાઠ ભણાવવામાં આવે છે. છતાં સત્ય બોલનારા શોધ્યાય જડતા નથી. અને અસત્ય ને ભણાવવા માટે કોઈ પાઠશાળા નથી, છતાંય અસત્ય બોલવામાં માણસ આપોઆપ પાવરધા કે નિષ્ણાત બની જતા હોય છે. અભણ માણસ કરતાં જૂઠો માણસ વધુ ખતરનાક.
ખરેખર તો સાચું બોલવું સહેલું છે, કારણકે એ બોલ્યા પછી તમે જુદા જુદા માણસ આગળ જુદી વાત કરવાની પળોજણમાંથી મુક્ત રહી શકો છો. એક અસત્ય ઉચ્ચાર્યા પછી એની રક્ષા માટે માણસ કેટકેટલા પ્રયત્નો કરતો હોય છે. એનાથી અડધી મહેનતે તો એ સત્ય બોલી શકે. પણ સાચું બોલનાર સમજે છે કે વાત સાચું બોલવાથી પતી જતી નથી. પણ એ વાત જેને લાગુ પડતી હશે, તે માણસ સત્યનું સ્વાગત કરવાની ઉદારતા દેખાડવાનો નથી. પરિણામે તમે કેટલી સાચી વાતથી એ નારાજ થશે, આક્રમક પણ બની શકે, વેરનાં બીજ પણ વવાય, વર્ષોથી સીંચીને ઉછેરેલો સ્નેહસંબધ છિન્ન-ભિન્ન પણ થઈ જાય, મૈત્રી શત્રુતાનું રૂપ ધારણ કરી લે, સત્ય સાબિત કરવા સાક્ષી રજૂ કરવો પડે અને સાક્ષી પણ અણીના સમયે સત્યનો સંત્રી બનશે એની કોઈ ગેરંટી ખરી ? સત્યમાં આટલો બધો ખતરો હોય તો એનો અખતરો કરવાની શી જરૂર ? સત્ય બોલનારે અને સત્ય આચારનારે જાતજાતની મુસીબતો અને સમસ્યાઓનો સામનો કરવા તૈયાર રહેવું પડે છે.
આમ સત્ય બોલનાર અને સાંભળનાર બનીએ 'સત્ય'નું પરિણામ સહેવું પડે છે. સાંભળનારને એ કડવું લાગે છે અને બોલનારને બાહ્ય રીતે એ 'ભારે' પડે છે.
અસત્ય બોલનાર અને સાંભળનારને તાત્કાલિક તો લીલાલહેરનો જ અનુભવ થાય છે. અસત્ય બોલનાર મીઠું મીઠું બોલે છે, એટલે અસત્ય સાંભળનાર હરખાય છે. એનું મન ઉદ્વેગ પામવાને બદલે ઉમંગ પામે છે. જોખમ કોઈના પક્ષે નહીં. તુમ ભી સલામત, હમ ભી સલામત. પૂજા સત્ય નારાયણની અને સથવારો અસત્ય નારાયણનો. આજનો માણસ સત્યનો પ્રયોગ કરવામાં નહીં. પણ સત્યનો વિયોગ પેદા કરવામાં જ પોતાની ચતુરાઈ માને છે.
બાળકોને દરરોજ સાચું બોલવાની પ્રતિજ્ઞા કરાવનાર શિક્ષકના જીવનમાં સત્યપ્રિયતા કેટલી હોય છે ? નિયમિતતાનો પાઠ, શીખવનાર ખુદ નિયમિત હોય છે ખરો ? અદાલતમાં સત્યમેવ જયતે રહે તે ન્યાય માગનારા, તોળનારા અને કાયદાનાં પુસ્તકો લઈ ઘુમનારાને સત્ય મંજૂર છે ખરું ? જે મુક્તિ આપે તે વિદ્યા એવા વિશ્વવિદ્યાલયો મુક્ત છે ખરા ? સત્ય માટે શું સોક્રેટીસે મરવાનું ? ઇસુખ્રિસ્તે જ શૂળીએ ચઢવાનું ? ગાંધીએ જ ગોળી ખાવાની ?
ધાર્મિક ઝનૂનથી પ્રેરાઇને બલિદાન આપનારા કદાચ જડી આવશે, પણ સત્ય ખાતર મૃત્યુથી ભયમુક્ત માનવીઓ આધુનિક યુગમાં જવલ્લે જ જોવા મળે છે. આમ કેમ ? સત્ય આવું મહાન છે, ઉપકારક છે, આદર્શ છે તો સત્યના ઝંડાધારીઓ કેમ ઘટી રહ્યા છે ? શા માટે માણસ સત્ય બોલતાં અટકાય છે કે ખચકાય છે ? કારણકે સત્ય માટે ચૂકવવું પડતું મૂલ્ય એ કોઈપણ હિસાબે ચૂકવવા તૈયાર નથી.
સત્ય બોલવા માટે સાહસ જોઈએ. સત્ય બોલવાનું સાહસ શીખવે એવી જડીબુટ્ટી કોઈ બજારમાં વેચાતી નથી મળતી. માણસ ટનબંધ વેદના સહેવા તૈયાર થાય ત્યારે તેનામાં સત્ય બોલવાનું કણભર સાહસ જન્મે છે.


