- રજનીગંધા-વિભાવરી વર્મા
- 'અહીં તો આપણે બન્ને સિંગલ જ છીએ ને ? લેટ્સ એન્જોય અ વન્ડરફૂલ ઈવનિંગ ઈન ધ મોસ્ટ રોમેન્ટિક સિટી ઓફ અમેરિકા.'
'હલો, અવંતિકા સવાણી ?'
'તમે કોણ ?'
'એ પછી કહું છું, પહેલાં કહો, તમે જ અવંતિકા સવાણી છો ને ?'
મને 'સવાણી' સરનેમથી બોલાવનારું કોણ હશે ? કેમકે ૪૫ વરસની અવંતિકાએ પોતાના નામ પાછળ 'સરદેસાઈ' અટક લગાવ્યાને, યાને કે લગ્ન થયાંને ઓલરેડી ૨૨ વરસ થઈ ચૂક્યાં હતાં.
અવંતિકાને બીજી નવાઈ એ લાગી રહી હતી કે ભારતથી હજારો કિલોમીટર દૂર અહીં કેલિફોર્નિયામાં તેને તેની જુની સરનેમથી બોલાવનાર કોણ હોઈ શકે ?
'યસ, હું અવંતિકા સવાણી જ છું. તમે કોણ ?'
સામેથી કોઈ પુરુષનો હસવાનો અવાજ આવ્યો. 'મારા અવાજ પરથી તો તમે ક્યાંથી ઓળખવાના ? છતાં એક હિન્ટ આપું... હું તમારી સાથે કોલેજમાં ભણતો હતો.'
અવંતિકાને વધુ નવાઈ લાગી. કોલેજમાં સાથે ભણનારું કોઈ છેક ૨૨ વરસ પછી, છેક અમેરિકામાં એને શોધી કાઢે, ફોન નંબર પણ મેળવી લે અને આ રીતે ફોન કરે...? એ કોણ હોઈ શકે ?
'સોરી, યાદ નથી આવતું.'
'ઓકે'
'વધુ એક હિન્ટ આપું... તમારા આ સહાધ્યાયીએ આપના કોમળ કોમળ હાથનો એક લાફો પણ ખાધો હતો !'
'ઓહ, હવે યાદ આવ્યું !' અવંતિકા સ્હેજ હસી પડી 'તમે રોનક કામદાર તો નહીં ?'
'હવે બરાબર ઓળખાણ પડી ! સામેથી ખડખડાટ અટ્ટહાસ્ય આવ્યું' એ લાફો તો હજી મને યાદ છે હોં, તેં જે રીતે આખા કલાસની વચ્ચે-સોરી, તમને તુંકારે બોલાવું તો વાંધો નથી ને ? આખરે એટલો હક તો બને છે ને કલાસમેટ હોવાનો ?
'શ્યોર, શ્યોર !' અવંતિકાએ કહ્યું 'હું અહીં કેલિફોર્નિયા આવી છું એની તમને શી રીતે ખબર પડી ?'
'માત્ર આવી છો, એટલી જ નહીં, પરંતુ તું એક મલ્ટીનેશનલ કંપનીની મુંબઈ બ્રાન્ચની હેડ છે અને અહીં તારી કંપનીની એક કોન્ફરન્સ એટેન્ડ કરવા માટે આવી છે એ પણ ખબર છે ! બધું તારી ફેસબુકમાં છે જ ને ?'
'ઓહો ! તો તો હું કઈ હોટલમાં ઉતરી છું એ પણ ખબર હશે, રાઈટ?'
'એબ્સલ્યુટલી ! તું કહેતી હોય તો હમણાં જ એક વેલકમ બુકે લઈને તારી હોટલ પર પહોંચી શકું છું.'
'ના ના. એવી આગતા સ્વાગત કરવાની જરૂર નથી. પણ તમે અહીં શું કરો છો રોનક ?'
સામે છેડેથી હળવો નિશ્વાસ આવ્યો 'કરવાનું વળી શું ? બસ, જીવી રહ્યો છું... તેં તો ભાવ આપ્યો નહીં, એટલે મેં છેવટે મેરેજ કરી લીધાં. અત્યારે વાઈફ ઈન્ડિયા ગઈ છે, છોકરાંઓ મોટાં થઈ ગયાં છે. એક કેનેડામાં અને એક ન્યુઝિલેન્ડમાં છે... અને બંદા અહીં કેલિફોર્નિયાની મારી માલિકીની હોટલના ગાર્ડનની ઠંડી હવામાં ઠંડી આહો ભરતા બેઠા છે !'
'નો નીડ ટુ બિ સો ફ્લર્ટિયસ, ઓકે ? હવે બોલો, ફોન શા માટે કર્યો?'
'શા માટે કર્યો હોય ? જુની યાદોને તાજી કરવા માટે જ તો ? બોલ, તું જ્યારે ફ્રી હોય ત્યારે મળીએ.'
'વેલ... મારું ઓફિસનું શેડયુલ બહુ ભરચક છે.'
'અરે, એ શેડયુલ પતે પછી રાખીએ ! અહીં એક સરસ મજાની ડાન્સ કલબ છે. ત્યાં મળીએ ? સાથે ડીનર લઈશું.'
'ઓકે. પણ મારી સાથે મારા બોસ હશે.'
'ધેટ્સ ઓકે, તારા બોસને હું બેસ્ટ કવોલિટીનો દરૂ પીવડાવીને બેહોશ કરી નાખીશ ! પછી કંઈ ?'
***
એ રાત્રે રોનક કામદાર અવંતિકાની રાહ જોતાં જોતાં ઓલરેડી ત્રણ પેગ મારી ચૂક્યો હતો. આખરે અવંતિકા આવી... રોનક તેને જોઈને દંગ થઈ ગયો !
હજી કોલેજમાંથી જ ચાલી આવતી હોય એવો તાજોમાજો એનો ચાર્મ હતો. બાફટા સિલ્કની જાજરમાન સાડી, કપાળે મોટો રૂપિયા જેવો ચાંલ્લો અને કાળા ભમ્મર વાળમાં ફૂલોનો ગજરો...
'વાહ, ક્યા બાત હૈ... વેલકમ ટુ એલ.એ...મિસ ઈન્ડિયા !'
'મિસ નહીં, મિસિસ ઈન્ડિયા !' અવંતિકાએ સુધાર્યુ
'મેરેજ તો મારાં પણ થઈ ગયાં છે.'
'સો વોટ ? રોનકે અવંતિકાનો હાથ ઝડપી લેતાં કહ્યું 'અહીં તો આપણે બન્ને સિંગલ જ છીએ ને ? લેટ્સ એન્જોય અ વન્ડરફૂલ ઈવનિંગ ઈન ધ મોસ્ટ રોમેન્ટિક સિટી ઓફ અમેરિકા.'
રોનકે સ્ટાઈલથી અવંતિકાને પોતાના પાસે ખેંચી. એ સાથે જ તેની કમરમાં હાથ પરોવતાં પોતાના હોઠ અવંતિકાના કાન પાસે લાવીને હળવા અવાજે એક પ્રપોઝલ મુકી દીધી.
એ સાંભળતાં જ અવંતિકાનાં ભવાં સંકોચાયાં. બીજી જ શણે રોનકને પોતાનાથી દૂર કરતાંની સાથે જ એક સણસણતો તમાચો ફટકારી દીધો !
તમાચાનો અવાજ પડતાં જ આખી કલબમાં સન્નાટો છવાઈ ગયો. અવંતિકાની આંખોમાં હજી ગુસ્સો ફૂંફાડા મારી રહ્યો હતો.
પરંતુ રોનક હજી હસી રહ્યો હતો. 'કેમ, શું થયું અવંતિકા ? આઈ જસ્ટ સજેસ્ટેડ કે...'
'સજેસ્ટેડ ?' અવંતિકાનો સૂર ઊંચો થઈ ગયો. 'રોનક, તેં મારા કાનમાં ધીમા અવાજે, જેને ગુજરાતીમાં અભદ્ર અને અશ્લીલ કહી શકાય એવી માગણી મુકી હતી !'
'સો વોટ અવંતિકા ? ધીસ ઈઝ અમેરિકા ! તારા બોસને પુછી જો ? એ પણ કહેશે કે...'
'એ મારા બોસ નહીં, મારા હસબન્ડ છે !'
અવંતિકા હવે વીફરી. 'અને રોનક, મેં તને કોલેજમાં માત્ર એકવાર નહીં. ત્રણ ત્રણ વાર લાફા માર્યા છે ! પહેલી વાર જ્યારે તે મને એક લવલેટર લખ્યો હતો ત્યારે ! બીજી વાર જ્યારે કોલેજના ગ્રાઉન્ડમાં તે મારો હાથ પકડયો હતો ત્યારે ! અને ત્રીજી વાર ટેલેન્ટ ઈવનિંગમાં ધરાર સ્ટેજ ઉપર ચડી આવીને તેં મને ચૂંબન કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે !'
રોનક હવે ડઘાઈ ગયો હતો.
'તને શું લાગે છે, રોનક, ફેસબુકમાં તને જ સર્ચ કરતાં આવડે છે ? મને પણ ઈન્ટરનેટમાં સર્ચ કરતા આવડે છે. તારી એક નહીં, બે નહીં, ત્રણ ત્રણ પત્નીઓ તારા લંપટ સ્વભાવથી કંટાળીને તને છોડીને જતી રહી છે. તારાં સંતાનો તને ધિક્કારે છે એટલે તારાથી હમેશા દૂર રહે છે ! અને તું ?'
અહીંની એક ફાલતુ મોટેલમાં નોકરું ટીચી ખાય છે, કેમકે જો તું ઈન્ડિયા આવે તો બેન્ક ફ્રોડના કેસોમાં તારી ધરપકડ થઈ જાય એમ છે !
રોનક હવે ઢીલો પડી ગયો 'જો તું આટલું બધું જાણતી હતી તો અહીં મને મળવા આવી જ શા માટે ?'
'એટલા માટે, કે હજી ચોથો લાફો મારવાનો બાકી હતો !' અવંતિકાએ કહ્યું 'મારાં લગ્ન થતાં અટકાવવા માટે તેં આખા શહેરમાં મારા વિશે ગંદી વાતો ફેલાવી હતી, જેની મને બહુ પાછળથી ખબર પડી હતી. અને જ્યારે ખબર પડી, ત્યારે તું અમેરિકા ભાગી ગયો હતો. બસ, આજે એ હિસાબ ચૂકતે થઈ ગયો !'
રોનક હજી ગાલ પંપાળતો ઊભો હતો...


