- રામ મોહને બ્રહ્મોસમાજની સ્થાપના કરી. જેમાં પ્રાર્થનાનું મહત્ત્વ હતું. મૂર્તિ પૂજાનું નહીં
બ્ર હ્મમુહૂર્તે કદી જાગ્યા છો ? વિશ્વ સમસ્ત જાણે નવચેતન ભર્યું લાગે છે. પૂર્વ ક્ષિતિજે આછેરો ઊજાસ દેખાય છે. બસ આવી જ ઘડી રામમોહનનાં પ્રાક્ટય સાથે ભારતમાં આવી હતી. તેઓ બ્રહ્મમુહૂર્તનો ઊજાસ બની રહ્યાં.
ભગવાન શ્રી રામની એક લક્ષિતા અને ભગવાન શ્રીકૃષ્ણ (મોહન)ની દુર્ધષતા સાકાર બની રહી હોય તેવા રામ મોહનનુ પ્રાકટય થયું. તારીખ હતી ૨૨ મે ૧૭૭૨ પરમાત્માએ જ જાણે કે ભારતના આત્માને જગાડવા તેઓને મોકલ્યા હતા.
હુગલી જિલ્લાનાં અજ્ઞાત ગામ રાધાનગરમાં બ્રાહ્મણકૂળમાં તેઓનો જન્મ થયો. પિતામહ કૃષ્ણ-ચંદ્ર બેનર્જી બંગાળ નવાબની સેવામાં હતા. નવાબે તેઓને રાય-રાયાનો ખિતાબ આપ્યો. પછીથી તે માત્ર 'રાય' બની રહ્યા અને તેઓનું કૂળનામ (અટક) બેનર્જીને બદલે 'રાય' બની રહ્યું.
કૃષ્ણચંદ્રના ત્રીજા પુત્ર વ્રજ વિનોદનો પુત્ર રમાકાંતના ગૃહે, રામમોહનનો જ્મ થયો. માતાનું નામ રાધાદેવી હતું. રમાકાંત પોતે જ વિદ્વાન હતા. તેઓએ પુત્રને વિદ્વાન બનાવવા નિર્ણય કર્યો.
કૃષ્ણચંદ્ર બંગાળના નવાબ સારિજ ઉદ્ દૌલાની સેવામાં હતા. તેઓએ બંગ નવાબને રોબર્ટ ક્લાઇવની જાળ સામે ચેતવ્યા હતા. પરંતુ ચેત્યા નહીં. ઉલટાના કૃષ્ણચંદ્રને સેવામાંથી ફારેગ કર્યા. કૃષ્ણચંદ્ર રાધાનગરમાં રહી પોતાની જમીન ખેડાવી તે ઉપર ગુજરાન ચલાવતા. મોટાભાગનો સમય ગ્રંથોના વાચનમાં વિતાવતા. વિદ્વત્તતા રામમોહનનાં લોહીમાં વહેતી હતી.
રમાકાંતે રામ મોહનને પણ વિદ્વાન બનાવવા નિર્ણય કર્યો. પ્રારંભિક શિક્ષણ તો રાધાનગરની પ્રાથમિક શાળામાં અપાયું. બંગાળી માતૃભાષા હતી. ઉપરાંત તે સમયની દરબારની ભાષા (કોર્ટ લેન્ગ્વેજ) ફારસી હતી. તે ભણાવવા તેઓએ એક મૌલવી સાહેબને રોક્યા. તરૂણ રામમોહને ફારસીની સાથે ઇસ્લામ ધર્મનો પણ અભ્યાસ કર્યો. પિતાશ્રીએ સંસ્કૃત ભણવા રામમોહનને બનારસ મોકલ્યા. મા અસામાન્ય મેઘાવી તરૂણે ટૂંક સમયમાં ગીતા, મહાભારત, રામાયણ અને ઉપનિષદોનો અભ્યાસ કર્યો. સાથે ઉપનિષદોનો અદ્વૈતવાદ, વેદોનાં સૂક્તો વાંચ્યાં. તેમાં (ઉપનિષદ કે વેદોમાં) મૂર્તિ પૂજા છે જ નહીં. તેમાં પ્રાર્થનાનું મહત્વ હતું. તે ઉપરથી રામ મોહને બ્રહ્મોસમાજની સ્થાપના કરી. જેમાં પ્રાર્થનાનું મહત્ત્વ હતું. મૂર્તિ પૂજાનું નહીં આ સાથે રામમોહને હિન્દુ ધર્મમાં વધી રહેલી કલુષિતતાની સખત ટીકા શરૂ કરી. મૂર્તિ પૂજાનો પણ સખત વિરોધ કર્યો તેથી પિતાશ્રી ઘણા જ ગુસ્સે થયા. રામ મોહનને ઘરમાંથી કાઢી મુક્યા.
અહીંથી તેઓ પરિભ્રમણમાં નીકળી પડયા. છેક ત્રિવિષ્ટમ (તિબેટ) પહોંચ્યા, ત્યાં બૌદ્ધ ધર્મનો પણ અભ્યાસ કર્યો. ફરી બનારસ પહોંચ્યા. ૧૮૦૩માં પિતાશ્રીનું નિધન થતાં મુર્શિદાબાદ (બંગાળની રાજધાની જ્યાં તેમનું કુટુમ્બ પછી સ્થિર થયું) ગયા. કુટુમ્બજનોએ તેઓનો ભવ્ય સત્કાર કર્યો. તે પછી રંગપુરમાં ઇસ્ટ ઇંડીયા કંપનીમાં કારકૂન તરીકે જોડાયા. ત્યાં અંગ્રેજીનો અભ્યાસ પૂરો કર્યો. રંગપુરના કલેકટર જ્હોન દીગ્બિએ તેઓની શક્તિ જાણી તેઓને દીવાન (ડેપ્યુટી કલેકટર)નું પદ આપ્યું. રંગપુરમાં વિલિયમ આદમ નામના અંગ્રેજે તેઓને સ્પષ્ટ અંગ્રેજી શીખવાડયું.
રામમોહને વેદાંત જૈનોનાં કલ્પસૂત્ર અન્ય વેદિક ગ્રંથો તેમજ જૈન ગ્રંથોના અંગ્રેજીમાં અનુવાદ કર્યો. રંગપુરમાં પંડિતો સાથે શાસ્ત્રાર્થો પણ કર્યા.
તેઓનાં જીવનની એક અતિકરૂણ ઘટનાએ રામ-મોહનને હલાવી દીધા. ૧૮૧૧માં તેઓના વડીલબંધુ જગતમોહનનું અકાળ અવસાન થયું. તેઓનાં પત્નીએ સતી થવા નિર્ણય કર્યો. જે ચીતા પર તેમના પતિનું શબ હતું તે ચીતા પર ચઢી ગયાં. પરંતુ જેવો અગ્નિ સ્પર્શ્યો કે દાઝવાથી ચીતા પરથી નીચે ઉતરવા ગયાં ત્યાં વાંસના ધક્કાથી તેઓને પાછા ચીતા પર પાડી વાંસથી તેઓને ચીતા પર દબાવી રાખ્યાં. તેઓની ચીસો ઢોલ નગારાં અને શરણાઈઓના અવાજમાં દબાઈ ગઈ. રામમોહનથી આ સહ્યું ગયું નહીં, પરંતુ લાચાર હતા. તેઓએ ત્યારે જ આ ક્રૂર પ્રથા દૂર કરવા નિર્ણય કર્યો. જે પાળીને જ રહ્યા.
તેઓ રંગપૂરથી કોલકત્તામાં સ્થિર થયા. ત્યાં કોલબૂ્રક, એચ.એચ.વિલ્સન, મેકૉલે, સર વિલિયમ જોન્સ, સર હાઈડ ઇસ્ટ વગેરે સાથે સંપર્કમાં આવ્યા. તેઓએ સંવાદ કૌમુદી નામક વર્તમાન પત્ર પણ શરૂ કર્યું. ૧૮૧૭માં તેઓએ ડિગ્બી સમક્ષ ઇંગ્લેન્ડ જવાની ઇચ્છા વ્યક્ત કરી. તે તક મળી પણ ખરી. દિલ્હીના બાદશાહ અકબર બીજાએ કંપની સરકાર દ્વારા કરાતા અન્યાયની ફરિયાદ બ્રિટિશ પાર્લામેન્ટમાં રજૂ કરવા તેઓને વકીલ તરીકે મોકલવા નિર્ણય કર્યો. સાથે તેઓને રાજાનો ખિતાબ આપ્યો. ત્યારથી તેઓનું સંપૂર્ણ નામ 'રાજા રામમોહન રાય' પડયું. તેઓની સાથે અમાનુલ્લા ખાન પણ હતા. જેઓ પેશ્વા બાજીરાવ બીજાના વકીલ તરીકે લંડન જવા નીકળ્યા. બાજીરાવનું પેન્શન કંપની સરકારે અટકાવ્યું હતું તેની ફરીયાદ બ્રિટિશ પાર્લામેન્ટમાં કરવાની હતી.બ્રિટિશ પાર્લામેન્ટને સંબોધનારા
તેઓ પહેલા ભારતીય હતા. તેઓએ બ્રિટિશ પાર્લામેન્ટ સમક્ષ સતીપ્રથા દૂર કરાવવા ગવર્નર જનરલ બોર્ડ વિલિયમ બેન્ટિકને આદેશ આપવા અનુરોધ કર્યો જે થયું પણ ખરૃં.
તેઓ યુરોપના પ્રવાસે ગયા. ઇટાલીમાં અખંડ ઇટાલીનું સ્વપ્ન જોનાર મેઝીનીને પીડમોન્ટ (તોરિનો) માં મળ્યા. આ છ ફીટ ઊંચી ગૌરવર્ણી તેઓની પ્રતિભા જોઈ મેઝીની આશ્ચર્યમાં પડી ગયા. તેઓએ કહ્યું તમારી જેવી પ્રિતભા ભારતમાં હોય તો બ્રિટિશ ત્યાં રાજ કરી જ કેમ શકે ? હું તો માનતો હતો કે ભારતીયો મોટા ઉંદરડા જેવા હશે. આમ ભારતનાં સ્વાતંત્ર્યનો પહેલો મંત્ર તેઓ ભણ્યા. તેઓ પછીથી બ્રિસ્ટોલમાં સ્થિર થયા. તે જે કુવામાંથી પાણી ખેંચતા હતા તે કુવા ઉપર આજે પણ તેઓનાં નામ અને તારીખ કોતરેલી પિત્તળની તકતી છે. બ્રિસ્ટોલમાં ૧૮મી સપ્ટેમ્બરે તેઓએ સ્વાસ્થ્ય ગુમાવ્યું. ૨૬મીએ માથામાં સ્ટ્રોક થયો. બેભાન બની ગયા. ૨૭મી સપ્ટેમ્બર ૧૮૩૩ના દિને આ મહાન જ્યોતિ પરમ જ્યોતિમાં મળી ગઈ.
- દિનેશ દેસાઈ


