Get The App

સાઉથમાં ફિલ્મસ્ટાર પોલિટિશ્યનોની બોલબાલા

Updated: May 12th, 2026

GS TEAM

Google News
Google News
સાઉથમાં ફિલ્મસ્ટાર પોલિટિશ્યનોની બોલબાલા 1 - image

- ટોપ્સીટર્વી - અજિત પોપટ

- સાઉથના એક કરતાં વધુ ફિલ્મ સ્ટારે મુખ્ય પ્રધાન બન્યા પછી એવી સરસ કામગીરી કરી બતાવી કે લોકોને ધંધાદારી પોલિટિશ્યનો કરતાં આ ફિલ્મ સ્ટાર્સ લોકનેતા તરીકે વધુ ગમ્યા.

ગયા સપ્તાહે પાંચ વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામો આવ્યાં ત્યારે કેટલાક રાજકીય સમીક્ષકોની આંખો વિસ્મયથી પહોળી થઇ ગઇ હતી. સાવ નવો નિશાળિયો કહેવાય એવો પરંતુ સાઉથના ફિલ્મોદ્યોગનો ટોચનો અભિનેતા વિજય જંગી બહુમતી સાથે ચૂંટાઇ આવ્યો. તામિલનાડુના પીઢ કહેવાતા નેતાઓની ડાંડી ગુલ થઇ ગઇ. જો કે રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે વિજય સમક્ષ હિમાલય જેવડા મસ મોટા સવાલો અને પડકારો છે. ચૂંટણી પ્રસંગે મતદારોને મોટ્ટાં મોટ્ટાં વચનો આપવા સહેલાં છે પરંતુ એ વચનોનું પાલન ભલભલાને પગે પરસેવો રેલાતો કરી દે છે. કોણ જાણે કેમ પરંતુ સાઉથના મતદારોને ધંધાદારી પોલિટિશ્યનો કરતાં ફિલ્મસ્ટાર કમ પોલિટિશ્યનો વધુ ફાવી ગયા જણાય છે. ઉત્તર ભારતમાં બે ત્રણ ફિલ્મ સ્ટાર્સ ચૂંટણી જીત્યા ખરા. સાંસદ કે ધારાસભ્ય બન્યા ખરા પરંતુ કોઇ આખા રાજ્યનો વહીવટ કરવાની તક એમને મળી નહીં. બીજી બાજુ સાઉથમાં ફિલ્મ સ્ટાર્સ ચૂંટણી તો જીત્યા, રાજ્યના મુખ્ય પ્રધાન પણ બન્યા. સૌથી રસપ્રદ વાત એ કે પલાયનવાદી મસાલા ફિલ્મોમાં જે પ્રકારની ફેન્ટસી દેખાડે છે એવું વાસ્તવ જીવનમાં પણ બન્યું. સાઉથના એક કરતાં વધુ ફિલ્મ સ્ટારે મુખ્ય પ્રધાન બન્યા પછી એવી સરસ કામગીરી કરી બતાવી કે લોકોને ધંધાદારી પોલિટિશ્યનો કરતાં આ ફિલ્મ સ્ટાર્સ લોકનેતા તરીકે વધુ ગમ્યા.

વાતનો આરંભ ઇમરજન્સી પછીની પહેલી ચૂંટણીથી કરીએ. ૧૯૭૭માં કેન્દ્રમાં એક તરફ મોરારજી દેસાઇની જનતા સરકાર રચાઇ ત્યારે સાઉથમાં સુપરસ્ટાર ગણાતા એમ જી રામચંદ્રન ૧૯૭૭માં  તામિલનાડુના મુખ્ય પ્રધાન બન્યા. ત્યારના વડા પ્રધાન ઇંદિરા ગાંધી સહિતના કોંગ્રેસી નેતાઓએ રામચંદ્રનની ઠેકડી ઊડાવવાના પ્રયાસો કરેલા. પરંતુ મજા જુઓ. રામચંદ્રને ફટાફટ પ્રજાલક્ષી પગલાં લેવા માંડયાં. ગરીબો માટે મિડ ડે મીલ્સ (મધ્યાહ્ન ભોજન) યોજના શરૂ કરી. નિશાળો ભલે વરસમાં દોઢસો દિવસ ચાલતી હોય, બાળકો માટે રામચંદ્રને ૩૬૫ દિવસ મધ્યાહ્ન ભોજન સેવા ચાલુ કરી. ગામડાંના લોકોને મફત અથવા સાવ મામુલી દરે અનાજ મળી રહે એવી યોજનાનો અમલ કર્યો. છોકરા-છોકરીઓ માટે શિક્ષણ મફત કરી નાખ્યું. સૌથી મહત્ત્વની વાત તો એ હતી કે સત્તાનું વિકેન્દ્રીકરણ કરી નાખ્યું. એમની લોકપ્રિયતા એટલી પ્રચંડ હતી કે સનદી અધિકારીઓ-બાબુલોગ એમના આદેશની અવગણના કરતાં ડરતા હતા કે ક્યાંક આ માણસ મતદારોને કહી દેશે કે બાબુલોગ મારું માનતા નથી તો લોકો અમારા પર ઉશ્કેરાઇ જશે.

રામચંદ્રને બે મુદત એટલે કે દસ વરસ રાજ કર્યું. એમના અનુગામી તરીકે રામચંદ્રનની જ હીરોઇન જયલલિતા સત્તા પર આવી. મિડિયાએ તો જયલલિતા પાસે મોંઘાદાટ પગરખાંની આઠસો જોડી છે અને અત્યંત મોંઘી દેશીવિદેશી ત્રણ હજાર સાડીઓ છે એવી વાતો ચગાવી. જયલલિતા જેવી હતી તેવી પરંતુ એણે એમ જી રામચંદ્રનની જેમ પ્રજાલક્ષી કાર્યો કરીને પોતાની લોકપ્રિયતા પુરવાર કરી. અમ્મા ઉનવગમ (કેન્ટીન), અમ્મા પેયજલ, અમ્મા હેલ્થકેર, અમ્મા મહિલા સશક્તિકરણ જેવાં પગલાં લીધાં. દક્ષિણની ભાષાઓમાં અમ્મા એટલે મા (મધર). જયલલિતાએ પણ ગરીબો માટે મફત અનાજ વિતરણ જેવું પગલું લીધું. 

ભલે એની સામે બેહિસાબી સંપત્તિ અને ગેરવહીવટના કોર્ટ કેસ થયા. છતાં લોકહૃદયમાં એનું સ્થાન અકબંધ રહ્યું. કાયદો અને વ્યવસ્થા બાબતમાં એ ખૂબ કડક મહિલા મુખ્ય મંત્રી નીવડયા. જયલલિતા દેશના એવાં સૌથી પહેલા મુખ્ય મંત્રી હતાં જેમણે બાળકોને મફત લેપટોપ 

આપીને ડિજિટલ ક્રાન્તિના શ્રીગણેશ માંડયાં. અગાઉ કોઇ મુખ્ય પ્રધાને આ પ્રકારે રાજ્યનાં બાળકોને કોમ્પ્યુટર તરફ વાળ્યા નહોતાં.આ વાત થઇ તામિલનાડુની. લગભગ એવુંજ સાઉથના અન્ય રાજ્ય આંધ્ર પ્રદેશમાં બન્યું. રૂપેરી પરદા પર ભગવાન વિષ્ણુ, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ એવા દૈવી પાત્રો ભજવીને એન ટી રામારાવ  ટોચના અભિનેતા નીવડયા હતા. એમણે ચૂંટણી પ્રસંગે વચન આપેલું કે હું તમને બે કિલો ચોખા મફત આપીશ. સાઉથના લોકોનો મુખ્ય ખોરાક ચોખા છે. રામા રાવ  મુખ્ય પ્રધાન બન્યા કે તરત તેમણે ઓછી આવક ધરાવતા લોકોને બે કિલો ચોખા મફત મળી રહે એવી વ્યવસ્થા કરી. એમ જી રામચંદ્રનની જેમ રામા રાવે સત્તાનું વિકેન્દ્રીકરણ કરી નાખ્યું. ઝૂંપડાંમાં રહેતા અને સાવ ગરીબ હોય એવા લોકો માટે ૧૯૮૩માં સરકારી ગૃહ યોજના અમલમાં મૂકી. સેંકડો પરિવારોને પહેલીવાર પાકાં મકાનોમાં ઘર મળ્યાં. સાથોસાથ મહિલાઓના નામે જમીનના પ્લોટનું રજિસ્ટ્રેશન શરૂ કરાવ્યું. કોઇ શરાબી પતિ કે પિતા-ભાઇ ધાકધમકીથી આ પ્લોટ આંચકી ન લે એવી કાયદેસરની વ્યવસ્થા કરી.

આ ફિલ્મ સ્ટાર કમ પોલિટિશ્યનોની સરખામણીમાં બિહારના લાલુ યાદવ કે પશ્ચિમ બંગાળની મમતા બેનરજી યા ઉત્તર પ્રદેશના મુલાયમ યાદવ તથા એમના પુત્ર અખિલેશ યાદવના શાસન કાળને યાદ કરો. તમને સમજાઇ જશે કે પરદા પર સમાજસેવકના રોલ કરતા ફિલ્મ સ્ટાર્સ વાસ્તવમાં પણ સમાજ સેવક બની રહ્યા. ભલે એમણે વહીવટમાં ભૂલો કરી હશે પરંતુ લાલુ યાદવ કે મુલાયમ યાદવ જેવા નપાવટ નીવડયા નથી.

હવે આકરી કસોટી વિજયની થવાની છે. અગાઉના ફિલ્મ સ્ટાર્સ પોલિટિશ્યનો જે સારાં કામ કરી ગયાં એવાં સારાં કામ વિજય કેટલી હદે કરી શકે છે એ જોવાનું છે. ધંધાદારી પોલિટિશ્યનોની જેમ એણે પણ ચૂંટણી પ્રસંગે આસમાનના તારા તોડી લાવવા જેવાં વચનો આપ્યાં છે. કેટલી હદે એ વચનોનું પાલન વિજય કરી શકે છે એ તો આવનારો સમય કહેશે.