- શબ્દસંહિતા - પરેશ વ્યાસ
- 'ચાર્મ્ડ ઓફિન્સિવ' એટલે લાભ, સાનુકૂળતા કે ટેકો મેળવવા માટે ગણત્રીપૂર્વક કરવામાં આવેલું અભિયાન
- સૂન્નશિખર તક પહોંચૂંગા, પાઉંગા પલમેં અપલક,
ઐસા ત્રાટક જોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!
- રાજેન્દ્ર શુક્લ
મો દીસાહેબનું કામકાજ તિલસ્મી છે. પૂર્વમાં અપૂર્વ જીત. અંગા (બિહાર) અને કલિંગા (ઓરિસ્સા)માં તો હતો જ હવે બંગામાં પણ કેસરિયો લહેરાયો. મમતાદીદી માનતા કે બંગાળના લોકો અનન્યતાવાદ (એક્સક્લૂસિવિઝ્મ) માં માને છે. અમે તો બસ અમે જ. ગાડરિયાં અમે નથી. અમે કેન્દ્રથી અલગ. વર્ષો સુધી સામ્યવાદીઓએ રાજ કર્યું. પછી છેલ્લાં પંદર વર્ષોથી તૃણમૂલ કોંગ્રેસ. આ ભદ્રલોક વિચારસરણી હતી, જે બદલાઈ. હિંસા, ગૂંડાગીરી અને બળાત્કારની ઘટનાઓ સામે જન આક્રોશ હતો જ. એમાં બાંગ્લાદેશી ઘૂસણખોરી સામે ચૂંટણી પંચનું મતદાર યાદીનું સર (સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન). ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન સેન્ટ્રલ ફોર્સ તહેનાત અને ભાજપનું બહેતર બૂથ મેનેજમેન્ટ. બંગાળમાં ઔદ્યોગિક વિકાસ નથી એટલે યુવાનોને નોકરી કરવા અન્ય રાજ્યોમાં જવું પડે છે અને તેથી કોલકતા ઘરડાં ઘર થઇ ગયું છે- એવી લાગણીને જગાડાઈ. કારણો અનેક છે ભાજપાની જીત પાછળ પણ અમને લાગે છે કે આની પાછળ ઝાલમુરી છે, કાલીમાતાના મંદિરમાં દર્શન કરતા પહેલાં ફૂલવાળા પાસે ફૂલોની ખરીદી છે અને હૂગલી નદીનો નૌકા વિહાર છે. બંગાળનાં સામાન્ય લોકો સાથેનો સંપર્ક વ્યવહાર, યૂ સી! આ ચાર્મ્ડ ઓફેન્સિવ (ભરચસિીગ ર્ંકકીહજૈપી) છે.
ગુજરાતી લેક્સિકન અનુસાર ઇંગ્લિશ શબ્દ 'ચાર્મ' એટલે મંત્ર, મંત્રવાળું જંત્ર, જાદુની ભૂરકી, દોરાધાગા, કામણટૂમણ, આકર્ષકતા, મોહકતા, મોહિની, આનંદદાયકતા, લાવણ્ય, ખૂબસૂરતી, મનોહારિતા, પ્રશંસાપાત્ર ગુણ કે સૌંદર્ય, મોહિત કરવું, આનંદિત કરવું, ચિત્તાકર્ષક શક્તિ. અને 'ઓફેન્સિવ' એટલે આક્રમણાત્મક, લડાઈમાં પહેલું પગલું, હુમલો (કરવો તે), હલ્લો, ચડાઈ. આમ બે શબ્દોના અર્થ વિપરીત છે. પણ જ્યારે બન્ને શબ્દો ભેગા થાય ત્યારે -એવો હુમલો જે મોહિત કરે- એવો અર્થ થાય. 'મેરિયમ વેબ્સ્ટર' ડિક્સનરી અનુસાર 'ચાર્મ્ડ ઓફિન્સિવ' એટલે લાભ, સાનુકૂળતા કે ટેકો મેળવવા માટે ગણત્રીપૂર્વક કરવામાં આવેલું અભિયાન. આકર્ષક આક્રમકતા, મનલુભાવન અભિયાન અથવા તો ચાપલૂસીની રાજનીતિ. વખત આવ્યે વૈશાખનંદનને પણ આપણાં પિતાશ્રી ઘોષિત કરવાની ચેષ્ટા. અહીં આક્રમણ ખરું પણ એ હિંસક બિલકુલ નથી. આ આક્રમણ જાણી બુઝીને, સમજી વિચારીને, બેહદ સલૂકાઈથી કરવામાં આવે છે. બહોળા સમુદાયનું દિલ જીતવાનો મનસૂબો છે. લોકો પર ત્રાટક કરવું છે. અને આ કલા મોદી સાહેબ બખૂબી જાણે છે. ચૂંટણી ટાણે એ પણ બંગાળ જેવા વિશિષ્ટ પ્રદેશમાં જનસમર્થન મેળવવા માટે વધારે પડતી મિત્રતા, આકર્ષણ ક્યારેક ચાપલૂસી પણ દેખાડવી પડે. જનતાને મંત્રમુગ્ધ કરવાની છે. આ આયોજનબદ્ધ રણનીતિ છે. અને આમ- મૈં તો રસ્તે પે જા રહા થા, સાવ અમસ્તી અમસ્તી જ ઝાલમુરી ખા રહા થા- એવું નથી. અહીં પ્રતિસ્પર્ધીને મિર્ચી તો લગાડવી જ હતી. ખેલા હોબે, કહીને ખેલ ખતમ કરી નાંખ્યો.
પ્રિય વાચક, અહીં એવું કહેવાનો મારો જરાય હેતુ નથી કે મોદીસાહેબ સારા છે અને મમતાદીદી ખરાબ છે. ઓસ્કાર વાઈલ્ડ કહેતા કે લોકોને સારા અને ખરાબમાં વિભાજન કરવાની વાત જ એબ્સર્ડ છે. કોઈ સારું કે ખરાબ હોતું જ નથી. નીતિમત્તાને આધારે ભાગલાં શીદને પાડવા? હા, વ્યક્તિ આકર્ષક (ચાર્મિંગ) અથવા કંટાળાજનક(ટીડિયસ) ચોક્કસ હોઈ શકે. મને કોઈ પૂછે તો હું કહું કે મોદીસાહેબ મોહક છે અને મમતાદીદી થકાઊ છે. તમે મોદીસાહેબના વસ્ત્રો, દેખાવ, રખરખાવ જોયો છે? જરાય લઘરવઘર લાગે છે? જુઓને, બંગાળની જીતની ઉજવણી માટે પાર્ટી ઓફિસમાં બંગાળી ધોતી પહેરીને આવ્યા. એમની બોલી પણ આકર્ષક હોય છે, લાગે કે ઓહો! તેઓ જાણે છે કે ચૂંટણી જીતવાની વ્યૂહ રચનામાં ચાર્મ્ડ ઓફિન્સિવ-નું મહત્ત્વ ભારે છે. આલ્બર્ટ કામૂ કહેતા કે ચાર્મ એટલે કોઈ પણ ચોખ્ખેચોખ્ખો સવાલ પૂછયાં વિના જવાબમાં 'હા' મેળવવાનો રસ્તો. ચાર્મ ઓફેન્સિવની અસર ઊભય પક્ષે થાય છે. જે કામણ કરે અને જેની ઉપર કરે એ બન્નેને લાગે કે ઓહો, આપણે અદ્ભુત છીએ. રાજકારણ અને મનોરંજનના ધંધામાં ચાર્મ્ડ ઓફેન્સિવ કારગર નીવડે છે. જુઓને, તામિલનાડુમાં વિજયનો વિજય ચાર્મ્ડ ઓફેન્સિવ જ તો છે.
ચાર્મ્ડ ઓફેન્સિવ કરનાર પોતે એક સારો સાંભળનાર હોવો જોઈએ. આટલો મોટો માણસ અને અમને શાંતિથી સાંભળ્યા, લો બોલો! આમ વધારે પડતા વખાણ અલબત્ત ટાળવા પણ હા, પ્રશંસા, અભિનંદન કે મુબારકબાદી કરતા/આપતા રહેવું. દરેક વ્યક્તિમાં કાંઈ તો સારું હોય જ અને ખુશામત તો ખુદાને પણ પ્યારી હોય! મુખ ઉપર નાનકડું સ્મિત સતત રમતું રાખવું, આંખથી આંખ મેળવેલી રાખવી અને -હું સંવેદનશીલ છું- એવો અહેસાસ સામેવાળાને કરાવતા રહેવું. હું મહાન છું, પરફેક્ટ છું, મારી તો કોઈ ભૂલ થાય જ નહીં-એવી કોઈ વાત ન કરવી. સામેવાળાને ભલે અહોભાવ થઇ જાય પણ આપણે તો આ જ માટીનાં માણસ છીએ- એવો દેખાવ કરતા રહેવું. સામેવાળાને એવું ન લાગવું જોઈએ કે આ ખોટાડો દેખાવ છે અથવા તો આ લાગણી કામચલાઉ છે. કોઈ પત્ર કે ચિત્ર દેખાડે, પોતાની વાત કહે તો એની નોંધ લેવી. એની પર પૂરતું ધ્યાન આપવું. નાની નાની સેન્ટિમેન્ટલ વેલ્યૂ ધરાવતી ગિફ્ટ્સનું આદાન પ્રદાન પણ ચાર્મ્ડ ઓફેન્સિવનો હિસ્સો છે. સેવા લો તો પૈસા ય ચૂકવો. ઝાલમુરી ખાતા કે નૌકા વિહાર કરતા મોદી સાહેબનાં વિડીયો ફરી જોઈ લેજો, આપને 'ચાર્મ્ડ ઓફેન્સિવ' શબ્દ સમજાઈ જશે. હું ભલે રહ્યો દેશનો વડોપ્રધાન પણ હું...તમારી સાથે છું. દેખાવ તો જેન્યૂઇન હોવો જ જોઈએ. કહે છે કે દેખીતો અને દાખલા રૂપ મોહાડનાર ચોક્કસ જૂઠ્ઠો હોય છે. અમે નથી માનતા. જૂઠું તો જૂઠું પણ લોકોની વચ્ચે જઈને એવું મનભાવન જૂઠ્ઠું કહેનાર અમને ગમે. તમને ગમે?
શબ્દ શેષ
'ચાર્મ હંમેશા અસલી હોય છે. કદાચ ઉપરછલ્લું હોઈ શકે પણ જૂઠ્ઠું હોતું નથી.'
- પી. ડી. જેમ્સ.


