Get The App

ગલત માન્યતા છે કે મગજ બહુ યાદ રાખે છે હકીકતમાં અમુક વાતો હૃદય ખુદ યાદ રાખે છે

Updated: May 12th, 2026

GS TEAM

Google News
Google News
ગલત માન્યતા છે કે મગજ બહુ યાદ રાખે છે હકીકતમાં અમુક વાતો હૃદય ખુદ યાદ રાખે છે 1 - image

- યહી હે જિંદગી - મહેશ યાજ્ઞિક

- 'અમારી નાતમાં છોકરો બારમું ભણ્યા પછી બાપના ધંધામાં લાગી જાય અને નોટો છાપવાનું શરૂ કરી દે. છોડિયુંને બીજું કંઈ કામ હોય નહીં એટલે ભણ ભણ કરે અને ડીગ્રી ઉપર ડીગ્રી મેળવ્યા કરે પછી ધડ દઇને ના પાડી દે.'

'લા લજી મારાજ..' સુખુભા દરબારે બૂમ પાડી એ છતાં સાઈકલ અટકી નહીં, એટલે સુખુભાએ ફરીથી મોટા અવાજે બૂમ પાડી.' એ લાલજી લંબૂ.. લાલજી બચ્ચન..અહીં આવ.'

આ બૂમ સાંભળીને લાલશંકર શુકલ ઉર્ફે લાલજી લંબૂએ તરત સાઈકલ પાછી વાળી અને સુખુભાની સામે આવીને ઉભો રહ્યો.

ગામને પાદર ચા ની કીટલી અને પાનનો ગલ્લો હતો. એસ.ટી.ની અમુક બસો ત્યાં રોકાતી હતી. બસના ઉતારૂઓ કરતાં ગામના નવરાઓ આ સ્થળનો વધુ લાભ લેતા હતા.

છ ફૂટ ત્રણ ઇંચ ઊંચા લાલજી સામે જોઈને સુખુભાએ પૂછ્યું. 'મારાજ, હરિપુરા જાવ છો ?' લાલજીએ હકારમાં માથું હલાવ્યું. 'બેસ. ચા પીને જજે અને મારું એક કામ પતાવતો આવજે.'

લાલજીને આટલું કહીને સુખુભાએ કીટલીવાળાને આદેશ આપ્યો. અડધી સ્પેશિયલ ચા બનાવીને મારાજને પીવડાવો.

હરિપુરા અહીંથી છ કિલોમીટર દૂર હતું. લાલજી સુખુભાની પાસે મુંઢા ઉપર બેઠો. સુખુભાએ ખિસ્સામાંથી પાંચસો પાંચસોની ચાલીસ કડકડતી નોટ કાઢીને લાલજીના હાથમાં આપી. 'ગણી લે. પૂરા વીસ હજાર છે. હરિપુરામાં કનુડાયાનું ઘર જોયું છે ને ? એના ઘેર જઇને હાથોહાથ આપજે. પછી તારી હાજરીમાં જ એની પાસે ફોન કરાવજે. એ મને ફોન કરે, પછી જ ત્યાંથી ખસજે સમજ્યો ?'

'એમાં ભૂલ ના થાય, બાપુ ! આ ત્રીસ વર્ષ પાણીમાં નથી નાખ્યા. પૈસાના મામલે બધું કામ પાકા પાયે જ કરવાનું..' એણે હસીને ઉમેર્યું. 'પૈસાના પૈડાંની પાછળ તો આખી દુનિયા દોડે છે. એમાં ભૂલ નહીં કરવાની.'

ચા આવી. લાલજીએ ચા પીને ખિસ્સામાંથી તમાકુનું ઘોલરું કાઢ્યું. ચૂનો અને તમાકુ મસળીને હોઠની નીચે દબાવ્યા અને સાઈકલ મારી મૂકી.

'આ લંબૂ માટે વઢવાણની કન્યાની વાત ચાલતી હતી, એનું શું થયું ?' લાલજીની વિદાય પછી સુખુભાની પાસે બેઠેલા કાનજી મિસ્ત્રીએ પૂછ્યું.

'અચ્યુતમ્ કેશવમ્..' સુખુભાએ હસીને કહ્યું, 'આ બાપડો નસીબમાં વાંઢાયોગ લખાવીને આવ્યો છે. મારા સાઢુભાઈ વઢવાણમાં પોલીસ ઇન્સ્પેકટર છે. મેં ફોન કરેલો એટલે એ ખુદ કન્યાના ઘેર ગયેલા. એમણે ખૂબ સમજાવ્યું કે છોકરો લાખ રૂપિયાનો છે. ગામમાં નાનકડું ઘર છે અને સીમમાં ખોબા જેવડું ખેતર છે. આજુબાજુના આઠ ગામમાંથી કર્મકાંડનું કામ મળ્યા કરે છે. ચા અને દેશી તમાકુ સિવાય આ મહેનતુ મુરતિયાને કોઈ વ્યસન નથી. પણ ભણતરના મુદ્દે વાત પડી ભાંગી. કન્યા બી.કોમ. છે. એણે કહી દીધું કે મેટ્રિક નાપાસ મુરતિયો નહીં ચાલે.'

'આ કન્યા કેળવણીએ દાટ વાળ્યો છે.' શામજી ઠક્કરે તરત પોતાનો બળાપો કાઢ્યો. 'અમારી નાતમાં છોકરો બારમું ભણ્યા પછી બાપના ધંધામાં લાગી જાય અને નોટો છાપવાનું શરૂ કરી દે. છોડિયુંને બીજું કંઈ કામ હોય નહીં એટલે ભણ ભણ કરે અને ડીગ્રી ઉપર ડીગ્રી મેળવ્યા કરે પછી ધડ દઇને ના 

પાડી દે.'

'ગામની બધી બ્રાહ્મણ કન્યાઓ પરણી પરણીને રવાના થવા લાગી છે.' સુખુભાના અવાજમાં સહાનુભૂતિ હતી. 'આ લંબૂ ગામના એકેએક અવસરમાં રાત-દિવસ જોયા વગર દોડા દોડી કરે, પૂરી ચીવટથી તૂટી મરે તો ય એના નસીબમાં શકોરું ! બચ્ચનના વહેમમાં જીવે છે, પણ એના જેવું નસીબ નથી.'

'લંબૂ સારો છે એ કબૂલ પણ આવનારીના મનમાં તો અભરખા અપરંપાર હોય.' નટુ પટેલે બધાની સામે જોઈએ કહ્યું ઃ 'ગોરબાપા જીવતા હતા ત્યારે મારી મારીને લંબૂને ભણાવવા મથેલા પણ આ હીરો ભણ્યો નહીં ને બાપના ધંધામાં લાગી ગયો એ એની મૂર્ખામી. આ વાંઢાના ઘરમાં હનુમાનજી હડી કાઢતા હોય ત્યાં કયો દીકરીનો બાપ માગું લઈને આવે ? ગોરપદામાં આવક કેટલી ?'

ગામના સરપંચ મૂળશંકર વ્યાસની કાર ત્યાં આવીને અટકી એટલે બધા ઉભા થઈને કાર પાસે ગયાં. 'શું ચાલે છે ?' કારમાંથી બહાર આવીને બધા સામે મોં મલકાવીને એમણે પૂછ્યું. 'જલસા છે...' એમને જવાબ આપીને સુખુભાએ ચાનો ઓર્ડર આપવા માટે ચાવાળા સામે જોયું.

'ચા નથી પીવી, બાપુ ! ઘેરથી પીને જ નીકળ્યો છું...' આટલું કહીને મૂળશંકર વ્યાસે સુખુભાના ખભે હાથ મૂક્યો. પછી બધા સામે જોઈને કહ્યું, 'તમે બધા તૈયારીમાં રહેજો. વેવાઈ સાથે વાત થઈ ગઈ છે. વીસમી તારીખે જાન આવશે. ગણીને અઢાર દિવસમાં જ કંકોત્રીથી માંડીને તમામ તૈયારી કરવાની છે. આપણી તોરલના લગ્નમાં વટ જાળવવાનો છે.'

'વડીલ, તમારી દીકરી એ અમારા બધાની દીકરી. હુકમ કરો. આજથી જ તમારી સેવામાં હાજર છીએ.'

'તમે બધા છો, એટલે મને કોઈ ચિંતા નથી. આજ સાંજથી જ આ કીટલીને બદલે તમારે સવાર-સાંજ મારી ડેલીએ જ ચા પીવાનું રાખવાનું છે.' એમણે કાંડા ઘડિયાળમાં નજર કરીને સુખુભા સામે જોયું. 'કંકોત્રી માટે તાલુકે જાઉં છું. આવવું છે ?' સુખુભા તરત કારમાં ગોઠવાઈ ગયા અને સ્ટિયરિંગ સંભાળી લીધું.

સાંજે પાછા આવ્યા પછી સુખુભાએ કીટલી ઉપર બેસતાં દસેક મિત્રોને માહિતી આપી. 'આપણા ગામમાં આ મૂળશંકર કાકા નગરશેઠ છે, પણ એમનો વેવાઈ તો એમનાથી દસ ગણો મોટો આસામી છે. એ છતાં એને પૈસાની ભૂખ છે. જાન આવે ત્યારે જમાઈને નવી ગાડી લેવા માટે મૂળશંકર કાકાએ એકવીસ લાખ રોકડા આપવાના છે. જમાઈ તો હિન્દી સિરિયલના હીરો જેવો રૂડો રૂપાળો છે.'

ધામધૂમથી તૈયારી શરૂ થઈ ચૂકી હતી. જાનમાં અમદાવાદથી સો માણસ આવવાના હતા. એમના માટે પાણી માગે ત્યારે દૂધ હાજર થાય એવી વ્યવસ્થા ગોઠવવામાં નગરશેઠે કોઈ કસર નહોતી છોડી. ગામના વડીલો અને યુવાનો એમની ડેલીમાં જ હાજર રહેતાં હતાં. આખા ગામની યુવતીઓ તોરલના દાગીના અને કપડાં જોઈને ચકરાઈ 

ગઈ હતી.

લગ્નને સાત દિવસ બાકી હતા. ગામથી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલા કુળદેવીના મંદિરની તોરલે બાધા રાખી હતી. મનમાં વહેમ ના રહે એ માટે એણે ત્યાં જવા જીદ કરી. મૂળશંકર કાકાએ સુખુભાને કારની ચાવી આપી. તોરલ અને એની બે સખીઓ કારમાં બેઠી. દર્શન કરીને પાછા આવતી વખતે અણધાર્યો અકસ્માત સર્જાયો. સામેથી ધસમતી આવતી ટ્રક રસ્તે ઉભેલી એક ગાયને બચાવવાના પ્રયાસમાં કાર સાથે અથડાઈ. સુખુભા હેમખેમ રહ્યા. તોરલની બંને બહેનપણીઓને હાથમાં ફ્રેકચર થયું અને ગંભીર હાલતમાં તોરલને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી. એ બચી તો ગઈ, પણ તાત્કાલિક ઓપરેશન કરીને ઢીંચણથી નીચેના એના બંને પગ કાપી નાખવા પડયા !

મૂળશકંર કાકા અને એમનો દીકરો-બંને લાચાર બનીને હોસ્પિટલમાં બેઠાં હતાં. વેવાઈ અને જમાઈ હોસ્પિટલમાં આવ્યાં. એમણે ડોક્ટર સાથે વાત કરી અને પછી મૂળશંકર કાકા અને એમના દીકરાને રૂમની બહાર બોલાવ્યા.

'મુરબ્બી, જે બની ગયું એનો અમનો પણ અફસોસ છે..' વેવાઈએ હાથ જોડીને કહ્યું, 'પરંતુ મારો દીકરો જિંદગીભર આ ભાર વેંઢારી શકે એટલો ઉદાર નથી. તમારી દીકરી માટે પૂરેપૂરી લાગણી છે, એ છતાં વ્યવહારિક દૃષ્ટિએ દીકરાની વાત સાચી લાગે છે. બે હાથ અને ત્રીજું મસ્તક જોડીને માફી માગું છું, પણ હવે આ સંબંધ શક્ય નથી..' એમના અવાજમાં મક્કમતાની સાથે આદેશનો રણકો ઉમેરાયો. 'વડીલ, અમારો નિર્ણય અફર છે, માટે પ્લીઝ, પરિસ્થિતિને સ્વીકારી લો. અમને શરમમાં નાખવાનો પ્રયત્ન ના કરતા.' આટલું કહ્યા પછી મીઠાશથી ઉમેર્યું. 'કંકોત્રી લખાઈ ગઈ છે, એટલે આપણા જૂના રિવાજ પ્રમાણે એ મુહૂર્તમાં જ દીકરીને પરણાવવી તો પડશે જ. ઇશ્વરની કૃપાથી તમે તો નગરશેટ છો. આજુબાજુના દસ-બાર ગામમાં તમારો વટ છે, એટલે તોરલ માટે લાયક કોઈક પાત્ર તો તમને મળી જ જશે. એ માટે અમે પણ પ્રભુને પ્રાર્થના કરીશું.'

આખું ગામ હેતબાઈ ગયું હતું. લગ્નને બે દિવસ બાકી હતા ત્યારે હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં તોરલ ઘેર આવી. મૂળશંકર વ્યાસની ડેલીએ આખું ગામ ભેગું થયું હતું.

માથે આભ તૂટી પડયું હોય એમ મૂળશંકર બે હાથ વચ્ચે માથું પકડીને બેઠા હતા. 'લગ્ન લખાઈ ચૂક્યા છે, એટલે દીકરીને વળાવવી તો પડશે જ.' એક વડીલે હળવે રહીને 

મમરો મૂક્યો.

'બેઉ પગે લંગડી દીકરી માટે રાતોરાત મુરતિયો શોધવાનું કામ સહેલું નથી. એ છતાં, બાંધછોડ કરીને પણ કોઈક મુરતિયો તો શોધવો જ પડશે.'

બીજા બે-ત્રણ વડીલોએ અંદરોઅંદર ચર્ચા કરીને ધીમા અવાજે સૂચન કર્યું. 'તમને વાંધો ના હોય તો ગોરબાપાનો લાલશંકર જરાયે ખોટો નથી. આંખ સામે ઉછરેલો ગામનો જ છોકરો છે.'

એ સૂચન કરનારની સામે મૂળશંકર થોડી વાર સુધી તાકી રહ્યા. પછી સહેજ વિચારીને એમણે હકારમાં માથું હલાવ્યું. 'સુખુભાને બોલાવો. એ લાલશંકર સુખુભાની વાત માનશે.'

સુખુભા આવ્યા અને મૂળશંકરે એમને વાત કરી. લોટરીનું દસ કરોડનું ઇનામ લાગ્યું હોય એના સમાચાર આપવાના હોય એટલા ઉત્સાહથી સુખુભા લાલશંકરના ઘેર પહોંચ્યા ત્યારે લાલશંકર સાઈકલને સાફ કરી રહ્યો હતો.

'લંબૂ બચ્ચન ! તારું નસીબ ઉઘડી ગયું ! 'ઉશ્કેરાટ અને ઉમંગથી લાલશંકરના બરડામાં ધબ્બો મારીને સુખુભાએ આખી વાત કહી. 'બાપુ ! તમે મારા હિતેચ્છુ છો એ સમજું છું, 

એ છતાં મારી વાત સાંભળો. લાલશંકરનો અવાજ ગંભીર હતો. 'મારા સ્વર્ગવાસી બાપા તો એમના ગોર હતા, એ છતાં પૈસાના તોરમાં એમણે ક્યારેય મારી સામે જોયું નથી. એકવાર નહીં, ચાર વાર એમના કાને વાત નાખીને કરગરેલો. એમની તોરલ માટે તો હું વિચારી પણ ના શકું. મારાથી એ વાત થાય પણ નહીં, એ છતાં એમની કોઈ ભાણી-ભત્રીજી કે દૂરના સગામાં મારે લાયક કોઈક કન્યા તો હશે જ ને ?'

લગીર અટકીને લાલશંકરે સુખુભાની સામે જોયું. 'બાપુ ! એ નગરશેઠને ત્યાં જ્યારે ક્રિયાકાંડ કરવા જતો, ત્યારે ઢગલામોઢે દક્ષિણા એ મને આપતા, એનો આછો પાતળો હિસાબ મગજમાં જળવાઈ રહ્યો છે, પરંતુ જ્યારે જ્યારે હું કન્યા માટે એમને કરગર્યો છું, ત્યારે હું જાણે મગતરું હોઉં એ રીતે એમણે અવગણના કરીને જે જવાબો આપ્યાં છે, એ તો મારા હૈયામાં શિલાલેખની જેમ કોતરાઈ ગયા છે ! એમણે પૈસાના તોરમાં રહીને મને ધૂતકાર્યો જ છે. આછી પાતળી લાગણી બતાવીને કોઈ કન્યા બતાવવાની કોશીશ પણ નથી કરી. બાપુ !' એમણે માત્ર જીભ હલાવવાની મહેનત કરી હોત તો પછી સગપણ થાત કે ના થાત, એ તો ઇશ્વરની મરજી- પણ એમણે તો કોઈને વાત કરવાની તસ્દી પણ નથી લીધી. સાચું કહું છું. એમણે મારા માટે લગીર પણ મહેનત કરી હોત તો હું એમનો ઓશિયાળો થઈને રહેતો પણ એમણે તો માણસ માનીને મારી સાથે કોઈ વ્યવહાર જ નથી કર્યો ! હું જ્યારે કરગર્યો છું ત્યારે એમની જીભે મને મારા હૈયામાં ડામ જ દીધા છે. હવે ભાલે ભરાયા છે અને તાત્કાલિક કોઈ ઉપાય નથી એટલે માગું લઈને તમને મોકલ્યા છે, પણ મારું મન માનતું નથી.

ભીના અવાજે આટલું બોલીને એણે ઉમેર્યું. 'સુખુભા ! બાપના બોલથી વચન આપું છું કે તમે અનાથાશ્રમની કોઈ લૂલી-લંગડી કન્યા શોધી લાવશો તો હું માંડવામાં બેસી જઈશ, પણ નગરશેઠના આ સોદા માટે હું તૈયાર નથી ! શેઠે હૈયામાં આપેલા ડામ હજુ તાજાં છે, એટલે હાથે રોટલાં ટીપવાનું મંજૂર છે.'

સાઈકલના ગવર્નર પર હાથ રાખીને એણે સુખુભા સામે જોયું. 'બાપું વારંવાર હું બોલું છું એ લંબૂનો ડાયલોગ તમે ભૂલી ગયા ? મેં આજ ભી ફેંકે હુએ પૈસે નહીં ઉઠાતા !' સુખુભા ફાટી આંખે એની સામે તાકી રહ્યા અને એણે સડસડાટ સાઈકલ મારી મૂકી.

( શીર્ષક પંક્તિ : લેખક)