Get The App

ઈમોશનલ હેલ્થનો આધાર મગજને મળતા ઈનપુટ્સ પર છે

Updated: May 12th, 2026

GS TEAM

Google News
Google News
ઈમોશનલ હેલ્થનો આધાર મગજને મળતા ઈનપુટ્સ પર છે 1 - image

- તારી અને મારી વાત - હંસલ ભચેચ

- જ્યારે આપણે સતત લાગણીઓને સ્વિચ કરતા હોઈએ છીએ, ત્યારે મગજને એક દિશામાં સક્રિય રાખવું અઘરું બની જાય છે અને તેનાથી મનમાં ચિંતા, તણાવ કે મૂંઝવણ પેદા થઈ શકે છે

તમને ખબર છે આજના યુવાનોની પસંદગીની ટાઈમપાસ પ્રવૃત્તિ કઈ છે ?! ઇન્સ્ટા-રિલ્સ એટલે કે શોર્ટ-વીડિયોઝ જોવા અને લોકોની સ્ટોરીઝ-સ્ટેટસ જોવા. અનેક યુવાઓ સતત રિલ્સ અને સ્ટોરીઝ અંગૂઠો થાકી જાય ત્યાં સુધી સ્ક્રોલ કરતા રહે છે. આ પ્રવૃત્તિ પાછળ વિશ્વના યુવાઓ સરેરાશ ત્રેપન મીનીટ જેટલો સમય ખર્ચે છે પરંતુ આની સરખામણીમાં, ફોન અને સોશિયલ મીડિયાનું વળગણ ભારતીયોને ઘણું વધારે છે. આપણે ત્યાં હળવાશ મેળવવા કે ટાઈમપાસ કરવા માટે આ પ્રવૃત્તિ પાછળ રોજ એક-દોઢ કલાકથી વધુ સમય પસાર કરતો એક મોટો વર્ગ છે. દરેક પ્લેટફોર્મ જુદા જુદા નામ હેઠળ આ સગવડ ઉભી કરી છે. ઇન્સ્ટાગ્રામ-ફેસબુક રીલ્સ, ટિકટોક વિડીયો, સ્નેપચેટ સ્પોટલાઈટ, યુટયુબ શોર્ટ, પિન્ટરેસ્ટ આઈડિયાપીન્સવગેરે. તમે ક્યારેય વિચાર્યું છે કે દરેક રીલ, સ્ટોરી કે સ્ટેટસને તમારું મન પ્રતિભાવ આપે છે, તે પણ મોટેભાગે અજાગ્રત સ્તરે ! મૂળભૂત રીતે તમારા મન માટે આ બધા જ ઇનપુટ્સ છે અને આપણું મન તેને ભાવનાત્મક અને વૈચારિક પ્રતિભાવ આપતું હોય છે. તાત્કાલિક પ્રતિભાવોમાં ભાવનાત્મક વધુ અને વૈચારિક ઓછા હોય છે કારણ કે સતત સ્ક્રોલની વચ્ચે વિચારવાનો સમય ઓછો મળે છે પરંતુ લાગણીઓ તો દરેક સ્ક્રોલ સાથે અનુભવાતી રહે છે. બીજા શબ્દોમાં કહું તો, ભાવનાત્મક પ્રતિભાવો તાત્કાલિક અને દરેક પોસ્ટમાં અનુભવાય છે. જ્યારે સંલગ્ન બાબતોમાં વૈચારિક પ્રતિભાવો મનમાં ચાલ્યા કરતા હોય છે. એનો અર્થ એ થયો કે કોઈપણ રીલ, સ્ટોરી કે સ્ટેટસ તમારા મનમાં ખુશી, ઉદાસી, ગુસ્સો, ભય, આશ્ચર્ય વગેરે જેવી લાગણીઓની વિશાળ શ્રેણીને ઉત્તેજિત કરે છે. કોઈ રમૂજી ક્લિપ જોઈને તમે હસો છો, ખુશ થાવ છો. કોઈ અકસ્માત કે હોનારતની ક્લિપ જોઈને તમે દુઃખી કે ભયભીત થાવ છો. વળી કોઈ અન્યાય કે નફરતભરી ક્લિપ જોઈને ગુસ્સે થાવ કે આક્રોશ અનુભવો છો. કોઈપણ ક્લિપ તમારા મનમાં વત્તા-ઓછા ભાવ ઉત્પન્ન કર્યા વગર જતી નથી અને તેનાથી ઉત્પન્ન થતી અસરો તમારું મન અનુભવ્યા વગર રહેતું નથી. સરવાળે કહું તો, ઉપરછલ્લી રીતે નિર્દોષ લાગતી આ પ્રવૃત્તિ વાસ્તવમાં તમારા મન અને માનસિક સ્વસ્થતા ઉપર તમે માનો છો તેના કરતા ઘણી ઊંડી અને ગંભીર માઈક્રો-અસરો પેદા કરતી હોય છે અથવા પેદા કરી શકવાની ક્ષમતા ધરાવતી હોય છે.

ચાલો, મારી વાતને વધુ સ્પષ્ટ કરવા એક નાનકડું ટ્રેલર બતાવું. સરેરાશ ઇન્સ્ટા-રિલ્સ ત્રીસ સેકન્ડની હોય છે અને જો તમે સળંગ અડધો કલાક માટે રીલ્સ જુઓ તો તમે લગભગ ૫૦-૬૦ રિલ્સ જોઈ કાઢો. એનો મતલબ એ થાય કે ત્રીસ મિનિટમાં તમે સાઈઠ વાર વિવિધ લાગણીઓ વચ્ચે સ્વિચ કરો છો. એક હસાવે છે, તેના પછીની બીજી રીલ કદાચ રડાવે કે દુઃખી કરે છે, ત્રીજી રીલ ફરી હસાવે છે, ચોથી રીલ ચિંતા કરાવે છે, પાંચમી રીલ ઇર્ષ્યા ઉત્પન્ન કરે, છઠ્ઠી રીલ... બસ, દર ત્રીસ સેકન્ડે લાગણીઓ બદલાતી રહે, લાગણીઓનો અતિરેક થાય અને વિવિધ લાગણીઓ મનને વત્તે-ઓછે અંશે ઘમરોળતી રહે. હવે આ તમારા મગજ માટે સહેજ પણ સારું નહીં. સતત સ્વિચ થતા ઈનપુટ્સ અને તેની સાથે પ્રતિભાવ સ્વરૂપે સંકળાયેલી લાગણીઓ મગજની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ઉપર અસર કરે છે અને તમારું ધ્યાન ભટકતું રહે છે. કોઈપણ બાબત ઉપર કેન્દ્રિત રહેવામાં તમને તકલીફ પડવા માંડે છે. આ ઉપરાંત તમારું મન આ સ્વિચ થતી લાગણીઓના ચઢાવ-ઉતારનું બંધાણી બની જાય છે અને તમને રિલ્સ જોયા કરવાની આદત પડી જાય છે ! મનને આનંદ આપતો દરેક વીડિયો મગજમાં ડોપામીન કિક આપે છે અને એ કિકના ચક્કરમાં તમે વીડિયો ઉપર વીડિયો જોયા કરો છો.

મગજ સતત તમારી આસપાસની દુનિયાને સમજવાનો પ્રયત્ન કરે છે, અને તેના થકી ઉભી થતી લાગણીઓ તમને નિર્ણયો અને તેને અનુરૂપ પગલાં લેવામાં મદદરૂપ થાય છે. હવે જ્યારે આપણે સતત લાગણીઓને સ્વિચ કરતા હોઈે છીએ, ત્યારે મગજને એક દિશામાં સક્રિય રાખવું અઘરું બની જાય છે અને તેનાથી મનમાં ચિંતા, તણાવ કે મૂંઝવણ પેદા થઈ શકે છે. પ્રોફેશનલી બનાવેલા વીડિયો તો ખોટી માહિતી અને પક્ષપાતી સામગ્રીને પણ આસાનીથી તમારા લાગણીતંત્રમાં ગોઠવી દે છે. તમે અજાણતા જ એ બાબતો પ્રત્યે ભાવનાત્મક બની જતા હોવ છો. આજકાલ તો રિલ્સ બનાવનારા, તમારી લાગણીઓને ઉત્તેજિત કરવા, એપ્સ દ્વારા અપાતી વિવિધ સવલતોનો પણ ધૂમ ઉપયોગ કરે છે - વિવિધ ફિલ્ટર્સ, મ્યુઝિક, ચમકદાર-ઝબૂકતી ટેક્સ્ટ, તૈયાર ડાયલોગ્સ વગેરે. સરવાળે તમે વધુ તીવ્ર લાગણીઓ અનુભવો છો અને વધુ લાંબો સમય જે તે પ્લેટફોર્મને વળગેલા રહો છો.

લાગણીઓની આ ચઢ-ઉતર વ્યક્તિઓના મગજની કેમેસ્ટ્રી પર અસર કરે છે, મગજના કાર્યો 

માટે જરૂરી એવા ન્યુરો-ટ્રાન્સમિટર્સને અસંતુલિક કરી મૂડ-સ્વિંગ્સ પેદા કરે છે, પહેલા સૂક્ષ્મ સ્તરે અને પછી વ્યવહારમાં અનુભવાય-દેખાય એવા સ્તરે... આજે યુવાઓમાં વધી રહેલી મૂડ સ્વિંગ્સની સમસ્યાઓ પાછળ આ પરિબળ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. દરેક વ્યક્તિ માટે સોશિયલ મીડિયાથી સંપૂર્ણપણે દૂર રહેવું વ્યવહારુ ન હોઈ શકે તે સમજી શકાય તેવી વાત છે પરંતુ ભાવનાત્મક સુખાકારી-ઇમોશનલ વેલબિઈંગ પર તેની સંભવિત નકારાત્મક અસરને ઘટાડવા માટે જાગૃત તો થવું પડે. તમે તમારા મગજને કેવા ઇનપુટ્સ આપો છો એ બાબત ઉપર તમારું સતત ધ્યાન હોવું જરૂરી છે. કારણ કે એના ઉપર તમારી વિચાર પદ્ધતિ અને ઇમોશનલ હેલ્થનો આધાર છે. આ ઉપરાંત એક સાથે લાંબો સમય સુધી આ પ્રકારનો ટાઈમપાસ લાગણીઓના અતિરેકમાં પરિણમી શકે અને તમે વગર કારણે ખોવાયેલા, મૂંઝાયેલા, ચિંતાગ્રસ્ત, હતાશ, ઉશ્કેરાયેલા કે નાસીપાસ થયેલા રહી શકો તે વાતથી હંમેશા વાકેફ રહેવું. મારી દ્રષ્ટિએ, એક જ બેઠકે પંદર મિનીટથી વધારે કોઈપણ સોશિયલ મીડિયા પર લટકેલા ના રહેવું અને વાંરવાર એને તપાસતા ના રહેવું. મોબાઈલ ઉપર આડુંઅવળું-રેન્ડમ સ્ક્રોલિંગ કરવા કરતા હકારાત્મક અને આનંદ આપે, પ્રોત્સાહિત કરે, જીવનદ્રષ્ટિ સુધારે, જાણવા-શીખવા મળે, પોતાના અનુભવો થકી મેળવેલું ડહાપણ વહેંચે એવા વ્યક્તિઓ કે એકાઉન્ટ્સને ફોલો કરો. જે સામગ્રી તમારી માનસિક સુખાકારીમાં વધારો કરે તેને ફોલો કરવું. બાકી બધું સાચવીને માપમાં વાપરવું.

પૂર્ણવિરામ ઃ

સોશિયલ મીડિયા રિલ્સ, સ્ટોરીઝ, પોસ્ટ્સ અને સ્ટેટસ તમારી લાગણીઓના આધુનિક રોલર-કોસ્ટર છે, જે લાગણીઓની માત્રા, દિશા, ગતિ, તિવ્રતા વગેરે સેકન્ડમાં બદલતું રહે છે.