- સેલિબ્રેશન - ચિંતન બુચ
- 17 મે : - વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડે
- પાંચ જીબીની કોઇ ફિલ્મ ડાઉનલોડ કરવી છે તો યુએઇમાં 40થી 45 સેકન્ડ જ્યારે ભારતમાં ચાર મિનિટ જેટલો સમય લાગે છે.
1980નો દાયકો : 'અરે, સાંભળે છે... જશોદામાસીએ આપણી વચ્ચેથી વિદાય લઇ લીધી...', 'શું વાત કરો છો, આ ક્યારે બન્યું?', ' બે અઠવાડિયા જેવું થયું, હમણાં જ ટપાલ આવી ત્યારે ખબર પડી...''
વર્તમાન સમય : 'જસ્ટ હમણાં જ કેલિફોનયાથી યશ્વીએ તેની ગ્રેજ્યુએશન સેરેમનીનો વિડીયો મોકલ્યો..મારી ભત્રીજીની આવી સફળતાથી ખૂબ ગર્વ થાય છે....'
ટેલિકોમ્યુનિકેશનના બદલાયેલા આ આયામનો વાર્તાલાપ છે. સમાજ માટે રસ્તા, વીજળી, પાણી, ૅગૅસ, ટેલિફોનની જેમ હવે ઈન્ટરનેટ પણ ખૂબ મહત્ત્વની આંતરમાળખાકીય જરૂરિયાતમાં સામેલ છે.આજે સ્થિતિ એવી છે કે, કોઇ એમ કહે કે તેના મોબાઇલમાં ઈન્ટરનેટ જ નથી તો તેની સામે એવી રીતે જોવામાં આવે છે જાણે તે પરગ્રહવાસી હોય. વર્ષ ૨૦૨૫ના ડેટા પ્રમાણે ભારતમાં અંદાજે ૯૫ કરોડ લોકો મોબાઇલ ઈન્ટરનેટનો ઉપયોગ કરતાં હોય છે. આ સંખ્યા ૨૦૧૯માં ૬૦ કરોડ, ૨૦૨૦માં ૭૫-૮૦ કરોડ, ૨૦૨૩માં ૮૫-૯૦ કરોડ હતી. આપણા દેશમાં એક યુઝર દર મહિને સરેરાશ ૨૦ થી ૨૫ જીબી ડેટાનો ઉપયોગ કરે છે. અન્ય દેશની સરખામણીએ ભારતમાં વિડીયો જોવાનું પ્રમાણ વધારે હોવાથી ડેટા વપરાશનું પ્રમાણ પણ ખૂબ ઊંચું છે.
બાય ધ વે, આપણા દેશમાં મોબાઇલ ઉપર સૌ પ્રથમ વાત કરનારી વ્યક્તિ એટલે પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્યમંત્રી જ્યોતિબાસુ અને તત્કાલીન કેન્દ્રીય સંચાર મંત્રી સુખરામ. તેમણે ૩૧ જુલાઇ ૧૯૯૫માં મોબાઇલ ફોનથી વાત કરી હતી. શરૂઆતમાં આપણે ત્યાં ઈનકમિંગ માટે ૮ અને આઉટગોઇંગ માટે ૧૬ રૂપિયા ચૂકવવા પડતા.! અલબત્ત, વાત મોબાઇલ ઈન્ટરનેટ સ્પીડની કરવામાં આવે તો આપણે ટોચના દેશમાં સામેલ નથી. ફોજી અને ફાઇવ જી પછી ભારતમાં ઈન્ટરનેટ સ્પીડ તો સુધરી છે પણ અન્ય કેટલાક દેશ કરતાં આ મામલે ઘણા પાછળ છીએ. સ્પીડટેસ્ટના ડેટા મુજબ ભારતમાં સામાન્ય યુઝર માટે મોબાઇલ ડેટા સ્પીડ અંદાજે ૧૩૨ એમબીપીએસ છે. ૧૩૨ એમબીપીએસ એટલે કે ૧ જીબી ફાઇલ ૧ મિનિટથી ઓછા સમયમાં ડાઉનલોડ થઇ શકે છે. જેની સરખામણીએ યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં મોબાઇલ ઈન્ટરનેટ સ્પીડ આપણા કરતાં ૫ ગણી વધુ ૬૭૨ એમબીપીએસની ઝડપ ધરાવે છે. મતલબ કે, યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં ૧ જીબી ફાઇલ માત્ર ૧૫-૨૦ સેકન્ડમાં ડાઉનલોડ થઇ શકે છે. એટલે માની લ્યો કે, પાંચ જીબીની કોઇ ફિલ્મ ડાઉનલોડ કરવી છે તો યુએઇમાં ૪૦થી ૪૫ સેકન્ડ જ્યારે ભારતમાં ચાર મિનિટ જેટલો સમય લાગે છે. ફાઇલ જો ૧ ટીબી (ટેરાબાઇટ)ની હોય તો યુએઇમાં ૩ કલાક ૪૫ મિનિટ અને ભારતમાં ૧૭ કલાક જેટલો સમય થાય છે. મોબાઇલ ઇન્ટરનેટની સૌથી વધુ ઝડપ ધરાવતા દેશમાં કતાર ૫૧૫.૨૩ એમબીપીએસ સાથે બીજા, કુવૈત ૩૮૪.૪૦ એમબીપીએસ સાથે ત્રીજા, બ્રાઝિલ ૨૫૧.૫૫ એમબીપીએસ સાથે ચોથા, બલ્ગેરિયા ૨૩૭.૦૩ એમબીપીએસ સાથે પાંચમાં સ્થાને છે.ભારત યાદીમાં હાલ ૨૬મું સ્થાન ધરાવે છે. બીજી તરફ અમેરિકામાં ૧૮૫ એમબીપીએસ, ચીનમાં ૧૭૦ એમબીપીએસ જેટલી મોબાઇલ ઈન્ટરનેટની સ્પીડ છે. પાકિસ્તાન ૨૫ એમબીપીએસ સાથે આ યાદીમાં છેક ૯૮માં ક્રમે છે.
હવે વધુ નહીં પણ વર્ષ ૨૦૩૦માં ઇન્ટરનેટની દૂનિયા ક્યાં હશે? ભારતમાં વર્ષ ૨૦૩૦ સુધીમાં સિક્સ જી શરૂ થઇ ગયું હશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત નેટવર્ક હશે. મતલબ કે, નેટવર્ક પોતે જ ટ્રાફિક મેનેજ કરશે. ટાવર વગર જ ઈન્ટરનેટ મળતું હશે. કોઇ પણ ગેમ ડાઉનલોડ કરવાની જરૂર નહીં રહે. સ્ટોરેજની ઝંઝટ વગર સીધું ક્લાઉડ પર જ રમી શકાશે. સ્માર્ટ હોમ, સ્માર્ટ કારનું ચલણ વધવા લાગશે.
છેલ્લે... છેલ્લે.... ફોન ઉપાડતાં જ આપણી હેલ્લો બોલવાની શરૂઆત કેવી રીતે થઇ તેની હવે વાત કરીએ. વર્ષ ૧૮૭૬માં એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી અને પહેલો ફોન તેમણે પોતાની ગર્લફ્રેન્ડ 'મારગ્રેટ હેલો'ને કર્યો. તેમણે તેનું નામ હેલ્લો લીધું અને ત્યારથી જ ફોનમાં હેલ્લો કહેવાની શરૂઆત થઇ. વોટ્સએપ યુનિવર્સિટીમાં આ પ્રકારના ગપગોળા અનેકવાર વાંચવા મળતાં હોય છે. પરંતુ હકીકતમાં ગ્રેહામ બેલની ગર્લફ્રેન્ડનું નામ મારગ્રેટ હેલ્લો હતું જ નહીં. તેમણે સૌપ્રથમ ફોન પોતાના આસિસ્ટન્ટને લગાવ્યો હતો અને હેલ્લો નહીં પણ 'એહોય' બોલ્યા હતા. ડચ ભાષામાં અભિવાદન માટે
'એહોય' શબ્દનો ઉપયોગ થાય છે. કહેવાનો મતલબ છે કે, આપણે હાલમાં ફોનમાં શરૂઆતમાં હેલ્લો બોલીએ છીએ તેની બેલ સાથે કોઇ નિસ્બત નથી. ઓક્સફર્ડ ડિક્શનેરી અનુસાર હેલ્લો શબ્દ જર્મન ભાષાના જૂના શબ્દ હાલાથી બનેલો છે. આ શબ્દ પણ ફ્રેન્ચ શબ્દ 'હોલા'થી આવેલો છે. હોલાનો અર્થ થાય છે 'કેમ છો?' સમયાંતરે આ શબ્દ બોલવામાં પરિવર્તન આવતું ગયું. ૧૮૩૩માં પ્રથમવાર લેખિતમાં આ શબ્દનો ઉપયોગ થયો હતો. આપણે ફોન ઉપાડતાં હેલ્લો બોલીએ છીએ તેનું શ્રેય બલ્બની શોધ કરનારા થોમસ આલ્વા એડિસનને જાય છે. ટેલિફોનની શોધ થયા બાદ કેટલાક લોકો 'એહોય' તો કેટલાક 'આર યુ ધેર...'થી વાતની શરૂઆત કરતા. એડિસનને 'એહોય' શબ્દ ખાસ પસંદ આવી રહ્યો નહોતો અને 'આર યુ ધેર...' વાક્ય લાંબું લાગતું હતું. તેમણે પિટ્સબર્ગની સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ એન્ડ પ્રિન્ટિંગ ટેલિગ્રાફ કંપનીના અધ્યક્ષ ટીબીએ સ્મિથને પત્ર લખી ટેલિફોનમાં પ્રારંભનું વાક્ય 'હેલ્લો!'? બોલવાનો પ્રસ્તાવ મૂક્યો. તેમના આ પ્રસ્તાવને સ્વીકારી લેવાયો અને ફોનમાં શરૂઆતમાં હેલ્લો બોલવાની આ પ્રથા આજે પણ બરકરાર રહી છે.


