Get The App

દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીએ, પણ તે ક્યાં સુધી ?

Updated: May 12th, 2026

GS TEAM

Google News
Google News
દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીએ, પણ તે ક્યાં સુધી ? 1 - image

- ગુફતેગો -  ડો.ચંદ્રકાન્ત મહેતા

- પ્રત્યેક અનુભવ એ ગુરુ છે, એ જિંદગીને નિરાપદ બનાવવાનો પેગામ આપે છે.

પ્રશ્ન : દૂધનો દાઝ્યો છાશ ફૂંકી ફૂંકીને પીએ પણ તે ક્યાં સુધી ?

પ્રશ્નકર્તા : ફીરોઝ ડી. ગાર્ડ પારસી કોલોની, કાંકરિયા, અમદાવાદ.

અસાવધાની, બેદરકારી, વ્યર્થ ઉતાવળ કે નિષ્કાળજી અનેક આપત્તિઓની માતા છે. જિંદગી અલ્પ છે અને વારંવાર ભૂલો કરી માઠાં પરિણામો આપણી સુખ-શાંતિ હણી જીવનભર આંસુ સારવાની ફરજ પાડે એવી લાચારી નોંતરવી એ જીવનનું અપમાન છે. એટલે જ 'ચેતતો નર સદા સુખી'ની કહેવત પ્રચલિત થઈ.

પ્રત્યેક અનુભવને આપણો ગુરુ બનાવવો એ જિંદગીને નિરાપદ બનાવવાના આયાસોનું પ્રથમ સોપાન છે ? દૂધ પીતાં દાઝવું એ પીડાની સાથે સાથે સાવધાનીનો પેગામ પણ બનવો જોઈએ. એકવાર જે નકારાત્મક, પીડાકારક કે દુઃખદાયક અનુભવ થયો, એનું વિશ્લેષણ કરી તેવાં કારણોસર તેવી પીડા કે દુઃખ ફરી ન થાય એ જોવાની માણસની જાત પ્રત્યેની અનિવાર્ય ફરજ છે. એટલે જ કહેવાય છે કે 'જે અનુભવના ઝરાનું પાણી પીતો નથી તેણે કદાચ અજ્ઞાાનરૂપી રણમાં તરસ્યા મરવાનો વારો આવે છે.'

અનુભવ કારખાનાની પેદાશ નથી, પણ પ્રયોગશીલ જીવનનું ઉત્પાદન છે. અનુભવ જાતે લેવો પડે, બીજાના અનુભવ કેવળ માર્ગદર્શક બની શકે, પણ સ્વાનુભવ માણસને કાળજી અને સાવધાની રાખવાનો અવિસ્મરણીય બોધપાઠ શીખવે છે.

દુનિયા અનેક પ્રકારનાં સુખોથી ભરેલી છે એ કબૂલ, પણ જીવનયાત્રી તરીકે આપણે એટલું અવશ્ય યાદ રાખવું જોઈએ કે દરેક કદમ ઠોકરમુક્ત હોવાની કોઈ ખાતરી આપી શકે નહીં. એકવાર પગ દાઝ્યા એટલે ચંપલ કે જૂતાં પહેરવાનું માણસને યાદ રહી જાય છે. અને કોઈ ઉઘાડા પગે ચાલવાનું કહે તો પણ જૂતાં નહીં પહેરવાને કારણે પગે દાઝેલો માણસ ખુલ્લાં પગે ચાલતાં પહેલાં સો વાર વિચાર કરશે.

ધંધામાં ભાગીદાર કે કર્મચારી દ્વારા છેતરાયેલો માણસ નવા ભાગીદાર બનાવતાં કે નવો કર્મચારી રાખતાં પહેલાં સો વખત વિચારશે. આમ અનુભવને આધારે માણસને પોતાની બુધ્ધિ, નિર્ણયશક્તિ અને વિશ્લેષણ શક્તિ વિકસાવવાનો મોકો મળે છે. સંસ્કૃતના એક સુભાષિતમાં કહ્યું છે તેમ 'જે માણસ ભવિષ્યનો વિચાર કરતો નથી એણે પસ્તાવું પડે છે. એકવાર થયેલો કડવો અનુભવ, પુનઃ તેવા કારણસર ફરી પસ્તાવાનો વારો ન આવે તે માટે સાવચેત રહેવાની પ્રેરણા પૂરી પાડે છે.

આખરે અનુભવ છે શું ? અનુભવ એ સાવધાની અને સાવચેતી રાખવાનો પેગામ છે. અનુભવોની પ્રલંબ કથાઓ પોઢેલી હોય છે અને એ દ્વારા આપણને જાગ્રત, સાવધાન, વિચારશીલ અને સચેત રહેવાની શિખામણ મળે છે. 'ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર' - કહેવત ઉતાવળમાં હોશ-હવાસ ખોઇને વગર વિચારે દોડધામમાં માણસ અનેક નુકસાન વેઠે છે. અને ધૈર્યનો સહારો લઈ ગંભીરતાપૂર્વક નિર્ણય લેનારને ગંભીરતાના સારા પરિણામો પ્રાપ્ત થવાની શક્યતાનો અનુભવ થાય છે.

અનુભવનો અર્થ માત્ર એટલો જ નથી કે જે કાંઈ થયું કે વેઠવું પડયું એ વેઠીને બેસી રહેવું. અનુભવનો અર્થ એ છે કે જે કાંઈ વેઠવું પડયું તેનાં કારણોની પુનરાવૃત્તિ ન થાય. તેનું ધ્યાન રાખવું. અનુભવ માત્ર ખરાબ જ હોય કે પીડદાયક જ હોય એવું પણ નથી. માણસને થયેલા સારા અનુભવોમાંથી પણ એને ઘણું શીખવા મળે છે.

એનો અર્થ એ નથી કે માણસે માઠાં પરિણામોથી બચવા દરેક પ્રકારના અનુભવો કરવા ઉત્સાહિત રહેવું જોઈએ. ચાર્લ્સ કે. કાલ્ટનની સલાહ માનવા જેવી છે. તેઓ કહે છે ઃ 'સામાન્ય રીતે આકસ્મિક ભૂલનો શિકાર નહીં બનો. ધોરી માર્ગ પર રસ્તાનો પરિચય આપતાં પાટિયાં ઠેરઠેર મૂકવામાં આવેલા હોય છે જેથી વાહનચાલકને ખબર પડે કે આગળનો રસ્તો કેવો છે, સાંકડો છે, પહોળો છે, બમ્પવાળો છે કે ખોદકામ ચાલુ હોવાની અસરવાળો છે. જેણે એવી સૂચનાઓનું ધ્યાન રાખ્યા સિવાય પૂરપાટ વાહન ચલાવી જાતે અકસ્માત નોતર્યો હોય અને એનાં પીડાકારક પરિણામો અનુભવ્યાં હોય, એ એવા અનુભવ પછી સાવધાનીપૂર્વક વાહન ચલાવવાની વાત યાદ રાખશે જ.

હવે પ્રશ્ન એ છે કે દૂધથી દાઝ્યાના અનુભવ બાદ છાશ ફૂંકી ફૂંકીને પીવાની સમય મર્યાદા શી ? હિતોપદેશમાં નારાયણ પંડિતે કહ્યું છે તેમ ચોખ્ખા પગ કીચડવાળા કરીને ધોવા કરતાં તેને કીચડથી કેમ બચાવાય તેનો ખ્યાલ રાખવો વધુ સારું છે. હનુમાનપ્રસાદ પોદ્દાર જીવનભર સાવધાન રહેવાનું મહત્વ સમજાવતાં કહે છે કે અસાવધાની વિનાશને સત્વરે નિમંત્રે છે. એટલે સાવચેત રહો, સાવધાન રહો, જીવન મહેલનાં કોઈપણ દરવાજેથી કામ-ક્રોધરૂપી ચોરને અંદર ન ઘૂસવા દો. અને જેઓ પહેલા ઘૂસી ગયા હોય તેને દ્રઢતા અને બહાદુરી સાથે સાવધાન રહીને બહાર ખદેડી મૂકવાનો પૂરી તાકાત સાથે પ્રયત્ન કરો. કારણ કે સાવધાની જ સાધના છે.

યૌવન સાહસિક હોય છે. સાહસમાં આવેશ અને ઉતાવળ હોય છે. યૌવન પોતાની ધૂનમાં એટલું મસ્ત રહે છે કે બીજાને થયેલા અનુભવો સાંભળી તેમાંથી આવશ્યક પ્રેરણા લેવા થોભવાનું તેનામાં ધૈર્ય નથી હોતું. અનુભવ એ જ ઘડતર અને અનુભવની ઉપેક્ષા એ જ પારાવાર પીડાઓને નિમંત્રણ.

અનુભવ એ ગુરુ છે. એટલા માટે કે એમાંથી માણસને કશુંક શીખવા મળે છે. ખરાબ અનુભવ પોતાનો હોય તો માણસ યાદ રાખે જ છે અને ફરી એવી કોઈ ક્ષતિ ન રહી જાય તેનું ધ્યાન રાખે છે. પણ સાથે સાથે બીજાના અનુભવો પ્રત્યે પણ ધ્યાન આપવું જોઈએ એમાંથી પણ કાંઈક શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ, દૂધનો દાઝયો છાશ ફૂંકી ફૂંકીને પીએ છે પણ તે ક્યાં સુધી ? આ પ્રશ્ન જ અસ્થાને છે. એકવાર દૂધથી દાઝેલો માણસ એજ કામ સાવધાન રહીને કરે બસ. એમાં જ એની ભલાઈ છે. ટુંકમાં એક વાર થયેલી ભૂલ ફરી ન થાય એના માટે સાવચેતી રાખવી જોઈએ, 'છાશ ફૂંકી ફૂંકીને પીવાનું' અર્થાત્ કડવો અનુભવ ફરી ન થાય તેનું ધ્યાન રાખવું અને ધ્યાન રાખવું એટલે સાવધાની અને સાવચેતીથી વર્તવું. એમાં સમયનું કોઈ બંધન ના હોઈ શકે. સાવધાની અને સાવચેતી તો આજીવન અનુસરવા જેવી મહાન વસ્તુ છે. એકવાર નકારાત્મક કે કષ્ટદાયક અનુભવ થયો એટલે સાહસના નામ પર પૂર્ણ વિરામ ન મૂકી શકાય.