Get The App

ફિલસૂફ જે. કૃષ્ણમૂર્તિના જીવનની ખાનગી વાતો

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
ફિલસૂફ જે. કૃષ્ણમૂર્તિના જીવનની ખાનગી વાતો 1 - image

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

જે. કૃષ્ણમૂર્તિના મૃત્યુ પછી મેરી લ્યુટેન્સ નામની અંગ્રેજ લેખિકાએ કૃષ્ણમૂર્તિના અંગત જીવનની નવી ગુપ્ત વાતો પ્રગટ કરી હતી. 'ધી લાઇફ ઍન્ડ ડેથ ઑફ કૃષ્ણમૂર્તિ' નામના પુસ્તકમાં મેરી લ્યુટન્સે લખ્યું હતું. 'કૃષ્ણમૂર્તિ જ્યારે ચૌદ વર્ષના હતા ત્યારે ૧૯૦૯માં અનિ બેસન્ટ નામનાં થિયોસોફિસ્ટે દક્ષિણ ભારતમાંથી તે છોકરાને શોધી કાઢયો. આ થિયોસોફિસ્ટ માનતાં હતાં કે ભગવાન મૈત્રેય અને બૌધિસત્ત્વ માનવશરીરમાં દાખલ થઈને ઇસુ ખ્રિસ્ત પછી એક નવો જ ધર્મ સ્થાપશે. અ વખતે લિડ બિટર નામના બીજા પણ થિયોસોફિસ્ટ હતા. આ થિયોસોફિસ્ટ હોમોસેક્સ્યુઅલ હતા. લિડ બિટરે પછી થિયોસોફિસ્ટ તરીકે રાજીનામું આપ્યું. એની બેસન્ટે કૃષ્ણમૂર્તિનો હવાલો લીધો. જોકે તે પહેલાં લિડ બિટરે જાહેર કર્યું કે ભગવાન મૈત્રેયે કૃષ્ણમૂર્તિ નામના બાળકના ખોળિયામાં પુનર્જન્મ લીધો છે અને પોતે કુથુમિ નામના એક ગુરુની પ્રેરણાથી કૃષ્ણમૂર્તિને દૈવી જીવનની તાલીમ આપી રહ્યા છે. લિડ બિટરે તેમને તાલીમ આપવા માંડી. કૃષ્ણમૂર્તિના વાળ કાપવાને બદલે ખભા સુધી પથરાય તે રીતે લિડ બિટરે આગ્રહ કરીને કૃષ્ણમૂર્તિના વાળ વધાર્યા હતા. કૃષ્ણમૂર્તિ દિવ્ય સ્વરૂપના દેખાય તે માટે તેમના જડબાના દાંત સાથે અક પ્લૅટ મૂકીને તે પ્લૅટને રોજ ટાઇટ કરાતી જેથી કૃષ્ણમૂર્તિનો ચહેરો દિવ્ય લાગે! લિડ બિટર કૃષ્ણમૂર્તિ સંડાસ કે બાથરૂમ જાય ત્યારે નાની નાની દરેક સૂચના આપતા અને જાજરૂમાં ટિશ્યુ પેપરને બદલે પાણી વાપરે તેનો ખ્યાલ રાખતા. આખરે ૧૯૧૧માં કૃષ્ણમૂર્તિને દિવ્ય અવતાર તરીકે જાહેર કરાયા.

થોમસ આદમ્સે ચ્યુઇંગમની શોધ કઈ રીતે કરી? 

થોમસ આદમ્સ નામનો અમેરિકન ફોટોગ્રાફર ૧૮૭૦માં રબરની ચીજા બનાવતો હતો. ત્યારે રબરના રસનો ઉપયોગ બે ચીજાને સાંધવામાં થતો હતો. રબરની તંગી પડી એટલે થોમસ આદમ્સે રબરને બદલે એક વૃક્ષના ચીકલમાંથી નીકળતાં ગુંદરનો ઉપયોગ કરવા માંડયો. તેણે એક વૃક્ષના ચીકલમાંથી નીકળતા ગુંદરનો લોંદો બનાવ્યો, પરંતુ રબરના રસને બદલે ગુંદરથી ફોટોગ્રાફીની ચીજાને સાંધવાનો પ્રયોગ નિષ્ફળ ગયો એટલે ગુંદરનો લોંદો તેના સ્ટુડિયોમાં પડી રહ્યા. તે પછી થોમસ આદમ્સ જ્યારે પણ કામ કરીને થાકે અને કંટાળે ત્યારે પેલા ગુંદરના લોંદામાંથી કટકો લઇને મોઢાંમાં નાખે અને ચગળ્યા કરે. એ પછી આદમ્સને વિચાર આવ્યો કે ગુંદરમાં થોડી મીઠાશ અને સુંગંધ ઉમેરી હોય તો તેને ચગળવાની ઓર મઝા આવે. થોમસ આદમ્સે ફોટોગ્રાફીનું કામ છોડીને ગુંદરના લોંદામાં ફલેવર ભેળવીને ચોસલાં બનાવવા માંડયા. તેને ઘણા મિત્રોએ ચેતવણી આપી કે આવા તરંગીવેડા ન કરે અને મૂળ ધંધો કરે. પણ ૧૮૭૨માં પહેલાં જગતની પ્રથમ ચ્યુઇંગ ગમ બજારમાં મૂકાઈ અને અમેરિકાના ખેડૂતોને અટલી બધી ગમી ગઈ કે થોમસ આદમ્સે ૨૦ વર્ષમાં છ માળની ફેક્ટરી બનાવીને ચ્યુઇંગ ગમ વેચવા માંડી.

લિમોઝીનમાં ડિસ્કોથેક

મોટર બનાવતી મોટી મોટી કંપનીઓ ભલે ગમે તેટલી સારી પ્રોડક્ટ બનાવે પણ કસ્ટમાઇઝ્ડ કારની તોલે કોઈ ન આવી શકે. કસ્ટમાઇઝ્ડ કાર એટલે બીબાઢાળ કારના માળખામાં ફેરફાર કરીને ઇન્ટિરીયર ધરાવતી ઍક્સક્લુઝિવ કાર. ૩૯ ફૂટ લાંબી લિમોઝીન ગાડી ઇંગ્લેન્ડના સ્કોટ અને જુલિયા નામનાં પતિપત્નીએ તૈયાર કરી છે. મૂળ તે હમવી નામની મિલિટરીની ગાડી હતી, જેમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. નવું 'ગો-સ્ટ્રેચ' નામ ધરાવતી લિમોનું વજન ૪ ટન જેટલું છે. તેની અંદર ૨૨ ફૂટ લાંબું કાચનું બાર છે. ભલભલા ડિસ્કોથેકને આંટી દે તેવી લાઇટ, કૃત્રિમ ધુમાડાના ગોટા પેદા કરતું સ્મોક મશીન અને ચાર ફલેટ સ્ક્રીન ટેલિવિઝન પણ છે. ગો-સ્ટ્રેચમાં તમે આરામથી હરતીફરતી પાર્ટી કરી શકો. ગાડી ૭ ફૂટ ઊંચી છે અટલે તેમાં તમે ધારો તો કૂદકા મારતા મારતા નાચી પણ શકો. ઠેકડા મારીને થાકો એટલે રંગબેરંગી ડિસ્કો સોફા પર બિરાજમાન થઈ જવાનું અને ખાણીપીણી કરવાની. લંડનના પાર્ટીપ્રેમીઓમાં આ ગાડી બહુ પોપ્યુલર બની ચૂકી છે.

બોફોર્સ સિવાય પણ સ્વિડનમા ઘણું છે

સ્વીડનને બોફોર્સના દેશ તરીકે આપણે જાણીઅ છીએ. સ્વીડન તેના સમાજવાદી કાનૂન માટે જાણીતો છે. કામદાર બેકારો થાય કે વૃદ્ધ થાય ત્યારે તેને બેનમૂન સગવડો મળે છે. પેન્શનર કે અપંગ માણસ ટેક્સીમાં ફરે તે સરકારી ખર્ચે ફરે છે. અક વૃદ્ધાને તેની પુત્રીને મળવા વિમાનમાં 

જવું હતું તો સરકારે વિમાનની ટિકિટ અપાવી. કામદાર બીમાર પડે તો સરકારી ઇન્શ્યોરન્સ કંપનીને ફોન કરી દે છે, 'હું આજે ઓફિસે જતો નથી.' કામદારને ઘેર બેઠાં પગાર મળી જાય છે. કોઈ પેન્શનર વૃદ્ધ સાથે તેનો પતિ જાય તો તેને પણ વિમાન કે ટેક્સીનો ખર્ચ મળે છે. આવી એક વૃદ્ધાનો પતિ ચોરેલી મોટરનો વેપાર કરતો હતો. પતિ પકડાઈ ગયા પછી જેલમાં તેની મુલાકાતે જવાનો ખર્ચ વૃદ્ધાને સરકાર આપે છે.

કરાટેની કેટલી પધ્ધતિઓ છે? 

કરાટેની અલગઅલગ પદ્ધતિઓ (સ્ટાઇલ) છે. બધી પદ્ધતિઓ જાપાનમાંથી જ જુદી પડે છે. આમાં 'શોતોકાન' અને 'ગોજુરિયું' સૌથી વધુ પ્રખ્યાત છે અને ભારતમાં ચાલે છે. તાઇકવાંડો, શિતોરિયું, દશોરીનોરિયુ વગેરે પદ્ધતિઓનું જાપાન, જર્મની અને ચીનમાં વધારે ચલણ છે. કરાટે ક્લાસને 'દોજા' કહે છે. દોજામાં દાખલ થનારો દરેક કરાટેકા સૌપ્રથમ ગુરુને વાંકા વળીને નમન કરવાનું ચૂકતા નથી. એટલું જ નહીં, જુનિયર કરાટેકાઓ પોતાના સિનિયરને આદર આપે છે. ટીચરને સેન્સાઇ કહીને સંબોધવાની પ્રથા છે. કરાટેકાએ પોતાની જાતને પોતે જ કેળવવાની હોય છે. સેન્સાઇ ફક્ત દાવપેચના જ ઇન્સ્ટ્રકટર કહેવાય છે. આ બાબત કરાટેકાને જાત પર કાબૂ રાખતાં શીખવે છે. કરાટેના કેટલાક કલાસોમાં ઉપયોગી સૂત્રોનો નિયમિત પાઠ કરાવવામાં આવે છે. દાવપેચની પ્રેક્ટિસનો આરંભ પછીથી થાય છે. એ સૂત્રોમાંનાં કેટલાંક સેમ્પલ: જે પોતાની જાતને જીતે છે અ જ મહાન યોદ્ધો છે. જ્યારે હાથ ઊપડી જવાની તૈયારીમાં હોય ત્યારે મગજ ગરમ થઈ જાય ત્યારે હાથને કાબૂમાં રાખો. લડીને જીત મેળવવામાં નહીં, બલ્કે દુશ્મનને તાબે કરવામાં ખરું ચાતુર્ય રહેલું છે. કરાટે શીખનારાઓ માટે પ્રાથમિક સૂત્ર છે : નો પેઇન નો ગેઇન અને શીખીને બહાર પડનારાઓ માટેનું સુત્ર છે : વિન ધ ફાઇટ વિધાઉટ ફાઇટ.