Get The App

તમારી બેબી 'ગોલ્ડમાઇન' છે! .

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
તમારી બેબી 'ગોલ્ડમાઇન' છે!                         . 1 - image

- રજનીગંધા-વિભાવરી વર્મા

- મિનલ દીવાન ખૂબ ચાલકીભરી ચાલ રમી ગયાં. એમણે સાવ પાણીના ભાવે આહના માટે હા પાડી દીધી!

'ત મે કહેવા શું માગો છો ? મારી દિકરી કંઈ બિકાઉ છે ?' વિશ્વનાથ દીવાન ગુસ્સે થઈ ગયા.

'તમારી ગેરસમજ થાય છે, દીવાનજી !' ફિલ્મ ઉદ્યોગમાં ફાઇનાન્સિંગના બિઝનેસમાં બહુ મોટું નામ ગણાતા ભરતભાઈ જરીવાલાએ તેમને શાંત પાડતાં કહ્યું 'મેં માત્ર એટલું જ કહ્યું કે તમારી દિકરી ગોલ્ડમાઇન છે. મેં તો તમારી દિકરીને બે પાંચ વાર જ જોઈ છે પરંતુ એનો ફેસ બહુ ભાવવાહી છે ! જો તમે ઈચ્છો તો તમે એને ફિલ્મોમાં એકટ્રેસ બનાવી શકો.'

'એકટ્રેસ ?' દીવાન સાહેબના ભવાં સંકોચાયા 'શું અમે લોકો એટલા નીચા લેવલના છીએ ?'

'ભલે સામાજિક રીતે તમે ઊંચા ઘરાનાનાં છો પરંતુ સાહેબ, તમારા માથે અત્યારે જે બાર તેર કરોડનું દેવું છે તે, જો તમારી દિકરી આહનાનું નસીબ જોર કરતું હશે તો તે એક ચપટીમાં ઉતરી જશે !'

'વોટ નોન્સેસ ? મારું દેવું ઉતારવા હું મારી દિકરીનો ઉપયોગ કરું ? કેવી વાહિયાત વાત કરી રહ્યા છો ?'

'ઠીક છે, એઝ યુ વિશ...' કહીને ભરત જરીવાલા પાર્ટીમાં ત્યાંથી ખસીને બીજે જતા રહ્યા.

પરંતુ એ શાનદાર પાર્ટીમાં ચાલી રહેલી આ વાતચીત આહનાની મમ્મી મિનલ દિવાન બહુ જ ધ્યાનથી સાંભળી રહ્યાં હતાં. તે ધીમેથી સરકીને ભરત જરીવાલા પાસે પહોંચી ગયા.

'તમે આહના વિશે શું વાત કરી રહ્યા હતા ?'

'મીનલબેન, તમારી આહના એક છૂપાયેલો હીરો છે. જુઓ, મારા તો વીસ-પચ્ચીસ કરોડ રૂપિયા આ ફિલ્મ ઉદ્યોગમાં જ ફરતા ફરતા હોય છે. તમે જો આહના ઉપર થોડું ધ્યાન આપો તો હું તેને ચાન્સ અપાવી શકું છું.'

'પણ, શું એમ જ ચાન્સ મળી જતો હોય તો તમે જ આહના જેવી પચ્ચીસ છોકરીઓને હિરોઈન બનાવી દીધી હોત ને ?'

'સારું. એમ રાખો.' જરીવાલા હસ્યા. 'પણ મારી માત્ર એક સલાહ માનો. હું કહું એ ફોટોગ્રાફર પાસે આહનાનું માત્ર બે દિવસનું ફોટો-સેશન કરાવો એના પૈસા હું આપીશ, બસ ?'

'અચ્છા, તો મારા હસબન્ડે તમારી પાસેથી જે ચાર કરોડ ઉધાર લઈ રાખ્યા છે, તે તમારે આ રીતે વસૂલ કરવા છે, એમ ને ?' એમ કહેતાં મિનલ દીવાન હસી પડયાં. 'સોરી, મજાક કરતી હતી !'

પરંતુ જ્યારે આહના દિવાનના ફોટા તૈયાર થઈને આવ્યા ત્યારે ખુદ આહના પણ ચોંકી ગઈ ! 'મમ્મી ! શું ગજ્જબના ફોટોગ્રાફસ છે ! શું ખરેખર હું આટલી બધી ગ્લેમરસ છું ? મારે તાત્કાલિક આ ફોટા મારા ઈન્સ્ટાગ્રામમાં મુકવા છે !'

'નથિંગ ડુઈંગ !' મિનલ દીવાને કડક અવાજે કહ્યું 'હવે સોશિયલ મિડીયામાં તારી એન્ટ્રી ધમાકા સાથે જ થશે ! અને એ પણ ક્યારે ? જ્યારે તું ટોપ હિરોઈન બની ગઈ હશે ત્યારે જ ! અને હા, આ વાત તારા ડેડીને કરવાની નથી !'

જ્યારે ભરત જરીવાલાએ આ ફોટા જોયા ત્યારે એ બોલ્યા 'મેં શું કહ્યું હતું ? ગોલ્ડમાઇન છે તમારી દિકરી ! હવે બોલો, આજકાલ ચાર ફિલ્મોમાં મારું ફિનાન્સ ચાલી રહ્યું છે. તમે કહો તો ગમે તે મુવીમાં આહનાને બ્રેક અપાવી દઉં !'

'ના ! ગમે તે મુવી નહીં !' મિનલ દીવાન હવે જાતે જ કમાન સંભાળવાના મિજાજમાં હતાં. હવે તો એ ગમે તે ફિલ્મમાં નહીં પણ એક જ ફિલ્મમાં હિરોઈન બનશે ! અને તેની પહેલી જ ફિલ્મ સુપરહિટ થશે!'

બસ, એ પછી આહનાની ટ્રેનિંગ શરૂ થઈ ગઈ. થોડી ઘોડેસવારી, થોડું ડાન્સિંગ, થોડું સ્ટાઈલીંગ, અને શરીરના ડાયેટ પ્લાન અને ફીટનેસ પ્લાન સાથે જિમ જવાનું શરૂ થઈ ગયું.

એક મહિના બાદ જ્યારે વિશ્વનાથ દિવાન એક સપ્તાહ માટે બેંગલોર ગયા હતા ત્યારે એમને કહ્યા વિના અહીં મુંબઈમાં મિનલ દીવાને આહનાની ભવ્ય બર્થ ડે પાર્ટી ગોઠવી દીધી. ભરત જરીવાલાની ઓળખાણને લીધે અહીં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા મોટા દિગ્ગજોની હાજરી હતી.

... અને ભરત જરીવાલાએ ધાર્યું હતું એમ જ થયું ! કમ સે કમ ચાર પ્રોડયુસરોએ મિનલ દીવાન પાસે આવીને ઓફર આપી : 

'જો તમારી દીકરીને એક્ટિંગમાં રસ હોય તો કહેજો. અમે એક નવા ફેસની તલાશમાં છીએ !'

હવે મિનલ દીવાને કોઈ શાતિર બિઝનેસવુમનની જેમ ચારેય પાસે અલગ અલગ દિવસોની એપોઈન્ટમેન્ટ લીધી. ચારેય સાથે અલગ અલગ મિટીંગો કરી... દરેક વખતે ભરત જરીવાલા એમાં જાણે અનાયાસે આવી પહોંચ્યા હોય તે રીતે હાજર રહ્યાં...

ચારેચાર મિટીગો પછી ભરત જરીવાલાનો નિર્ણય સ્પષ્ટ હતો. 'મિનલજી, તમે ચારેચાર ફિલ્મોની હા પાડી દો ! ચારમાંથી એકાદ ફિલ્મ તો ચાલી જ જશે. અને એક પણ નહીં ચાલે તોય આહનાનું નામ ઈન્ડસ્ટ્રીમાં રમતું થઈ જશે.'

'નો નો નો !' મિનલ દીવાન સ્પષ્ટ હતાં. 'આહના એક જ ફિલ્મમાં આવશે... અને તે એક જ ફિલ્મ સુપરહિટ થવી જોઈએ !'

આખરે એ પણ થયું ! સળંગ ચાર ચાર હિટ ફિલ્મ બનાવી ચૂકેલા ડીરેક્ટર ચંદ્રકુમાર પોતાના દીકરા હિરવને ભવ્ય રીતે લોન્ચ કરવા માટે જે નવી ફિલ્મ બનાવી રહ્યા હતા તેમનો એક દિવસ ફોન આવ્યો !

અહીં તો મિનલ દીવાન ખૂબ ચાલકીભરી ચાલ રમી ગયાં. એમણે સાવ પાણીના ભાવે આહના માટે હા પાડી દીધી ! ભરત જરીવાલા અકળાતા હતા. 'મેડમ, આ ખોટો જુગાર છે ! ફિલ્મમાં તો ચંદ્રકુમારનો દીકરો જ છવાયેલો હશે... આહનાને ખાસ માઇલેજ નહીં મળે...'

'ભલે ને ના મળે ? ફિલ્મ તો સુપરહિટ જશે ને ?'

અને ખરેખર એવું જ થયું ! એ ફિલ્મ સુપર-ડુપર હિટ નીકળી ! સાથે સાથે આહનાનું નામ પણ ગાજી ઊઠયું !

બસ, હવે મિનલ દીવાન અસલી રંગમાં આવી ગયાં. આ એક જ સુપરહિટ ફિલ્મના પત્તા ઉપર મિનલ દીવાને આખો પત્તાંનો મહેલ ઊભો કરી દીધો. જોતજોતામાં મિનલ દીવાને આહના માટે છ ફિલ્મો સાઈન કરી લીધી ! એ પણ બજાર કરતાં ચાર ચાર ગણા ઊંચા દામ સાથે !

હવે આહનાને ફૂરસદ જ નહોતી. એક શીફટથી બીજી શીફ્ટ, એક સ્ટુડિયોથી બીજો સ્ટુડિયો, એક શહેરથી બીજે શહેર, આજે બેંગલોરમાં તો સાત દિવસ યુરોપમાં, પછી કાશ્મીર, પછી રાજસ્થાનનું રણ... આહના દિવસ રાત કામ કરીને લોથ થઈ જતી હતી. પરંતુ મિનલ દીવાન તેને કહેતા હતાં :

'કમ ઓન બેબી ! યુ આર અ ગોલ્ડમાઇન !' એક દિવસ આપણો સોનાથી મઢેલો મહેલ હશે...'

પરંતુ એક રાત્રે આહના શૂટિંગમાંથી પાછી જ ન આવી ! તે સળંગ દસ દસ દિવસ સુધી ગાયબ રહી ! છેવટે એક દિવસ મિસિસ દીવાનના ઘરે કોઈ અજાણ્યો માણસ એક કવર આપી ગયો.

એમાં આહનાની ચીઠ્ઠી હતી : 'મમ્મી ! હું થાકી ગઈ છું ! તારા માટે હું ભલે સોનાની ખાણ હોઉં, પણ આમાં તો હું પોતે જ ખાણિયા મજદૂર જેવી બની ગઈ છું ! મને હવે શોધવાની કોશિશ કરતી નહીં, હું એક એવી જગ્યાએ એવા દેશમાં છું જ્યાં મને કોઈ ઓળખતું નથી અને હું અહીં સુખી છું. કેમકે... હું જે છું, તેનાથી મને સંતોષ છે...'