Get The App

તારંગા તીર્થ .

- કલા, કુદરત અને ધર્મભાવનાના ત્રિવેણીસંગમ સમુ મહાતીર્થ

Updated: Sep 11th, 2018

GS TEAM


Google News
Google News
તારંગા  તીર્થ                           . 1 - image

મૂળ ગભારો, ગૂઢમંડપ અને છ ચોકીઓની વિભાગ રચના કરવામાં આવી છે. આ મૂળ ગભારો ૧૮ ફૂટ લાંબો અને ૧૮ ફૂટ પહોળો છે તેમજ તે આખો આરસથી મઢેલો છે

અહીં મુખ્યત્વે કેગરનાં લાકડાંથી મંદિરના માળને ટેકો આપવામાં આવ્યો છે. વર્ષેા વીત્યાં છતાં અને મંદિરની મોટીમોટી શિલાઓનો ભાર ઊંચકવા છતાં આ કેગરનાં લાકડાં તૂટયાં નથી. આ લાકડું અગ્નિથી બળતું નથી.

તા રંગા તીર્થ એટલે રમણીય કુદરત અને મનભર કલાનો, ઉત્કૃષ્ટ શિલ્પ અને અવર્ણનીય સૌંદર્યનો મધુર સમન્વય. અરવલ્લીની- ેએકબીજામાં ગૂંથાયેલી ગિરિમાળાઓ વચ્ચે આવેલો તારંગાનો ડુંગર ભવ્ય ભૂતકાળ અને ઉત્તમ ધર્મભાવનાઓની ઝાંખી કરાવે છે. પવિત્ર મંદિરોથી વિભૂષિત અને રળિયામણી ટેકરીઓથી વીંટળાયેલું આ તીર્થ જૈનોનાં પાંચ મુખ્ય તીર્થેામાંનું એક મહાતીર્થ હોવાનું ગૌરવ ધરાવે છે.

કલિકાલસર્વજ્ઞા હેમચંદ્રાચાર્યની ભાવના અને મહારાજા કુમારપાળની ભક્તિની કીર્તિગાથાનું એક મધુર કાવ્ય તે તારંગા તીર્થ. હાલનું મંદિર અને તીર્થસ્થાન તેરમી સદીમાં રચાયેલાં છે.

આ તીર્થની સ્થાપના વિશે 'કુમારપાલપ્રબંધ'માં શ્રી જિનમંડન ગણિવર લખે છે કે મહારાજા કુમારપાળને અજમેરના રાજા અર્ણેારાજ પર અગિયાર વાર ચઢાઈ કરવા છતાં વિજય મળ્યો નહીં ત્યારે મંત્રી વાગ્ભટે મહારાજા કુમારપાળને શ્રી અજિતનાથ ભગવાનની પૂજા કરવાનું કહ્યું. પૂજાવિધિ કર્યા પછી કુમારપાળે યુદ્વમાં ઝુંકાવ્યું અને અજયમેરુ (અજમેર)ના રાજા શાકંભરિનાથ અર્ણેારાજ પર વિજય મેળવ્યો. ત્યારબાદ પોતાના ગુરુ હેમચંદ્રાચાર્યના ઉપદેશથી તારંગા પર મંદિરની રચના કરીને શ્રી અજિતનાથ મૂળનાયકનું બિંબ સ્થાપ્યું. તારંગા પર અનેક મુનિ-મહાત્માઓ મોક્ષે ગયા હોવાથી તે શત્રુંજ્યની પ્રતિકૃતિરૃપ ગણાતો હતો.

આ મંદિરની રચના વિ.સં. ૧૨૧૧માં થયાનો ઉલ્લેખ મળે છે. મહારાજા કુમારપાળે ચોવીસ હાથ (ગજ)ઊંચું જિનમંદિર બંધાવ્યું અને તેમાં ૧૦૧ આંગળ ઊંચા શ્રી અજિતનાથ પ્રભુની આરસની પ્રતિમા સ્થાપિત કરી તેવી વિગત મળે છે. આ મંદિર ૩૨ માળ ઊંચું હતું એવી નોંધ મળે છે.

જૈન ધર્મના દ્વિતીય તીર્થકર અજિતનાથનું આ મંદિર 'અજિતપ્રાસાદ'કે 'અજિતનાથ વિહાર'તરીકે ઓળખાય છે. આ ઉન્નત પ્રાસાદનો દરવાજો પૂર્વાભિમુખ છે. એનું પ્રવેશદ્વાર જ જૈન સ્થાપત્યકલાનું સૌંદર્ય બતાવે છે. પ્રવેશદ્વારમાં દાખલ થતાં જ અંબિકા માતા અને દ્વારપાળની મૂર્તિઓનાં દર્શન થાય છે. એ પછી આ ઉન્નત મંદિરનો સંપૂર્ણ ખ્યાલ આપતો ચોક પૂર્વ પશ્ચિમ ૨૮૦ ફૂટ જેટલો લાંબો અને ઉત્તર-દક્ષિણ ૨૧૨ ફૂટ જેટલો પહોળો છે.

આ વિશાળ ચોક મંદિરની ઊંચાઈ દર્શાવવાની સાથે એના મનભર સૌંદર્યમાં અચૂક ઉમેરો કરે છે. ચોકમાં પ્રવેશતાં જ આકાશ સાથે વાતો કરતી હોય તેવી મંદિરની ઊંચી ધજા ફરકતી જોવા મળશે. મંદિરની રચના મહામેરુપ્રાસાદની છે અને વાસ્તુશાસ્ત્રમાં એમ લખ્યું છે કે મેરુ (પહાડ જેવું મંદિર) જાતિનું ભવ્ય મંદિર ક્ષત્રિય રાજા સિવાય બીજો ન બંધાવી શકે અને તેથી આ મંદિર મહારાજ કુમારપાળે બનાવ્યું તે સ્પષ્ટ છે.

આ મંદિરમાં મૂળ ગભારો, ગૂઢમંડપ અને છ ચોકીઓની વિભાગ રચના કરવામાં આવી છે. આ મૂળ ગભારો ૧૮ ફૂટ લાંબો અને ૧૮ ફૂટ પહોળો છે તેમજ તે આખો આરસાથી મઢેલો છે. આમાં બીજા તીર્થકર શ્રી અજિતનાથ ભગવાનની વિશાળ અને પ્રભાવશાળી પ્રતિમા છે. આવી ભવ્ય અને મનોહર મૂર્તિના દર્શનથી મન અને આત્મા પુલકિત થઈ ઊઠે છે. આ મૂળનાયકની પ્રતિમાની બેઠક સાથેની ઊંચાઈ ૧૧૨ ઈંચ છે. ઉન્નત અને મનોહર પ્રતિમાજીના મસ્તકે પૂજા થઈ શકે તે માટે બે બાજુ નિસરણી મૂકેલી છે. તેની આસપાસ પંચતીર્થીનું ભવ્ય પરિકર છે. નજીકમાં વિ.સં.૧૩૫૪ની બે કાઉસગ્ગ ધારણ કરતી પ્રતિમાઓ છે. ગભારાની જમણી બાજુ અને ડાબી બાજુ ત્રણ-ત્રણ પ્રતિમાઓ અને એની નજીક બીજી બે કાઉસગ્ગીય પ્રતિમાઓ મળે છે. આમાં નીચેના ભાગમાં નવગ્રહો અને યક્ષ-યક્ષિણીની મૂર્તિઓ છે. બાજુમાં મૂકેલા કબાટમાં વીસ ભગવાનની તેમજ અન્ય ધાતુની પ્રતિમાઓ છે.

મંદિરના ગૂઢમંડપનો ઘેરાવો ૧૯૦ ફૂટનો છે અને ઘુમ્મટ અષ્ટભદ્ર અને ષોડશભદ્રવાળા આઠ સ્તંભો પર ઊભેલો છે. પાછળથી કાળજીપૂર્વક મુકાયેલા બીજા સોળ સ્તંભો એને ટેકો આપે છે. આ સ્તંભોની રચના સાદી છે. ઘુમ્મટમાં વિદ્યાધરો અને દેવીદેવીઓની નૃત્યપ્રતિમાઓ નાટયની વાદ્યસામગ્રી સાથે અભિનય દર્શાવતી ઊભી છે. આ ગૂઢમંડપમાં કુલ ત્રીસ જિનેશ્વરની મૂર્તિઓ છે. એની વચ્ચે ઝૂલતું કાચનું ઝુમ્મર ધ્યાનાકર્ષક છે.

છ ચોકીના ઘુમ્મટનો દેખાવ મનોહર છે. શૃંગારચોકીની છતમાં ઝીણી કોતરણી જોવા મળે છે. મંદિરમાં પ્રવેશતાં બે બાજુએ ગોખમાં પદ્માવતી અને યક્ષદેવની મૂર્તિ છે. યક્ષદેવની મૂર્તિની નીચે જે લેખ છે તેમાં તો વસ્તુપાલ-તેજપાલે સંવત ૧૨૮૪ના ફાગણ સુદ ૨ ના દિવસે નેમિનાથનું બિંબ પધરાવ્યાંનો ઉલ્લેખ છે, જ્યારે અંદરની મૂર્તિ લેખથી સાવ જુદી છે.

આ મંદિરના ત્રણ માળ સુધી થોડા સમય પહેલાં નવી બનાવેલી સીડીથી જઈ શકાય છે. એની રચના એટલી બધી ભુલાવામાં નાખી દે તેવી છે કે જેથી કેટલાક એને ભુલભુલામણી પણ કહે છે. મંદિરનું મંડોવર અને શિખર ભાતીગળ કોતરણીથી ભરપૂર છે. આમાં યક્ષો, ગંધર્વેા અને નર્તકીઓની સૃષ્ટિને પથ્થરમાં જીવંત કરવામાં આવ્યાં છે.

એક બાજુ મંદિરના શિખરની ઊંચાઈ આંખોને ભરી દે એવી ભવ્યતા આપે છે તો બીજી બાજુ શિલ્પસૌંદર્યથી ખીચોખીચ છે, એ બાબત એની સૂક્ષ્મતા અને સમૃદ્વિ સૂચવે છે. શિખરથી પાયા સુધી શિલ્પસૌંદર્ય રેલાતું હોય તેવો અનુભવ થાય છે. વળી પ્રત્યેક શિલ્પાકૃતિ એકબીજીથી ભિન્ન છે અને એના જુદા જુદા અંગમરોડ વિપુલ વૈવિધ્યનો ખ્યાલ આપે છે.

ઊંચાઈને કારણે ક્યાંય એકસુરીલાપણું ન લાગે તે માટે શિલ્પનું, ખાંચાઓનું અને કલાકૃતિનું વવિધ્ય જોવા મળે છે.

આમ, અંદર અને બહાર બંને બાજુ મંદિર શિલ્પસૌંદર્યથી છલકાતું હોય એવો અનુભવ થાય છે. પ્રદક્ષિણાપથ પર હવાઉજાસ માટે ત્રણ જુદી જુદી કોતરણીની ડિઝાઈનવાળી ગવાક્ષો (જાળીઓ)પણ શિલ્પપ્રેમીને આકર્ષે છે.

આવી તો કેટલીય વિશેષતાઓ આ પવિત્ર જિનાલયમાં છે. જેમ કે સામાન્ય રીતે મંદિરની અંદરનો ભાગ ઈંટથી ચણી લેવામાં આવ્યો હોય છે., જ્યારે અહીં મુખ્યત્વે કેગરનાં લાકડાંથી મંદિરના માળને ટેકો આપવામાં આવ્યો છે. વર્ષેા વીત્યાં છતાં અને મંદિરની મોટીમોટી શિલાઓનો ભાર ઊંચકવા છતાં આ કેગરનાં લાકડાં તૂટયાં નથી.

આ લાકડું અગ્નિથી બળતું નથી. એને સળગાવવામાં આવે તો એમાંથી પાણી ઝમે છે અને થોડી જ વારમાં એના પર રાખ વળી જાય છે. આ મંદિરની સુકનાસ બનાવવાની પદ્વતિ ઉત્તમ પ્રકારની છે તો ગૂઢમંડપ ઉપરના સામરણની પદ્વતિ તારંગા સિવાય અન્યત્ર ભાગ્યે જ જોવા મળે છે. વિશાળ ચોકથી જેમ મંદિરની ઊંચાઈ અને ગરિમાનો ખ્યાલ આવે છે તેમ આયોજનપૂર્વક ગોઠવેલી શિલ્પસમૃદ્વિ ઊંચાઈને સાવ ઓગાળી નાંખે છે. મંદિરની બહાર ઊભા રહીને જોનાર જેમ જેમ ઊંચે જોતો જાય છે તેમ તેમ શિલ્પસૌંદર્યની નવી નવી ક્ષિતિજો એની સામે ઉઘડતી જાય છે! મંદિરની ઊંચાઈ પણ આપણું ધ્યાન ખેંચે છે. એનો ૧૯ ફૂટ ૫ ઈંચ ઊંચો અને દંડ કેટલો નાનો લાગે છે! પેલી ધ્વજદંડની પાટલીતો જુઓ !

આ પાટલી નીચેથી જોનારને તો નાનકડા પાટિયા જેવડી જ લાગે! હવામાં ફરકતો એનો ૧૯ ફૂટનો ધ્વજ કેટલો નાનો લાગે છે!

અમદાવાદથી ૧૬૫ કિલોમીટર, મહેસાણાથી ૭૨ કિલોમીટર, વિસનગરથી ૫૦ કિલોમીટર તેમજ વડનગરથી ૩૬ કિલોમીટરને અંતરે આવેલા આ પહાડ સુધી પહોંચવા માટે રેલવે તથા એસ.ટી.બસની સુવિધા છે. અમદાવાદ, મહેસાણા, પાલનપુર, હિંમતનગર અને ઈડર જેવા સ્થળેથી છેક પર્વત પરના મંદિર સુધી એસ.ટી.બસ આવે છે, જ્યારે મહેસાણાથી આવતી રેલ્વે-લાઈનમાં તારંગા હિલ છેલ્લું સ્ટેશન છે. આ સ્ટેશનથી તારંગા તીર્થ પગપાળા રસ્તે છ કિલોમીટર અને મોટર રસ્તે આઠ કિલોમીટરના અતરે આવેલું છે.

તારંગાના ડુંગરની તળેટીમાં ૨૦૦૦ માણસોની વસ્તી ધરાવતું ટીંબા ગામ છે. અહીંના રજપૂતોમાં લગ્ન પછી તરંગા તીર્થના દર્શન કરવાનો રિવાજ પ્રચલિત છે. આ ટીંબા ગામથી પહાડી રસ્તે તરંગા તીર્થનું અંતર ૪ કિલોમીટર છે.

આમ તારંગા તીર્થમાં નિસર્ગની શોભા અને માનવસર્જિત કળાનો મધુર સમન્વય થયો છે. તારે તે તીર્થ ! જેનાં દર્શન-વંદનથી આત્મા તરી જાય, એની ઉચ્ચતામાં, નિર્મળતામાં, પવિત્રતામાં અને દ્દઢતામાં વધારો થાય તે તીર્થ. તારંગા તીર્થ આ રીતે મનને શાંતિ, ચિત્તને એકાગ્રતા અને હૃદયને ભક્તિભાવનાથી ભરીને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે.

Tags :