- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
એ જમાનામાં કોસ્મેટિક્સની ચીજો પવિત્ર ગણાતી અને પાદરીઓની દેખરેખ તળે ખાનગીમાં બનાવાતી હતી. ઇજિપ્તના બાળકો અને સ્ત્રીઓ આંખની પાંપણ ઉપરના ભાગમાં લીલા રંગની પેસ્ટ લગાવતા, તે માત્ર તડકામાં આંખ ન બળે તે માટે જ. પણ હવે તે ફેશન બની ગઈ છે. આંખની પાંપણ ઉપરના ભાગને રંગવા માટે જે ક્રીમ બનાવાતું તેમાં અમુક જીવડાંનાં ઇંડાંને ચોળીને નાખવામાં આવતા. ઇજિપ્તની રાણી નેફેરતીતીએ કોસ્મેટિક્સનો પ્રચાર કર્યો. ચૌદમી સદીમાં તેણે પ્રથમવાર પોતાનાં નખ રંગ્યા હતા. રૂબી જેવા ઘેરા લાલ રંગથી તે હાથ-પગના નખ રંગતી હતી. આ રૂબી-રેડ રંગ માત્ર રાજાની રાણી જ વાપરી શકતી. બાકીની સ્ત્રીઓ આછા રંગો વાપરી શકતી. પછી ક્લીઓપેટ્રાએ કોસ્મેટિક્સનો ઉપયોગ વધાર્યો. ક્લીઓપેટ્રા ત્રણ હજાર વર્ષ પહેલા પોતાની હથેળીમાં મહેંદી લગાવતી. તેની પાંપણો અને આંખની ભ્રમરને પણ કાળા રંગથી રંગતી. આંખની નીચે તે બ્લ્યુ રંગ લગાવતી. આ રંગ તે અમુક રંગીન હીરાનો પાવડર કરી તેમાં તાંબાનાં રસાયણો ભેળવીને બનાવડાવતી. ગ્રીસમાં શરૂમાં પુરુષો જ તેલ ચોળીને સ્નાન કરી શકતા અને પરફયુમ લગાવતા.ચામડીને રક્ષવા માટે જે પ્રથમ ગ્રીક કોસ્મેટિક બજારમાં આવ્યું તે ગેલન નામના ડોક્ટરે બનાવ્યું હતું. તેને તેણે કોલ્ડ ક્રીમનું નામ આપ્યું હતું.
વાંસના ઝાડ આંબા કરતાય મોભાદાર છે
વાંસને હવે માત્ર ઠાઠડી બાંધતી વખતે જ યાદ કરાય છે. વાંસનાં ઝાડ આંબા કરતાંય મોભાદાર છે. આંબો દસ વર્ષે કેરી આપે તો વાંસ ૩૦ વર્ષે, ૬૦ વર્ષે કે ૧૨૦ વર્ષે નવાં ફૂલ મૂકીને તેનાં બીજ આપે છે. વાંસ વિષે આપણું જ્ઞાન મર્યાદિત છે. વાંસના વૃક્ષનાં પાંદડાંમાં બીજા ઘાસ કરતાં ચારગણું પ્રોટીન હોય છે. તેનામાં સિલિકા ધાતુના અંશ હોઇ તે અત્યંત મજબૂત છે. હોંગકોંગની બહુમાળી ઇમારતો બાંધવા વાંસના માંચડા હજી કામે લેવાય છે. વાંસના માવામાંથી ઉત્તમ કાગળ પણ બને છે. વાંસની બીજી એક સરસ વાત. દરેક વાંસના વૃક્ષની અંદર એક આંતરિક ઘડિયાળ છે. ચીન, મલેશિયા કે ગુજરાત કે આસામના વાંસના રોપને તમે જગતના કોઈ પણ છેડે લઇને રોપી દો. બધા જ દેશોના વાંસના વૃક્ષ પર એક જ દિવસે ફૂલ ઊગશે. એક જ દિવસે બીજ ખીલીને ખેરવાઈ જશે અને કુદરતી રીતે એક જ દિવસે વાંસનું વૃક્ષ સુકાઈને ઢળી પડશે!
હર્નિઆ કેમ થાય છે?
હર્નિઆ, જેને આપણે સારણગાંઠ કહીએ છીએ, તે ત્રણેક પ્રકારના હોય છે, જેમણે ઇન્ગ્વીનલ હર્નિઆ, 'હાએટલ હર્નિઆ કે અમ્બીલિકલ હર્નિઆ. હર્નિઆ બહારના અને અંદરના એમ બે રીતના હોય છે. ઘણા લોકો આંતરડાની નબળાઈ સાથે જન્મતા હોય છે. તેમને હર્નિઆની તકલીફ શિશુઅવસ્થામાં થતી હોય છે અથવા મોટી ઉંમરે ભારે વજન ઊંચકવાથી થતી હોય છે. હર્નિઆ મોટે ભાગે ઉદર (પેટ)ની આંતરિક દીવાલ નબળી પડવાથી થાય છે. શરીરનો, ખાસ કરીને આંતરડાનો અમુક નબળો પડી ગયેલો ભાગ શરીરની કોઈ ખુલ્લી જગ્યામાંથી બહાર નીકળી આવે છે અથવા શરીરના કોઈ બીજા ભાગને ખુલ્લો કરીને ત્યાંથી બહાર આવે છે. કોઈકવાર તમારું શરીર વધુ પડતું ખેંચાય અથવા તમે વધુ પડતુ વજન ઊંચકો ત્યારે આંતરડાનો એ ભાગ બહાર આવી પડે છે. શિશુઓને થાય છે તેને 'અમ્બીલિકલ હર્નિઆ' કહે છે જેમાં આંતરડાનો ગઠ્ઠો કે ગાંઠ નાભિની નજીક આંતરડાની દીવાલ ભેદીને બહાર આવી જતો હોય છે. પુરુષો કે સ્ત્રીઓ, કોઈને પણ હર્નિઆ થાય છે, પણ પુરુષોને ઇન્ગ્વીનલ હર્નિઆ વધુ થાય છે. આ હર્નિઆમાં આંતરડાના અમુક કોશ જાંઘના મૂળ (ગ્રોઇન)ના નબળા પડી ગયેલા ભાગને ભેદીને બહાર આવે છે. એને કારણે એ ભાગ સોજી જાય છે અને ત્યાં ખૂબ પીડા થાય છે. જાંઘ અને ઉદર (પેટ)ના જંક્શનને ગ્રોઇન કહે છે. આંતરડાનો અમુક ભાગ ત્યાંથી બહાર નીકળી આવે છે. તમે એ ભાગમાં સોજા અને ગાંઠ થયેલી જોઈ પણ શકો. હર્નિઆ થવાનું કોઈ દેખીતું કારણ જણાયું નથી. તમારા ઉદરની દીવાલમાં અમુક ભાગ નબળો પડે અને પેટના પોલાણમાં દબાણ વધે તો હર્નિઆ થાય.
માનવમન પર રંગોની અસર કેવી થાય છે?
માનવમન પર રંગોથી થતી અસર વિશે દુનિયાભરમાં સંશોધનો ચાલી રહ્યાં છે. એ વાત સાબિત થઈ ચૂકી છે કે એક ચોક્કસ પ્રકારના ઝાંખા ગુલાબી રંગ વડે જેલની દીવાલો રંગવાથી ભલભલા ખતરનાક કેદીઓનાં મગજ પણ શાંત રહે છે. અલબત્ત, એ રંગ ક્રોધની સાથેસાથે ભૂખને પણ મારી નાખે છે, છતાં જેલરોને કેદીઓના જઠરાગ્નિ કરતાં ક્રોધાગ્નિ શમાવવામાં વધુ રસ હોવાને કારણે હવે અનેક જેલોની દીવાલો એ રંગથી રંગવામાં આવે છે. જે ઘરોમાં દીવાલોનો રંગ નારંગી હોય છે ત્યાં ઝઘડા વધુ થતા હોવાનું જોવા મળ્યું છે. સ્કૂલમાં બાળકોની ચારે તરફ પીળા રંગનું પ્રાધાન્ય હોય તો બાળકો વધુ સારી રીતે ભણી શકે છે તેવું પણ એક તારણ કાઢવામાં આવ્યું છે. નેશનલ જ્યોગ્રાફિક નામના સામયિકમાં પ્રકાશિત થયેલા રંગ વિશેના લેખમાં આ બધી વિગતો ઉપરાંત એવી પણ એક માહિતી છે કે જર્મન લોકોને ઇંડાની જરદી શક્ય તેટલી વધુ પીળી હોય તે ગમે છે એટલા માટે જર્મનીના કેટલાક મરઘાંપાલકો તેમની મરઘીઓને ગલગોટાની પાખડીઓ અને મરચાંનો ભૂકો પરાણે ખવડાવે છે જેથી જરદી પીળીચટ્ટ બને.
બર્લિનનું સ્મારક અને કંપનીનો વિવાદ
હિટલરના જમાનામાં લાખો યહૂદીઓની થયેલી સામૂહિક હત્યા સંભવત: માનવ ઇતિહાસની સૌથી બર્બર ઘટના છે. એમાંય બર્લિનની ગેસ ચેમ્બરની કરુણાંતિકાની વિગતો તો તાપમાંય શરીરે ઠંડીનું લખલખું લાવી દે તેવી છે. યહૂદીઓના નિકાલ (મૃત્યુ) માટે બનાવવામાં આવેલી ગેસ ચેમ્બરમાં પરિવારોના પરિવારોને હોમી દેવામાં આવ્યા હતા. તેમને ગોળીથી વીંધવાની ક્રિયા હિટલરને મન 'ગોળીઓનો વ્યય' લાગતો હશે! ઇતિહાસનો ભાર વર્તમાન પર તોળાતો રહેતો હોય છે. લગભગ સાઈઠ લાખ યહૂદીઓની હત્યાના પ્રાયશ્ચિત્ત માટે કે પછી માથે લાગેલા કલંકને ધોવા માટે બર્લિનમાં સ્મારક ઊભું કરવામાં આવ્યું. કોંક્રિટની ૨૭૦૦ શિલાઓને એન્ટિ ગ્રેફિટી પડ ચઢાવવામાં આવ્યું છે. ક્ષોભજનક સ્થિતિ ત્યારે સર્જાઈ, જ્યારે આ પડ ચડાવવાનો ઇજારો જે કંપનીને આપવામાં આવ્યો તેનો ભૂતકાળ સામે આવ્યો. આ કંપનીનું હિટલરના ગેસ ચેમ્બર કેમ્પમાં ગેસ પૂરો પાડતી કંપની સાથે એ જમાનામાં કશુંક જોડાણ હતું !


