- એક જ દે ચિનગારી-શશિન્
- જવાબદારીનો ન્યાય આપવાની ઉત્કટ અભિલાષા જ જીવન માટે વરદાન બની શકે છે
આ ખો હોલ ખીચોખીચ ભરેલો હતો. સાત વાદ્ય કલાકારો વીણાવાદન પ્રસ્તુત કરવાના હતા. એ સ્પર્ધામાં માત્ર એક શ્રેષ્ઠ વીણાવાદકને જ પુરસ્કાર આપવાનો હતો. સંગીતજ્ઞા નિર્ણાયકો એકાગ્રપણે સંગીત માણી રહ્યા હતા.
એ સાત પૈકી એક કુશળ વીણાવાદકના ચહેરા પર ક્ષણિક ઉદાસી છવાઈ. અને તરત જ એણે સ્વસ્થ થઈને શ્રેષ્ઠ રીતે વીણાવાદન શરૂ કર્યું. હકીકતમાં એના વાદ્યના ચાર તાર પૈકી એક તાર તૂટી ગયો હતો. છતાં પણ એણે વિકટ પરિસ્થિતિનો સામનો કરી ત્રણ તારથી કામ પાર પાડયું. નિર્ણાયકોએ દરેક કલાકારને બે મિનિટમાં પોતાનું વક્તવ્ય રજૂ કરવા કહ્યું. પેલા યુવક સિવાય બાકીના કલાકારો ઘમંડમાં કહેતા કે અમારે માટે તો આ સ્પર્ધા રમત વાત હતી. એટલે અમે તેને ઝાઝું મહત્વ આપ્યું નથી.
હવે પેલા સાતમા યુવકનો બોલવાનો વારો હતો. એણે કહ્યું : પ્રત્યેક વખતે વીણાવાદનને હું પ્રભુપૂજન માનું છું. અને તલ્લીન બની વીણાવાદન કરું છું. આજે અકસ્માત જ વીણાનો એક તાર તૂટી ગયો. હું ક્ષણિક ક્ષુબ્ધ થઈ ગયો. પણ મારા અંત:કરણે મને આદેશ આપ્યો. વિકટ પરિસ્થિતિઓ તો જીવનની વાસ્તવિકતાઓ છે. એનાથી પલાયન ન કરાય પણ એને પડકારાય. વિકલ્પ શોધવાનો વિચાર કરશો તો અંતરાત્મા શ્રેષ્ઠ વિકલ્પ સૂઝાડશે. અને મેં તૂટેલા તારની ચિંતા છોડી બાકીના તારોનો એકાગ્રતા અને નમ્રતાપૂર્વક ઉપયોગ કર્યો. આથી વધારે મારે કશું કહેવું નથી.
અને નિર્ણાયકો તેની નિખાલસતા અને વિકટની ક્ષણે વિચલિત નહીં થવાનું મનોબળ અને આત્મવિશ્વાસ જોઈ પ્રસન્ન થઈ ગયા અને પ્રથમ પુરસ્કાર તેને પ્રદાન કર્યો એટલું જ નહીં એક નિર્ણાયકે તો તેની કદરદાની કરતાં રુ. એક હજારનો તેને ચેક આપ્યો.
એ યુવક માટે જ નહીં સહુ માનવીઓ માટે જીવનમાં વિકટ પરિસ્થિતિઓ સર્જાતી હોય છે અને તેની અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે છે. તે વખતે નુકસાનને ફાયદામાં પલટી નાખવાની કુશળતા જ માણસને કામયાબી પ્રદાન કરે છે. કસોટીની ક્ષણે શ્રદ્ધાપૂર્ણ ચિંતન અને આંતરિક ઊર્જા કામે લગાડવાથી સમસ્યાનું સમાધાન આપોઆપ મળી જશે.
ડેલ કાર્નેગીએ એક મહત્વનો સિદ્ધાંત એ આપ્યો કે જીવનની ખટાશને મીઠાસમાં બદલી નાખો. ડાહ્યા માણસ અને મૂર્ખ માણસના હાથમાં એક લીંબુ આપવામાં આવે તો મૂર્ખ માણસ લિંબુની ખટાશ જોઈ તેને ફેંકી દેશે જ્યારે શાણો માણસ લિંબુમાં ખાંડ ઉમેરી શરબત બનાવશે અને ખટાશને મીઠાશમાં બદલી નાખશે. મનુષ્યને કુદરતે જબરદસ્ત શક્તિ આપી છે. વિકટ પરિસ્થિતિમાં રોદણાં રડનાર માણસ જીવનમાં કદીયે સફળ થતો નથી. પણ જે પરિસ્થિતિને પલટી નાખવાનો આત્મ વિશ્વાસ રાખે છે તે જરૂર સફળ થાય છે. આ સંદર્ભે કારનેગીએ આપેલું થોલ્મા થોમ્પસનનું ઉદાહરણ માર્ગદર્શક બની શકે છે. તે ન્યૂયોર્કમાં રહેતી હતી પણ વિશ્વયુદ્ધ દરમ્યાન તેના પતિની નિમણૂંક ન્યૂમેક્સિકોના મોજાબ નામના રણમાં થઈ. પતિ સવારે કામ પર જતા અને ૧૨૫ ડિગ્રી લૂ અને આંધીને કારણે ધૂળના ગોટાનો મારે સામનો કરવો પડતો. એ સ્થાન પ્રત્યે મને નફરત થઈ. જ્યાં જુઓ તો રેતી-રેતી-રેતી. કાંટાળા થોળ સિવાય વૃક્ષ નામની કોઈ ચીજનું અસ્તિત્વ નહોતું. તેણે કંટાળીને પોતાના પિતાને પત્ર લખ્યો અને જણાવ્યું કે હું અહીં રહી શકું તેમ નથી. અહીં રહેવા કરતાં જેલમાં રહેવું બહેતર છે. મારા પિતાએ મારા પત્રના જવાબમાં બે પંક્તિઓ લખી. ધ્ર્ુ સીહ ર્ર્નંીગ ર્ેા કર્સિ ૅિૈર્જહ મચજિ. ર્ંહી જચુ ારી સેગ ચહગ ારી ર્ારીિ જચુ જાચજિધ. મતલબ કે બે કેદીઓએ જેલમાંથી જોયું. એકે બહાર કીચડ જોયો અને બીજાએ તારાઓ જોયા. થોલ્મા કહે છે કે આ બે પંક્તિઓએ મારો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો. લોકો સાથે હળવામળવાનું શરૂ કર્યું. એમના વણાટકામ વાસણ બનાવવાના કામમાં રસ લેવા માંડયો. રણમાં પણ વૃક્ષોનીા આકર્ષક આકૃતિઓ જોવા માંડી. અને જીવનમાં ઉત્સાહ અને રોમાંચિકતા જન્મી. મેં ખૂબ જ ઉત્સાહમાં આવી 'બ્રાઈટ રૈમ્પોર્ટ્સ' નામની નવલકથા લખી. આમ મેં સ્વનિર્મિત જેલમાંથી બહાર નીકળી ચમકતા તારલાઓ જોયા.
માણસ ફાવતું અને ભાવતું મેળવવા ઝંખે છે પણ એ માટે મૂલ્ય ચૂકવવાની તે તૈયારી રાખતો નથી. જીવનનો એ સિદ્ધાંત છે કે શ્રેષ્ઠ વસ્તુઓ સસ્તામાં મળતી નથી.વિકટ પરિસ્થિતિને સાનુકૂળ બનાવવાનાં સાત માર્ગો યાદ રાખીએ :
૧. પોતાને તુચ્છ અને લાચાર ન માનીએ.
૨. અશક્તિ અને પ્રતિકૂળતાનાં રોદણાં ન રડીએ.
૩. જીવનની ખટાશને મિઠાશમાં બદલવાની કુનેહ સ્વીકારીએ.
૪. જેમણે લાચારીને હડસેલીને ઉત્સાહ અને ઉર્જાની પીઠ પર સવાર થઈ સફળતા હાંસલ કરી છે એવા લોકોના જીવનમાંથી પ્રેરણા લઈએ.
૫. પોતાના નુકસાનને લાભમાં બદલવાની ક્ષમતા કેળવીએ.
૬. હંમેશાં વિજયની જ કામના કરીએ અને સકારાત્મક દ્રષ્ટિ જાળવી રાખીએ.
૭. કીચડ તરફ નહીં, ગુલાબ તરફ નજર રાખો. ગુલાબ કાંટા વચ્ચે પણ કેવું પ્રસન્ન રહી મહેક આપે છે તેમાંથી પ્રેરણા લો.


