Get The App

વરસાદી રાતમાં ચાલાક બાઈક-રાઈડર... .

Updated: Nov 11th, 2025

GS TEAM

Google News
Google News
વરસાદી રાતમાં ચાલાક બાઈક-રાઈડર...                            . 1 - image

- રજનીગંધા-વિભાવરી વર્મા

- 'જુઓ, મેડમ, આમ તો રસ્તો સારો છે પણ વચ્ચે જ્યાં બમ્પ આવે ત્યાં બ્રેક મારવી પડશે. તે વખતે તમારું શરીર જરા દૂર રહે એ રીતે બેસજો.'

અ ચાનક ધોધમાર વરસાદ તૂટી પડયો ! હજી બપોરે તો ધોમધખતો તડકો હતો ! અને અચાનક આ ચોમાસું ?

શિરાલી હજી રેલવે સ્ટેશનનાં પગથિયાં આગળ જ અટકેલી હતી. શનિ-રવિની રજામાં તે મમ્મી-પપ્પાને મળવા માટે આણંદ ગઈ હતી. રવિવારે સાંજની ટ્રેન પકડીને તે અમદાવાદ પાછી આવવાની હતી. પણ રેલવે સ્ટેશનથી છેક પોતાના પીજી એપાર્ટમેન્ટ સુધી પહોંચવાનું મુશ્કેલ હતું.

શિરાલીએ વરસાદથી બચવા માટે મોબાઈલ વડે કેબ બુક કરવાની કોશિશ કરી જોઈ. પરંતુ વારંવાર ટ્રાય કરવા છતાં એકપણ કેબ આ તરફ આવવા તૈયાર નહોતી.

કેબ પછીનો ચોઈસ રીક્ષાનો હતો. પરંતુ શિરાલીએ કેબ બુક કરવામાં એટલો ટાઈમ કાઢી નાંખ્યો હતો કે હવે તો સ્ટેશન આગળ ઊભેલી તમામ રીક્ષાઓ સવારી ભરીને જતી રહી હતી.

મોબાઈલ વડે રિક્ષા બુક કરવામાં પણ એ જ પરિણામ આવ્યું. એક પણ ઓટો આવવા રાજી નહીં. છેવટે તો એક જ ઉપાય હતો... 'બાઈક રાઈડ'નો.

'બટ ઈઝ ઈટ સેઈફ ?' શિરાલીના મનમાં વારંવાર આ જ સવાલ ટકરાઈ રહ્યો હતો 'એક તો આ વરસાદી રાત...ઉપરથી છેક ૧૦ કિલોમીટર સુધી જવાનું. એમાંય બાઈક ચલાવનારો કોણ જાણે કેવો હોય ને કેવો નહીં ? જો એ માણસ કોઈ અજાણી અંધારી ગલીમાં બાઈક ઘૂસાડી દે, અને પછી મારી ઉપર જબરદસ્તી કરે તો....?'

પરંતુ હવે એ રીસ્ક લીધા વિના છૂટકો નહોતો. શિરાલીએ મોબાઈલ વડે બાઈક રાઈડ બુક કરવાનું ચાલુ કર્યું, અને ત્રીજી જ મિનિટે રાઈડ મળી ગઈ ! એટલું જ નહીં સામેથી ફોન આવી ગયો :

'મેડમ, તમે ક્યાં છો ? સ્ટેશનમાંથી બહાર આવતા નહીં, કેમકે પલળી જશો. હું જ તમને લેવા આવું છું.'

શિરાલીએ ફોનમાં જે એકઝેક્ટ ઠેકાણું કીધું ત્યાં એક યુવાન આવી પહોંચ્યો. તેના એક હાથમાં હેલ્મેટ અને બીજા હાથમાં રેઈન કોટ હતો.

'મેડમ, તમે તમારો સામાન મને આપી દો. મારી પાસે પ્લાસ્ટિકની મોટી શીટ છે એમાં વીંટાળી દઉં. જેથી અંદર પાણી ન જાય. અને પ્લીઝ, હેલ્મેટ પહેરવી પડશે.'

શિરાલીને નવાઈ લાગી. કોઈ બાઈક રાઈડર તેના ગ્રાહક માટે આટલું બધું વિચારીને રાખતો હશે ? બીજી બાજુ ડર પણ લાગી રહ્યો હતો કે ક્યાંક આવી સુંદર સુવિધા આપવાને બહાને આ માણસ મને ભોળવીને ક્યાંક...

શિરાલી આખા રસ્તે ચૂપ જ રહી. કંઈ વાત કરીએ તો આ માણસ આપણને વાતોમાં ફસાવે, પણ બોલીએ જ નહીં તો ? છતાં એ બે ચાર વાર બોલ્યો :

'મેડમ, આગળ બહુ ખાડા છે. જરા બાઈકની સાઈડનો સળિયો પકડી રાખજો.'

આગળ જ્યાં સીધો ને સટ રસ્તો હતો ત્યાં પણ એ 'જેન્ટલમેન' હોવાની છાપ પાડવા માગતો હોય તેમ બોલ્યો :

'જુઓ, મેડમ, આમ તો રસ્તો સારો છે પણ વચ્ચે જ્યાં બમ્પ આવે ત્યાં બ્રેક મારવી પડશે. તે વખતે તમારું શરીર જરા દૂર રહે એ રીતે બેસજો. નહિંતર તમને લાગશે કે હું જાણી જોઈને બ્રેક મારીને ગેરલાભ લેવા માગું છું.'

શિરાલીને થયું 'આવી બધી સફાઈઓ મારવાની શી જરૂર છે ? તું તારે બાઈક ચલાવવામાં ધ્યાન આપને ?'

છેવટે પુરી ૪૫ મિનિટ પછી શિરાલીને તેના પીજી એપાર્ટમેન્ટની નીચે ઉતારી ત્યારે એણે પ્લાસ્ટિકમાં જોઈને કહ્યું, 'મેડમ, ૨૫૮ રૂપિયા થયા !'

શિરાલીએ પેમેન્ટ કરવા માટે પોતાનો મોબાઈલ કાઢ્યો પણ આ શું ? ભેજ લાગવાથી મોબાઈલ ઠપ્પ થઈ ગયો હતો. છેવટે કેશ આપવા માટે પર્સ કાઢ્યું તો એમાં છૂટા નહોતા.

શિરાલીએ ૩૦૦ રૂપિયા આપતાં કહ્યું 'કેશ છે. ચાલશે ?'

જવાબમાં પેલા યુવાને પોતાનું પર્સ બતાડતાં કહ્યું, 'સોરી, મારી કેશ પણ પતી ગઈ છે. તમે કહેતા હો તો હું ઉપર આવી જાઉં ? તમારી રૂમ પાર્ટનર પાસેથી છૂટા કરી લેજો.'

શિરાલી સર્તક થઈ ગઈ. 'ના ના ! ઉપર આવવાની જરૂર નથી. તમે બાકીના પૈસા રાખો. આટલું કહીને તે હેલ્મેટ ઉતારીને પોતાની બેગ લઈને ફટાફટ અંદર જતી રહી. છેક ઉપર પોતાના રૂમમાં પહોંચ્યા પછી ખ્યાલ આવ્યો કે પેલા યુવાને આપેલો રેઈનકોટ તો તેણે પહેરી જ રાખેલો હતો ! હવે ?'

***

બીજા દિવસે સવારે જ્યારે કોલેજ જવા માટે શિરાલી નીચે ઉતરી ત્યારે પેલો બાઈકવાળો જાણે તેની રાહ જોતો હોય તેમ ગેટની બહાર જ ઊભો હતો !

'હદ થઈ ગઈ ! આ છોકરો તો પાછળ પડી ગયો લાગે છે.' શિરાલીને થયું.

પેલા યુવાને પોતાની હેલ્મેટ ઉતારી 'મેડમ, આ લ્યો તમારા બાકીના ૪૨ રૂપિયા અને પેલો રેઈનકોટ આવતાં જતાં લઈ લઈશ.'

'વૉટ ડુ યુ મિન આવતાં જતાં ?' શિરાલી બોલી ઊઠી ! શું અહીં રોજ આંટા મારવાનો પ્લાન છે ?' 

'ના,' એ હસ્યો 'એક્ચ્યુલી મારી કોલેજ જવાનો આ રોજનો રસ્તો છે.'

'કોલેજ ?' શિરાલીને નવાઈ લાગી. 'યુ મિન તમે-'

'યસ, હું એન્જિનિયરીંગ કોલેજમાં ભણું છું.'

'ઓહો, અને મોજશોખ કરવા માટે પૈસા જોઈએ તે બાઈક રાઈડરનું કામ કરીને કમાઈ લો છો, એમ ને ?'

'ના....' યુવાનનો અવાજ ગંભીર થઈ ગયો. 'મોજશોખ' કરવામાં હું ડ્રગ્સને રવાડે ચડી ગયો હતો. હવે એમાંથી તો છૂટી ગયો છું. પરંતુ નવરા બેઠાં બીજી લત ઘૂસી ન જાય એટલા માટે આ કામ કરી લઉં છું. જેથી માઈન્ડ બિઝી રહે અને -

'અને ?' શિરાલીને રસ પડયો.

'અને ડ્રગ્સના નશામાં મેં જે બે લાખ રૂપિયા ઉડાવી માર્યા હતા, ેત જાતે કમાઈને હું મારા ડેડીને પણ આપવા માગું છું. મારા ડેડી એક બિઝનેસમેન છે. એમનો સિદ્ધાંત છે કે ગ્રાહક હંમેશાં ભગવાન સમાન હોય છે.'

'ઓહ, એટલે જ તમે બાઈકમાં રેઈન કોટ અને પ્લાસ્ટિક વગેરે રાખો છો ?'

'હા, પણ રેઈનકોટ તમે કાલે આપશો તો પણ ચાલશે !'

શિરાલી હસી પડી. 'ઓકે ?' પણ અત્યારે તમે મને મારી કોલેજ સુધીની રાઈડ આપી શકશો ? મારો મોબાઈલ હવે ચાલુ થઈ ગયો છે, એટલે છૂટ્ટાનો પ્રોબ્લેમ નથી.

યુવાન હસી પડયો, 'શ્યોર કેમ નહીં ?'

શિરાલી બાઈકની પાછળ બેસી ગઈ. આકાશમાં હવે વાદળો વિખરાઈ રહ્યાં હતાં.