- એક જ દે ચિનગારી-શશિન્
- હોળી જેવા પર્વના સંદેશને પહેચાનો અહંકારનો જડમૂળથી નાશ કરો. અહંકાર પતન કરાવે છે
હો ળીની પ્રદક્ષિણા કરતું બાળક એના પપ્પાને પૂછે છે : ''પપ્પા, મારા સર કહેતા હતા કે બહુ સાચા નહીં થવાનું, નહીં તો હિરણ્યકશિપુએ જેમ પ્રહ્લાદને ત્રાસ પહોંચાડયા હતો, અને ફોઈ હોલિકાએ પ્રહલાદને જીવતો જલાવી દેવાનું કાવતરું રચ્યું હતું, તેમ તમારે પણ સત્યનો વાવટો ફરકાવવા જતાં હેરાન થવું પડે. હેં પપ્પા, હોળી નફરતનો તહેવાર કે મહોબ્બતનો ?''
પપ્પાએ બાળકને સમજાવ્યું કે ''હિરણ્યકશિપુ જેવા દુષ્ટો કે હોલિકા જેવી ઢોંગી કાવતરાબાજો પ્રત્યે નફરત દાખવવાનો અને પ્રહલાદ જેવાં સજ્જનો અને પવિત્ર વ્યક્તિઓ પ્રત્યે મહોબ્બત દેખાડવાનું પર્વ છે હોળી. પ્રહલાદ આગમાં પણ જીવતો રહ્યો એ ઘટના સત્યનો વિજય સૂચવે છે.''
આજે આપણે સહુ વ્રતો-તહેવારો-ઉત્સવો ઉજવીએ છીએ, પણ એ ઉત્સવની અસર આપણા જીવનમાં જોવા મળતી નથી. અસત્ય હિરણ્યકશિપુ છે અને સત્ય પ્રહલાદ પણ પ્રહલાદને જલાવા પ્રગટ થતી હોલીને રોકવાની આપણામાં હિંમત નથી. સત્યને ભડભડ સળગતી આગમાં પ્રવેશતું જોવાનું પાપ આજનું જગત કરી રહ્યું છે, જેની સજા નિકટની અને ભવિષ્યની પ્રજાએ-પેઢીઓએ ભોગવવી પડશે.
એકવાર સત્ય અને અસત્ય વાદે ચઢ્યા. સત્યે અસત્યને કહ્યું : ''હું લોકોને એવા રંગથી રંગી દઈશ કે તારો કાળો રંગ કોઈ સ્વીકારશે નહીં, તું હારી જઈશ.''
અસત્ય સત્યની વાત સાંભલી અસત્ય ખડખડાટ હસવા માંડયું. એણે કહ્યું : ''સત્ય, તું જે પરમાત્માનો ઝંડો લઈને ફરે છે એ પરમાત્મા પણ મને પરાજિત નથી કરી શક્યા તો તારું શું ગજું ? તારું સ્થાન માણસની ભાવનામાં છે, અંત:કરણમાં છે અને મારું સ્થાન છે માણસના મનમાં અને બુધ્ધિમાં. એટલે તું મને ભસ્મીભૂત કરવાની કોશિશ કરીશ તોપણ મારું અસ્તિત્વ રહેશે.''
હોળીમાં હોમવા જેવું આપણી પાસે કેટકેટલું છે, જેને મોંઘેરી મૂડીને જેમ આપણે સાચવીએ છીએ. માણસ ચાહે છે પ્રહલાદને પણ પૂજે છે હિરણ્યકશિપુને એટલે અસત્ય રૂપી હિરણ્યકશિપુ એને કલ્પવૃક્ષ સમાન લાગે છે. એટલે તો માણસ અહંકારને, ભ્રષ્ટાચારને, દગા-પ્રપંચને, બિનવફાદારીને, વચનભંગને, હિંસાને, દુરાચારને છોડી શકતો નથી. અસત્યનું રાજ્ય વિરાટ છે અને સત્યનું રાજ્ય ધીરે ધીરે સંકોચાઈ રહ્યું છે. માણસની આંખમાંથી શરમનું ગંગાજળ સુકાઈ રહ્યું છે.
સામાજિક જીવનમાં સત્યમુક્ત આચરણે એવો અડ્ડો જમાવ્યો છે કે પતિ કે પત્નીને પરસ્પર વિશ્વાસ નથી, પિતા-પુત્રને એકબીજામાં વિશ્વાસ નથી. મૈત્રીમાં પણ શંકા અને બિનવફાદારીનો પગપેસારો ભયાનક રીતે થઈ ગયો છે. રાજકારણ પણ ગમતાનો ગુલાલ કરી દ્વૈષહીન બની એકબીજાને રંગવાને બદલે કીચડ ઉછાળીને જ હોળી પર્વની સાર્થકતા માને છે. કથની અને કરણીની વિષમતાવાળું જીવન આજે માણસ જીવી રહ્યો છે. આજે સત્યની પ્રતિષ્ઠાનું રક્ષણ કરવાને બદલે પોતાના મત કે સંપ્રદાયનું રક્ષણ મહત્ત્વનું બની ગયું છે, એટલે સત્યથી ધર્મસ્થાનો પણ વિમુક્ત બનતાં દેખાય છે.
હોળી સંદર્ભે એક વાત સમજમાં આવતી નથી કે તત્કાલીન સમાજ કેવો કાયર હશે ? ત્યારે હિરણ્યકશિપુની સામે થઈ પ્રહલાદના રખેવાળ બનવાની શું કોઈનામાં હિંમત નહોતી ? પ્રહલાદ હોળીમાં ન બળ્યો એનો આનંદ કરવાને બદલે એને હોલિકાના ખોળામાં બેસવા દેવા માટે સમાજે એક થઈને હિરણ્યકશિપુને પડકારવાની હિંમત કેમ ન દાખવી ? પ્રજા જ્યારે શ્રધ્ધા અને વિશ્વાસ ગુમાવી બેસે છે, ત્યારે એ કેવળ શ્વાસ લેતું પૂતળું બની જાય છે. હિરણ્યકશિપુ હણાયો નથી કારણ કે લોકો એને મરવા દેવા માગતા નથી.
સૂર્યા સિંહા લિખિત વાર્તાઓમાં વર્ણવાયેલો એક પ્રેરક પ્રસંગ છે : 'એક સમયની વાત છે. દેશના એક ગામમાં દુકાળ પડયો. ચારે તરફ ભૂખમરાની સ્થિતિ ઉત્પન્ન થઈ. વરસાદને અભાવે ખેતી ન થતાં લોકો અનાજ માટે તરસવા લાગ્યા. આખા ગામમાં હાહાકાર વ્યાપી ગયો. ગામના પંચોએ પંચાયત બોલાવી અને દૈવી આફતમાંથી ઊગરવાનો કોઈ માર્ગ શોધી કાઢવા વિચાર-વિમર્શ કરવા લાગ્યા. પૂજારીએ કહ્યું એક યજ્ઞા કરવામાં આવે, જેમાં ઘરની પ્રત્યેક વ્યક્તિ, ભલે પછી એ બાળક હોય કે યુવાન, સ્ત્રી હોય કે પુરુષ કે વૃધ્ધ પણ બધાં હાજર રહે. યજ્ઞામાં સાચા મન તેમ જ પૂરા વિશ્વાસથી આહુતિ આપે.'
પાંચ દિવસ પછી આવતી પૂનમે યજ્ઞા કરવાનું નક્કી કર્યું. સવારથી જ લોકો પૂજાની સામગ્રી, ફળ-ફૂલ લઈને યજ્ઞા સ્થળ પર એકઠા થવા લાગ્યા. મોટા અને ખુલ્લા સ્થાન પર એક મોટો યજ્ઞાકુંડ સ્થાપિત કરવામાં આવ્યો.
શુભમુહૂર્ત થતાં પુજારીએ ગ્રામદેવીને આમંત્રણ આપ્યું. લોકો ખુશી-ખુશી યજ્ઞામાં ભાગ લઈ રહ્યા હતા. બધાં એ વારાફરતી આહુતિ આપી. લોકોની દ્રષ્ટિ આકાશભણી ચંડાઈ. સૂરજનાં કિરણો તેજ હતાં, મોસમમાં કોઈપણ પ્રકારનો ફેરફાર દેખાયો નહીં. લોકોની ધીરજ ખૂટવા લાગી.
કોઈએ પૂજારીને કહ્યું : ''પૂજારીજી, યજ્ઞા સમાપ્ત થવાની તૈયારીમાં છે પણ આકાશમાં દૂર-દૂર સુધી વાદળોનું નામોનિશાન નથી.
લાગે છે કે ગ્રામદેવીએ યજ્ઞા સ્વીકાર્યો નથી.'' પૂજારીએ કહ્યું : ''યજ્ઞાની શરત પૂરી થઈ નથી. જરૂર કોઈ છે જે આહુતદિ આપવા આવ્યો નથી.'' ત્યારે એક વૃદ્ધ સ્ત્રીએ કહ્યું : ''પૂજારીજી, મારો દીકરો આહુતિ આપવા આવ્યો નથી.''
''તો જાઓ, જલદી તેને બોલાવી લાવો.'' પૂજારીએ કહ્યું ત્યારે લોકોએ જોયું કે એક સાત-આઠ વર્ષનો બાળક એક હાથમાં થાળી અને બગલમાં છત્રી દબાવીને આવ્યો. લોકોએ અને મુખીએ તેને ધમકાવતાં કહ્યું : ''આહુતિઓ વ્યર્થ ગઈ હવે અહીં શું કામ આવ્યો છે. ભાગ અહીંથી.''
બાળકે ગામના મુખીને કહ્યું : ''હું પહેલાં પાસેના ગામમાં ફળ-ફૂલ લેવા ગયો હતો. વરસાદ તો આવશે જ, એટલે હું અને મારી મા પલળી ન જઈએ, એ માટે મારા મિત્ર પાસે છત્રી લેવા ગયો એટલે મોડું થયું.''
પૂજારીએ બાળક પાસે આહુતિ અપાવડાવી અને વરસાદ તૂટી પડયો. લોકો ઝૂમી ઊઠયા. મુખીએ ચિડાઈને છોકરાને કહ્યું : ''જો તેં છત્રી લાવવામાં સમય ન બગાડયો હોત તો વરસાદ વહેલો આવત.''
પૂજારીએ કહ્યું : ''એને શ્રધ્ધા હતી કે વરસાદ ચોક્કસ આવશે. તમને ગામ લોકોને વરસાદ પડવાનો વિશ્વાસ ન હતો, એટલે છત્રી ન લાવ્યાં. આ વિશ્વાસનો વિજય છે.''
સત્ય માટેનો આગ્રહ અને તેનામાં વિશ્વાસ એ પ્રજા જીવનની પ્રમાણિકતા માપવાની પારાશીશી છે. સત્યના માર્ગે ચાલીને પારવાર તકલીફો વેઠવા તૈયાર થનારા લોકો દીવાદાંડીરૂપ છે. જે દેવો, વિભૂતિઓ અને પ્રહલાદ જેવા ભક્તો તથા મહાપુરુષોની આપણે પૂજા-આરાદના કરીએ છીએ એમણે સત્ય ખાતર બેશુમાર પીડાઓ સહન કરી છે.
ઉત્સવો કે પર્વોની ઉજવણીમાં કઈ 8 બાબતો યાદ રાખવી જોઈએ ?
૧. પ્રત્યેક પર્વ કે ઉત્સવના દિવસે પોતાની જાતને એક ઉત્તમ મનુષ્ય બનાવવાનો સંકલ્પ કરો.
૨. પર્વને અંધશ્રધ્ધા કે લાભાર્થી દ્રષ્ટિકોણથી ન ઊજવો. પણ પ્રસન્ન રહેવા પરમેશ્વરે આપેલું વરદાન માની સહુની સાથે આનંદથી માણો.
૩. બાળકોને ઉત્સવ-પર્વોનું મહત્ત્વ ચમત્કાર સંદર્ભે નહીં પણ કોઈક જીવનસંદેશ રૂપે સમજાવો.
૪. તમારાં પોતાના કર્મોનો હિસાબ-કિતાબ રાખી જાતે જ તેનું ઓડિટ કરો.
૫. પવિત્ર કર્મ એજ ધર્મ છે. એમ માની તમારા જીવનને કર્તવ્યનો મહોત્સવ બનાવી દો.
૬. ઉત્સવને ધાંધલ-ધમાલનો અવસર ગણી બાહ્ય દેખાવોને બદલે આત્મા સાથે પરમાત્માના સંવાદની અણમોલ તક બનાવો.
૭. ઉત્સવ કે પર્વના સંદેશને પહેચાનો. અહંકારનો જડમૂળથી નાશ કરો અહંકાર માણસનું પતન કરાવે છે.
૮. ટૂંકમાં માણસે વૈષ્ણવજન બનવાનો પ્રયત્ન કરવો જોઈએ, જે ઉત્સવો અને પર્વોનો સાર છે.


