- રજનીગંધા-વિભાવરી વર્મા
- એના મનમાં એક કડાકો થયો : 'યે સાલી મૌત ભી કિતની કમીની હૈ ? જીને ભી નહીં દેતી, મરને ભી નહીં દેતી...
બિ હારના એક નાનકડા ગામની બાજુમાંથી પસાર થતા એક રેલ્વે બ્રિજ ઉપર મધરાતના અંધારામાં તે ઊભી હતી.
ઓગણીસેક વરસની એની ઉંમર ખરી, પણ શરીર જુઓ તો સાવ માંદલું. નકરો હાડકાંનો માળો. એની ઉપર માંડમાંડ ચોંટી રહેલી હોય એવી કાળીભઠ્ઠ ચામડી.
રેલ્વેના લોખંડી પુલ પર ઊભી ઊભી તે શૂન્ય આંખો વડે નીચેનાં પાણીને તાકી રહી હતી. શું આ પાણી એટલું ઊંડું તો હશે ને જેમાં હું કૂદી પડું તો-
હા, એ કાળી કલુટી છોકરી અહીં આત્મહત્યા કરવા જ આવી હતી !
એનું નામ જ 'કલુટી'. ગામ લોકો અને 'કાલી કલુટી' કહેતા. એનું અસલી નામ શું હતું એ કોઈને ખબર નહોતી. કેમકે એ જન્મી, ત્યારે હજી એની મા એનું નામ પાડે, એ પહેલાં જ આંચકીઓ ખાઇને તે મરી ગઈ હતી.
કલુટીનો બાપ ચાર મહિના પહેલાં એક ટ્રક નીચે આવીને કચડાઈ મર્યો હતો. જનમતાંની સાથે જ 'અપશુકનિયાળ પનોતી બનીને આવેલી કલુટીને ઉછેરવાની જવાબદારી એના કાકા-કાકી ઉપર આવી પડી. પરંતુ કાકા-કાકીને આ માંદલી છોકરીને ઉછેરવામાં કે ભણાવવામાં જરાય રસ નહોતો. ઘરના ઢોર કરતાંય બદતર વ્યવહાર તેની સાથે થતો હતો. કેમકે ઢોરને ખવડાવ્યા પછી એની પાસે મજુરી તો કરાવી શકાય ને ? જ્યારે આ કલુટી કંઈ જ કામની નહોતી.
એટલે જ એને ઘરની બહાર સૂવડાવવામાં આવતી. શિયાળામાં, ઉનાળામાં કે ચોમાસાના ધોધમાર વરસાદમાં ઢોરની થોડીઘણી કાળજી લેવાતી હતી પણ કલુટીની કોઇને પરવા નહોતી.
એની કાકી દહાડામાં દસ વાર એને ઝૂડી નાંખતાં બોલી હશે 'યે કલમુંહી કાલી કલુટી મરતી ક્યું નહીં ?'
પણ કલુટી જિંદગી જીવતી રહી, જો એને કોઈ પણ હિસાબે 'જિંદગી' કહી શકાય તો...
છેવટે જ્યારે તે અઢાર વરસની થઈ ત્યારે તેને ક્યાંક પરણાવીને તેનાથી છૂટકારો મેળવવાના વિચારે કાકા-કાકીએ તેના માટે મૂરતિયો શોધવા માંડયો.
પણ આવી કાલી કલુટીને કોણ પરણે ? છતાં સાત આઠ મહિના પછી એક બાવન વરસનો આધેડ વાંઢો તૈયાર થયો. એ પણ એક શરતે કે 'દહેજમાં પુરા દસ હજાર લઇશ.'
કાકા-કાકીએ કલુટીને પરણાવી દીધી. પણ એક જ મહિનામાં એના ધણીએ અને મારીમારીને ઘરમાંથી એમ કહીને કાઢી મુકી કે 'દહેજમાં દસ હજારની વાત થઇ હતી પણ તારો કાકો બે હજાર આપ્યા પછી મગનું નામ મરી નથી પાડતો ! નીકળ મારા ઘરમાંથી ! જો બાકીના રૂપિયા લીધા વિના પાછી ફરી છે તો બન્ને ટાંટિયા ભાંગી નાંખીશ....'
રડતી કકળતી કલુટી જ્યારે ઘરે આવી ત્યારે કાકીએ એને ઘરમાં તો શું ઢોર બાંધ્યા હતાં એ આંગણામાં પણ પગ મુકવા ન દીધો. કલુટી ભેંકડો તાણીને ત્યાં જ બેસી પડી તો એના કાકએ લાકડીએ લાકડીએ એને ઝુડી નાંખી...
કપાળ પરથી દદડતા લોહી સાથે એ ત્યાંથી નીકળી. પણ ગામમાંથી કોઇએ એની સામું જોયું પણ નહીં.
ઘરથી નીકળીને તે અહીં આ રેલ્વે બ્રિજ પાસે આવી હતી. બસ, એક છલાંગ અને -
ત્યાં તો આખો પુલ ધણધણી ઊઠયો ! એક એક્સ્પ્રેસ ટ્રેન પુરઝડપે ધસમસતી બ્રિજ ઉપર આવી પહોંચી હતી ! કલુટીના પગ નીચેની લોખંડની પાટો હચમચી રહી હતી !
ડર, ગભરાટ અને કાન ફાડી નાંખે તેવી એન્જિનની વ્હીસલથી કલુટીનું બેલેન્સ હલબલી ગયું.... એ બ્રિજની બે લોખંડી પાટો વચ્ચે ફસડાઇ પડી !
ટ્રેન તો ધમધમાટ કરતી પસાર થઈ ગઈ... થોડી વાર પછી તેના પડઘા પણ શાંત પડી ગયા... પણ કલુટી હજી પેલી લોખંડી પાટો વચ્ચે લટકી રહી હતી.
એ ક્ષણે એના મનમાં એક કડાકો થયો : 'યે સાલી મૌત ભી કિતની કમીની હૈ ? જીને ભી નહીં દેતી, મરને ભી નહીં દેતી... ઇસ સે તો અચ્છા હૈ કિ-'
કલુટી જેમતેમ કરીને બહાર નીકળી. એનું માથું ભમી રહ્યું હતું. ગુસ્સાથી મગજ ફાટફાટ થઇ રહ્યું હતું. 'મોત હોય કે જિંદગી... મને કોઇએ કશું આપ્યું જ નથી તો પછી-'
કલુટી એ જ ઝનૂન સાથે ગામ તરફ ચાલવા લાગી, ઘરે પહોંચીને જોયું કે ઉનાળાની રાતમાં એનો કાકો આંગણામાં ખાટલો ઢાળીને ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો.
કલુટીએ આંગણામાં પડેલી મસાલો વાટવાની પથ્થરની ખાંડણી બે હાથે ઉપાડી... અને દાંત કચકચાવીને કાકાને માથે ફટકારી દીધી !
પહેલા જ ફટકે કાકાની ખોપરી ફાટી ગઈ હતી.
છતાં કલુટી વારંવાર એ પથ્થરની ખાંડણી એના માથા ઉપર મારતી રહી...
***
પોલીસ આવીને કલુટીને પકડી ગઈ. કલુટી ચૂપ હતી. કોર્ટમાં કેસ ચાલ્યો, કલુટી અહીં પણ ચૂપ હતી. કલુટીને જનમટીપની સજા પડી. છતાં એક હરફ પણ બોલી નહીં...
ચૌદ વરસની સજા બાર વરસમાં પુરી થઇ. આટલાં બાર વરસમાં કલુટી એક શબ્દ પણ બોલી નહોતી.
જે દિવસે તે જેલમાંથી છૂટવાની હતી તેના પંદરેક દિવસ પહેલાં બધા તેને કહેતા હતા 'અબ તુ આઝાદ હો જાયેગી... વાપસ ગાંવ જા સકેગી...'
પણ જેલમાંથી છૂટવાના ત્રણ જ દિવસમાં ખબર આવી : 'કલુટીએ એની કાકીને દાતરડા વડે કાપી નાંખી...'
* * *
ફરી પોલીસ આવી. કલુટીને પકડીને લઈ ગઈ. કલુટી આ વખતે પણ ચૂપ હતી...
કોર્ટમાં કેસ ચાલ્યો. કલુટી અહીં પણ ચૂપ રહી. કલુટીને ફરી જનમટીપની સજા પડી...
પાછી આવીને તે જેલની ખોલીની દિવાલ ઉપર પોતાનું માથું ટેકવીને બેઠી ત્યારે તે સ્હેજ બબડી :
'યહીં ઠીક હૈ... મૌત ભી પરેશાન નહીં કરતી, ઔર જિંદગી ભી....'


