Get The App

જીવનમાં સુખી અને સંતોષી બનવા માટે યાદ રાખવા જેવી પાંચ બાબતો

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
જીવનમાં સુખી અને સંતોષી બનવા માટે યાદ રાખવા જેવી પાંચ બાબતો 1 - image

- એક જ દે ચિનગારી-શશિન્

- સંતોષમાં સુખ એટલા માટે સમાયેલું છે કે એ માણસને જાતજાતના માનસિક પરિતાપોથી દૂર રાખે છે સતોષી નર સદા સુખી

''મને લાગે છે કે મારે આપણા બિઝનેસમાંથી મુક્ત થવું જોઈએ'' એક ભાગીદારે કહ્યું.

''કેવી નાખી દીધા જેવી વાત કરે છે ? અત્યારે આપણો બિઝનેસ ખૂબ જોશમાં ચાલે છે. લોઢું ગરમ હોય ત્યારે ટીપી લેવું જોઈએ.'' બીજા ભાગીદારે કહ્યું.

''લોઢું ટીપતાં ટીપતાં તો આખી જિંદગી ટીપાઈ ગઈ. હવે મારે શાંતિ જોઈએ છે. જે કમાયો છું, એ મારા શેષ જીવન માટે પૂરતું છે.'' પહેલો ભાગીદાર બોલ્યો.

પહેલા ભાગીદારની વાત વિચારવા યોગ્ય છે. કેવો મહાન માણસ છે એ ! સંતોષી માણસ સદાનો અમીર છે અને અસંતોષી માણસ કાયમનો ગરીબ.

પૈસા, પ્રતિષ્ઠા, પદ એ બધાને સર્વસ્વ માનીને એની પાછળ દોડતો માણસ સાચું જીવન જીવી શકતો નથી. ભવિષ્યમાં સરસ જીવન જીવીશું, એવી એષણામાં વર્તમાનની સોનેરી ક્ષણો વેડફી દેતો હોય છે.

મનુષ્ય પૈસાને જ મહત્ત્વનો ગણી તેની પાછળ દોડવામાં જીવન વેડફી નાંખે તો વેડફાઈ ગયેલી જિંદગીની કિંમત એક પૈસા જેટલી રહેતી નથી.

પ્રત્યેક માણસ એક જ સ્વપ્ન સાથે પરિશ્રમ કરે છે કે પોતે પૈસાનો માલિક બની શકે, પણ એ પૈસાનો દાસ બની જાય છે. પૈસો એ સ્વામી બનાવવા લાયક વસ્તુ નથી અને તેથી જ જેણે સુખી થવું છે તેણે હંમેશા યાદ રાખવું પડે છે કે હું લક્ષ્મીનો સેવક કદાપિ નહીં બનું. જે પૈસાને દિલમાં સ્થાન આપે છે તે મરે છે. જો ગુલામ બનવું જ હોય તો પ્રભુના ગુલામ બનવું, ધનના નહીં. પ્રભુનું દાસત્વ એટલે સંપૂર્ણ આઝાદી.

પણ આપણા જીવનની એ જ કરુણતા છે કે આપણે ઈશ્વરના સેવક બનવાને બદલે મનુષ્ય, મિલકત, ધન અને સત્તાના સેવક બનીએ છીએ. અને તડપીએ છીએ મુક્તિ માટે, ઝંખીએ છીએ શાંતિને ! પછી મુક્તિ અને શાંતિ મળે ક્યાંથી ?

ઈશ્વરના દાસ બનવાની પહેલી શરત છે, અહંકારનો પરિત્યાગ, ઈશ્વર સાથેની અદ્વૈતતાનો અહર્નિશ જયજય-કાર !

માણસ ઈચ્છાઓને રવાડે ચડે, એટલે બુહુરૂપિણી ઈચ્છાઓ જુદાં-જુદાં રૂપ દેખાડી માણસને પોતાની જાળમાં ફસાવતી રહે છે. એક ઈચ્છા પૂર્ણ ન થાય એટલે બીજી દસ હાજર. એ દસ સંતોષો એટલે બીજી સૌ તૈયાર, એમ ઈચ્છાઓનું ચક્ર ચાલ્યા જ કરે. આપણું આયુ સીમિત, આપણાં સાધનો સીમિત, આપણી શક્તિ સીમિત એટલે જિંદગીમાં તમામ ઈચ્છાઓ પૂરી પણ ન જ થાય પરિણામે માણસ દુ:ખી - દુ:ખી થઈ જાય છે, આમાંથી ઉભરવા માટે સંતોષ બહુ મહત્ત્વનું પરિબળ છે.

માણસે પોતાની આકાંક્ષાઓનું પણ બજેટ બનાવવું જોઈએ. અને વિવેક શક્તિ દ્વારા ત્યાજ્યને જાકારો આપવો જોઈએ. કારણ કે અરમાનોને જગાડવાનું કામ સહેલું છે, પણ ભગાડવાનું કામ અઘરું છે. માણસની તમામ ઈચ્છાઓ ક્યારેય પૂરી ન થાય, કારણ કે માણસ પોતે જ અપૂર્ણ છે. એટલે મનને બહેકવા ન દેવું, એ સુખનો રાજમાર્ગ છે. પોતાની ઈચ્છાઓની ચકાસણી કરવી જોઈએ. 'હું વિચારું છું તે યોગ્ય છે ? પોતાની વિચારસરણીનું સતત મૂલ્યાંકન કરી એમાં જરૂરી સુધારા-વધારા કરવાની તૈયારી રાખવી જોઈએ. ઈચ્છાઓના દાસ બનવાને બદલે જે ઈશ્વરનું દાસત્વ સ્વીકારે છે તે પોતાની ઈન્દ્રિયો ને વશ કરી, સમત્વનું પરિપાલન કરી, ઈશ્વરના દ્રઢ, અવિચળ, અવર્ણનીય, અને સર્વવ્યાપી સ્વરૂપને આરાધે છે. અને તે જ માનવ માત્રના કલ્યાણની કામના કરે છે.'

તેથી જ સંતો-પામર મનુષ્યનું શરણું શોધવાને બદલે સમર્થ ઈશ્વરનું શરણ શોધે છે.

ઈશ્વરની ગુલામી, એટલે નેક જીવન જીવવાનું આજીવન વ્રત ! મનુષ્ય પોતાની ઈચ્છાને બદલે ઈશ્વરની ઈચ્છાને સર્વૌપરિ ગણે છે. ત્યારે મુક્તિના મહાદ્વારે પહોંચવાને સમર્થ બને છે. જેનું નામ લોકજીભે નેક ઈન્સાનોની યાદીમાં ન રમતું હોય તે જીવિત છતાં મૃત જેવો છે.

આનો અર્થ એ નથી થતો કે ધનનું જીવનમાં મહત્ત્વ નથી. ધન મેળવો પણ ધર્મથી, ધન એકઠું કરો તોપણ ત્યાગપૂર્વક, દાનપૂર્વક, ભરપૂર રહેવું હોય તો ખાલી થવાની કળા પહેલાં શીખી લેવી પડે છે. કાંણાવાળી નૌકા ડૂબાડે, પણ કાંણાવાળી નાણાં કોથળી તારી શકે. દાન એ કોથળીને બચાવનારું કાણું છે. જેઓ ધનને દેવ માને છે. તેઓને જ ધન દાનવ બની હણે છે. જોકે સાંસારિક જીવનમાં દ્રવ્યની સર્વથા ઉપેક્ષા કરવાનું શક્ય નથી. અર્થલાલસા માણસને વિવેકહી ન બનાવે એટલા માટે જિંદગીના ચાર પુરુષાર્થોમાં અર્થ ને દ્વિતીય અને ધર્મને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે.

ધર્મ અર્થનો દાસ નથી, પરંતુ અર્થ ધર્મનું સ્મરણ કરીને જ પોતાનું તંત્ર ચલાવે એ અપેક્ષિત છે. ધન આવે પરંતુ ધર્મ ન ભૂલાય તો ધનનું આગમન સાર્થક. તેથી જ કહેવામાં આવ્યું છે કે પરમાત્માને સ્વીકાર્ય એવાં માનવહિતનાં કાર્યો જે ધનપતિને હાથે પોતાની લક્ષ્મી થકી થતાં હોય છે તેવો ધનપતિ એ પરમાત્માની કૃપા પામેલો અધિકૃત એવો માનવતાનો વ્યાપારી છે.

'લક્ષ્મી' અંગેની અનેક કથાઓ મહાભારત-પુરાણો વગેરેમાં જોવા મળે છે. એક સંવાદમાં લક્ષ્મી વિષ્ણુને કહે છે 'જે ઘરમાં અભ્યાગત અતિથિને દાન, માન ચરણ-પ્રક્ષાલન ભોજન અપાય છે, જ્યાં સજ્જનોની સેવા થાય છે, જ્યાં પિતૃઓનું તથા દેવોનું પૂજન થાય છે, સત્યનું પાલન થાય છે. ગાયોનું પાલન થાય છે, ધાન્યોનો સંગ્રહ થાય છે, કજિયો થતો નથી, ત્યાં હું નિશ્ચિત બનીને વાસ કરું છું.'

માણસનું મન તો ચંચળ છે. ઈચ્છાઓનો અનંત મહાસાગર તેમાં હિલોળા લેતો રહે છે. એટલે જો તૃષ્ણાઓના તરંગોને તોફાને ચઢવા દેવામાં આવે તો માણસ શાંતિ અને સ્વસ્થતા ખોઈ બેસે એટલે સંતોષી મનોવૃત્તિ પર ભાર મૂકવામાં આવે છે. અસંતોષ ઘણીવાર માણસ પાસે એવાં કાર્ય કરાવે છે કે જે તેના માટે ખતરારૂપ પુરવાર થાય.

એટલે આપણી પાસે હોય એનાથી સંતુષ્ટ રહેવું. પણ એનો અર્થ એવો નથી કે આપણે જેવા હોઈએ તેનાથી સંતુષ્ટ જ રહેવું. માણસને પ્રગતિ કરવાનો જન્મસિદ્ધ અધિકાર છે. એણે વિવેક અને સમજણપૂર્વક આગળ વધવું જોઈએ. પરંતુ કેવળ આગળ વધવા તરફ નજર રાખે તો આગળ વધવાની વિવેકશૂન્ય ભૂખ એની પાસે સાધનની શુધ્ધિ છીનવી લે. અસંતોષ એની પાસે મનમાન્યાં કાર્યો કરાવે, તૃષ્ણા એને રાતદિન નચાવ્યા કરે.

સંતોષમાં સુખ એટલા માટે સમાયેલું છે કે એ માણસને જાતજાતના માનસિક પરિતાપોથી દૂર રાખે છે. સંતોષ એ નથી પરાજય કે નથી પ્રયત્નનું પૂર્ણવિરામ, એએ તો છે પરિતૃપ્તિનો ઓડકાર માણીને સહજ રીતે જીવવાનું ઈજન છે.

બીજાના સુખો સાથે કે જીવન સાથે આપણા જીવનની તુલના કર્યા વગર જે કાંઈ આપણું છે તેનો આનંદ લેવો એ જ પરમ સંતોષ છે.

જીવનમાં સુખી અને સંતોષી બનવા માટે યાદ રાખવા જેવી પાંચ બાબતો.

૧. સંતોષ મનને શાંત બનાવનારું અદ્દભુત ઔષધ છે.

૨. સંતોષ એ પ્રયત્નનું પૂર્ણવિરામ નથી પણ સમજણ અને વિવેકપૂર્ણ આગળ વધવાની પ્રક્રીયા છે.

૩. સંતોષ અપેક્ષાઓના દાસ બનવાને બદલે અપેક્ષાઓને પોતાની દાસી બનાવી પુરુષાર્થ કરવાનો સંદેશ આપે છે.

૪. ગુલામ બનવું હોય તો પ્રભુના ગુલામ બનો ધનના નહીં.

૫. સંતોષી નર સદા સુખી