- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
ભારતમાંથી વિદાય લેનારા અંગ્રેજો તેમની પાછળ જે બ્રિટિશ કલ્ચરની છાપ મૂકતા ગયા તેનો જ એક ભાગ એટલે અશ્વોની રેસ. આજેય ઇંગ્લેન્ડમાં ઘોડાની રેસો ખૂબ પ્રચલિત છે અને ખૂબ પ્રામાણિકતાથી ઘોડાની રેસ ખેલાય છે. ભારતમાં પણ અંગ્રેજોના શાસન દરમિયાન જ આ ખેલની શરૂઆત થઈ હતી. કલકત્તા ટર્ફ કલબ, વેસ્ટર્ન ઇન્ડિયા ટર્ફ કલબ અને સાઉથ ટર્ફ કલબ અ ભારતમાં ઘોડાની રેસનું નિયંત્રણ કરનારી ત્રણ મુખ્ય ક્લબ છે. ૧૮૪૭મા કલકત્તા ટર્ફ ક્લબની સ્થાપના થઈ. ૧૮૬૪માં મુંબઈમાં વેસ્ટર્ન ઇન્ડિયા ટર્ફ ક્લબ અને ૧૯૫૩માં મદ્રાસ ખાતે ક્લબની સ્થાપના થઈ. મુંબઈના મહાલક્ષ્મીના રેસકોર્સ પર ૧૮૮૩ની સાલથી રેસ રમાવાની શરૂ થઈ અવું રેકોર્ડ્સ જણાવે છે, અને ૧૯૨૫થી આ ક્લબને પ્રાઇવેટ લિમિટેડ કંપની તરીકે નોંધાવામાં આવી. રેસની ઉત્તેજના માત્ર થોડીક મિનિટો પૂરતી જ હોય અને અઠવાડિયાના અમુક જ દિવસ રેસ રમાતી હોય તો પણ આ ઉદ્યોગ લગભગ ૨૪ કલાક અને ૩૬૫ દિવસનો છે. આખું વર્ષ ઘોડા, તેમના તબેલા, તેમના ઉછેર અને તાલીમ ઉપરાંત ટર્ફ ક્લબની સંપૂર્ણ સંભાળ માટે હજારો કામદારોની જરૂર પડે છે. રેસની સીઝનમાં મુંબઈમાં હજારથી બારસો ઘોડાઓ આ તબેલાઓમાં રાખવામાં આવે છે. આપણા દેશમાં પેદા થતા મોટા ભાગના ઘોડાઓને પોલીસ અને સૈન્યમાં લેવાતા હોવા છતાં ભારતભરની રેસમાં દોડાવવા માટે પણ ભારતમાં જ પેદા થયેલા ઘોડા લેવા જોઇએ એવો નિયમ છે. આથી બહારના દેશોમાંથી અહીં લાવીને સારી નસલના ઘોડા પેદા કરવાનો (બ્રીડિંગ) અશ્વ ઉછેરનો એક અલગ હુન્નર ભારતમાં ખીલ્યો છે. એક અંદાજ મુજબ આખા ભારતમાં ૧૨૦ સ્ટડફાર્મ આવેલાં છે.
નામશેષ થવાને આરે ઊભેલું પ્રાણી : ટપીર
આ પૃથ્વી બની ત્યારથી અનેક પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યાં અને અનેકનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું. ટપીર પણ આવું જ એક નામશેષ થવાને આરે ઊભેલું પ્રાણી છે. મોટાભાગે લોકો એને ભૂંડ અથવા એન્ટઇટર (કીડી ખાઇને જીવતું પ્રાણી) માની બેસે છે, પરંતુ હકીકતમાં આ શરમાળ અને સર્વભક્ષી (જે મળે તે ખાઈ લેતા) પ્રાણીના નજીકના સગા ઘોડો અને જળઘોડો છે. એટલે કે ટપીર અશ્વ કુળનું જાનવર છે. ટપીર જન્મે છે ત્યારે એના શરીર પર ઝેબ્રાની જેમ પટ્ટા હોય છે. પણ એ જેમ જેમ મોટું થતું જાય અમ શરીર પરના પટ્ટા ઝાંખા પડતા જાય છે.
લૂ લાગવાથી શા માટે બચવું જોઈએ?
ગરમીની મોસમમાં જો તમારા શરીરમાં ઉષ્ણતાનું આપોઆપ નિયમન થઈ ન શકે તો તમને લૂ લાગી છે એવું કહેવાય. આપણું શરીર પાણીના બાષ્પીભવનના નિયમન આધારે કુદરતી રીતે ઠંડું રહે છે. શરીરનું ઉષ્ણતામાન વધે તેમ શરીર પરસેવા દ્વારા એની સામે પ્રતિક્રિયા બતાવે. જ્યારે એ પરસેવાનું બાષ્પીભવન થઈ જાય ત્યારે શરીર ઠંડું પડે છે. હવામાનમાં ભેજના પ્રમાણના આધારે પરસેવાનું ધીમું કે ઝડપથી બાષ્પીભવન થાય છે. સૂકી હવામાં પરસેવાનું આસાનીથી બાષ્પીભવન થાય છે તેથી શરીર પણ ઝડપથી ઠંડું થાય છે, પણ બહુ ભેજવાળી હવામાં પરસેવાનું ઝડપથી બાષ્પીભવન થતું નથી. એવી રીતે, અત્યંત ગરમ આબોહવામાં પણ શરીર કુદરતી રીતે ઠંડું પડતું નથી. એવી પરિસ્થિતિમાં હવાનું પરિભ્રમણ બરાબર હોતું નથી એટલે પરસેવાનું બાષ્પીભવન થતું નથી. જો તમારો પરસેવો તમારા શરીરને ઠંડું રાખવામાં નિષ્ફળ જાય તો શરીરમાનું ઉષ્ણતામાન ઝડપથી વધે છે અને અને કારણે ગરમી સંબંધિત રોગો થાય છે. ગરમીમાં જો પૂરતી કાળજી ન લેવાય તો લૂ લાગી જાય છે અને તેને કારણે ડીહાઇડ્રેશન થઈ
જાય છે. અમાં ક્યારેક વ્યક્તિને મૂર્છા આવી જાય છે. વધુ પડતી કસરત કર્યા બાદ કે વધુ પડતો શ્રમ કર્યા બાદ પણ શરીરમાં ગરમીનું પ્રમાણ વધી જાય છે, તથા પાણી અને મીઠાંનું પ્રમાણ ખૂબ ઘટી જાય તો શરીર ખેંચાવા લાગે છે. સખત લૂ લાગવાથી માથામાં ઓચિંતો દુખાવો થાય છે, ઉપરાછાપરી ઊલટીઓ થાય, ચક્કર આવે છે, શરીરમાં નબળાઈ લાગે છે. ઘણી વખત વ્યક્તિનું હૃદય, ફેફસાં, કિડની કે મગજ બંધ પડી જવાનું પણ જોખમ રહે છે. નાનાં બાળકો, વૃદ્ધો તથા માંદા લોકોને લૂ લાગવાની શક્યતા વધુ રહે છે. એવી જ રીતે, ચરબીવાળા શરીરમાં પણ ગરમી વધુ હોય છે. લૂ લાગવાથી ચામડીના રોગ થાય છે જેને કારણે તમારા શરીરમાં પરસેવો થવાની પ્રક્રિયા ખોરવાઈ જાય છે.
કિડની દરરોજ 1500 લિટર લોહી સાફ કરે છે
આપણી કિડની દરરોજ ૧,૫૦૦ લિટર લોહી સાફ કરે છે. બન્ને કિડનીમાં દસ લાખ નેફ્રોન હોય છે. આપણી કિડની રોજનું ૧૮૦ લિટર અશુદ્ધ પ્રવાહી ફિલ્ટર કરીને તેમાંથી ૧૭૯ લિટર પ્રવાહી શુદ્ધ કરે છે. બાકીની એક લિટર જેટલી અશુદ્ધિ પેશાબ રૂપે નીકળી જાય છે. શરીરમાં બે કિડની હોય છે, પણ વ્યક્તિ ફક્ત એક કિડનીના આધારે તંદુરસ્ત જીવન જીવી શકે છે. તેના કારણે જ કિડનીદાન કરવું સહેલું છે. લોહી શુદ્ધ કરીને લાલ રક્તકણ જાળવી રાખવા ઉપરાંત કિડની બ્લડપ્રેશરને કાબૂમાં રાખવામાં અગત્યની ભૂમિકા ભજવે છે.
બ્રિટનનું મજેદાર સંશોધન
બ્રિટનમાં થતાં સશોધનો પણ મજેદાર હોય છે. પોલ્સ એગ્કિલ્ચ નામની સંસ્થા વતી ડૉ. માર્ટિન ઓવર્સે સંશોધન કર્યું છે કે શિયાળામાં ગાય જે લીલા રજકાનું ઘાસ ખાય છે તેમાંથી બરાબર એક બોટલ જેટલો સ્કોચ વ્હિસકી બને છે. એટલે કે ૧૦ કિલો રજકામાંથી ૪૦૦ ગ્રામ પ્યોર આલ્કોહોલ બને છે. ગાયોને નશો ચઢતો નથી કારણ કે માનવી કરતાં તેનું વજન ૧૦ ગણું છે. માણસ જેટલો વધુ વજનદાર તેટલો ઓછો નશો ચઢે છે.


