Get The App

બારેય મહિના પવિત્ર છે એમ આપણે કેમ નથી માનતા?

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
બારેય મહિના પવિત્ર છે એમ આપણે કેમ નથી માનતા? 1 - image


- એક જ દે ચિનગારી-શશિન્

- પરભવની વાત પછી, પણ આ ભવને સુધારવાના સાત માર્ગો કયા ?

ન દીએથી સ્નાન કરીને પાછા જતાં એક ભાઈએ બીજા ભાઈને કોઇ ત્રીજા વિષે વાત કરી એટલે પેલા ભાઈએ કહ્યું : ''યાર, હમણાં એમની વાત રહેવા દો. આ શ્રાવણ મહિનો પૂરો થાય પછી એમના કારસ્તાનની એવી-એવી વાતો તમને કરીશ કે તમે ય દંગ રહી જશો. અત્યારે હું કોઇની કૂથલી કરવા નથી માંગતો.''

ચતુર્વિધ પુરુષાર્ષમાં હિન્દુ ધર્મે પ્રથમ સ્થાન આપ્યું છે ધર્મને. અને અંતિમ લક્ષ્ય  બતાવ્યું છે મોક્ષને. મોક્ષ પ્રાપ્તિના સાધન તરીકે ધર્મનું સદા ય સ્મરણ રાખવું જોઇએ. પણ જે પરભવ સુધારવાની આપણે વાતો કરીએ છીએ એનો પાયો તો વર્તમાન જીવન છે. એટલે મોક્ષની શરૂઆત વર્તમાન જીવનની પ્રત્યેક ક્ષણને ધર્મનિષ્ઠ, કર્મનિષ્ઠ અને માંગલ્યપૂર્ણ રાખીને જ થઇ શકે.

એટલે સારા બનવા માટે કોઇ વિશેષ મહિના કે પર્વ-ઉત્સવની જરૂર નથી, કારણ કે, જીવવા મળેલી પ્રત્યેક પળ પોતે જ એક મહોત્સવ છે.

ખરું પૂછો તો ધર્મનું પરિપાલન એ ફાયદા માટે નહીં પણ જીવવાના એક કાયદા કે નિયમ તરીકે જ વિચારવું જોઇએ. જીવવા માટે આપણે ગંદો ખોરાક, ગંદા વસ્ત્રો, ગંદકીભર્યો આવાસ કે શ્વાસ લેવા માટે પ્રદૂષિત વાયુંને પસંદ કરતાં નથી, પણ એ તમામ બાબતોમાં શુધ્ધતાને આવકારીએ છીએ, તેમ મન, વચન અને કર્મમાં પણ એવી જ શુધ્ધતાનો આગ્રહ રાખીએ તો પ્રસન્નતાપૂર્વક જીવવાની અને બીજાને તેવા વાતાવરણમાં જીવવા દેવાની પરિસ્થિતિ સર્જાય છે. ક્યારેક આપણે કેટલાંક લોકોને ફરિયાદ કરતાં જોઇએ છીએ કે ધર્મના માર્ગે જનારને દુ:ખ, પીડા કે ત્રાસ સિવાય બીજું મળે છે પણ શું ? અને જો સત્કાર્યનો આ જ પુરસ્કાર મળવાનો હોય તો માણસ શું કામ ધર્મમાર્ગનું શરણું શોધે ?

પણ આવી દલીલમાં ય આપણી દ્રષ્ટિ કેવળ 'લાભ' જ શોધતી હોય છે. ફાયદાશોધક  દ્રષ્ટિએ જ આપણને ભરમાવ્યા છે, કારણ કે સમાજ અને જીવન કાયદાની વ્યવસ્થા પર અવલંબિત નથી પણ પ્રેમ જેનું બીજું નામ છે ત્યાગ, સમર્પણ અને બિનશરતી ઘસાવાની વૃત્તિ છે, તેના પર અવલંબિત છે. 'હું માણસ છું માટે સાત્વિક રીતે જીવવા બંધાયેલો છું.' આ જ ધર્મની વણલખી આણ છે. આ આણનો વ્યક્ત-અવ્યક્ત સાદ સૂણવાં ગમે તે દેવાલય કે બંદગી-ઉપાસના-આરાધનાના સ્થળ જાઓ, કશો જ ફેર પડતો નથી.

માણસ જ્યારે પણ વ્રત, ઉપાસના કે તપની વાત આવે છે, ત્યારે એ પોતે વેઠવાનાં કે વેઠેલાં કષ્ટોની વાતની ગંભીરતાપૂર્વક નોંધ લે છે અને લેવડાવે છે. પણ આવાં કષ્ટો માણસ અર્થોપાર્જિન માટે કે પોતાના પ્રિય માત્રની પ્રાપ્તિ માટે ક્યાં નથી લેતો ? ડોલર કમાવા અમેરિકા દોડતા જતા માણસના કષ્ટો પાછળ કેવળ આર્થિક સુખની એષણા જ કામ કરતી હોય છે. અને ભૌતિક સુખોના ઉપભોગની ભૂમિકા તૈયાર કરવા વેઠવાં પડતાં કષ્ટો વચ્ચે ય એ ઉત્સાહી રહી શકે છે. તો પછી મનની પ્રસન્નતા માટે જીવનમાં મન-વચન અને કર્મની સાત્વિકતાની સાધનામાં શા માટે તેણે વેઠવા પડતાં કષ્ટોને મહત્વ આપવું જોઇએ ? જ્ઞાાન અને વિજ્ઞાાન બન્નેનો માર્ગ તો એક જ કષ્ટભર્યો.

આજના માણસની નજર ઉત્તર દિશાના ધુ્રવ તરફ નહીં પણ ઊતરતી કક્ષાના ધુ્રવ પર રહે છે, એટલે એ દુ:ખી થાય છે. લિપ્તતા એ વળગાડ છે અને અલિપ્તતા એ મોક્ષ. આવી અલિપ્તતા માટે કોઇ પવિત્ર દિવસ, માસ કે પર્વની પ્રતીક્ષાની જરૂર નથી. સંસાર પરિત્યાગની પણ જરૂર નથી પણ મનમાંથી વધારે પડતી સાંસારિકતા કાઢી નાખવાની જરૂર છે.

એટલે જ આપણે નદીએ નાહીને ઘેર જનાર પેલા સજ્જનની જેમ કૂથલીનો કાર્યક્રમ શ્રાવણ મહિના પૂરતો જ  સસ્પેન્ડ ન કરીએ પણ સદા માટે કૂથલીને તિલાંજલિ આપીએ, કારણ કે વર્ષના ત્રણસો પાંસઠેય દિવસો પવિત્રતાનો પેગામ આપવા માટે જ ઊગતા હોય છે.

ટૂંકમાં પરભવને સુધારવામાં આપણે આ ભવનો અનાદર ન કરવો જોઇએ. એટલે ભગવાનનું નામ લેવું જેટલું અગત્યનું છે તેટલું જ અગત્યનું ભગવાનને ગમે તેવું કામ કરવું  અગત્યનું છે.

સામાન્ય લોકોને ઇશ્વર વિષયક તમામ વાતો જ્ઞાાનને માર્ગે સમજાવી શકાય નહીં એટલે ઇશ્વરના સાકાર સ્વરૂપ અને અવતારોની વાત ઇશ્વર સાથે જોડાતી ગઈ...અને ઇશ્વરને ભજવાના આધારરૂપે મૂર્ત સ્વરૂપે ઇશ્વર પ્રત્યે ભક્તિભાવ પ્રદર્શિત કરવા માટે પ્રતિમાઓનું નિર્માણ થયું.

પણ એનો અર્થ એ નથી કે સત્કર્મો, સદાચાર, પરોપકાર, ત્યાગ, દાન સન્નીતિ અને જીવનની પવિત્રતાને મહત્વ ન આપવું. આ બધાં તો ઇશ્વરમય જીવન જીવવાના સોપાનો છે. ઇશ્વર આપણી અંદર રહેલો છે એનો અર્થ એ જ કે ચૈતન્યશક્તિ એ ઇશ્વરનું જ સ્વરૂપ છે. એટલે અંદરથી શુદ્ધ બનો એટલે તમે ઇશ્વરની નિકટ પહોંચી જશો.

તીર્થસ્થાનો, યાત્રાધામો વગેરેમાં મનુષ્ય માનસિક શાન્તિ અને આત્મસંતોષ માટે જતો હોય છે. તેમ છતાં એ બધાં માટે પ્રાથમિક આવશ્યકતા છે વિશુધ્ધ મનની. જ્યાં સુધી બાહ્ય અને આંતરિક મલિનતા ધોવાય નહીં ત્યાં સુધી કોઇપણ તીર્થયાત્રા ફળતી નથી.

ઇશ્વરની પૂજા કરવી જેટલી જરૂરી છે તેટલું જ ઇશ્વરની આજ્ઞાાનું પાલન કરવું જરૂરી છે. લોકોને તીર્થયાત્રાથી માનસિક શાન્તિ પ્રાપ્ત થતી હોય તો તેવાં સ્થળોની યાત્રાને 

નિરર્થક માનવાના વિવાદમાં પડવાનો અર્થ નથી. હા, ઇશ્વરને અંધશ્રધ્ધાનો વિષય બનાવી મંત્ર-તંત્ર-ક્રિયાકાંડ વગેરેની જાળમાં ફસાવા માટે તીર્થસ્થાનનો ઉપયોગ ન જ કરાય. જ્યાં સત્પુરુષ વિરાજિત હોય તે તીર્થ એટલે તો ગણપતિએ માતા-પિતાના ચરણોને તીર્થસ્થાન માન્યું. કોઇ ગુરુમાં તીર્થનું દર્શન કરે છે તો કોઇ નદીમાં. એટલે માણસો પરમતત્વ પ્રત્યેની ભાવનાની ભક્તિની અભિવ્યક્તિને તીર્થયાત્રા કરતાં પણ વધુ મહત્વ આપે છે.

પરભવની નહીં પણ આ ભવની ચિંતા કરવી જોઇએ. આ ભવને સુધારવા માટે અપનાવવા જેવા : સાત માર્ગો.

૧. મન અને અંત:કરણની પવિત્રતતા

૨. જીવમાત્ર-પ્રાણીમાત્રમાં પરમેશ્વરનું દર્શન

૩. કટુવાણીનો સદંતર ત્યાગ અને મીઠી વાણીનો સદંતર ઉપયોગ

૪. પ્રત્યેક દિવસ એ પર્વ વિશેષ છે એમ માની નિષ્ઠા અને પવિત્રતાપૂર્વકનું વર્તન

૫. કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે છ દુશ્મનો પર આકરું નિયંત્રણ. નિરંતર આત્મદર્શન

૬. પ્રત્યેક માણસમાં દોષદર્શનને બદલે ગુણદર્શન.

૭. સુખ-દુ:ખ બન્ને પ્રત્યેની અનાશક્તિ.

Tags :