- રજનીગંધા-વિભાવરી વર્મા
- કાનનનું દિલ એક ધબકારો ચૂકી ગયું! આને મારા મનની વાત ક્યાંથી ખબર પડી?
'કા નન, હવે તું ચોંત્રીસ વરસની થઈ. હવે તો કોઈને પસંદ કરી લે ?'
આવું કાનનને વારંવાર સાંભળવાનું થતું હતું. પરંતુ કોઈ પસંદ પણ પડવું જોઈએ ને ? કાનનની કાયા હજી આ ઉંમરે પણ કામણગારી હતી. ગોરી ત્વચાની ચમક જરાય ઝાંખી પડી નહોતી. ઉપરથી રોજ ઓફિસમાં આવતી વખતે સુંદર વસ્ત્રો પહેરવાં, સરસ હેરસ્ટાઈલ કરવી, આંખો પર આઈ-શેડો અને હોઠો ઉપર ચમકતી મેચિંગ લિપસ્ટિક લગાડવી....આના કારણે કોઈપણ પુરૂષની નજર તેની ઉપરથી સહેલાઇથી ખસી જ શકતી નહોતી !
કાનનને આ વાતની ખબર હતી. પરંતુ હવે તેણે માત્ર જીવનસાથીની નહીં, અહીંની ઓફિસના નવા બ્રાન્ચ મેનેજરની પણ પસંદગી કરવાની હતી...
'પસંદગી...' અરીસા સામે બેઠેલી કાનન પોતાના બન્ને હાથ વડે જુલ્ફાંને પાછળ ધકેલતાં પોતાના પ્રતિબિંબને જોઈ રહી.
'પસંદગી તમારે જ કરવાની છે, કાનન ! મુંબઈની હેડ-ઓફિસથી સવારે જ ફોન આવ્યો હતો. 'અમદાવાદની નવી બ્રાન્ચ ખોલવાની જવાબદારીમાં તમે સો ટકા સફળ થયાં છો કાનન ! પરંતુ હવે અહીં હેડ ઓફિસમાં તમારે માટે બીજાં કામો રાહ જોઈ રહ્યાં છે ! સો પ્લીઝ, ટેક અ ડિવિઝન...
ડિસિઝન લેવા માટે બે જ ચોઈસ હતા. એક સી.કે. મહેતા, અનુભવી, ચીવટવાળા અને ખૂબ જ સિન્સિયર અને બીજો હતો હિતેશ. સ્માર્ટ, હેન્ડસમ, બોલકણો અને...
'દોઢ ડાહ્યો !' કાનનને પોતાના જ શબ્દો ઉપર હસવું આવી ગયું. કેમકે હિતેશ ભલે સ્માર્ટ હોય પરંતુ કામકાજમાં એના બહુ લોચા હતા. ભૂલો તો હોય જ, પણ પોતાની જવાબદારી બીજા ઉપર ઢોળી દેવાની! અને ગડબડ થાય તો સત્તર જાતનાં બહાનાં !
હા, એનામાં એક આવડત જરૂર હતી. તે સામી વ્યક્તિને મીઠી મીઠી વાતો કરીને ખૂબ ઝડપથી ઇમ્પ્રેસ કરી શકતો હતો.
'પણ શું માત્ર એટલા માટે હિતેશને મેનેજર બનાવી દેવાય ?'
કાનન પોતાની કેબિનમાં બેસીને આ વિચારી રહી હતી ત્યાં જ દરવાજો ખુલ્યો.
'હલો મેડમ ! અંદર આવી શકું ? એક અરજન્ટ કામ હતું. 'દરવાજે હિતેશ જ હતો, આજે તેણે રેડ કલરનું સ્કીન-ટાઇટ ટી-શર્ટ પહેર્યું હતું.
'યસ બોલો ?' 'કાનનની નજર હિતેશના આકર્ષક બદન ઉપર ફરી રહી હતી.'
'મેડમ, એના માટે તમારે પાંચ જ સેકન્ડ માટે આંખો બંધ કરવી પડશે...' પ્લીઝ ! ઈટ્સ અરજન્ટ !'
'ઓકે ?' કાનને હસતાં હસતાં આંખો બંધ કરી, હિતેશે 'વન, ટુ, થ્રી, ફોર એન્ડ ફાઈવ !' કરતાં કહ્યું 'હવે આંખો ખોલો !'
'ઓહ વાઉ !' ટેબલ ઉપર એક સુંદર બર્થ-ડે કેક હતી ! 'તમને આ સિક્રેટની ક્યાંથી ખબર પડી ?'
'ગમતાં લોકોનાં સિક્રેટ શોધીને રાખવાં પડતાં હોય છે, મેડમ !' ેેહિતેશનો ચાર્મ જોઈને કાનન હસી પડી. મનમાં થયું 'કેટલો ચાર્મિંગ છે નહીં ?' હસબન્ડ તો આવો હોવો જોઈએ !'
'મેડમ બીજું પણ એક સિક્રેટ છે!'
'શું ?'
'આજે મારો પણ બર્થ-ડે છે !'
'ઓહ કોંગ્રેચ્યુલેશન્સ !' કાનને હાથ લંબાવ્યો. હિતેશ જેવો હાથ મિલાવ્યો કે તરત જ કાનનના શરીરમાંથી એક વીજળી પસાર થઈ ગઈ !
'મેડમ, બીજી એક રિકવેસ્ટ હતી. મારી ઇચ્છા છે કે આપણા બન્નેની બર્થ-ડે આપણે સાથે ઉજવીએ. આજે રાત્રે તમે મારી સાથે ડીનર લઈ શકો?'
કાનનને લાગ્યું કે આ તો જાણે એના જ મનની વાત હતી ! એણે હા પાડી દીધી.
***
'રેસ્ટોરન્ટમાં સૌની નજર કાનન ઉપર હતી કેમકે આજે તે રીતસરની કાતિલ લાગી રહી હતી ! જોકે કાનનની નજરો તો સતત હિતેશ ઉપર હતી કેમકે ડીપ બ્લુ કલરના સૂટમાં એ પણ કામણગારો લાગી રહ્યો હતો.'
'મેડમ, એક વાત પૂછું ?'
'હિતેશ, કમ સે કમ આજે મેડમ ના કહે તો ના ચાલે ?'
'ઓકે.' હિતેશે ગળું સાફ કર્યું. 'કાનન દેવી, શું તમે માનો છો કે પુરુષ અને સ્ત્રી વચ્ચે ઉંમરનો તફાવત એટલો બધો મહત્ત્વનો છે ?'
કાનનનું દિલ એક ધબકારો ચૂકી ગયું ! આને મારા મનની વાત ક્યાંથી ખબર પડી ? છતાં તેણે કહ્યું : 'જો હિતેશ, સ્ત્રી પુરુષના સંબંધમાં ઉંમર મહત્ત્વની હોતી જ નથી. મહત્ત્વ હોય છે ફિલીંગ્સનું...લાગણીઓનું...'
'યસ, મને પણ આવા જ જવાબની અપેક્ષા હતી.'
'પણ તેં આવું શા માટે પૂછ્યું ?'
હિતેશ જવાબ ટાળી ગયો. વેઈટરને બોલાવીને બિલ પે કર્યું. બન્ને ખુલ્લી હવામાં બહાર નીકળ્યાં. હવે કાનને જ કહ્યું : 'આઈસક્રીમ ખાઈશું ?'
ખુશનુમા ઠંડી હવામાં ખસી જતો શિફોન સાડીના પાલવને સરખો કરી રહેલી કાનનના બદન પરથી હિતેશની નજર સરકી રહી હતી. કાનને એ જોઈને પૂછ્યું : 'શું વિચારે છે હિતેશ ?'
હિતેશે તરત જ નજર ખસેડી લેતાં કહ્યું 'જુઓને, ધારો કે, સ્ત્રી-પુરૂષ કરતાં ઊંચા હોદ્દા ઉપર હોય, એનો પગાર પણ પુરુષ કરતાં વધારે હોય...તો એ લગ્નજીવન ટકે ખરું ?'
'કેમ ના ટકે ?' કાનને કહ્યું 'જો સ્ત્રી પુરુષને પોતાના જીવનસાથી તરીકે સ્વીકારી ચૂકી હોય તો જરૂરથી ટકે...પણ આવું પૂછવાનું કારણ ?'
ફરી એકવાર હિતેશ જવાબ ટાળી ગયો. તેણે વાત બદલી નાંખી. તે કાનનને તેના સાતમા માળના એપાર્ટમેન્ટમાં મુકવા માટે લિફટમાં સાથે આવ્યો, ત્યાં સુધી તે કંઈ બોલ્યો જ નહીં !
કાનનને થતું હતું કે 'હવે તો બોલ હિતેશ ? તારા દિલની વાત કહી જ નાંખ ! હું સાંભળવા તલપાપડ છું !'
છેક લિફટ સાતમે માળે આવીને ઊભી રહી અને કાનન લિફટની બહાર નીકળી ત્યારે હિતેશ લિફટની જાળી બંધ કરતાં સ્હેજ ધીમેથી બોલ્યો : 'તો પછી મારે પૂછવું કોને ?'
કાનનનું દિલ ધડકી ઊઠયું ! તેણે રમતિયાળ સ્મિત કરતાં કહ્યું 'સવાલ તો એને જ પૂછાય, જેને તારામાં રસ હોય !'
આટલું કહીને કાનને લિફટનું ડોર બંધ કરી દીધું ! લિફટ નીચે સરકી રહી હતી...પણ ચાર પાંચ સેકન્ડ પછી હિતેશનો અવાજ સંભળાયો : 'છે !!'
કાનન ઝૂમી ઊઠી ! હિતેશની આ અદા ઉપર તો તે ફિદા થઈ ગઈ ! હવે તો બન્ને ડિસિઝન નક્કી હતાં. હિતેશનું પ્રમોશન અને પછી હિતેશ સાથે જ લગ્ન !
બીજા દિવસે હેડ ઓફિસથી હિતેશના પ્રમોશનનો મેઈલ આવી ગયો. ઓફિસમાં નાનકડી પાર્ટી થઈ ગઈ... કાનન સાંજ પડવાની રાહ જોઈ રહી હતી.
છેવટે સાંજે હિતેશ તેની પાસે આવ્યો.
'મેડમ, એક સરપ્રાઈઝ આપવાની છે ! માત્ર પાંચ સેકન્ડ માટે આંખો બંધ કરો...'
કાનનના દિલના ધબકારા વધી ગયા ! ઓહ માય ગોડ ! આટલું જલ્દી ?
પણ જ્યારે તેણે આંખો ખોલી ત્યારે મેરેજ પ્રપોઝલની રીંગને બદલે હિતેશ એક ઇન્વીટેશન કાર્ડ લઈને ઊભો હતો !
'મેડમ, મારી સગાઈ ફાઈનલ થઈ ગઈ છે !' શાલિની મારા કરતાં ચાર વર્ષ મોટી છે, એક મલ્ટીનેશનલ કંપનીમાં બહુ ઊંચી પોસ્ટ ઉપર છે...પરંતુ તમારી સલાહ માનીને મેં -'
કાનનની આંખો સામે અંધારાં છવાઈ રહ્યાં હતાં ! તે ગબડી જ પડી હોત પણ હિતેશે તેને બે હાથે પકડી લીધી.
હિતેશ મનમાં બબડી રહ્યો હતો. 'મેડમ, તમારી સાથે રોમાન્સનું નાટક ના કર્યું હોત તો પેલો સી.કે. મહેતા પ્રમોશન લઈ ગયો હોત.'


