Get The App

શબ્દ સૂરને મેળે - રાજેશ વ્યાસ 'મિસ્કીન

સુખ કહેવાથી વધે, દુ:ખ કહેવાથી ઘટે...

Updated: Oct 9th, 2018

GS TEAM

Google News
Google News
શબ્દ સૂરને મેળે - રાજેશ વ્યાસ 'મિસ્કીન 1 - image

બેવફાઈ, દર્દ, ખાલીપો છતાં પણ લાગણીને,

પ્રેમ મુશળધાર લાગ્યો, એટલે લખતો રહું છું.

આમને આમ જીંદગી હાંફી રહી છે, ફેફસામાં,

શ્વાસને પડકાર લાગ્યો, એટલે લખતો રહું છું.

ના મળ્યો ઈશનો પુરાવો મંદિરો કે મસ્જીદોમાં,

જીવમાં દાતાર લાગ્યો, એટલે લખતો રહું છું.

થઇ ગયો છું આ ક્ષણોની ભીડમાં હું કેદ ત્યારે -

ભીતરે વિસ્તાર લાગ્યો, એટલે લખતો હું છું.

                                                                       - ડૉ. પરેશ સોલંકી

સુખ અને દુ:ખની એક વિશેષતા છે. સુખ કહેવાથી વધે છે અને દુ:ખ કહેવાથી ઘટે છે. પણ કરૃણતા એ છે કે માણસ સુખ વખતે જાણે સંકુચિત બની જતો હોય છે અને દુ:ખ વખતે ઘરના બારી-બારણા અને લાઈટો ય બંધ કરીને બેસી જતો હોય છે. જીવનમાં અંદરથી ઉઘડીએ એ ખૂબ જરૃરી છે. 

હૃદયમાં દુ:ખ ભરી રાખવાથી એ ઢંકાઈ જવાનું નથી. વધારે દુ:ખી કરે છે. એ દુ:ખ વધારે ઘૂંટાય છે અને જાણે-અજાણે શરીરના અને મનના રોગોનું કારણ બની જાય છે. કલા માત્રને સંબંધ અભિવ્યક્તિ સાથે છે. કવિઓ કેમ કવિતા લખતા હશે  કશુંક છે જે પ્રગટવા માંગે છે.

ભાવનગરના કવિ ડૉ. પરેશ સોલંકીની ગઝલ એ દિશા તરફ ઇશારો કરે છે. ઇશ્વર પાસે ભજન ગઇ લઇએ, એકલા બેસીને નામસ્મરણ કરી લઇએ, કશું નહી તો ખુલ્લા આકાશ નીચે જઇને હૃદયની વાતો ઠાલવી દઇએ તો પણ હળવા થઇ જવાય છે. 

આંસુઓ આપણને હળવા બનાવી દે છે પણ જો વહી જાય તો કહેવાય છે કે પુરુષના આંસુ તેના હૃદયમાં સૂકાઈને પડયા હોેય છે. વહ્યા વગરના આંસુઓ હૃદય ઉપર ભાર બની જતા હોય છે. ગઝલકાર ડૉ. પરેશ સોલંકી કહે છે મને આંસુઓનો ભાર ખૂબ લાગે છે ત્યારે હું ગઝલ લખું છું. હું લખતો રહું છું તેનું કારણ આંસુઓનો ભાર છે. આંસુઓ એટલે માત્ર પોતાના જ દુ:ખનો ભાર નહીં. કોઇનું દુ:ખ જોઇને હૃદય દ્રવી ઊઠયું હોય અને વહી શક્યા ન હોય એ આંસુઓ પણ ભારરૃપ બની જતા હોય છે. કોઇને મદદ કરવાની ઇચ્છા છે અને છતાંય મદદ કરી ન શક્યા.

સહાયતા તો ગરીબોની કંઇ જ થઇ ન શકી,તું જો કે લાગણી મારી દુ:ખી ગઈ કે નહીં.                                  - મરીઝ

ક્યારેક ગરીબોને જોઇને એને મદદ નથી કરી શક્તા, આપણે એ એવી સ્થિતિ નથી હોતી કે તેને મદદ કરી શકીએ. પરંતુ તેને મદદરૃપ થવાની જે લાગણી જન્મી, જે દુ:ખ જન્મ્યું એ લાગણીઓ પણ માણસને હચમચાવી નાંખતી હોય છે. પરેશ સોલંકી એક સારા કવિ છે, એક સારા ડોક્ટર છે અને ઉમદા માનવી પણ છે. કવિ અને ડૉક્ટર બંને જાણે છે કે શબ્દો તારણહાર હોય છે. જ્યારે કશું જ તારી શકે એમ નથી એવું લાગે, જ્યારે ડૂબતા હોઈએ તેવું લાગે ત્યારે શબ્દો તારણહાર બની જાય છે.

પ્રેમમાં બેવફાઈ મળે, દર્દ મળે, પ્રેમને લીધે જીવનમાં ખાલીપો અને એકલતા અનુભવાય એ બધું પણ સાચું અને છતાં પણ માણસ પ્રેમ કરે છે પ્રેમ તરફ આકર્ષાય છે. તેનું એક માત્ર કારણ એ છે કે પ્રેમ જ્યારે વરસે છે ત્યારે મુશળધાર વરસે છે. હૃદયને ભીંજવી દે છે. મૂશળધાર વરસાદ બધી જ અશુધ્ધિઓને વહાવી દે છે. હૃદયમાં પ્રેમ જન્મે ત્યારે કવિતા પણ જન્મે છે. કવિતાને સમજી શકે તેવું હૃદય પણ જન્મે છે. શ્વાસ લેવામાં તો હાંફી જ જવાય.

આ દુનિયામાં આજના સમયમાં જીવવું એ પડકાર છે. પ્રત્યેક શ્વાસ કંઇ કેટલાય પડકારો ઝીલીને લેવાનો હોય છે. જીવતા-જીવતા થાકી ગયા છીએ એ પણ એટલું જ સાચું છે પણ એ પડકારને પહોંચી વળવા માટે ગઝલ-કવિતા બળ બની જતી હોય છે. અને તેમાંથી જ પાછી લખાતી હોય છે.

મંદિરોમાં અને મસ્જિદોમાં ઈશ્વર છે એના પુરાવાઓ નહીં મળે. ઇશ્વરનો પુરાવો તો આપણી શ્રધ્ધામાં રહેલો છે. આપણા જીવમાં, આપણા આત્મામાં, આપણા હૃદયમાં જો આપણને એ દાતાર નહીં લાગે, જો એ શ્રધ્ધા પ્રગટી નહીં હોય તો બ્હારથી ક્યાંય પુરાવા મળતા નથી. અને એ પુરાવા મળે છે ત્યારે કવિતા સર્જાય છે. છંદ સર્જાય છે. ધર્મગ્રંથોમાં પણ એક છંદ છે તેની ખબર પડે છે.

ક્ષણોની ભીડમાં જ્યારે-જ્યારે હૃદય કેદ થઇ ગયું છે એવું અનુભવાય ત્યારે એ કેદમાંથી મુક્તિ માત્ર હૃદયનો વિસ્તાર અપાવે છે. કવિ કહે છે બ્હારની દુનિયામાં એટલી ગૂંગળામણ થાય એવું છે કે જ્યારે ભીતરનો વિસ્તાર દેખાય છે ત્યારે જીવી શકાય છે. અને એટલા માટે હું ગઝલ લખતો રહું છું.

એક પ્રસંગ યાદ આવે છે. હિમાલયના પર્વતો ઉપર એક યુવાન સંન્યાસી હાંફતા-હાંફતા ચડી રહ્યા છે. અને તેમની આંખ સામે એક નાનકડી ૧૩-૧૪ વર્ષની છોકરી, એક નાનકડા છોકરાને ઊંચકીને સડસડાટ પર્વત ચડતી દેખાય છે. સંન્યાસી એ છોકરીને પૂછે છે તને પર્વત ચડવામાં આ છોકરાને ઉચક્યો છે તે ભાર નથી લાગતો અને એ છોકરી જવાબ આપે છે કે આ ભાર નથી આ મારો ભાઈ છે. પ્રેમને કોઈ વેદનાનો ભાર નથી લાગતો. જ્યાં પ્રેમ હશે ત્યાં વેદના ભારરૃપ નહીં હોય.

પરેશ સોલંકીની આ બીજી ગઝલના પહેલા બે મિસરા બે અલગ-અલગ વાત એક સાથે કરી રહ્યા છે. શાંત પાણી હોય એમાં એક પથ્થર ફેંકવામાં આવે તો એ પથ્થરનો પણ પાણીને માર લાગતો હોય છે. બે સ્વતંત્ર લાગતા આ મિસરાથી પણ મત્લા બની શકે.

અને બંને વાતને અંતે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આવું બને ખરું ? અને એક બીજી સંભાવના એ પણ છે કે હા ક્યારેક પ્રેમને વેદનાનો ભાર લાગતો હોય છે અને શાંત જળને પથ્થરનો માર ન પણ લાગે. ખરી વાત તો એ છે કે જેનું મન શાંત થઇ ગયું છે એની ભીતર સ્થૂળ અર્થમાં ભલે માર પડતો હોય સૂક્ષ્મ અર્થમાં એ મારથી મુક્ત હોય છે. કવિતાના અર્થ તો પ્રત્યેક વ્યક્તિની ભીતરની ભૂમિકા પ્રમાણે પ્રગટતા હોય છે. કવિતા આપણને આપણામાંથી બ્હાર કાઢી એક અલગ 

વિશ્વમાં વહાવી જતા હોય છે.

પ્રેમને કંઇ વેદનાનો ભાર લાગે ?

શાંત જળને પત્થરોનો માર લાગે ?

કેદ જ્યાં ઇશ્વર થયો છે ચણતરોમાં,

મંદિરોને પણ ધરમનો ક્ષાર લાગે ?

શ્વાસ લે છે ઘર વચાળે તે છતાં પણ,

તું દિવાલોની જ બારોબાર લાગે !

દુ:ખથી તું પર થવાની વાત ના કર,

ઓચિંતા આઘાત પારાવાર લાગે.

ભાર હેઠળ ક્યાં સુધી મળતા રહિશું,

હાથમાં છે હાથ ને, આભાર લાગે.