અહેસાનને ભારમુક્ત રાખવાના પાંચ ઉપાયો
- તલવાર મારે એક બાર, અહેસાન મારે બાર-બાર
- એક જ દે ચિનગારી-શશિન્
- ''નેકી જો કરનારના દિલમાં રહે તો એ નેકી અને એ બહાર નીકળે તો બદી'' આજે સેવા ગૌણ બની રહી છે અને ''સેવક'' મોટો બની રહ્યો છે
'થેંક યુ', અહેસાન, આભાર, કૃતજ્ઞાતા જેવા શબ્દો કોઈના ઉપકારને સન્માનવાના શબ્દો છે. અહેસાનને ભારમુક્ત રાખવાના પાંચ ઉપાયો :
૧. કરેલા ઉપકારની નોંધ ન લેવડાવો.
૨. ઉપકાર કરતી વખતે અહંકાર નહીં પણ શાલીનતા દાખવો.
૩. ઉપકારને જરૂર પડે વટાવી લેવાના સાધન રૂપે ન પ્રયોજો.
૪. ઉપકાર કરો અને ભૂલી જાઓ.
૫. કરેલા ઉપકારને ગુપ્ત રાખો.
જીવન એ આદાન-પ્રદાનનો અવસર છે. આપણું જીવન જ્ઞાાત અને અજ્ઞાાત અનેક ઉપકારકર્તાઓના ઋણનો વિષય છે. એટલે જ કહેવાય છે કે તલવાર મારે એક વાર અને અહેસાન મારે વારંવાર. 'ગોદાન' નવલકથામાં મુન્શી પ્રેમચંદજીએ એક સરસ વાકય પ્રસ્તુત કર્યું છે : ''નેકી જો કરનારના દિલમાં રહે તો એ નેકી અને બહાર નીકળે તો એ બદી.''
જગત આખું ઋણાનુબંધે બંધાયેલું છે. પહેલો અહેસાન પરમાત્માનો જેણે આવી રૂડી-રૂપાળી ધરતી પર જીવવાનો મોકો આપ્યો. માતા-પિતા-વડીલો-ગુરૂજનો વગેરેના પણ માણસના જીવનમાં અગણિત ઉપકારો છે. આપણું સુખ એ અનેક અહેસાનકર્તાઓના શ્રમ અને પ્રસ્વેદનો પુરસ્કાર છે. આ ધરતી પરનું જીવન કેવું છે -
''આ નીલ-નીલ નભની
નિત નવ્ય શોભા,
આ રૂપ ને રસતણું
કાવ્ય વસુંધરાનું,
આવ્યા ન હોત અહીં તો
ક્યાં મળત આ બધું
માણવાનું ?''
ડોંગરેજી મહારાજ એમની કથામાં એક વાકય વારંવાર કહેતા કે જગત લેણદાર છે અને આપણે તેના દેણદાર.
અહેસાન એટલે નજીકથી, આત્મીયતાથી, શાલીનતાથી, સદભાવથી, વિનમ્રતાથી કરેલી મદદ, સાથ કે સહયોગ.
અહેસાન કે ઉપકાર એ ઉદાત્ત ત્યાગ છે, 'ઈન્વેસ્ટમેન્ટ' કરી 'ડિવિડંડ'ની અપેક્ષા રાખવાનું ક્ષેત્ર નથી.
મોટાભાગના લોકો ઉપકાર કે અહેસાનને જરૂર પડે વટાવવાના અધિકારનો 'બેબર ચેક' માને છે. અને તેઓ ઉપકૃત વ્યક્તિએ મન-વચન-કર્મથી ઉપકારકર્તાને વફાદાર રહેવું જોઈએ. એવા ખ્યાલથી મુક્ત નથી હોતા.
પરિણામે ઉપકૃત વ્યક્તિ ઉપકારકર્તાની અપેક્ષા મુજબ ન વર્તે તો તેને વાગોળવામાં આવે છે. 'દુનિયા બગડી ગઈ છે' એવું વિધાન પણ ટાંકવામાં આવે છે.
ઉપકારનો મનમાં અહંકાર રાખવો એ પતનનું નિમિત્ત બને છે. ૨૦૧ નીતિકથાઓમાં શ્રી શિવકુમાર ગોયલે ભગવાન બુદ્ધનાં મુખે માણસના પતનકારક અગિયાર કર્મોનું વર્ણન કર્યું છે.
એક દિવસ એક જિજ્ઞાાસુ ભગવાન બુદ્ધ પાસે પહોંચ્યો અને પૂછ્યું કે પતનના માર્ગથી બચવા માટે માણસે શું-શું કરવું જોઈએ ?
ભગવાન બુદ્ધે કહ્યું માણસે હંમેશાં ધર્મ અને ન્યાય પર સુદ્રઢ રહેવું જરૂરી છે. ધર્મ અને કર્તવ્ય પ્રત્યે નફરત અને શંકા પેદા થાય તો તરત જ પતનની શરૂઆત થઈ જાય છે. એટલે સત્પુરુષોના સંગમાં રહેવું જોઈએ. અને દુર્વ્ય સજાઓથી દૂર રહેવું જોઈએ. જે વ્યક્તિ ગપ્પાં મારવામાં સમય બગાડે છે, ક્રોધ કરે છે તેના પતનની પણ શક્યતા રહે છે જ. એટલે હંમેશા કર્મઠ અને શાન્ત ચિત્તે રહેવાથી પતનથી બચી શકાય છે. જે વ્યક્તિને જન્મ, જાતિ અને ધનનું અભિમાન થઈ જાય છે તે વ્યક્તિ વહેલાં-મોડાં પણ પતનની ખીણમાં હડસેલાઈ જાય છે. માણસે કોઈ પણ પ્રકારના અહંકારને પોતાની પાસે ફરકવા દેવો ન જ જોઈએ. જે વ્યક્તિ, અસંયમી, ભોગી, શરાબી અને જુગારી હોય તેના પતનને કોઈ અટકાવી શકતું નથી. છેલ્લે સારાંશ રૂપે તથાગત બુદ્ધ ભગવાને કહ્યું કે જે વ્યક્તિ, સત્ય, સંયમ અને અહિંસાનું પાલન કરે છે, વૃદ્ધ મા-બાપની સેવા કરે છે. પોતાની કમાણીનો કેટલોક ભાગ ગરીબોની સેવા માટે ખર્ચે છે તેની હંમેશાં ઉન્નતિ થાય છે.
પતનના કારણોમાં ઉપકારકર્તાનો અહંકાર પણ મહત્વનો ભાગ ભજવતો હોય છે.
ઉપકાર એટલે નિ:સ્વાર્થ સેવાકાર્ય. સેવાકાર્યને ધજાગરો ન થાય. ન તો એને આપણી અપેક્ષાઓથી અભડાવાય. ઉપકૃત વ્યક્તિએ ઉપકારનો બદલો વાળવો જોઈએ. એ કબૂલ પણ, એ ઉપકૃત વ્યક્તિની ફરજ છે, ઉપકારકર્તાના અધિકારનો વિષય નથી. આજકાલ ઉપકારકર્તાઓ મૂક સેવાને મહત્વ આપતા નથી. સ્ટેશનરી, ચોપડીઓ કે વિદ્યાર્થીને ખપની વસ્તુઓ ભેટ આપી તેનો ફોટોગ્રાફ અખબાર કે સામયિકના પાને પ્રદર્શિત કરવાની લાલચ એ હીન મનોવૃતિ છે. આપણે ત્યાં ગુપ્ત દાનનો મહિમા એટલે જ ગાવામાં આવ્યો છે. દધીચિએ દેવોની જીત માટે પોતાનાં અસ્થિ પ્રસન્ન ચિત્તે આપ્યાં, તેની 'પબ્લિસિટી' નહોતી કરી. કર્ણે ઈન્દ્રને પોતાના કવચ-કુંડળ ઉતારીને આપ્યા, ત્યારે 'થેંક્સ'ની અપેક્ષા નહોતી રાખી. રાજા રંતિદેવે કર્તવ્યના પાલન ખાતર પોતાના ડાબા પડખાંનું માંસ કાપ્યું અને દાતા ધર્મ નિભાવ્યો, તેનો અહંકાર મનમાં નહોતો સેવ્યો. વીર શહીદોએ પોતાના તન-મન-ધન અને સમગ્ર જીવન દેરા કાજે સમર્પિત કર્યા, એની નોંધ લેવડાવી નહોતી.
આજકાલ 'ઉપકાર શૂરાઓ' વધ્યા છે, પણ ઉપકારની શાન ઘટી છે. અપંગને (દિવ્યાંગ) સાઈકલ આપવી કે કોઈ બીમારને સારવાર માટે આર્થિક મદદ કરવી ેએ અહેસાન કર્યાના પરિતોષનો ઓડકાર ખાવાનો વિષય નથી. કવિ રામધારીસિંહ 'દિનકર'ની આભાર વિશેની પંક્તિઓ યાદ રાખવા જેવી છે. કવિ કહે છે :
''દીનોં કા સૌભાગ્ય,
ભાગ્ય હીનોં કી
ગદગદ્ વાણી,
નયન કોરમેં ભરા
કૃતજ્ઞાતા કા પાની,
ઈસ સે બઢકર
ઔર ક્યા હૈ,
જિસ પર ગર્વ કરેં હમ,
ઔરોં કો જીવન મિલે,
તો હંસકર ક્યોં ન
મરે હમ !''
કવિ દિનકર એમ પણ કહે છે, 'અરે કૌન હૈ, ભિક્ષુ યહાં પર, અરે કૌન દાતા હૈ, અપના હી અધિકાર મનુષ્ય નાના રીતોં સે પાતા હૈ.'
આજે સેવાક્ષેત્રોમાં પણ પ્રસિદ્ધિની હોડ શરૂ થઈ ગઈ છે. ગરીબોને મદદ કરવાના 'સમારંભ'માં ભપકાદાર વસ્ત્રો, આભૂષણો ધારણ કરી ઉપસ્થિત રહેવું અને પોતાની તથા પોતાની સંસ્થાની પ્રવૃત્તિઓ વિશે લાંબા લચ ભાષણો ફટકારવા એ અહેસાનનું હીર- ખમીર હણી લેવાની પ્રવૃત્તિ સમાન છે.
જરા કુદરત તરફ નજર કરો : કુદરતનું માનવજીવન પર અનકે ઉપકારોનું નજરાણું છે.
સૂરજ પોતાની પ્રકાશદાનની પ્રવૃતિને સમારંભનો વિષય માનતો નથી. મહેક પ્રદાન કરીને કરમાઈ જનાર ફૂલો 'થેંકસ'ની અપેક્ષા રાખતા નથી. ધૂપસળી પોતાની કદરદાની માટે તડપવાનું પસંદ કરતી નથી. આજે એવી પણ સંસ્થાઓ છે. જે ચૂપચાપ સેવા કાર્યો કરે છે પણ ઉપકારની નોંધ લેવડાવવામાં માનતી નથી.
આજકાલ સેવાભાવી સંસ્થા ગૌણ બની જતી જોવા મળે છે અને 'સેવક' 'મોટો' બનતો જાય છે. એને પોતાનું સેવાક્ષેત્ર નાનું લાગે છે અને 'વિધાનસભા' કે 'સંસદ'માં વિરાજિત થઈને સેવાકાર્યનું મૂલ્ય વસુલ કરવા માગે છે.
સેવાક્ષેત્રમાં સેવા એ સાધ્ય બનવી જોઈએ, સેવક નહી. સેવાક્ષેત્રો એ ધનિકના વર્ચસ્વનું નહીં પણ ત્યાગ અને ઉદારતાનું ક્ષેત્ર બનવી જોઈએ.
જો સ્વમાનપુર્વક જાણવું હોય તો બને ત્યાં સુધી ઉપકૃત થવાનું ટાળો અને સ્વાવલંબી બનો. ''કૃતજ્ઞાતા'' અને ''કૃતઘ્નતા'' બન્નેના નામ માત્રનો તફાવત છે. કૃતજ્ઞાતા એટલે કોઈના ઉપકારને યાદ રાખી તેનું ઋણ ચુકવવાની વણલખી જવાબદારી, જ્યારે ''કૃતઘ્નતા'' એટલે કરેલા ઉપકાર પર પાણી ફેરવી નાખવું, હરામખોરી દાખવવી કે ઉપકારનો બદલો ઉપકારને બદલે 'અપકાર'થી આપવો. વ્રજનારાયણ ચકબસ્તે એક સરસ ટકોર કરી છે -
''જિસને કુછ એહસાં કિયા,
એક બોજ હમ પર રખ દિયા,
સરસે તિન કા ક્યા ઉતારા,
સિર પે
છપ્પર રખ દિયા.''