- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
પા ળેલા કૂતરા ઉપરથી એના માલિકની ઔકાત જાણી શકાય છે. લેખિકા વેન્ડી ડાયમન્ડે પોતાના 'વોટ અ લકી ડોગ! હાઉ ટુ અંડરસ્ટેન્ડ મેન થ્રુ ધેર ડોગ' નામના પુસ્તકમાં લખ્યું છે. અમેરિકાના સેંટ લુઈ શહેરની વેન્ડીએ માણસની ચાર પેઢીનો ઇતિહાસ તપાસ્યા પછી જ ઉપરોક્ત વિધાન કર્યું છે. વેન્ડી ઉદાહરણો ટાંકીને સમજાવે છે કે લાંબા વાંકડિયા વાળવાળા ફેન્સી કુરકુરિયાના માલિકો વધુ પડતાં ચોખલિયા અને જબરી ડ્રેસિંગ સેન્સ ધરાવતા જોવા મળશે. લાબ્રાડોરના માલિકો પોતે પુરુષોમાં ઉત્તમ છે એવા વહેમમાં રાચતા હોય છે. તેમને પ્રાણી પ્રત્યે ભારે લગાવ હોય છે અને તેઓ સ્પોર્ટ્સના ચાહક હોય છે. મટ્ટ બ્રાન્ડના કૂતરાના માલિકો વાસ્તવવાદી હોય છે. તેઓ ઉત્કૃષ્ટ પિતા બનવાની ક્ષમતા ધરાવતા હોય છે. બોક્સર કૂતરાનો માલિક ભારે મીઠડો અને સંવેદનશીલ હોવાનો બુલડોગ પાળનાર પુરુષ ભડભડિયો અને પ્રમાણમાં અપરિપક્વ હશે. ગ્રેહાઉન્ડ કૂતરા પર પસંદગી ઉતારનાર જુવાનિયો અત્યંત સ્વતંત્ર દિમાગનો હશે. રોટવીલ બ્રાન્ડનાં કૂતરાં પણ ઉપલબ્ધ છે બજારમાં. તેને ઘરે આણનાર મહાશય હુકમ ચલાવવામાં હોશિયાર હશે.
માનસિક તાણ ઓછું કરતી 'ટોપી'!
તમે વધુ પડતું બૌદ્ધિક કામ કરો છો? તમે અટલા બધા થાકી જાવ કે તમારું મગજ કામ કરતું બંધ થઈ જાય છે? જો તમારે ન્યુરોલોજિસ્ટની લમણાઝીંકમાં પડવું ન હોય તો એક ઉપાય છે. માનસિક થકાવટની હાલતમાં તમને ટોપી પહેરાવી દેવામાં આવશે. તેનાથી તમારી મગજની ગ્રંથિઓ બરાબર ખીલશે અને બુદ્ધિ કુશાગ્ર બનશે. ટોકિયોમાં વિશ્વના શ્રેષ્ઠ બુદ્ધિમાનોનું સંમેલન ભરાયું હતું (વર્લ્ડ જિનિયસ કન્વેન્શન), જેમાં બુદ્ધિશક્તિ પ્રદાન કરતું અને માનસિક થાકમાંથી વિશ્રાંતિ અપાવતું સેરેબ્રેક્સ નામનું યંત્ર પેશ કરવામાં આવ્યું હતું. ખુરશીમાં બેસીને કઢંગી ટોપી જેવું આ મશીન પહેરી લો એટલે તમારા માથામાં હળવો વિદ્યુતપ્રવાહ પસાર થાય. આ રીતે તમારું સ્ટ્રેસ ઓછું થાય અને તમે હળવાફૂલ બની જાઓ.
ચર્ચના ઘંટની વિચિત્ર ચોરી
ચોરી કરનારને હવે ઉપરવાળાનો પણ ડર રહ્યો હોય તેવું લાગતું નથી. બન્યું એવું કે કેટલાક ચોરોએ એક ચર્ચનો કોપર બેલ ચોરી લીધો. આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે પાદરી ફાધર પીટર બોટ્ટાયન તેના રોજિંદા નિયમ પ્રમાણે એ બેલ વગાડવા ગયા. ઘંટને ગાયબ થયેલો જોઇને ફાધરના હોશકોશ ઊડી ગયા અને તેમણે તાત્કાલિક પોલીસને બોલાવી. અહીં મજાની વાત તો એ છે કે પોલીસને એ ખબર જ નથી પડતી કે તસ્કરો આ કદાવર ઘંટ કેવી રીતે ચોરી ગયા? કારણ કે આ વજનદાર ઘંટ ૭૦ ફૂટ ઊંચે લટકાવેલો હતો. ભૂતકાળમાં જ્યારે પણ આ ઘંટ ઉતારવાની જરૂર પડતી ત્યારે એક ખાસ પ્રકારની ક્રેન મગાવવી પડતી હતી અને એ વખતે ૨૫થી વધુ લોકોની મદદ લેવામાં આવતી હતી. ચર્ચની આસપાસ કે નજીકના રસ્તા ઉપર કયાંય કોઈ ક્રેન આવી હોય એવું પણ પોલીસને જણાયું નહોતું, તેથી આ કિસ્સો પોલીસ માટે પણ રહસ્યમય સાબિત થયો છે. આસપાસના વિસ્તારના અથવા તો ચર્ચના પણ કોઈ માણસોએ જરા સરખો અવાજ પણ સાંભળ્યો નહીં, આ ઘટનાને તસ્કરોએ કઈ રીતે ઓપ આપ્યો એ બાબતે પોલીસને કોઈ પણ કડી મળતી નથી. પોલીસ અધિકારીઓનું માનવું છે કે તસ્કરોએ ચર્ચના ઘંટના ટુકડા કરી નાખ્યા હશે અને સ્થાનિક ભંગારવાળાને આપી દીધા હશે, આવું કંઈ બન્યું છે કે નહીં એ તપાસવા પોલીસે પૂછપરછ આદરી છે.
ગાયોના મૂત્રમાર્ગની પથરી, વાજીકરણ ઔષધી તરીકે!
ચીનના બીજિંગ (પેકિંગ) શહેરની હોટેલના રસોડામાં ગિનો ગિયોરી નામનો રસોઇયો એક પ્લાસ્ટિકનું કવર ખોલીને ખૂબ જ જતનપૂર્વક નાનકડો ચળકતો કાંકરો
ઉઠાવે છે. સોનેરી રંગનો આ કાંકરો તે દૂધમાં માવજતથી ઉકાળે છે. આ કાંકરો દૂધમાં ઉકાળીને પીવાથી વાસના ઉત્તેજિત થાય છે એમ વોલ સ્ટ્રીટ જર્નલમાં લખ્યું છે. આ કાંકરો એ બીજું કાંઈ નહીં પણ એશિયન ગાયોના મૂત્રમાર્ગમાં ઓપરેશન કરીને કાંકરી (ગાલસ્ટોન) અગર તો પથરી કાઢી હોય તે ક્ષુલ્લક ચીજ છે. પરંતુ આજકાલ હોંગકોંગ, ચીન, દક્ષિણ કોરિયા અને સ્વિટ્ઝરલેન્ડમાં વાજીકરણ ઔષધ તરીકે આ ગાયના મૂત્રમાર્ગથી પથરી સોનાના ભાવે આપે છે. જ્યારે તંગી હોય ત્યારે તેના ભાવ વધી જાય છે.
આંખની બિમારીનો ઊપચાર ગાલ વડે!
આંખની બીમારીનો ઉપચાર મોઢા કે ગાલ વડે થઈ શકે? આ વિચિત્ર સવાલનો જવાબ છે : હા, જપાનની ઓસાકા યુનિવર્સિટીના કેટલાક નિષ્ણાતોઅ ચાર દર્દીઓની દ્રષ્ટિશક્તિ પાછી આપી છે - અમના મોઢાના આંતરિક કોષોનો ઉપયોગ કરીને! કશીક બીમારીને લીધે આ કમનસીબોના કોનયા એટલે કે આંખ પરના પાતળા પારદર્શક પડદાને નુકસાન પહોંચ્યું હતું. ડૉક્ટરોએ તેમના ગાલના પાછલા હિસ્સા પરથી ચામડીનં અત્યંત પાતળું આવરણ લીધું અને તેનું આંખ પર આરોપણ કર્યું. 'નવા કોર્નિયા'ને લીધે તેમની ઝાંખપ દૂર થઈ. અટલું જ નહીં, દિવસો વીતતા ગયા તેમ તેમ દ્રષ્ટિ વધારે સાફ બનતી ગઈ. આંખનો તંદુરસ્ત કોષ લઈને તેને ડિશમાં 'ઉગાડી'ને નવો કોર્નિયા પેદા કરી શકાય છે. અથવા તો, દાતા (ડોનર)ની આંખમાંથી કોર્નિયા લઈને દર્દીની આંખમાં ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે. પણ જો ઍક્સિડન્ટ યા તો કોઈ બીમારીને લીધે બન્ને આંખને પુષ્કળ નુકસાન પહોંચ્યું હોય તો આ ટેક્નિક કારગત નીવડી શકતી નથી.


