Get The App

તક ઝડપી તે તરી જશે .

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
તક ઝડપી તે તરી જશે                                 . 1 - image

- એક જ દે ચિનગારી-શશિન્

- જિંદગી એ સમય સાથેની સંતાકૂકડીની રમત છે. ક્યારેક સમય માણસને પકડવાની કોશિશ કરે છે, ક્યારેક માણસ સમયને પકડવાની કોશિશ કરે છે

એ ક માણસે નિસાસા સાથે કહ્યું કે હું કેવો અભાગિયો માણસ છું કે જિંદગીમાં કશી અનુકૂળ તક જ ન મળી. વિચારતાં-વિચારતાં એને પગ તળે કશું ખૂંચ્યું અને શું છે તેની તપાસ કર્યા સિવાય પાસેના તળાવમાં તે વસ્તુ ફેંકી દીધી.

ત્યાં વૃક્ષ નીચે બેઠેલા સંતે કહ્યું : 'ભાઈ, કશી મુંઝવણમાં છે ને ?'

''નહીં તો બીજું શું વળી ? જિંદગીમાં સારી તક શોધી ગરીબી દૂર કરવા મથતો જ રહ્યો, પણ ભાગ્ય દસ ફૂટ દૂર રહ્યું.'' પેલા માણસે કહ્યું.

''ભાઈ, તને તક ઝડપી લેતાં કે તક ઓળખતાં આવડતું જ નથી. તારી મનોવ્યથા જોઈ મેં સોનાનું મોટું ઢેફું ફેંક્યું હતું. પરંતુ એ ઢેફા તરફ નજર કર્યા સિવાય તે તળાવમાં ફેંકી દીધું. માત્ર તું જ નહીં મોટાભાગના લોકો તક અને લકનો સંબંધ શોધવામાં અટવાય છે. તક એ કુદરતે આપણને આપેલો સાંકેતિક લખાણવાળો હક છે, પરંતુ અફસોસ કે આપણને એ સંદેશો ઉકેલવાની ફૂરસદ નથી. આંગણે આવીને ઉભેલા મોકાને પણ આફત માની એના તરફ દુર્લક્ષ સેવવાનું વિચારીએ છીએ.''

આખી જિંદગી માણસ તકને શોધ્યા કરે છે અને તક માણસને શોધે છે. તક હારે તો એણે કશું જ ગુમાવવાનું હોતું નથી. પણ માણસ હાથમાં આવેલી તકને જવા દે તો એણે ઘણું બધું ગુમાવી દેવું પડે છે. જીવન એ વિષાદયોગ કે રોગ નથી, પરંતુ ઈશ્વરે આપેલો આનંદયોગ છે. તમે આનંદમાં રહો એ માટે ભગવાન પારાવાર તકો મોકલે છે.

પરંતુ આપણી ઝોળી જ કાણી હોય તો મળેલી તકને તે ક્યાંથી બચાવી શકવાની ? તકને શંકાથી મૂલવશો તો એ નિરાશા પ્રદાન કરશે. તકને શ્રધ્ધાથી મૂલવશો તો એ મન મૂકીને વરસશે નહીં તો જતાં-જતાં આંસુ લૂછવા એક નેપકિન કે હાથરૂમાલ પણ નહીં આપે. તક ગુમાવી બેસવીએ જીવનમાં ભરપાઈ ન થઈ શકે એવું મોટું નુકસાન છે. ઘણા લોકો વાયદાબાજ હોય છે. આજનું કામ કાલે કરીશુંમાં માનનારા હોય છે. સરદાર વલ્લભભાઈ પટેલે ઉચિત જ કહ્યું છે કે 'વીતી ગયેલી ઘડીઓ તો જ્યોતિષીઓ પણ ધ્યાનમાં લેતા નથી.'

તકને પારખવાની એક દ્રષ્ટિ જોઈએ. ટોળામાં જોડાઈ જવાની ઉતાવળ એ મૂર્ખતા છે. યોગ્ય સ્થાને દસ માણસો સાથે જોડાઈ જવું એ દસ હજાર લોકો સાથે હાજર રહેવા કરતાં વધુ શ્રેયસ્કર છે. હરિવંશરાય બચ્ચનની કવિતા છે...

'ગર્મ લોહા પી

ઠંડા પીટને કો

તેરા વક્ત બહુત પડા હૈ'

ઘાટ આવ્યા પછી પોલિશ કરવા માટે ખાસ્સો સમય તને મળવાનો છે.

જિંદગી એ સમય સાથેની સંતાકૂકડીની રમત છે. ક્યારેક સમય માણસને પકડવાની કોશિશ કરે છે, તો ક્યારેક માણસ સમયને પકડવાની કોશિશ કરે છે. સમયને તો સરી જવાની આદત છે. સરકી જવા મથતા સમયની ચોટલી પકડનારની જ જીત થાય છે.

માણસની જિજ્ઞાસા અને સતત જાગૃતિ જ એને માટે સફળતાનાં દ્વાર ખોલી આપે છે. તકની શક્યતાઓનું તૈયાર પેકેટ બજારમાં મળતું નથી. અહીં સૂર્ય સિંહા લિખિત 'તક ગુમાવી, નસીબ હાથમાંથી સરી ગયું' નામની પ્રેરક વાર્તા પ્રસ્તુત છે -

એક સમયની વાત છે. જંગલમાં એક સુંદર તળાવને કિનારે આવેલા વૃક્ષ પર વાંદરાઓનું રાજ હતું. તોફાની વાંદરાઓના ડરથી બીજા કોઈ પક્ષી સુધ્ધાં એ વૃક્ષ પર બેસતાં નહોતાં.

એક દિવસ એક મહર્ષિ અને એક રાજકુમાર વૃક્ષની નીચે આવીને બેઠા કે વાંદરાઓએ તોફાન મચાવવાનું શરૂ કરી દીધું.

એ જોઈ મહર્ષિએ વાંદરાઓને પૂછ્યું : 'તમે વટેમાર્ગુને કેમ આરામ કરવા દેતા નથી ?'

વાંદરાઓના સરદારે કહ્યું : ''અમને માણસજાતની ઈર્ષ્યા આવે છે. ઈશ્વરે તમને માણસોને સુંદર બનાવ્યા છે અને અમને કદરૂપા, ઢંગધડા વગરના.''

મહર્ષિએ કહ્યું : ''એમાં ભગવાનને દોષ દેવો ન તો ઉચિત છે કે ન તો કોઈ લાભ છે. જે જેવું કર્મ કરે છે, જેવી આસ્થા રાખે છે, એને એવું જ ફળ મળે છે. ભગવાને બધાંને સુધરવાની સરખી તક આપેલી છે. પણ કોઈ ઓળખે છે અને કોઈ નહીં. તક ઝડપી લેનાર ફાયદામાં રહે છે અને તક ગુમાવી દેનાર જીવનના છેલ્લા શ્વાસ સુધી ખોટ અને પસ્તાવામાં.''

વાંદરાના સરદારે કહ્યું : ''અમે નથી માનતા કે ભગવાને બધાંને સરખી તક આપી છે, આ બધું બકવાસ છે.''

''માનો કે ન માનો. તમારી મરજી.'' મહર્ષિ પાસેના વૃક્ષ નીચે જઈને બેઠા અને રાજકુમારને પણ પોતાની પાસે બોલાવી લીધો. એટલામાં ક્યાંકથી આકાશવાણી થઈ. 'આકાશમાં વીજળી ચમકશે, જે વાનર કે વાંદરી તળાવમાં કૂદી પડશે એ પુરુષ કાન્તિવાન અને સ્ત્રી અપ્સરા બની જશે. એટલે જેણે મનુષ્ય બનવું હોય તે તકનો લાભ લઈ લે.'

વાનરોના મનમાં જાતજાતનાં પ્રશ્નો ઉદ્ભવવા માંડયાં. શું વીજળી જ તળાવના પાણીમાં પ્રવેશશે અને તે સમયે પાણીમાં કૂદી પડનાર સુંદર સ્ત્રી કે પુરુષ બની જશે ?

એટલામાં આકાશમાંથી પવિત્ર વીજળી ચમકી. એ જ ક્ષણે એક વાંદરી તળાવમાં કૂદી પડી. બાકીના વાનરો એ ક્ષણની રાહ જોતાં હતાં કે પેલી વાંદરી અપ્સરા જેવી સુંદર બનીને બહાર નીકળે છે કે નહીં. અંતે પેલી વાંદરી સુંદર સ્ત્રી બનીને તળાવમાંથી બહાર નીકળી. 

બધાંને લાગ્યું કે આકાશવાણી સાચી હતી. અને સહુ વાનરો તળાવમાં કૂદી પડયા અને બહાર નીકળ્યા ત્યારે વાંદરા જ હતાં. તેમને એ વાતનો પશ્ચાતાપ થયો કે તેમણે શા માટે પવિત્ર ક્ષણનો લાભ ન લીધો.

પેલી વાંદરીમાંથી સુંદર યુવતી બનેલી સુંદરીના શરીર પર રાજસી પોશાક અને રત્નજડિત આભૂષણો ચમકતાં હતાં. મહર્ષિએ એને પૂછ્યું, ''શું તને વિશ્વાસ હતો કે આકાશવાણી સાચી ઠરશે ?''

''મહર્ષિ, વાત વિશ્વાસ-અવિશ્વાસની નહોતી. આકાશવાણીમાં કહેવાયું હતું કે વાંદરો કે વાંદરી એ ક્ષણે તળાવમાં કૂદી પડશે તે મનુષ્યયોનિ પ્રાપ્ત કરશે. એમ નહોતું કહેવાયું કે કૂતરો-બિલાડી કે બીજું કોઈ જાનવર બની જશે. એટલે મેં માણસ બનવાની તક ઝડપી લીધી અને હું તળાવમાં કૂદી પડી. મેં હાથમાં આવેલી તક જવા ન દીધી.'' રાજકુમારે તે સુંદર યુવતી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને બન્ને રાજમહેલ તરફ જવા વિદાય થયાં.

આનો અર્થ એવો નથી કે બધું જ કેવળ પ્રભુ શરણે છોડી દઈને આપણે નિષ્ક્રિય થઈ જવું. કારણ કે પ્રભુ જે કરવા-કરાવવા ઈચ્છે છે એનું સાધન પણ આપણે જ છીએ. એટલે જિંદગી જે સ્વરૂપે આવે તે સ્વરૂપે એને જીવવાની સ્વસ્થતા એ જ આપણી મનુષ્ય તરીકેની સ્વસ્થતા છે. એવી સ્વસ્થતા પડકારો વચ્ચે યોગ્ય રસ્તો ચીંધવાનું બળ પૂરી પાડતી હોય છે અને જિંદગીમાં આવેલી તકો આપણને રસ્તો ચીંધે છે એને ઓળખવાની દ્રષ્ટિ રસ્તો ચીંધે છે એને ઓળખવાની દ્રષ્ટિ આપણે કેળવવાની જરૂર છે, બાકી ઈશ્વર તો બધાંને તક આપે જ છે અને તકને ઝડપી લેવાની ક્ષમતા પણ ઈશ્વરે આપી છે, જરૂર છે આપણે તેને ઓળખવાની.

જીવનમાં તકનો લાભ ઊઠાવવા માટે કઈ પાંચ બાબતો યાદ રાખવી જોઈએ ?

૧. તક એ કામધેનુ છે. એ ગુમાવવાની વસ્તુ નથી. મળેલી તકને દોહી લેવી જોઈએ.

૨. દુર્લભ તકો જીવનમાં વારંવાર મળતી નથી.

૩. તકની લિપિ ઉકેલતાં માણસે શીખી લેવું જોઈએ.

૪. મોટાભાગની તકો માણસ શ્રધ્ધાને બદલે શંકાને હવાલે કરી પોતાની જાતે જ પ્રગતિના દ્વાર બંધ કરે છે.

૫. તક પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવો. તકને ઓળખો, સ્વીકારો અને તેનો લાભ ઉઠાવો.