- રજનીગંધા-વિભાવરી વર્મા
- એક દિવસ એણે મને પોતાની છાતી પર કોતરાવેલું ટેટુ બતાડયું! એમાં લખ્યું હતું : 'ધારા એન્ડ આરવ, લવર્સ ઇન પેરેડાઇઝ!'
'ધા રાએ આત્મહત્યા કરી લીધી છે !' આ વાત જ્યારે મેં સાંભળી ત્યારે મને આઘાત નહીં, જરા નવાઈ લાગી હતી ! મને થયું 'ખરેખર ? ધારા સૂસાઈડ કરી લેશે એવું લાગતું તો નહોતું...'
પણ પછી મને બીજી વાત જાણવા મળી કે 'આરવ, એણે મરતાં પહેલાં જે સૂસાઈડ નોટ, લખી છે એમાં તારું નામ છે !'
***
મારું નામ ? આ છોકરી આ હદે જશે એની મને કલ્પના સુધ્ધાં નહોતી. મને એમ હતું કે આમ પણ ધારા એક મિડલ ક્લાસ છોકરી છે. એને લવમાં 'બ્રેક-અપ' થાય એનો આઘાત લાગે ખરો. પરંતુ મિડલ ક્લાસ છોકરીઓ પ્રેકિટકલ હોય. એમને સમાજમાં રહેવાનું હોય. એટલે એ 'એડજસ્ટ' કરી લે...
કેમકે મિડલ ક્લાસ છોકરીઓની બાબતમાં હું હંમેશાં સાચો જ પડતો હોઉં છું. પહેલી વાત તો એ કે છોકરી દેખાવે બહુ એટ્રેકટીવ ના હોવી જોઈએ. બીજું, એ પોતાને બહુ સ્માર્ટ ના સમજતી હોવી જોઈએ. અને ત્રીજું, એને ક્લાસમાં કે પોતે જ્યાં રહેતી હોય ત્યાંના છોકરાઓ ખાસ ભાવ ના આપતા હોવા જોઈએ.
આવી છોકરીઓને હું ખુબ જ આસાનીથી પટાવી લેતો હોઉં છું. આનું પહેલું કારણ એ કે હું પોતે ખુબ જ હેન્ડસમ છું. મારી માંજરી આંખો, મસ્ક્યુલર બોડી અને અનોખી સ્ટાઇલો એવી છે કે હું ભલભલી બ્યુટિફૂલ છોકરીઓને પણ બાટલામાં ઉતારી શકું.
પરંતુ હું એવું કરતો નથી. કેમકે છોકરી જ્યારે બહુ ખુબસુરત હોય ત્યારે એને ચોક્કસ પ્રકારનો ઘમંડ હોય છે કે એની પાછળ તો બબ્બે ડઝન રોમિયો આંટા મારે છે. આના કારણે એ ભાવ બહુ માગે છે. નખરાં પણ ઘણાં કરે છે અને સરવાળે ખર્ચા પણ બહુ કરાવે છે.
જ્યારે મિડલ ક્લાસ છોકરીઓ, એમાંય ખાસ એટ્રેકટીવ ના હોય, (અને થોડી ડફોળ પણ હોય) તો એની પાછળ જરાય મહેનત કરવી પડતી નથી, કેમકે મારા જેવો હેન્ડસમ છોકરો એની સાથે મીઠીમીઠી વાતો કરે, એને ભાવ આપે, એવું એણે સપનામાં પણ જોયું હોતું નથી.
ધારાના કેસમાં એવું જ હતું. આની પહેલાં હું જે નાના ટાઉનની હાઇસ્કૂલમાં ભણતો હતો ત્યાં મેં આ જ રીતે ચાર-પાંચ મિડલ ક્લાસિયણ મામૂલી લુક્સવાળી છોકરીઓ સાથે જલસા કરી જ લીધા હતા.
એ પછી જ્યારે આ મોટા શહેરની કોલેજમાં એડમિશન લીધું ત્યારે શરૂ શરૂમાં મેં આ જ મોડસ ઓપરેન્ડી અજમાવી હતી. કોલેજની બે ત્રણ છોકરી પટી પણ ગઈ હતી પરંતુ મોટી કોલેજની ઓર્ડીનરી લુક્સવાળી છોકરીઓ પણ સ્માર્ટ હોય છે. છ-સાત મહિના પછી આવી છોકરીઓ પણ 'કમિટમેન્ટ'ની વાતો કરવા લાગે છે.
બસ, એ જ દિવસોમાં મને ધારા મળી ગઈ. એ મારા બાજુના જ એપાર્ટમેન્ટમાં રહેતી હતી. એક દિવસ એની સ્કુટી બગડી ગઈ. તે રોડની સાઇડમાં મુંઝાઈને ઊભી હતી ત્યાંજ મેં ચાન્સ પર ચોગ્ગો મારી લીધો. એને મારી બાઇક પર લિફ્ટ આપી દીધી.
પહેલી જ મુલાકાતમાં મેં એનો ફોન નંબર લઇ લીધો અને એ જ રાત્રે ફોન લગાડીને હું ચાલુ થઈ ગયો : 'શી ખબર, તને પહેલી વાર જોઈ ત્યારે જ મારા દિલમં કંઇક થવા લાગ્યું હતું ! યાર, આ શું છે ? તને નથી લાગતું કે આપણે ફરી એકવાર મળવું જોઈએ ?'
આ તો મારી સાવ જુની અને ઘસાયેલી લાઈન હતી પરંતુ ધારા માટે કાતિલ તીરનું કામ કરી ગઈ.
બસ, પછી તો પૂછવું જ શું ? કેમકે ઘાયલ કબૂતરીઓને શી રીતે પિંજરામાં પુરી દેવી એની સ્ટેપ બાય
સ્ટેપ ગેમ તો હું ઓલરેડી અડધો ડઝન વાર રમી ચૂક્યો હતો.
પેલી બાજુ ધારા તો મારા 'લવ'માં પડી ગઈ હતી ! એક દિવસ એણે મને પોતાની છાતી પર કોતરાવેલું ટેટુ બતાડયું ! એમાં લખ્યું હતું : 'ધારા એન્ડ આરવ, લવર્સ ઇન પેરેડાઇઝ !'
હું તો ચોંકી ગયેલો ! એણે મને ફોનમાં એ ટેટુના ફોટા પણ મોકલવા માંડેલા ! મેં એને ડરાવી કે 'જો તારા મમ્મી-ડેડીને ખબર પડશે તો મુસીબત થશે !'
તો મને કહે 'પણ હવે તો તું મારો જ છે ને ? પછી દુનિયાથી શા માટે ડરવાનું ?'
તમે નહીં માનો, એણે મારા નામનું સિંદૂર પણ પોતાના સેંથામાં પૂરવા માંડેલું ! રોજ રાત પડે ને એ સાવ વેવલી, ચાલુ ટાઇપની શાયરીઓના વિડીયો બનાવીને મને મોકલવા લાગી હતી.
હવે હું એલર્ટ થઈ ગયો ! આ તો ગળે પડશે ! પરંતુ એને રોકવી શી રીતે ? આખરે મેં પણ જુનો અને જાણીતો દાવ અપનાવ્યો. મેં કહ્યું : 'જો ધારા, આપણો પ્રેમ સાચો હોય તો આપણે દુનિયા આગળ એને સાબિત કરવું પડશે ! આ મારી કોલેજનું ફાઇનલ યર છે. હું સારા માર્કે પાસ થઇ જાઉં, મને સારી જોબ મળી જાય, પછી જ હું તારા મમ્મી-પપ્પા આગળ તારો હાથ માગવા આવીશ ! તું સમજે છે ને ?'
આમ તો એ સમજી જ ગઈ હતી. ધીમે ધીમે મેં એની પાસે મેસેજો બંધ કરાવ્યા, ફોન કોલ કરવાની ના પાડી. એક જ રસ્તેથી નીકળવાનું પણ એવોઈડ કરવાનું કહ્યું...
ધારા બધું જ મારા કહ્યા મુજબ કરતી રહી. મને થયું 'હાશ, હવે બલાથી છૂટકારો મળી ગયો..'
પરંતુ એક જ ભૂલ થઈ ગઈ. એકઝામમાં ટોપ રેન્ક મેળવ્યા પછી કેમ્પસ ઇન્ટરવ્યુમાં જે કંપનીના ડીરેકટરે મને સવા લાખના પગારે જોબ પર રાખ્યો હતો તેણે માત્ર છ જ મહિનામાં મને એક ઓફર આપી.
ઓફર બહુ લોભામણી હતી. તેમણે કહ્યું : 'લુક આરવ, મારી દિકરીનું બહુ ખરાબ રીતે બ્રેકઅપ થયું છે. એટલું જ નહીં, એનું એબોર્શન પણ કરાવવું પડયું છે... નાવ શી ઇઝ ઇન ગ્રેટ ડિપ્રેશન... પણ જો તું એની સાથે મેરેજ કરીને તેને હંમેશ માટે અપનાવવા તૈયાર હોય તો...'
હવે તમે જ કહો, મારા જેવો સ્માર્ટ યંગ મેન આવી ઓફરની ના પાડતો હશે ? બસ, પંદર જ દિવસમાં એંગેજમેન્ટનું એનાઉન્સમેન્ટ થઈ ગયું !
આખી વાત સોશિયલ મિડીયામાં વાયરલ થઈ ગઈ ! એ પછી સતત ધારાના ફોન આવવા લાગ્યા... હું વારંવાર ફોન કટ કરી નાંખતો રહ્યો.
છેવટે એકવાર ફોન ઉપાડીને મેં એને ખખડાવી નાંખી 'ધારા, તું સમજતી કેમ નથી ? તારી અને મારી વચ્ચે હવે કશું જ રહ્યું નથી. જસ્ટ લીંવ મિ અલોન !'
ત્યારે તૂટતા અવાજે તેણે પૂછ્યું હતું, 'આરવ, જે થયું તે થયું, પણ તું મને હજી પ્રેમ તો કરે છે ને ?'
'ના ! મેં ચોખ્ખા શબ્દોમાં કીધેલું 'કેવો પ્રેમ ? શેનો પ્રેમ ?'
એ કંઈ જ બોલી નહીં. ફોનમાં તેનું એક ડૂસકું સંભળાયું અને ફોન કટ થઇ ગયો.
છેક મોડી રાત્રે અઢી વાગે તેનો મેસેજ આવ્યો : 'આરવ, હું તારા પ્રેમ વિના નહીં જીવી શકું.... હું મરી જઈશ.'
જવાબમાં મેં ત્રણ જ શબ્દો લખ્યા હતા : 'ઓકે. મરી જા.'
***
.... અને સવારે તો આ ન્યુઝ સાંભળવા મળ્યા ! હવે જો તેની સૂસાઇડ નોટમાં મારું નામ હોય, ફોનમાંથી મારો મેસેજ મળી આવે અને જો એવું ફલિત થાય કે તેના આપઘાતની દુષ્પ્રેરણા મેં જ આપી હતી...
તો મામલો લાંબો ચાલવાનો.
પરંતુ હું પણ કંઈ ઓછો નથી. મેં મારા થનારા સસરાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું : 'આ કેસમાં તમારે પૈસા તો ખર્ચવા જ પડશે. આફટર ઓલ, મેં તમારી દિકરીને બહુ મોટી હેલ્પ કરી છે.
તમે સમજો છો ને ?'


