Get The App

પ્રાર્થના એટલે માગણી નહીં, પણ લાગણી

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
પ્રાર્થના એટલે માગણી નહીં, પણ લાગણી 1 - image


- એક જ દે ચિનગારી-શશિન્

- પ્રાર્થના ફલે એ માટે યાદ રાખવા જેવી સાત બાબતો કઇ ? ઇશ્વરને કહો કે મારી નહીં પણ તારી ઇચ્છા મુજબનું મને આપજે

પ્રા ર્થના એટલે મૌનનું મૃદંગ. મંદિરમાં ચોતરફ ઘંટનાદ, શંખનાદ થઇ રહ્યો છે. લોકો મોટેમોટેથી ભજનો ગાય છે. પોતાની પાસે ઉભેલી વ્યક્તિને એના સાથી કહે છે : 'નાસ્તિક, આરતીના સમયે મૂંગો રહે છે. માગ્યા વગર તો માતાય ના પીરસે. કરોડો અબજો લોકો પ્રાર્થના કરતાં હોય ત્યાં મૂંગી પ્રાર્થનાની ઇશ્વર ક્યાંથી નોંધ લે ?'

મૌનધારી વ્યક્તિ પર એની કશી અસર થતી નથી.

પેલો સાથી ફરી ટકોર કરે છે એટલે નાછૂટકે પેલી મૌનધારી વ્યક્તિ કહે છે : 'મોં માત્ર બોલબોલ કરવા નથી મળ્યું. મૌનના મહાસાગરના તીર્થયાત્રી બનવા માટે પણ આપેલું છે.'

સંત મીખીલ નેઇચીના શબ્દોમાં 'પ્રાર્થના કરવા જીભ કે હોઠની જરૂર નથી પડતી. ઉલટુ પ્રાર્થના વખતે મૌન, જાગૃત હૃદય, શ્રેષ્ઠ ઇચ્છા, શ્રેષ્ઠ વિચાર અને તેથી વધારે શંકારહિત હૃદય અને શ્રેષ્ઠ સંકલ્પની જરૂર પડે છે.'

જેમને પોતાનું હૃદય મંદિર ન લાગે તેમનું હૃદય કોઈ પણ મંદિરમાં ચોંટતું નથી. મંદિર એ ભિક્ષુકગૃહ નથી ! પ્રશ્ન છે પ્રાર્થના કેવી રીતે ફળદાયી બને ?

એક સંત પાસે જઇને જિંદગીથી થાકેલો માણસ કહે છે : 'આપ સૌ સંતો કહો છો કે ઇશ્વર અંતરયામી છો. યાદ કરનારનો એ ઉધ્ધાર કરે છે તો પછી મારી પ્રાર્થના કેમ એ સાંભળતો નથી ?'

સંતે પૂછ્યું : 'તું દરરોજ શી પ્રાર્થના કરે છે ?'

પેલા માણસે કહ્યું 'એક તો મારી પત્ની અને પુત્ર મારા કહ્યામાં નથી. ઇશ્વર પાસે ધન માગું છું તો પૈસો પણ મળતો નથી. કોર્ટમાં જમીન વિશેનો મારો કેસ ચાલે છે. હું પ્રાર્થના કરું છું કે શત્રુનો પરાજય થાય અને મારી જીત થાય.'

સંતે શાન્તિથી પૂછ્યું : 'વારુ, આ બધી બાબતોમાં તેં આત્મદર્શન કર્યું ? કેમ તારી પત્ની તારા કહ્યામાં નથી ? કેમ તારો પુત્ર તારા આદેશોને અવગણે છે ? તારામાં જ કશુંક ખૂટે છે, જેથી તને પ્રેમ અને લાગણી મળતાં નથી. તને ધાર્યો પૈસો મળતો નથી, એમાં તારી કર્મકુશળતા, કૌશલ્ય, કાર્યનિષ્ઠા, સમર્પણ રેડયા સિવાય તું વૈતરું કરે છે. માણસ માત્ર માટે શત્રુભાવ ન રાખવો એ ઇશ્વરનો પેગામ છે. તું તારી મેલી મુરાદ માટે શત્રુનો પરાજય માગે તો ઇશ્વર ક્યાંથી રાજી રહે ? ઇશ્વરનું કામ માણસને જીતાડવાનું નથી પણ સત્યને જીતાડવાનું છે. તે સત્યને જીતાડવાનું કામ કર્યું ? તું ઋતુ વગર ફળ માગવાની ઇચ્છા રાખે તો ઇશ્વર તને ક્યાંથી ફળ આપે ? હૃદયમાં પારાવાર પ્રેમ લઇને ઘેર જા. સહુને પ્રેમથી ભીંજવજે ક્ષમાશીલ અને સહિષ્ણુ બનજે અને ભગવાનને કહેજે કે પ્રભુ ! ભલે મારો ક્ષય થાય પણ હે દેવ તારો જ વિજય થવો જોઇએ.'

'ઉંડા અંધારેથી પ્રભુ પરમ સત્યે તું લઇ જા.' એ જ પ્રાર્થના શ્રેષ્ઠ છે. પ્રાર્થના કોઈ યાંત્રિક ક્રિયા નથી. પણ હૃદયને શુધ્ધ બનાવી પરમશક્તિ સમક્ષ સમર્પિત થવાની ઉદાત્ત ભાવના છે. પ્રાર્થનામાં તમારી ભૂલોનું પ્રાયશ્ચિત ઉમેરાશે તેટલા અંશે જ માનસિક શાન્તિ ઉમેરાશે પ્રાર્થના એ યજ્ઞા છે. તેમાં અહંકાર અને તૃષ્ણાઓની આહૂતિ આપી ઇશ્વરને પ્રાર્થવું જોઇએ કે પ્રભુ ! તારી મરજી સત્ય હજો મારી નહીં. પ્રાર્થના એ અરજી નથી પણ ઇશ્વરમાં શ્રદ્ધા રાખવાનો રાજમાર્ગ છે. ભગવાનને શંખનાદની જરૂર નથી. પણ તમે 'શઠનાદી'ના બનો એની પ્રતીક્ષા છે. કામ કે દામ માટે નહીં પણ અંત:કરણના રામને જગાડવા માટે પ્રાર્થના જરૂરી છે. એટલે ઇશ્વરના અદ્રષ્ટ ખોળામાં માથું મૂકી કહેવું જોઇએ કે પ્રભુ ! મને ગમે તે નહીં પણ તને ગમે તે દે જે. મારી પ્રાર્થનાઓમાં સ્વાર્થની ધજા ફરકતી હોય છે. તને જગાડનાર હું કોણ ? તેં પોતે જ અનંતકાળ સુધી જાગૃત રહેવાનો મનોમન સંકલ્પ કર્યો છે. ઋગવેદ કહે છે કે હે પરમેશ્વર, અમારા મનને શુભ સંકલ્પવાળુ બનાવો અમને સુખ પ્રદાયક બળ અને કર્મશક્તિ આપો. 'કર્મશક્તિ વગરની ધર્મશક્તિ લંગડી છે. કારણ કે મનુષ્યનો જન્મ જ કર્મયોગી બનવા માટે થયો છે.' પ્રાર્થના બાદ તમે શ્રેષ્ઠ મનુષ્ય તરીકે ઉભા થાઓ તો પરમશક્તિને એ ગમશે. મહાત્મા ગાંધી સત્યવાદી હતા અને સત્યને જ પરમેશ્વર માનતા હતા. પ્રાર્થના બોલીને કરો કે મૌન ધારણ કરીને, અંતે તો હેમનું હેમ જ છે. તમારા હૃદયને મલીન ભાવનાઓ ધોવાનો ધોબીઘાટ બનાવો એટલે ઇશ્વર ખુશખુશાલ.

પ્રાર્થના ફળે એ માટે યાદ રાખવા જેવી સાત વસ્તુઓ કઇ ?

૧. ઇશ્વર પાસે માગો નહીં, તેની મરજીને જ તમારી મરજી ગણી લો. ૨. તમારા સ્વાર્થ ખાતર દંભ કરીને ઇશ્વરને પજવશો નહીં. ૩. જ્યાં સુધી તમારા મનમાં તુચ્છ વિચારોના ડેરા તંબૂ હશે ત્યાં સુધી તમારું હૃદય ઇશ્વરનું સ્થાનક બની શકશે નહીં. ૪. મન-વચન-કર્મથી બીજાના અહિત માટે પ્રાર્થના કરશો નહીં.

૫. સદ્વર્તન અને સદાચારીથી મોટી કોઈ પ્રાર્થના નથી.

૬. તમારી ચિંતા ઇશ્વરને સોંપી દો, ચિંતાઓની યાદી નહીં.

૭. શબ્દોને બદલે તમારા શુદ્ધ કર્મોને બોલવા દો.

Tags :