Get The App

ગાંધી માર્ગ એટલે શું? .

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
ગાંધી માર્ગ એટલે શું?                                    . 1 - image

- એક જ દે ચિનગારી-શશિન્

- ગાંધીજીના જીવનમાંથી કઈ અગિયાર બાબતો માણસે આજે પણ યાદ રાખવા જેવી છે?

'પ પ્પા, આ રૂપીઆની નોટ પર છપાએલો ડોસાનો ફોટો કોનો છે ?' ગાંધીજીના નામથી અજાણ નાનકડા પુત્રએ પૂછ્યું.

'અરે બેટા, ચૂપ કર. આ તો આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો છે. આ ફોટાને વંદન કર.' પપ્પાએ પુત્રને કહ્યું.

આવી મન:સ્થિતિ એકલા એ બાળકની જ નહીં, ગાંધીજી વિષે ઘણા બધા પાસે ઉચિત જાણકારી નથી. બધાં કહે છે ગાંધીમાર્ગે ચાલવું જોઈએ. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે ગાંધીમાર્ગ એટલે શું ? ગાંધીમાર્ગ વિષે જાણવા માટે ગાંધીજીના સમગ્ર જીવનને સમજવું પડે.

લોકોનો, લોકો માટે જીવતો, લોકો વચ્ચે ફરતો સાચુકલો એક માણસ સત્યનું ગીત ગાતાં ગાતાં સત્યલોકમાં સરી ગયો. લોકઘાટની માણસને આપણે સમાધિરૂપે 'રાજઘાટે' સાચવવાની કોશિશ કરી. આજે પણ રાજઘાટના રાજકારણી પ્રવાસીઓ સ્વાર્થસિધ્ધિ માટે એમના નામનું નામમાત્રનું તિલક કરે છે. ગાંધી એમને મન કામધેનુ છે. ગાંધી એમને મન શત્રુઓનું મોં બંધ કરવાનું સાધન છે. પોતાના સ્વાર્થ માટે તેઓ ગાંધીજીની પીઠ પર પગ મૂકીને ઊંચે ચઢવાની કોશિશ કરે છે. ગાંધી કોઈને મન ચોરો છે, કોઈને મન છે મન ચલણી નાણું. વાદમાં નહીં માનતા માણસને આપણે 'વાહ' સાથે જોડીને એમનું ગૌરવ છીનવી લીધું છે. પોતાના મુકિતાદાતાની ક્યારેય ન થઈ હોય એવી ફજેતી ગાંધીજીની થઈ રહી છે.

આઝાદી પછી ગાંધીના નામે ચરી ખાનારાંઓએ 'અસ્તેય' માંથી (ચોરી ન કરવી) 'અ' કાઢી નાખ્યો, અપરિગ્રહમાંથી 'અ' કાઢી નાખ્યો અને 'સત્ય'માં 'અ' જોડી દીધો. ગાંધીજી આસ્થાવાદી હતા, સરળ હતા, વિનમ્ર હતા, નિર્દંભ હતા, ક્ષમાશીલ હતા, અહિંસા પ્રિય હતા, અને સત્યની સાકાર પ્રતિમા હતા. ગાંધીજીની વિશેષતા એ હતી કે તેઓ પોતાને પૂજ્ય નહોતા માનતા. પૂજાવાના કોડ માણસનું પતન નોંતરે છે, એ વાત એમણે મનોમન સ્વીકારી લીધી હતી. ગાંધીજીએ ક્યારેય ખોટી વાતનો બચાવ નથી કર્યો. તેમના જીવનકાળ દરમ્યાન સત્યાગ્રહની કસોટી થઈ એવા અનેક પ્રસંગો બન્યા, ચૌરાચોરી, પૂના કરાર, દેશનું વિભાજન જ્યાં ઘનઘોર નિરાશાના પ્રસંગો આવ્યા. પણ ગાંધીજીએ પોતાના સત્યને કમજોર ન બનવા દીધંર કે ન તેઓ પોતે ભ્રમિત થયા.

ગાંધીજીને કેવળ આઝાદી નહોતી ખપતી. એમને સ્વસ્થ અને સ્વચ્છ શાસન પ્રણાલીની અપેક્ષા હતી. તેઓ સાદગીની વાત એટલા માટે નહોતા કરતા કે, અમીરોના તેઓ વિરોધી હતા, પણ તેઓ માનતા હતા કે 'શ્રી' એટલે કે લક્ષ્મી એ સમાજની સંપત્તિ છે. અને તેથી સુખાધિકાર સૌને મળવા જોઈએ.

કેવી કરુણતા છે આ દેશની ! સત્ય અને અહિંસાના શસ્ત્રથી વિદેશી અંગ્રેજોને આપણે ભારતમાંથી ભગાડી શક્યા, પણ એ જ શસ્ત્રોથી સ્વદેશી શેતાનોને ભગાડવામાં આપણે પાંગળા પૂરવાર થયા. નૈતિક, અને સામાજિક સ્વાતંત્ર્ય તથા ધાર્મિક સ્વાતંત્ર્ય વગર આઝાદી ક્યારેય પરિપૂર્ણ ન થાય. નૈતિક સ્વાતંત્ર્ય વગરનું નેતૃત્વ પક્ષપલટુઓની પલટણ ખડી કરી શકે, સમર્થ નેતાઓ નહીં.

ગાંધીજી નમકનું મૂલ્ય સમજતા હતા. એટલે તેઓ ન તો તેઓ દેશ પ્રત્યે નમકહરામ બની શક્યા કે ન તો માનવતા પ્રત્યે. આજે દેશમાં મીઠું છે પણ માણસમાંથી મીઠું અદ્રશ્ય થઈ ગયું છે. મીઠા વગરના માનવીઓ નમકહરામ બની શકે, નમકહલાલ નહીં.

ગાંધીજીનો સ્વરાજનો આદર્શ બિલકુલ સ્પષ્ટ હતો. પોતાના સ્વપ્નના ભારતનું સ્વરૂપ આલેખતાં તેમણે કહ્યું હતું, 'પોતાનાં નામો મતદાર તરીકે નોંધાવી આપવાની તસ્દી લેનાર તથા જાતમહેનત કરી રાજ્યને પોતાની સેવા આપનાર દરેક જણ, મરદ અથવા ઓરત, અસલ વતની અથવા હિન્દુસ્તાનને પોતાનો દેશ કરી અહીં વસેલાં, મોટી ઉંમરના વધારેમાં વધારે લોકોના મત વડે મેળવેલી હિન્દુસ્તાનીની સમ્મતિથી થતું શાસન એટલે સ્વરાજ.... સ્વરાજ એટલે સરકારના અંકુશમાંથી મુક્ત થવાનો સતત પ્રયાસ, પછી ભલે તે સરકાર પરદેશી હોય કે દેશની, જો લોકો જીવનની દરેક વિગતના નિયમન માટે સરકાર તરફ જોશે તો તે સ્વરાજમાં ઝાઝો સાર નહીં હોય !'

'ગાંધી દર્શન'માં વર્ણવ્યા અનુસાર 'અહિંસક સ્વરાજ' માં કોઈ કોઈના દુશ્મન ન હોય. બધા પોતપોતાનો ફાળો ભરે. કોઈ નિરક્ષર ન હોય, ઉત્તરોત્તર જ્ઞાન વધતું જાય. આવી પ્રજામાં રોગ ઓછામાં ઓછા હોય, કંગાલ કોઈ ના હોય, મહેનત કરનારને મહેનત મળતી હોય, તેમાં જુગાર, મદ્યપાન, વ્યાભિચાર ન હોય, વર્ગવિગ્રહ ન હોય, ધનિક પોતાનું ધન વિવેકસર વાપરે, મૂઠીભર ધનિક મીનાકારી મહેલમાં રહે અને લાખો લોકોના ઘરમાં હવા-અજવાળું ન હોય એવા અંધારિયામાં રહે એ પણ ન હોય. કોઈના વાજબી હક પર અહિંસક સ્વરાજમાં કોઈ તરાપ ન મારી શકે. ત્યાં તંત્ર વ્યવસ્થિત હોય. ગેરવ્યાજબી હક કોઈથી ભોગવી શકાતા જ નથી. ગેરવાજબી હક ભોગવનારની સામે હિંસાનો ઉપયોગ કરવાપણું નથી રહેતું.'

આવું સ્વરાજ આપણે ભારતને આપી શક્યાં નથી. ભોગ આપવા ખાતર નહીં પણ, પણ ભોગ લેવા ખાતર આજે સત્યાગ્રહનું શસ્ત્ર પ્રયોજાઈ રહ્યું છે. નૈતિક મૂલ્યોની સદંતર અવહેલના કરી કોઈ પણ દેશ કે માનવ ટકી શકે નહીં. પોતે જેને સાચું માનતા હોય એને સત્યની સરાણે કસોટીએ ચઢાવવાનો પ્રયત્ન અને તે ખાતર ખપી જવાની તૈયારી કોઈ નાની-સૂની સિધ્ધિ નથી.

ગાંધીજીને સમજવાની કોશિશ એટલે એમની વાતોમાંથી તટસ્થપણે સત્ય તારવવાની અને સત્યની કસોટીએ ટકે તેવી બાબતો અપનાવીને જીવનને સમુજ્જવળ બનાવવાની કોશિશ.

ગાંધીજીનું જીવન એટલે નૈતિક મૂલ્યોનો કંટકભર્યો પંથ. એમાં 'પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને' - ના શૂરવીરને જ તેના સ્વીકારનો પરવાનો મળી શકે. ગાંધી એટલે માણસાઈના સ્વપ્નોનો માળી, માણસાઈને એણે રક્તપ્રસ્વેદથી સીંચી છે.

ગાંધીમાર્ગ એટલે માણસને ચઢેલા શેતાનિયતના તાવને માપી આપનારું થર્મોમીટર. વિશ્વમાં દેશોને 'મુક્તિદાતા'ઓ તો મળ્યા છે, પણ 'મહાત્મા' મુક્તિદાતા જવલ્લે જ મળ્યા છે. ગાંધીજી મુક્તિદાતા પણ હતા અને મહાત્મા પણ.

ભારતનું એથી મોટું સૌભાગ્ય શું હોઈ શકે ? ગાંધી માર્ગે ચાલવા માટે તેમના જીવનની પ્રેરક બાબતો યાદ રાખવા જેવી છે.

૧. અહિંસા અને સત્યનિષ્ઠા.

૨. મનુષ્ય માત્ર પ્રત્યે પ્રેમ અને સદ્વર્તન.

૩. મન, વચન, કર્મમાં નૈતિકતા અને સમાનતા

૪. કર્મયોગીપણું અને પ્રમાણિકતા.

૫. સ્વાવલંબન અને સાદગી, સંકલ્પ બળ અને અવિચલિતપણું.

૬. જાત-જ્ઞાતિની સંકુચિતતાનો ત્યાગ અને સમભાવ.

૭. અહંકારનો ત્યાગ અને વિનમ્રતા.

૮. સાદગી અને આંતરિક પવિત્રતા, ક્રોધ પર કાબૂ.

૯. સત્યાગ્રહનો સ્વાર્થ માટે ઉપયોગ કરવાની વૃત્તિથી અલિપ્તતા.

૧૦. પ્રેમ, સેવાભાવના, વિરોધીઓ પ્રત્યે પણ સહિષ્ણુતા અને ક્ષમાભાવ.

૧૧. આત્મદર્શન, સંયમ, વિવેકશીલતા, ઈશ્વરમાં શ્રધ્ધા, બિનસાંપ્રદાયિકતા, પ્રાર્થના, દ્વેષનો અભાવ, નિર્ભયતા, શ્રધ્ધાશીલતા, શ્રમપ્રિયતા, સર્વોદયની ભાવના, જાહેર વહીવટમાં ટ્રસ્ટીશીપની ભાવના.

આ હતી મહાત્મા ગાંધીના જીવનની મહાનતા. એમના સદ્વર્તનને જ આખા દેશનો પ્રેમ ઝીલી લીધો હતો.