- રજનીગંધા-વિભાવરી વર્મા
- પેલા માણસે અચાનક પેન્ટમાં છૂપાવેલું મોટું ચાકુ બહાર કાઢ્યુ! તેણે જમનાને ધક્કો મારીને ગબડાવી પાડી... અને તેની છાતી પર ચડી ગયો!
શ ક્તિ કિરાણા સ્ટોર્સવાળા રઘુવીરે સામાનનું લિસ્ટ જોયું. કાગળ મેલો હતો, કદાચ પરસેવાથી મેલો થયો હશે. અક્ષરો વાંકાચૂકા હતા, ઓછું ભણેલી વ્યક્તિએ લખ્યા હોય તેવા...
ઘઉં, ચોખા, તુવેરની દાળ, હળદર, મરચું, મીઠું, ગરમ મસાલો અને છેક માચીસ સુધીની આઇટમો જોઈને તેણે સ્હેજ હસીને કહ્યું : 'નવું ઘર માંડવાનું લાગે છે !'
પણ સામે ઊભેલી સ્ત્રીના ચહેરા પર કોઈ ફેરફાર થયા નહીં. રઘુવીર વારાફરતી સામાન તોળીને પડીકામાં ભરવા લાગ્યો. પેલી સ્ત્રી તરફ તેણે ફરી નજર કરી.
ત્રીસેક વરસની હશે. વાળ વિખરાયેલા હતા. સાડીનો છેડો કમર પર ખોસેલો હતો. ચહેરા પર પરસેવાની બુંદ ઉપસી આવતી હતી. સાડીના મેલા છેડા વડે તે વારંવાર સાફ કરતી હતી. સાથે એક નાનકડી બે-ત્રણ વરસની બેબી હતી.
રઘુવીરે બેબીને એક ચોકલેટ આપી. પેલી સ્ત્રીએ તરત પાછી લઈ લીધી. 'ચોકલેટ ખાઈને પેટ ભરવાનું નથી !'
એના અવાજમાં ગુસ્સો હતો. રઘુવીરે જોયું કે બેબીને ભૂખ લાગી હતી. સામાનના લિસ્ટમાં ચા પત્તી અને ખાંડ પણ હતી એટલે પૂછ્યું : 'દૂધની કોથળી આપું ? બેબીને ચાલશે!'
સ્ત્રીએ હા પાડી. રઘુવીરે દૂધની કોથળીમાં સ્ટ્રો ભેરવીને બેબીને આપી. બેબી ચસચસ દૂધ પીવા લાગી. સ્ત્રીએ એના માથે હાથ ફેરવતા રઘુવીરને કહ્યું :
'થેન્ક્યુ હોં...!'
'અરે એમાં શું ?'રઘુવીરે કહ્યું : 'તમારો બધો સામાન તૈયાર છે. તમે બે મિનિટ બેસો. હું જરા ટોટલ મારી દઉં.' રઘુવીરે કેલક્યુલેટર પરની ધૂળ ફૂંક મારીને ઉડાડીને સરવાળો કરવા માંડયો.
'સાંભળો...' સ્ત્રી ઊભી થઈને નજીક આવી, 'હમણાં મારી પાસે પૈસા નથી. તમને જોઈએ તો આ રાખી લો.'
તેણે ગળામંથી મંગળસૂત્ર કાઢી દુકાનના કાઉન્ટર પર મૂક્યું. રઘુવીરે મંગળસૂત્ર જોયું લાગ્યું કે, અસલી સોનાનું તો હતું. છતાં તેણે પાછું આપતા કહ્યું : 'ના. પૈસાની કોઈ ઉતાવળ નથી, સગવડે આપજો...'
'જુઓ મને-' પછી તે વાત બદલતી હોય તેમ બોલી, 'મારું નામ જમુના છે. અહીં પાછળની ચાલીમાં રહેવા આવી છું. પૈસાની સગવડ થતા વાર લાગશે. તમે મારું સરનામું લખી લો.'
'જરૂર નથી.' રઘુવીર સ્હેજ હસ્યો, 'અમારા માટે ઘરાકનો ચહેરો જ સરનામું છે.'
બધો સામાન રઘુવીરે બે મોટા થેલામાં ભરી આપ્યો. જમુનાએ એક થેલો માથે ઉપાડયો ને બીજો હાથમાં લીધો. બેબી પાછળ પાછળ દોડવા લાગી.
શહેરની દૂર આવેલા ઇન્ડસ્ટ્રીયલ એરિયાની આ બસ્તી હતી. રઘુવીરની કરિયાણાની દુકાન પાછળ જ એનું પોતાનું બે ઓરડાનું ઘર હતું. ઘરમાં બે જ જણ હતા. રઘુવીર અને એના બાપુજી. માતા સાત વરસ પહેલાં બીમારીમાં ગુજરી ગઈ હતી. બાપ- દિકરો જાતે રોટલા ટીપીને ખાતા હતા.
શહેરમાંથી માલ- સામાનની ખરીદી કરીને જ્યારે બાપુજી આવ્યા ત્યારે જમતી વખતે રઘુવીરે પેલી સ્ત્રીની વાત કરી. કીધું કે, પૈસા લીધા નથી.
'સારું કર્યું. બિચારી કોઈ તકદીરની મારી હશે. ભગવાન એનું ભલું કરે.'
એ પછી જમુના અવારનવાર સામાન લેવા આવતી હતી. હિસાબમાં તેણે હજી અડધા પૈસા જ ચૂકવ્યા હતા. જ્યારે જુઓ ત્યારે તેનો ચહેરો ચિંતામાં ઘેરાયેલો લાગતો હતો.
એક દિવસ બાપુજીએ પૂછ્યું, 'જો દીકરી, તારી કહાણી શું છે એ મારે નથી જાણવી, પણ ઘર ચલાવવા માટે શું કરે છે ?'
'હમણાં તો નાના- મોટા ઘરકામ -' જમુનાને ગળે ડૂમો બાઝી ગયો. તે આગળ બોલી શકી નહીં.
'જો જમુના, અમે બાપ- દિકરા જાતે રાંધીને ખાઈએ છીએ પણ એમાં સમય બગડે છે ભાવતું પણ નથી. જો તું અમારા માટે ટિફિન બનાવીને બે ટાઇમ પહોંચાડે તો... ફાવે ?'
રઘુવીરને આ વ્યવસ્થા ફાવી ગઈ. આમ પણ આખો વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ હતો.
આસપાસમાં અનેક લોકો એવા હતા જે ઘરબાર છોડીને અહીં એકલા રહેતા હતા. ધીમે ધીમે ટિફિનની ઘરાકી બંધાઈ ગઈ.
જમુનાએ હવે એક જુની સાઇકલ ખરીદી હતી. ટિફિનો વહેંચ્યા પછી તે જરા થાક ખાવા માટે રઘુવીરની દુકાને આવીને બેસતી.
એક દિવસ તેણે જોયું કે, રઘુવીરના બાપુજી વાસણ માંજી રહ્યા છે. તેણે જઈને કહ્યું, 'કાકા, તમે રહેવા દો. વાસણ હું ઘસી આપું છું. મારે આટલું તો કરવું જોઈએ ને ?'
જમુના આ રીતે અવારનવાર ઘરમાં આવી જતી. હવે ઘરની સિકલ ધીમે ધીમે બદલાવા લાગી હતી. બારીમાં નવા પરદા લાગ્યા. પલંગની ચાદરો નવી આવી. ગોડાઉનની જેમ પડી રહેતો ઘરનો સામાન વ્યવસ્થિત રીતે ગોઠવાતો ગયો.
એક દિવસ ભરબપોરે એક મોટર સાયકલ આવીને ઊભી રહી. એક મોટી મૂછોવાળો લાલઘુમ આખંવાળો માણસ આવીને બૂમો પાડવા લાગ્યો : 'એ ય જમનાડી ! ઘરમાંથી બહાર નીકળી ! તને લેવા આવ્યો છું.'
'આવી ગયો હરામખોર !' જમુના સાડીનો છેડો કમરમાં ખોસતા બહાર આવી. 'સાલા જુગારી ? શરાબી ? આઠ મહિના પછી મારી યાદ આવી ? મારી બંગડીઓ વેચી તેના રૂપિયા પૂરા થઈ ગયા ? કે પેલી ચાંદની તને ચૂનો લગાડીને જતી રહી ?'
'એય ! જબાન સંભાળ તારી !'
'નહીંતર શું કરી લઈશ ?'
'જોવું છે તારે ?' પેલા માણસે અચાનક પેન્ટમાં છૂપાવેલું મોટું ચાકુ બહાર કાઢ્યુ ! તેણે જમનાને ધક્કો મારીને ગબડાવી પાડી... અને તેની છાતી પર ચડી ગયો !
રઘુવીર તો આ બધું જોઈને ચોંકી ગયો ! પેલાએ ચાકુ હવામાં ઉગામ્યું... હવે જો એક ક્ષણનું મોડું થાય તો ચાકુ જમનાની છાતી વીંધી નાંખે તેમ હતું...
રઘુવીરે અત્યંત ઝડપથી નજીક પડેલા નાળિયેર છોલવાનો અણીદાર સળિયો ઉઠાવીને છૂટ્ટો ઘા કર્યો !
હવામાં ગોળગોળ ઘુમતો સળિયો પેલા માણસના ગળામાં ખૂંપી ગયો ! જોતજોતામાં તે તરફડીને ખતમ થઈ ગયો. રઘુવીરને પણ કલ્પના નહોતી કે આવું બની જશે.
લોકોના ટોળાં ભેગા થવા લાગ્યા. સૌની નજરો રઘુવીરને વીંધી રહી હતી. એવામાં રઘુવીરના બાપુજી અંદરથી બહાર આવ્યા એક જ નજરમાં તે મામલો પામી ગયા. તેમણે ભીડ સામે નજર કરીને ઊંચા અવાજે કહ્યું :
'સાંભળો... આ ખૂન મેં કર્યું છે !'
***
સાંજ સુધીમાં પોલીસ આવીને બાપુજીને પકડીને લઈ ગઈ.
એક મહિના પછી દશેરાનો તહેવાર હતો. રાત્રે રાવણ દહન પછી લોકોનાં ટોળાં પાછા આવી રહ્યાં હતાં. એમાં જમુના પણ હતી. તેણે રઘુવીરના ઘરનો ઉંબરો ઓળંગીને પોતાની દીકરીને અંદર એક ગોદડી પાથરીને સુવડાવી દીધી.
પછી બહાર આવીને તેણે કહ્યું :
'રાવણનો વધ તો મહિના પહેલા થઈ ગયો હતો... રઘુવીર.'


