પડદા, ગડદા અને કડદામાં શૂરો માણસ
- એક જ દે ચિનગારી-શશિન્
- સાચા અર્થમાં યશસ્વી બનવા માટેના પાંચ માર્ગદર્શક સિધ્ધાંતો કયા?
અ જનો માણસ પડદા, ગડદા અને કડદામાં શૂરો માણસ લોકશાહી પૂછે છે : મારે માણસને જીવાડવો છે પણ માણસ મને એટલે કે લોકશાહીને જીવાડવા માગે છે ખરો ? 'ડેમોસ' એટલે 'લોકો' અને 'કેટોસ' એટલે સત્તા, આ બન્ને શબ્દોના મેળથી 'ડેમોક્રસી' શબ્દ બન્યો છે. સત્તાનું કેન્દ્ર સરકાર રહે અને લોકો લાચાર રહે તો લોકશાહીથી આંખમાં આંસુ આવે. ચિંતક જે.બી. પ્રિસ્ટલેએ એટલે જ નોંધ્યું હતું કે લોકશાહી એ એવું તંત્ર છે, જ્યાં કોઈ કોઈને જવાબદાર નથી.
રાજ્ય સત્તા પ્રબળ બને અને લોકો નિર્મળ બને એ પરિસ્થિતિ કરુણાજનક નહીં પણ ચિંતાજનક કહી શકાય.
'ક્રાંન્તિ અને સાધના'માં આ વાત તરફ ધ્યાન દોરતાં એટલે જ દુ:ખ સાથે જણાવવામાં આવ્યું છે કે શિક્ષણ, આયોજન, સંરક્ષણ ન્યાય, વાહન-વ્યવહાર, ઉદ્યોગ - આ બધું રાજ્યના હાથમાં કેન્દ્રિત હોય તો લોકો લાચાર બની જાય છે. 'વોટ' આપનાર 'વોટર' એટલે કે મતદાતા નથી રહ્યો પણ 'વોટર' એટલે કે પાણી બની ગયો છે. શું આજની સ્થિતિ એનું જ પરિણામ છે ?
માણસનો માણસ સાથેનો નાતો કપાઈ ગયો છે તેમ તંત્ર, રાજ્ય વ્યવસ્થા અને સેવા-સ્થળો સાથેના માણસના સંબંધની છડેચોક ઉપેક્ષા થાય છે.
ગોવિંદ પાંડુ મુંબઈમાં રહેતા એક ગરીબ માણસની કરુણ કથા છે. ગોવિંદ વાસણ માંજી, કપડાં ધોવાનું કામ કરી ખભા પર ભાર ઉંચકી પાણી બીજાને પહોંચાડવાનું કામ કરે, એવી મજૂરીથી એનું શરીર ક્ષીણ થવા માંડયું. વધ્યું-ઘટયું ખાવાનું લોકો આપે, તે રીતે લાચારીથી પેટ ગુજારો કરે.
અપૂરતા પોષણ અને પારાવાર શ્રમથી-ગોવિંદની તબિયત લથડવા માંડી. તેને ટી.બી. થયો છે એમ જાણ્યા બાદ લોકોએ તેનું કામ છોડાવી દીધું. ટી.બી. હોસ્પિટલમાં કોઈએ દાખલ કરાવ્યો નહીં. જવું ક્યાં ઉપર આભ અને નીચે ધરતી ભૂખ, રોગ અને લાચારીથી ગોવિંદ કંટાળ્યો. એણે કોઈ મકાનના સાતમા માળેથી પડતું મૂક્યું. નીચે પડતાં, વાહનોએ તેના કૂરચે-કૂરચા ઉડાવી દીધા. પોલિસે આવીને રાજ્યના પ્રતિનિધિ તરીકે તેનો કબ્જો લીધો. જીવતો હતો ત્યાં સુધી તેની કોઈએ ચિંતા ન કરી. જીવતા માણસ માટે રાજ્ય જવાબદાર નહીં; સમાજ જવાબદાર નહી; પણ મરણ પછી કરુણાનો ઝરો એકા એક ફૂટી નીકળે એમાં લાગણીની ઉષ્મા ક્યાં ? માણસ માણસથી કપાએલો રહે તો - લોકશાહી જીવતી રહે ખરી ?
આઝાદી પછી આપણે પરસ્પરને જવાબદાર અને વફાદાર એવું ઉદાત્ત રાષ્ટ્રીય જીવન વિકસાવવામાં પરિપુષ્ટ કરવામાં આપણે નબળા પૂરવાર થયા છીએ. ભાવનાત્મકતાનું સ્થાન કેવળ ભૌતિકતા ગ્રહણ કરે, ઉપકારનું સ્થાન કેવળ ઉપયોગિતા ગ્રહણ કરે તો તો સમાજ જીવન છિન્ન-ભિન્ન થઈ જાય. વર્તમાન જીવનમાં લાગણીની ઓટ અને ખોટ જોવા મળે છે. કેવળ ઔપચારિકતાનું મહત્વ. શોકપ્રદર્શિત કરવા રૂબરૂ મળી પીડાગ્રસ્ત વ્યક્તિ કે પરિવારને આશ્વસ્ત કરવા અને ઉચિત અને આવશ્યક મદદ કરવા એ આજનો ઝિંદાદિલી જોઈએ એ આજનો માણસ ગુમાવી બેઠો છે. સંબંધો માં કેવળ યાંત્રિકતા. બેસણામાં આવનારને પણ 'મોં દેખાડો' કરી વહેલી તકે વિદાય થવામાં રસ હોય છે. શ્રધ્ધાંજલિ સભાઓમાં શ્રધ્ધાંજલિ કરતાં શ્રધ્ધાંજલિ આપનારના વક્તવ્યનું મહત્વ વધુ હોય છે. જેના વિશે માણસ ઓછામાં ઓછું જાણતો હોય એના માટે મલાવી-મલાવીને એવી રીતે વાત કરે છે કે જાણે તેજ મૃત વ્યક્તિનો નિકટનો સગો હોય. માણસ સંબંધી નહીં પણ 'સ્વ-અર્થી' એટલે કે સ્વાર્થી બની ગયો છે. અહીં દાદાભાઈ નવરોજીનાં જીવનનો એક મર્મ સ્પર્શી પ્રસંગ ટાંકવાનું ઉચિત લાગે છે. દાદાભાઈ નવરોજી વહેલી સવારે ચાર વાગ્યે ઉઠી જાય અને પોતાનાં તથા સાથી તિલક મહારાજનાં કામોને ન્યાય આપે. એક વાર લોકમાન્ય તિલક વહેલા ઉઠી ગયા ત્યારે દાદાભાઈ નવરોજી પોતાનાં તથા તિલક મહારાજના બૂટને પોલિશ કરી રહ્યાં હતા એ જોઈ તિલક મહારાજે પૂછ્યું : 'અરે આ શું કરો છો ? આપણો નોકર નથી આવ્યો ?' દાદાભાઈએ કહ્યું : ''આપણી પાસે નોકર છે ક્યાં ?'' તો પછી આજ સુધી આ બધું કામ કોણ કરતું હતું ?'' તિલક મહારાજે પૂછ્યું :
દાદાએ પોતાનો હાથ લંબાવી કહ્યું : ''આપણો હાથ એ જ આપણો નોકર અને આપણા પગ એ જ આપણા ચાકર. તેઓ પગાર નથી માગતા છતાં ચોવીસ કલાક આપણી સેવામાં હાજર હોય છે. સાચા અર્થમાં યશસ્વી બનવું હોય તો
દાદાભાઈના જીવનમાંથી આ પાંચ બાબતોથી પ્રેરણા લેવી જોઈએ. સાચા અર્થમાં યશસ્વી બનવાના પાંચ સિધ્ધાંતો.''
૧. યશની પાછળ દોડશો નહીં તમારી કર્મકુશળતા જ યશને તમારી પાછળ દોડતી કરશે.
૨. યશ માટે નિષ્ઠાનાં બીજ વાવવાં પડે. પ્રામાણિકતાનું જળ સિંચી યશના છોડને વિકસાવા દો.
૩. તમારી પ્રતિભાના વેપારી ન બનશો.
૪. યશસ્વી બનવા કોઈનું અનુકરણ ન કરશો. રૂઆબ છાંટવાથી અલગ રહો. બીજાનો વિશ્વાસ જીતી ધાર્યું કામ પાર પાડો.
૫. બીજાની મહત્તા સ્વીકારી તમે નાના નથી બની જતા. કદરદાન બનો તો તમારી પણ કદર થશે જ.