- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
મ કરસંક્રાંતિનો તહેવાર ભલે એકલા ભારતમાં જ ઉજવાય છે, પરંતુ જ્યાં સુધી પતંગ ચગાવવાના આનંદનો સવાલ છે તો એમાં હવે આપણે એકલા રહ્યા નથી. પતંગ ભારતના આકાશના સીમાડાં પાર કરીને બીજા અનેક દેશોના લોકોને ઘેલું લગાડી રહી છે. ફ્રાન્સના બર્ક-સર-મેર ખાતેના બીચમાં પતંગ મહોત્સવ યોજાયો હતો અને તેમાં અનેક યુરોપીયનોએ ભાગ લીધો હતો. ગરોળી, રીંછ, ગોકળગાય, ઓક્ટોપસ, માછલી જેવા જાતજાતના આકાર, કદ અને રંગની બનાવેલી પતંગોને કારણે આકાશ ભરાઈ ગયું હતું. વાસ્તવમાં, આ સ્થળે બે-ચાર નહીં, પણ ૧૫ વર્ષથી પતંગ મહોત્સવ યોજાઈ રહ્યા છે. વળી, તે એક કે બે દિવસ નહીં પણ ૧૦ દિવસ સુધી ચાલુ રહે છે. પતંગની ઘેલછા કોરિયા, ચીન, જાપાન અને મલેશિયાના લોકોને પણ લાગુ પડી છે. પતંગ ચગાવવાની મજા માણવામાં પણ આપણા તથા અન્ય દેશોના લોકો વચ્ચે ઘણા વિરોધાભાસ જાવા મળે છે. આપણે પેચ લગાડવામાં અને એકબીજાની પતંગ કાપવામાં આનંદ મેળવીએ છીએ જ્યારે બીજા દેશોના લોકો એમની વિવિધ રંગરૂપની ઍક્સક્લુઝિવ પતંગોનું પ્રદર્શન કરવામાં આનંદ માણે છે. આપણે ત્યાં ઉતરાયણમાં પતંગ ચગાવવાની પ્રથા સદીઓથી ચાલતી આવી છે એટલે પતંગનો જન્મ ભારતમાં જ થયો એમ આપણે માનીઅ છીએ, પણ યુરોપના લોકોના મતે પતંગનો ઇતિહાસ જુદો જ છે. એમની એવી માન્યતા છે કે પતંગની શોધ આર્કીટાસ ટરેન્ટમ નામના અક ગ્રીક વૈજ્ઞાનિકે કરી છે. પહેલવહેલી પતંગ તેમણે ઈ.સ. પૂર્વે પાંચમી સદીમાં આકાશમાં ચગાવી હતી એવું ત્યાં મનાય છે.
ગુજરાતના નર્મદા કાંઠે અદ્વિતિય તિર્થધામો
દક્ષિણ ગુજરાતમાં ચાણોદથી થોડે દૂર જાઓ તો ગરુડેશ્વરની જગ્યા છે ત્યાં ગરુડેશ્વર મહાદેવ ઉપરાંત મુંબઈ, નાસિક, પુના અને વડોદરાના મહારાષ્ટ્રિયનોની યાત્રા માટે દત્તમંદિર છે. આ દત્તમંદિરમાં વાસુદેવાનંદ સરસ્વતીએ નર્મદાકાંઠે સાધના કરી હતી. દક્ષિણ ભારતના કેટલાક સાધુઓએ વાસુદેવાનંદ સરસ્વતીને મૂર્તિપૂજા કરવા માટે ટપાર્યા એટલે તેમણે એ મૂર્તિને નર્મદા નદીમાં પધરાવવા કહ્યાં. પણ તુરંત એ ડુબાડેલી મૂર્તિ ગરુડેશ્વરના નર્મદાકાંઠે તરત તરતી પાછી આવી હતી. ચાણોદના સામે કાંઠે કરનાળી નજીક નર્મદાકાંઠે કુબેરેશ્વરનું મંદિર છે. ત્યાં નિ:સંતાન લોકો સંતાનની પ્રાપ્તિ માટે આવે છે. કુબેરેશ્વરનાં દર્શન કરી નર્મદામાં માથાબોળ સ્નાન કરે તેને સંતાન પ્રાપ્ત થાય છે. નર્મદાકાંઠે આવેલા આનંદમયી માતાના આશ્રમમાં ઇન્દિરા ગાંધી પણ આવી ગયા છે.
અમેરિકન યુવતીનો વિચિત્ર દાવો
થોડા વર્ષ પહેલાં અમેરિકાના મેરિલેન્ડ રાજ્યની સ્કોટ કી હાઇસ્કૂલની ફૂટબોલ ક્લબમાં ૧૭ વર્ષની તાવાના હેમન્ડ નામની છોકરી ખેલાડી તરીકે દાખલ થઈ. તેણે પુરુષ સમોવડી થવા માટે પુરુષોની ફૂટબોલ ક્લબમાં કાનૂનનો ઉપયોગ કરીને છોકરાઓ જોડે ફૂટબોલ રમવા માંડયું. એ પછી તે એક મેચમાં છોકરાઓ સામે રમી અને રમતાં રમતાં તેને આંતરિક લોહીનો સ્ત્રાવ થયો. તેની કરોડરજ્જુ બગડી ગઈ. તેણે સ્કૂલના સંચાલકો ઉપર કેસ કર્યો કે ''મને તમે છોકરાઓની ફૂટબોલની મેચ રમતાં કેમ ન રોકી? મને ખબર નહોતી કે છોકરાઓ સામે વધુ પડતું બળ કરીને ફૂટબોલ રમવાથી લોહીનો સ્ત્રાવ થાય છે. મને ન વારવા માટે ૧૫ લાખ ડોલર આપો.' સ્ત્રી પુરુષને સમાન હક્ક હેઠળ છોકરાઓની ફૂટબોલ ક્લબમાં પરાણે દાખલ થયેલી છોકરીઅ હવે નુકસાન માટે કોર્ટમાં કેસ કર્યો છે!
વિયોગ ટાળવા કૂતરાને પણ ડાઈવર બનાવ્યો
ગ્રેન કેયમેન આઇલેન્ડ પર દરિયો ખૂંદતા વેન ફોલ્સોમ નામના સ્કૂબા ડાઈવર (મરજીવા)ને થોડા અરસા પહેલા અક રખડતો કૂતરો મળ્યો. વેન ફોલ્સોમે એને પાળ્યો અને અને શેડો અવું નામ આપ્યું. શેડો પડછાયાની જેમ જ વેનની સાથે રહેવા લાગ્યો. અમાં મુશ્કેલી અ થતી કે વેને પોતાના વ્યવસાયના ભાગરૂપે દરિયાના પેટાળમાં જવાનું આવતું ત્યારે શેડોને ગ્રેન કેયમેન ટાપુના દરિયાકાંઠે જ છોડીને જવું પડતું. વેનને શેડોનો આ વિયોગ સહન નહોતો થતો.
અટલે એણે શેડો માટે ડાઇવિંગનો ખાસ પોશાક તૈયાર કર્યો. આ પોશાકમાં એણે હેલ્મેટ, વેઇટેડ જેકેટ અને રેસ્પિરેટર ટયૂબનો સમાવેશ કર્યો. હવે આ ખાસ પ્રકારનો આઉટફીટ (પોશાક) પહેરીને શેડો પણ વેનની સાથે દરિયામાં તેર ફૂટ ઊંડે જઈ શકે છે. હવે વેન અને શેડોના વિયોગનો અંત આવ્યો છે.
કેરળનો અનોખો સ્નેક બોટ ફેસ્ટિવલ
કેરળમાં કુદરતે અપ્રતીમ સૌંદર્ય છુટ્ટે હાથે વેર્યું છે. જો કાશ્મીર ભારતમાતાનો મુગટ છે તો કેરળને એના પગનાં ઝાંઝર ગણી શકાય. પ્રાકૃતિક સૌંદર્યના મામલામાં જો કાશ્મીર નંબર વન છે, તો કેરળ ચોક્કસપણે બીજા ક્રમે બિરાજમાન છે. કેરળમાં દર વર્ષે પાકની લણણીની મોસમ પૂરી થાય કે તરત ઍલ્લેટપી નામના નગરમાં સ્નેક બોટ ફેસ્ટિવલનું આયોજન થાય છે. તેમાં સર્પ જેવી લાંબી બોટ પર ૨૫ જેટલા ગવૈયા સાથે ૧૨૫ ખલાસીઓ સવાર થાય છે અને ગીતના સૂર સાથે સાગમટે હલેસાંના તાલ મેળવીને બોટને આગળ ધકેલે છે. આ પ્રકારની હોડી કેરળના પોપ્યુલર લેન્ડસ્કેપનો અવિભાજ્ય હિસ્સો છે. જે હોડી (એને સ્થાનિક ભાષામાં 'ચંદનવેલમ' કહે છે) સૌથી ઓછા સમયમાં નિર્ધારિત અંતર કાપે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે અને ટ્રોફી અપાય છે. કેરળની આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ભાગ લેવા અને વિજેતા બનવા માટે બધા અગાઉથી જ પ્રેક્ટિસ આદરી દે છે.


