- રજનીગંધા-વિભાવરી વર્મા
- શ્યામલીના ભાઈઓને લઈને તેના પપ્પા જિતેનના ઘરે હલ્લો લઈને પહોંચી ગયા હતા!
'છો કરી તમારી છે, તો તમે એને ઘરમાં બેસાડીને રાખો ને ? અમારા છોકરાનો શું જોઈને વાંક કાઢવા આવ્યા છો ? તમારી છોકરીનાં લખ્ખણ જ એવાં હશે... તો જ એવી એવી હોટલોમાં જતી હશે ને ? અને અમારા છોકરાને તો તમારાવાળી જેવી સત્તર મળી રહેશે...છોકરીને સાચવી તો શકતા નથી અને ઉપરથી ગુંડાગિરી કરો છો ?'
'શ્યામલીના પપ્પા તો આ સાંભળીને ઘીસ ખાઈ ગયા ! પચાસ માણસોનાં ટોળાં વચ્ચે એમના મોં ઉપર કોઈ આવી આવી વાતો સાંભળવી જાય ?'
એમણે ઘરે આવતાંની સાથે જ શ્યામલીને બોલાવીને કહી દીધું 'મારી જિંદગીમાં કદી મેં આટલું અપમાન જોયું નથી. હવે હું જેમ કહું છું એમ જ કરવાનું છે, સમજી ?'
શ્યામલી ડઘાઈ ગઈ હતી. વાત એમ હતી કે કોલેજમાં છેલ્લાં બે વરસથી તે જિતેનના પ્રેમમાં હતી. કોલેજનું આ છેલ્લું વરસ હતું. જિતેન કહેતો હતો કે 'બસ, ગ્રેજ્યુએટ થઈને એક સારી જોબ મળી જાય કે તરત આપણે મેરેજ કરી લઈશું. પણ ત્યાં સુધી....'
ત્યાં સુધી બંનેનાં શરીર ધીરજ રાખી શક્યાં નહીં. ક્યારેક ક્યારેક એ આગને બુઝાવવા માટે હોટલના રૂમનું એકાંત શોધી લેતા હતા. એવી જ એક મુલાકાત પછી જ્યારે બંને હાથમાં હાથ પરોવીને બહાર નીકળી રહ્યાં હતાં ત્યારે શ્યામલીના કોઈ દૂરના રિલેટીવે એમને જોઈ લીધાં હતાં.
વાત ઘરે પહોંચી. હજી શ્યામલી કોલેજથી આવે એ પહેલાં તો શ્યામલીના ભાઈઓને લઈને તેના પપ્પા જિતેનના ઘરે હલ્લો લઈને પહોંચી ગયા હતા !
હવે આ હદે પરિસ્થિતિ વણસી ગઈ હોય ત્યાં બિચારી શ્યામલી શી રીતે કહે કે હું અને જિતેન પ્રેમમાં છીએ ?
***
'જો બેટા, આપણા વકીલે કહ્યું છે એમ જ તારે બોલવાનું છે. ફરિયાદમાં એમ લખાવવાનું છે કે આ જિતેન નામના છોકરીએ તને ભોળવીને, લગ્નનની લાલચ આપીને વારંવાર બળાત્કાર કર્યો છે ! સમજી ગઈ ને ?'
પોલીસમાં ફરિયાદ થઈ ગઈ. જિતેનની ધરપકડ પણ થઈ ગઈ અને કોર્ટમાં કેસ પણ ચાલી ગયો. જિતેનને સાત વરસની કેદ થઈ ગઈ.
આ આખા ઘટનાક્રમ દરમિયાન જિતેન સતત શ્યામલીને ફોન વડે બીજા મિત્રો વડે કે અન્ય રીતે વાત કરવાની કોશિશ કરતો રહ્યો પરંતુ કુટુંબના દબાણમાં આવી ગયેલી શ્યામલી કોઈ જવાબ આપી શકી નહીં.
જિતેન જેલમાંથી પત્રો લખતો રહ્યો. એ પત્રો શ્યામલીની બહેનપણી પાસે પહોંચતા. પરંતુ એનો એક લીટીનો જવાબ જિતેનને કદી મળ્યો નહીં.
જિતેનના પ્પાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ તેની મુદ્દતો પડતી રહી...આમ ને આમ પાંચ વરસ વીતી ગયાં. પરંતુ આજે -
***
'એક જ વાર શ્યામલી, પ્લીઝ, એક જ વાર મારી આંખોમાં આંખો નાંખીને બોલ કે હું તને પ્રેમ નહોતો કરતો...'
શ્યામલી શું બોલે?
કોર્ટમાં હજી કેસ આવવાને વાર હતી ત્યારે જિતેને શ્યામલીને ટોઈલેટ તરફ જતાં જોઈ. તેણે કોઈ બહાને તરત જ ત્યાં પહોંચી ગયો હતો.
શ્યામલી તેને જોઈને ચોંકી ગઈ હતી. પરંતુ જિતેન હજી અડગ હતો. તેણે ફરી એ જ સવાલ કર્યો :
'શ્યામલી સાચું બોલજે, શું મેં કોઈપણ ક્ષણે તારી ઉપર બળાત્કાર કર્યો હતો ?'
શ્યામલીએ સ્હેજ ગરદન હલાવીને નકારમાં જવાબ આપ્યો. જિતેન બોલી ઊઠયો :
'તો પછી આ બધું શું છે ? શા માટે પાંચ પાંચ વરસથી મને ત્રાસ આપી રહી છે ? શું ખરેખર તને કદી મારા માટે પ્રેમ હતો જ નહીં ?'
શ્યામલીએ હવે જિતેન સામું જોયું. તેણે ધીમા અવાજે એક જ સવાલ પૂછ્યો :
'જિતેન તને શું લાગે છે ? આ પાંચ પાંચ વરસમાં મેં કેમ લગ્ન નથી કર્યાં ?'
જિતેનની આંખોમાં પુરા પાંચ વરસ પછી એક 'આશા'નો ઝબકારો થયો.
***
'શું છે ? કોણ છો તમે લોકો ? અને કોને પૂછીને અહીં મારી કેબિનમાં ઘૂસી આવ્યા છો ?'
હાઈકોર્ટના જજ સાહેબ પોતાના લંચનું ટિફીન ખોલી રહ્યા હતા ત્યાં જ એમની કેબિનની બહાર ઊભેલા પટાવાળાને ધક્કો મારીને બે જણ
ધસી આવ્યાં હતાં. એ હતાં શ્યામલી અને જિતેન.
જિતેને શ્યામલીનો હાથ પકડી રાખ્યો હતો. તેણે કહ્યું 'જજ સાહેબ, જો તમે ખરેખર ન્યાય આપી શકતા હો તો આ છોકરીને પૂછો....શું મેં એની ઉપર ક્યારેય બળાત્કાર કર્યો હતો ખરો ?'
શ્યામલી રડી રહી હતી. ચોધાર આંશુ વચ્ચે તે બોલી 'જજ સાહેબ, આ બધું અમારાં મા-બાપોનાં અહંકારને લીધે થઈ ગયું. હું તો આજે પણ જિતેનને પ્રેમ કરું છું.'
'એક મિનિટ !' જજ સાહેબે કડક અવાજે કહ્યું 'આ જ વાત તું તારાં અને જિતેનના માબાપ સામે કહી શકીશ ?'
'હા, કેમ નહીં ?'
શ્યામલીની આંખોમાં ચમકી રહેલા નિર્ધારને જોઈને જજ સાહેબે ટેબલ પર પડેલી બેલ દબાવીને પટાવાળાને સૂચના આપી.
'આ બંનેનાં માબાપોને તાત્કાલિક અહીં હાજર કરો. અને હા...' જજ સાહેબ ખાસ ઉમેર્યું 'એમના વકીલોને કહેજો કે મારી ચેમ્બરથી આઘા રહે !'
એ દિવસે બે ઘટના બની. એક, શ્યામલી અને જિતેનનાં લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. અને બે, હાઈકોર્ટના બે વકીલોના હાથમાંથી એક મોટો મલાઈદાર કેસ છટકી ગયો...
(સત્યઘટના પર આધારિત)


