તમને ‘‘Good MAN'' બનવું ગમે કે Godly MAN?

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
તમને ‘‘Good MAN'' બનવું ગમે કે Godly MAN? 1 - image


- એક જ દે ચિનગારી-શશિન્

- મન-વચન-કર્મને ઇશ્વરમય બનાવો એ જ સાચો મોક્ષ છે.

ત મને ‘‘Good MAN''  બનવું ગમે કે Godly MAN ? ભલો માણસ એટલે ''સારો માણસ'' પણ ''Godly MAN'' એટલે ભગવાનનો માણસ. સારો માણસ બદલાઈ શકે, પણ ભગવાનનો માણસ બદલાઇ શકે ખરો ? પૂછો નરસિંહ મહેતાનાં, મીરાને, રાધાને?

'ભગવાનના માણસના ૨૧ લક્ષણો કયાં?'

૧. સત્યનિષ્ઠા ૨. ઇશ્વર સમર્પણ ૩. અહિંસા ૪. ચોરી ન કરવી ૫. અપરિગ્રહ ૬. સ્વાવલંબન ૭. નિર્ભયતા ૮. શુભાશુભ મળે તેમાં અનાસક્તિ ૯. કોઇનીયે નિંદાનો અભાવ ૧૦. વાક્ સંયમ ૧૧. સંયમ ૧૨. પરસ્ત્રી તરફ માતૃભાવ ૧૩. સ્વાવલંબન ૧૪. દ્રઢ પ્રતિજ્ઞાા ૧૫. સર્વધર્મ સમભાવ ૧૬. અસ્પૃશ્યતા નિવારણ ૧૭. સ્વદેશીની ભાવના ૧૮. કોઈનીયે ઉપેક્ષાનો અભાવ ૧૯. પ્રત્યેક કદમ ઇશ્વરથી ડરીને માંડવું ૨૦. વિનમ્રતા ૨૧. વ્રતનિષ્ઠા 

મુંડકો ઉપનિષદનો શ્લોક છે 'સત્યમેવ જયતે' નાનૃતમ્ મતલબ કે સત્યનો વિજય થાય છે અસત્યનો નહીં. 'ભગવાન'નો માણસ પોતે વિજયી થવા મથતો નથી પણ સત્યને જીવાડવા મથે છે કારણ કે સત્યના શત્રુઓ અનેક છે.

સત્યસેવી, સત્યવ્રતી, સત્યોપાસક પણ ઘણીવાર ફરિયાદ કરતાં હોય છે. સત્યની સેવાથી અમને શું મળ્યું ? સત્યવાદી રામ કે રાજા હરિશચંદ્ર સત્યના પરમોપાસક હતા, એમના હાથમાં શું આવ્યું ? પીડા અને ત્રાસ ! ઇસુને લોકોએ ક્રોસ પર ચઢાવ્યા, સત્યોપાસક સોક્રેટિસને ઝેર આપ્યું. સત્યના અખંડ ભક્ત ગાંધીજીની છાતી ગોલીએ વીંધાઈ. આવા ઉદાહરણો શોધીને આપણે સત્યની તરફેણમાં બોલનારાનાં મોં બંધ કરવા ઈચ્છતા હોઇએ છીએ. 

કળિયુગ આવ્યો છે - શીર્ષકવાળી એક દ્રષ્ટાંત કથામાં એક વખત શ્રીકૃષ્ણે પાંડવોને કહ્યું : હવે કળિયુગ આવવાનો છે તેથી તમારે તપ કરવા જવું પડશે. તપ દરમ્યાન જંગલમાં જે કાંઇ જુઓ તેનું વર્ણન મારે પાસે કરો. (સ્ત્રોત : સુબોધ કથાસાગર)

પાંડવો વનમાં ગયા અને ત્યાંથી ફરીને પોતે જંગલમાં શું જોયું તેનું વર્ણન કરવા લાગ્યા.

યુધિષ્ઠિરે કહ્યું : ''મેં જંગલમાં બે સૂંઢવાળો હાથી દીઠો.'' શ્રીકૃષ્ણ બોલ્યા : બે સૂંઢવાળો હાથી તે કળિયુગના અધિકારીઓ છે. તે બે મુખવાળા થશે. વાદી અને પ્રતિવાદી બન્ને પાસેથી લાંચ લેશે. ભીમસેને કહ્યું : ''ગાય તે પોતાની વાછરડીને ધાવતી જોઈ.'' કૃષ્ણે સ્પષ્ટતા કરી કળિયુગમાં મા-બાપો સંતાનોની આવક પર નિર્ભર રહી ઘર ચલાવશે. અર્જુને કહ્યું : ''મેં એક પક્ષી જોયું પણ તે મડદા પર બેઠેલું હતું.'' શ્રીકૃષ્ણ ભગવાને સમજાવ્યું કે કળિયુગમાં વિવેકશૂન્ય પંડિતો ગમે તેવું નિમ્નકોટિનું દાન લેશે.

નકુલે કહ્યું : ''મેં ત્રણ કૂવા જોયા તેમાં વચ્ચેનો કૂવો ખાલી હતો. બાજુના કૂવા ભરેલા હતા.'' શ્રીકૃષ્ણની સ્પષ્ટતા : કળિયુગમાં કુટુંબો વચ્ચેની જગા ખાલી રહેશે અને બીજા ધનાઢ્યો સાથે લોકો સંબંધ બાંધશે. સહદેવે કહ્યું : ''મેં એક પહાડ પરથી પથરો પડતો જોયો અને નીચે આવતાં તે એક તુચ્છ તણખલાથી અટકી ગયો.'' શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું : ''પથ્થર પડયો તે ધર્મ હતો. તે સંસારરૂપી પહાડથી ખસ્યો અને તપ-યોગરૂપી મોટા વૃક્ષને ભાગતો ? સત્યરૂપી તૃણ સરખા પરમાત્માના નામને આશરે રહેશે'' આ સાંભળી ધર્મરાજા યુધિષ્ઠિરના મનમાં વૈરાગ્ય જાગ્યો અને તપ કરવા ચાલ્યા ગયા.

કસોટી ન થાય તો એ ભગવાનનો માણસ શાનો ? ભગવાન સત્યપ્રેમીને સુવર્ણ બનાવે છે જેથી કોઇ દોષ તેને કલંકિત કરી શકે નહીં.

અહીં આપણે એ યાદ રાખવું જોઇએ કે સત્ય સાધન નથી સાધ્ય છે. સત્ય પડાવ નથી યાત્રા છે. જેમ આપણે સહજ રીતે શ્વાસ લઇએ છીએ, કારણ કે આપણે જીવવું છે. આપણે એવી દલીલ નથી કરતા કે શ્વાસ લેવાથી મને શું મળ્યું ? જીવવું હોય તો શ્વાસ લેવો તે એક ધર્મ છે. ભગવાનનો માણસ આ માણસ તરીકે પોતાનું ગૌરવ અને પ્રતિષ્ઠા ખાતર માનતો હોય છે કે મન-વચન-કર્મથી પવિત્ર રહેવું એમાં મનુષ્યતા સમાએલી છે. મહાભારતમાં કહેવામાં આવ્યું છે કે સત્ય-પરાયણતા, ન્યાયપૂર્ણ વર્તન, આત્મસંયમ, નિરાંડબરના, ક્ષમા, વિન્રમતા, સહિષ્ણુતા, ઇર્ષ્યાહીનતા, પરોપકાર, દયા, આત્મજ્ય અને સંયમ સત્યનાં તેર રૂપો છે. આ તેર રૂપોને જીવનમાં યથાર્થરૂપે ઉતારવાં એ ભગવાનનો માણસ પોતાનાં અનિવાર્ય કર્તવ્યો સમજે છે.

ભગવાનનો માણસ એમ નહીં કહે કે ભગવાને મને શું આપ્યું પણ એમ વિચારશે કે ભગવાને આવો મહાન માનવ તરીકે જન્મ આપ્યો. એના બદલામાં મેં ભગવાનને શું આપ્યું ?

કળિયુગમાં સત્ય કેવી રીતે ટકે એ ખ્યાલ જ ખોટો છે. જે વસ્તુ આપણે ટકાવવા ઇચ્છીએ છીએ એને માટે 

તન-તોડ મહેનત કરીએ છીએ. તમે સત્ય ટકાવવા તનતોડ મહેનત કરી ? 

જેઓ ભૂંડા હતા, પણ ભલાં બનવાની દાનત હતી તે તરી ગયા. દા.ત. વાલ્મીકિ ભૂંડા હતા, પાપી હતા, સંસાર ખાતર ગુજારો કરતા હતા. પણ નારદે તેમને સત્યનું ભાન કરાવ્યું અને રામનામ સ્મરણથી, સત્યનિષ્ઠ વર્તનથી તરી ગયા જ્યારે ભગવાનના નામની ઉપેક્ષા કરનાર, અપમાનિત કરનાર દુર્યોધન નામશેષ થઇ ગયો. રાવણનું વર્તન સત્યપૂત હોત તો તેણે 'પરસ્ત્રી માત સમાન રેનો સિદ્ધાંત ન અપનાવ્યો હોત ? કંસ પોતાની બહેન દેવકીનાં નવજાત શિશુઓની હત્યા કરી શકત ? દિવસે-દિવસે જગત કેમ બગડી રહ્યું છે ? એનું કારણ એ જ છે કે દિવસે-દિવસે જીવનનું મૂલ્ય ચૂકવનારા માનવીઓ ઘટી રહ્યા છે. એની પ્રતીતિ જુદી ચેનલો અને સમાચારો જોતાં થાય છે.'

કોર્ટ-કચેરી કે સમાજમાં ભગવાનના માણસની હાર જોઇ સત્ય વિશે પ્રશ્નો ઉપસ્થિત કરીએ છીએ. પણ હકીકતમાં એ સત્યની હાર નથી, માણસની હાર છે. માણસ અન્ય માણસને જીતાડવા બેઇમાની કરે એવું ભગવાન થોડો શીખવે છે. 

ભગવાનનો માણસ કદી નિષ્ક્રિય હોઈ શકે નહીં. આપણી સમક્ષ, સેવાનાં પારાવાર ક્ષેત્રો પડેલાં છે. તમારી પસંદગીના કોઇ પણ ક્ષેત્ર અપનાવો અને એને ભગવાને સોંપેલું કર્મક્ષેત્ર છે એમ માની તેને શુદ્ધ, પરિશુદ્ધ અને ઇશ્વરમય બનાવવા સમર્પિત રહો એ જ માનવજીવનનો મોક્ષ છે. બહાર-દૂર ક્યાંય મોક્ષ શોધવાની જરૂર નથી. કળિયુગનો સામનો કરવા માટે ત્યાગ અને બલિદાનની જરૂર પડે છે. એમાં આપણે ઊણા ઉતરીએ તો પછી ભગવાનના માણસના બિરુદને લાયક ક્યાંથી બનીએ ?


Google NewsGoogle News