Get The App

તમારે ભગવાનના માણસ બનવું છે ?

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
તમારે ભગવાનના માણસ બનવું છે ? 1 - image

- એક જ દે ચિનગારી-શશિન્

- ભગવાન સાથે માગણીનો નહીં, લાગણીનો સંબંધ રાખો. ઇશ્વર આપણો કુલી નથી કે આપણાં દુ:ખનાં પોટલાં ઉપાડી લે!

બે માણસો મંદિરમાં ભગવાનના દર્શન માટે જાય છે. પહેલો માણસ દર્શન કરીને ઘેર જાય છે ત્યારે એની વૃદ્ધ માતા પૂછે છે : 'ભગવાનનાં દર્શન તો બરાબર કર્યા ને ?' એ માણસ જવાબ આપે છે : 'મેં તો દર્શન કર્યાં બાકી બધું તો ભગવાન પોતે જાણે જ છે.'

બીજો માણસ પણ પોતાને ઘેર જાય છે. એના વૃદ્ધ દાદા ઓટલા પર બેઠા બેઠા માળા ફેરવી રહ્યા છે. દાદાજી એને પૂછે છે : 'બેટા, ઇશ્વરનાં દર્શન કરી આવ્યો ?' પેલો બીજો માણસ કહે છે : 'ના, દાદાજી. મેં માત્ર ઇશ્વરનાં દર્શન નથી કર્યા, હું ઇશ્વરને મારાં પણ દર્શન કરાવી આવ્યો છું. હું શું છું એ ઇશ્વરે જાણવું તો જોઈએ જ ને ?'

આપણે પરમેશ્વરના સંતાનો છીએ, એમ માનતા હોઈએ તો કયો બાપ ઇચ્છે કે એનો પુત્ર દીન-હીન-લાચાર-માંયકાંગલો અને જીવનની કસોટીઓમાં પરાજિત થયેલો હોય ?

ઇશ્વરનાં કે ભગવાનની કોઈપણ મૂર્તિ કે શક્તિ સ્વરૂપનાં દર્શનનો કે પ્રાર્થનાનો અર્થ એટલો જ કે 'ભગવાન, હું જીવનસંગ્રામનો સૈનિક છું. અંતિમ શ્વાસ સુધી લડતો રહીશ, આત્મવિશ્વાસપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અને અણનમ રહીને. તું ભલે દયાળુ રહ્યો, પણ મને તારી દયા નથી ખપતી. મારે 'ભીખ' નહીં, તારી પ્રસન્નતા જોઈએ, મારી આંખ તેં રડવા માટે નથી આપી. પણ ક્ષિતિજને પેલે પાર સુધી જોવાની દ્રષ્ટિ વિકસાવવા આપી છે.

તું મહાન છે એ કબૂલ, પણ તારા બેટા તરીકે હું પણ તુચ્છ નથી, એવી દ્રષ્ટિ તારે કેળવવી પડશે. મારે તને 'દાન' આપવાનું ગૌરવ નથી અનુભવવું. પવન, પાણી, પ્રકાશ, ધરતી, અગ્નિ, સૂરજ, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો સહિતનું આખું બ્રહ્માંડ તેં આ માનવજાતને દાનમાં આપી દીધું છે, એવા મહાદાની તને, મારા ક્ષુદ્ર ઉપહાર રૂપિયા કે સોનું-રૂપું ક્યાંથી ખપે ? હું તારી પાસે આવું ત્યારે એમ નહીં કહું કે તું મને ખુશ રાખજે, હું તો એટલું જ કહીશ કે મારી ભૂલ થાય, કદમ ડગમગે, ક્યાંક લપસી પડાય તો પણ તારા ચોપડામાં અવળી નોંધ ન કરીશ. હું માણસ છું, એટલે ક્યાંક મર્યાદા વીસરાય પણ ખરી, ત્યારે તું મારી સાથે દંડનાયક ન બનીશ અને ન્યાયાધીશ પણ નહીં, કેવળ ક્ષમાશીલ પિતા તરીકે ઉદારતાપૂર્વક મને સહી લેજે... 

અને ભગવાન, તું મંદિર, પૂજારી કે મઠાધીશોની ઇચ્છાને વશ થઈ તારા 'ટાઈમટેમલ' ન બનાવવા દઈશ. બાપને મળવા દીકરાએ 'લાઈન'માં ઊભા રહેવું પડે ? ડોનેશન આપવાની પણ લાઈન, પ્રસાદ મેળવવાની પણ લાઈન ? અને ત્યાં બેઠેલા કહેવાતા સેવકોની અકડાઈ, ઉદ્ધતાઈ અને યાંત્રિક વ્યવહારમાં ઉદાત્તતાનો છાંટો પણ હોય છે ખરો ? મને મંદિરરૂપી કારાવાસનો કેદી ભગવાન નથી ખપતો, મને સુદામાને ય દોડીને મળવા આવે એવો મુક્ત ભગવાન ખપે છે. બંધ કરાવી દે તારા નામે ચાલતી ધર્મની હાટડીઓ !

અરે ભગવાન, તું તો જાણે છે બધાં તારા સાચા ભક્તો નથી હોતા. તેઓ તારાં દર્શન કરવા મંદિરમાં નથી આવતા, તેઓ તો પોતાની માગણીઓનું લિસ્ટ લઈને તને મળવા મંદિરમાં આવે છે. અને જો તેઓનું એકપણ કાર્ય ન થાય તો બધો ગુસ્સો તારી પર ઉતારે છે. ભગવાન તારાથી નારાજ થયેલા એક પતિએ તેની પત્નીને કહ્યું : 'ઉઠાવી લે તારાં આ બધાં આ દેવલાં. તેમને નથી આંખ કે નથી કાન. માણસની દશા તેઓ જોતાં નથી અને માણસની ફરિયાદ પણ તેઓ સાંભળતા નથી. મેં અનેકવાર ઘૂંટણીએ પડીને ભગવાનની સામે મારી માગણીઓ રજૂ કરી, પણ એમાંની એકેય ફળી નહીં.'

માણસ તને અશ્રદ્ધાની નજરે જુએ અને માગણીઓની યાદી તારી સમક્ષ મૂકે... માણસ તને 'કહ્યાગરો' ઇશ્વર બનાવવા માગે છે. અને તું કહ્યાગરો બનીને માગ્યા ફળ ન આપે તો માણસ તારા સાથેનો સંબંધ તોડી નાખે છે.

મંદિર દર્શન કરવા જતાં મોટાભાગના ભક્તોની આવી ભગવાન માટેની શરતી ભક્તિ હોય છે. સાચા ભક્ત માને છે ત્યાગમાં, સેવામાં, સમર્પણમાં, શ્રદ્ધામાં. ભગવાન સાથે નિર્મળ અને નિખાલસ સંબંધો રાખવા જોઈએ. બળાપો, ઉદ્વેગ, શરતો, અપેક્ષાઓ, લાભ અને લાલચને બાજુએ રાખી મનની શાન્તિ માટે મંદિર જવું જોઈએ. પ્રાર્થના કરો પણ યાચકવૃત્તિથી અળગા રહીને.

ભગવાનને તમારા દાનના પૈસાની જરૂર નથી, એટલે કોઈપણ ગરીબ, જરૂરિયાત ધરાવતા મામસને મદદરૂપ થાઓ, એનાં આંસુ લૂછો, ચૂપચાપ દેખાડો કર્યા વગર, ભગવાન એવું તમારી પાસેથી ઇચ્છે છે.

નમ્ર બનો, ઝૂકો પણ કોઈ પોતાને ભગવાનનો પ્રતિનિધિ બનવાનો ડોળ કરતો હોય એના આશીર્વાદથી તમારું કલ્યાણ નહીં થાય એ યાદ રાખો.

અંધવિશ્વાસથી દૂર રહો, પ્રકૃતિમાં પરમેશ્વરનું દર્શન કરો. મોક્ષની આશા છોડી પાર્થિવ જીવનને જ સ્વર્ગીય બનાવો. ભગવાનને પણ તમારું દર્શન કરવાનું મન થાય એવા માનવ બનો.

એનો અર્થ એ નથી કે ભગવાન તમારું કશું સાંભળતો નથી, કશું તમારે માટે કરતો નથી. ભગવાને તમને બધું જ આપ્યું છે, તેને ઓળખો, અને ભગવાનનો આભાર માનો. ભગવાન તો માણસના સાચા-ખોટા કાર્યોનો હિસાબનીશ છે. તમે તમારી મુડી ખોટા ઠેકાણે વેડફતા હો, ત્યારે તમારું ધ્યાન ખેંચે છે. તમે એની વાત ન સાંભળો તો તમારાં કૃત્યોનું ફળ તમારે ભોગવવું પડે છે. તમે વાવેલા દાણાને પાકરૂપે દસ ગણા બનાવી ભગવાન તમને પાછા આપે છે, 

તમારી ભૂખ મિટાવવા. તમારી તરસ છિપાવવા ઝરણાં અને નદીઓનાં નીર આપ્યાં, તમને દિવસે અજવાળું મળે એટલા માટે આકાશમાં સૂરજની સ્થાપના કરી. તેનું બિલ ભરવાની ઝંઝટમાંથી મુક્ત રાખ્યા. તમને સંતાન માનીને ભગવાન આ બધું તમારે માટે કરે છે. તમે ભગવાનનું જ રૂપ છો... સંતાનને દંડાય નહીં, વાત્સલ્યથી ભીંજવાય. તમે જે દુ:ખી થાઓ છો તે દુ:ખો તમે જાતે ઊભા કરેલા દુ:ખો છે. ભગવાને તમને નથી આપ્યા.

ટુંકમાં પ્રભુ બધું જાણે છે, પ્રભુ બધું જુએ છે, અને આપણી જરૂરિયાત મુજબ પ્રભુ આપે પણ છે. આપણે સુખ કે દુ:ખનું સાચું સ્વરૂપ સમજ્યા વગર જ દુ:ખી હોવાની ફરિયાદ કરીએ છીએ.

ઇશ્વર આપણો કુલી નથી કે આપણાં દુ:ખનાં પોટલાં ઉપાડી લે. તેણે તમને તમારું પોટલું ઉંચકવાની શક્તિ આપેલી જ છે. અશેષ સમર્પણ વગર અશેષ કૃપા માગવાનો કોઈનો ય હક નથી.

તમારે ભગવાનના માણસ બનવું છે ? તો આ રહ્યા તેના સાત રસ્તા :

૧. ભગવાનનું નામ લેવું એટલે ભગવાનને સમર્પિત થઈને ભગવદીય મન સાથે કર્તવ્યો અદા કરવા.

૨. અંદરથી સાત્વિક બનો, નિશ્ચલ બનો, નમ્ર બનો, અહંકાર શૂન્ય બનો, હલકા ફૂલ શા બનીને જીવવાનંજ પસંદ કરો.

૩. તમારા આરાધ્યના ગુલામ નહીં, પણ ગૌરવવંતા સંતાન બનવાનું લક્ષ્ય રાખો.

૪. ભગવાનને પૈસા-દાનની જરૂર નથી, એટલે કોઈપણ જરૂરિયાત ધરાવતા વ્યક્તિને મદદરૂપ થાઓ, એના આંસુ લૂછો.

૫. તમે ભગવાનના પુત્ર છો, તેમની સાથે માગણીનો નહીં, લાગણીનો સંબંધ રાખો.

૬. પ્રાર્થના એટલે અશેષ સમર્પણ. તમારું હૃદય જાગ્રત ન હોય ને તમે શબ્દો બોલી જાઓ તે પ્રાર્થના નથી.

૭. ભગવાને તમને બહુ આપ્યું છે. તેના જેઓ કોઈ મહાદાની નથી.