Get The App

હમ બેવફા હરગિઝ ન થે...

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
હમ બેવફા હરગિઝ ન થે... 1 - image

- રજનીગંધા-વિભાવરી વર્મા

- 'ઓ મિસ્ટર ! હું આરાનો ભાઈ નથી!' એનો બોયફ્રેન્ડ છું ! આઈ મિન, હતો...

'આ રા વેડઝ રિહાન'... રિસેપ્શનના લીલાછમ મેદાનમાં દાખલ થતાં જ આરવને આ ડેકોરેટિવ બોર્ડ દેખાયું. આરવની છાતીમાંથી એક નિશ્વાસ છૂટી ગયો.

'આરાનો હસબન્ડ કેવો હશે ?' એવું વિચારીને તે ઘરેથી નીકળ્યો ત્યારે એમ હતું કે રિસેપ્શનના સ્ટેજ ઉપર રિયાને તેના પતિ સાથે જોઇને પોતે પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શકશે કે નહીં ? કેમ કે જો તે મારા કરતાં હેન્ડસમ હશે તો.

પણ છેક સ્ટેજ સુધી જવાની જરૂર જ ક્યાં હતી ? અહીં પુરા ચાર ફૂટ બાય છ ફૂટનું બેનર તેના 'સ્વાગત'માં હાજર હતું ! રિહાન માત્ર હેન્ડસમ જ નહીં, અતિશય ધનવાન ફેમિલીનો 'નબીરો' છે તે ફોટા પરથી જ દેખાઈ રહ્યું હતું.

'કાશ... મારી પાસે પણ પૈસા હોત ! પણ સાલો, આ મિડલ ક્લાસ નડી ગયો.'

આરવ દુ:ખી મનથી અંદર દાખલ તો થયો પણ એની છાતી ઉપરથી હજી પેલો ભાર હટતો નહોતો.

અંદર લીલીછમ લોનમાં જે માલેતુજાર લાગતાં મહેમાનો હતાં એને જોઇને આરવને પોતાનો 'ક્લાસ' વારંવાર ટાંકણીની જેમ ખૂંચી રહ્યો હતો. ઘરેથી નીકળ્યો ત્યારે મનમાં હતું કે ફટાફટ સ્ટેજ પર જઇને આરાને ગિફ્ટ આપીને, બધું આગળ પાછળનું ભૂલીને મસ્ત બુફે ડીનર કરીશ... પણ અહીં બુફેમાં બે ડઝનથી વધારે ભવ્ય કાઉન્ટરો જોઇને એની ભૂખ જ મરી ગઈ.

હવે કરવું શું ? પાછા જવું ? તો આરાનો ફોન આવશે. મને ખખડાવશે 'કેમ ના આવ્યો ? મેં તો તને ખાસ પર્સનલ ઇન્વાઇટ મોકલેલું, છતાં ?'

આરા સાથે બ્રેક-અપ થયાને હજી ચાર જ મહિના થયા હતા. એ પહેલાંના સળંગ બે વરસની એમની 'રીલેશનશીપ' કઇ એમને એમ થોડી ભૂલી જવાય ?

ગમગીન મિજાજમાં આવી ગયેલો આરવ ગ્રાઉન્ડના દૂરના છેડે પહોંચી ગયો. અહીં સન્નાટો હતો. એક જાડના ટેકે તે પીઠ ટેકવીને ઊભો રહ્યો અને...

ઇચ્છા નહોતી છતાં મોબાઈલ કાઢીને જે ગાયન છેલ્લા બે મહિનાથી રોજ રાત્રે વારંવાર સાંભળી સાંભળીને એકલો એકલો રડતો હતો તે જ ગાયન 'પ્લે' કરી દીધું : 'સૈયારા તૂ તો બદલા નહીં હૈ, મૌસમ જરા સા બદલા હુઆ હૈ...'

હજી આ ગાયન અડધું પડયું ત્યાં તો પાછળથી બીજું એક રિ-મિક્સ ગાયન ઊંચા કર્કશ અવાજે સંભળાયું : 'અચ્છા, સિલા દિયા તૂને મેરે પ્યાર કા...'

આરવનો આખો સેડ મૂડ તૂટી ગયો. તેણે પાછળ જોયું તો એક પાતળો સરખો યુવાન મોબાઈલમાં આ ગાયન વગાડતો તેની પાછળ આવીને ઊભો હતો.

'ઓ ભાઈ, આ તમારું ડીજે ક્યાંક દૂર જઇને વગાડોને ? મને ડિસ્ટર્બ થાય છે.'

'કેમ ભઈ ? તને શેનું ડિસ્ટર્બ થાય છે ?'

'હવે શું કહું ?' આરવ બોલ્યો. 'આ આરા પરણીને હંમેશ માટે જતી રહેશે.'

'થાય ભઈ થાય...' પેલો યુવાન બોલ્યો.

'કન્યાના ભાઈને એટલું દુ:ખ તો થાય જ ને ?'

'ઓ મિસ્ટર ! હું આરાનો ભાઈ નથી !' એનો બોયફ્રેન્ડ છું ! આઈ મિન, હતો...

'અચ્છા ? મતલબ કે આરાએ તને પણ ટોપી આપી ?'

'તને પણ, એટલે ?'

'એટલે એમ કે આરાનો હું પણ જુનો બોયફ્રેન્ડ છું. કોલેજના સળંગ ત્રણ વરસ સુધી એ મારી સાથે સ્ટેડી હતી. અરે, એ ફાઈનલ યરમાં સેવન્ટી પરર્સન્ટ લાવી એ મારા લીધે જ ! બાકી સાવ ડોબી હતી.'

'એક મિનિટ ! ક્યાંક તું આર્જવ તો નહીં ?'

'હા બોસ, આર્જવ પોતે ! પણ તેં શી રીતે ગેસ કર્યું ?'

'કેમકે શરૂશરૂમાં એ દહાડામાં દસ વાર તારું નામ લેતી હતી ! આર્જવ કેટલો બ્રિલીયન્ટ, આર્જવ કેટલો હેલ્પીંગ નેચરવાળો, આર્જવે કેટલું બધું કુરબાન કર્યું મારા માટે...'

'અચ્છા...' આર્જવનો અવાજ હવે ખારો થઇ ગયો. 'મતલબ કે તું આરવ છે ! રાઇટ ?'

'યસ ! તને શી રીતે-'

'અરે સાલા, તમારી કંપનીમાં એની જોબ લાગી પછી જ તો એણે મને પડતો મુક્યો ! તને ખબર છે, ફાઈનલ રાઉન્ડમાં અમે બે જ કેન્ડીડેટ સિલેક્ટ થયેલા. પણ મારી આરાને જોબ મળી જાય એટલા ખાતર હું ઇન્ટરવ્યુ આપવા જ નહોતો ગયો ! કુરબાની...બલિદાન..સેક્રીફાઈસ... યુનો ?'

આર્જવના અવાજમાં જે કડવાશ હતી તે આરવ તરત જ પારખી ગયો. 'કમાલ છે ! આરા જ્યારે મારા હાથ નીચે જોબ કરવા આવી ત્યારે જ મને નવાઈ લાગી હતી કે જેણે રિટન ટેસ્ટ, 

ઓનલાઈન ટેસ્ટ અને પ્રેક્ટિકલ ટેસ્ટ આટલા સરસ આપેલા, તે આટલી ડફોળ કેમ છે ? પણ હવે ખબર પડી કે -'

'એ બધા ટેસ્ટ મેં જ એને રેડી કરી આપ્ય હતા. કેમ કે હું ગધેડો એમ માનતો હતો કે આરા મને લવ કરે છે !'

'દોસ્ત ! આપણે બંન્ને એક જ નાવમાં છીએ.' આરવે કહ્યું 'આરાએ મને પણ એ જ રીતે લવના બાટલામાં ઉતાર્યો ! ઓફિસનાં નેવું ટકા કામો હું જ કરી આપતો હતો. એના કારણે એનો જોબ પ્રોફાઈલ એટલો તગડો બની ગયો કે એને એક મલ્ટીનેશનલ ફોરેન કંપનીની જોબ મળી ગઈ ! ૪૫ લાખનું પેકેજ હતું...મને કહેતી હતી કે બસ હવે આપણે મેરેજ કરી લઈશું પણ -'

'એ જ કંપનીમાં સિનિયર પોઝિશનમાં જોબ કરે છે એનો આ થનારો હસબન્ડ !'

'હેં ? આરવ છક્કડ ખાઈ ગયો. એની છાતીમાં ડૂમો ભરાઈ આવ્યો એ ગળગળો થઇને કહેવા લાગ્યો : 'આરાને બિલકુલ મારી જેમ ચોકલેટ હોટ કોફી પસંદ હતી. એને ઇંગ્લીશ મુવીઝનો ક્રેઝ હતો. મારી સાથે બે વાર ગોવા આવી હતી... કેમકે એને પણ ગોવા બહુ પસંદ હતું, મારી જેમ''

'વોટ નોન્સેન્સ !' આર્જવ બગડયો. 'અરે આરાને બરફનો ગોળો, મસાલેદાર ફૂદીનાવાળી ચા અને જુનાં હિન્દી મુવીઝનો શોખ હતો... બિલકુલ મારી જેમ ! અને ભાઈ, એ મારી સાથે ચાર વાર આબુ આવી હતી કેમ કે - અચાનક બન્ને જણા થંભી ગયા ! પછી બન્ને એક સાથે બોલી ઉઠયા : 'યાર ! આરા આપણને બન્નેને ઉલ્લુ બનાવતી રહી.''

'બેસ દોસ્ત ! અહીં થોડીવાર સાથે બેસીએ. હું મારી સાથે બિયરની બોટલ પણ લાવ્યો છું.'

આર્જવની ઓફર આરવને ગમી. બન્ને નજીકની એક લાકડાની બેન્ચ પર જઇને બેઠા.

ત્યાં જ પાછળથી મોબાઈલમાં વાગતું એક ગાયન કાને પડયું : 'હમ બેવફા હરગિઝ ન થે, પર હમ વફા કર ના સકે...'

આરવે આંખનો ઇશારો કરતાં આર્જવને કહ્યું 'લો, ત્રીજો આશિક પણ આવી ગયો લાગે છે...'