Get The App

સદીના પ્રારંભે મોતીની કિંમત હીરા, સોના કરતાં વધારે હતી

Updated: Aug 5th, 2025

GS TEAM

Google News
Google News
સદીના પ્રારંભે મોતીની કિંમત હીરા, સોના કરતાં વધારે હતી 1 - image

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

સો નું, ચાંદી, હીરા કરતાં મોતીની કિંમત આ સદીના પ્રારંભ સુધી વધારે હતી. કુદરતી મોતી મળવું જ દુર્લભ હતું. વર્ષોના વર્ષો રાહ જુઓ તો ક્યાંકથી પાણીદાર, ચમકતું, ગોળ, ચાંદની જેવું સ્નિગ્ધ-સફેદ મોતી મળી આવતું. સાઉથ કેન્સિંગ્ટન (લંડન) ખાતે નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં બુદ્ધની પ્રતિમાના માથે મુકાયેલું એક મોતી છે જેની કિંમત આંકવી આજે પણ અઘરી છે. રોમન શહેનશાહોના રોમના સમયમાં જેની પાસે અક માત્ર મોતી હોય તે જંગ જીતી જતો. વિતેલિસ નામના રોમન જનરલે પોતાની માતાના કાનના કુંડળનું અક મોતી વેચી દઇને તેમાંથી વર્ષો સુધી યુદ્ધનો ખર્ચ કાઢયો હોવાની નોંધ છે. રોમન સામ્રાજ્ઞાી ક્લિયોપેટ્રાએ તેના જમાનામાં જગતનું સૌથી ખર્ચાળ ભોજન આપ્યાની કથા છે. માર્ક ઍન્થનીને પ્રભાવિત કરી દેવી ક્લિયોપેટ્રા વાઇનની પ્યાલી ભરીને બેઠેલી. પછી વાઇનમાં અક મોતી નાખી પી ગયેલી. ૧૮.૭૫ લાખ ઔંસ ચાંદી બરાબર કિંમતનું એક મોતી તે પી ગયેલી ત્યારે માર્ક અન્થની પાણી પાણી થઈ ગયેલો.

પુસ્તક પ્રેમીઓ જરા આ પણ  જાણો... 

કયાપુસ્તકનું સૌથી વધુ વેચાણ થયું છે? જવાબ ઃ બાયબલને બાદ કરતાં બેન્જામિન સ્પોકનાં પુસ્તક 'પૉકેટ બુક ઑફ બેબી ઍન્ડ ચાઇલ્ડ કેર'ની અત્યાર સુધીમાં ૨ કરોડ ૩૨ લાખ અને ૮૫,૦૦૦ નકલો વેચાઈ છે. ચોથો નંબર ધી ગીનેસ બુક આફ વર્લ્ડ રેકોર્ડનો છે. તેની ૧ કરોડ ૬૪ લાખ અને ૫૭,૦૦૦ નકલો વેચાઈ છે. હૅરૉલ્ડ રોબિન્સની નવલકથા કેટલી વંચાઈ છે? જવાબ ઃ હૅરૉલ્ડ રોબિન્સની વાર્તાની ૨૦ કરોડ નકલો વેચાઈ છે અને ઍલિસ્ટર મેક્લિનની ૧૫ કરોડ. જગતનો સૌથી મહેનતુ લેખક કોણ? જવાબ ઃ સોળમી સદીનો સ્પેનિશ લેખક લોપ દે વેગા. તેણે ૨,૨૦૦ પુસ્તકો લખ્યાં છે. ઍલૅક્ઝાન્ડર ડુમાસે ૧,૫૦૦ ગ્રંથો લખ્યા છે. કઈ એક જ નવલકથાની સૌથી વધુ નકલો વેચાઈ છે? જવાબ ઃ મેરીઓ પુઝોની 'ધી ગૉડ ફાધર'ની ૧ કરોડ ૨૧ લાખ ૪૦,૦૦૦ નકલો વેચાઈ છે. જગતમાં સૌથી વધુ અનુવાદો કયા લેખકોનાં થયાં છે? જવાબ ઃ લેનિનનાં પુસ્તકોના ૪૬૮ ભાષામાં, વૉલ્ટ ડિઝનીના ૨૮૫ ભાષામાં, અગાથા ક્રિસ્ટીની વાર્તા ૧૮૫ ભાષામાં, જુલે વર્નનાં પુસ્તકોના ૧૭૨ ભાષામાં, કાર્લ માર્ક્સનાં પુસ્તકોના ૧૩૬ ભાષામાં અને બાર્બરા કાર્ટલન્ડની વાર્તાના ૧૩૫ ભાષામાં અનુવાદ થયાં છે.

શારીરિક તકલીફો અને રાષ્ટ્રીય ચારિત્ર્ય

શહેનશાહ અકબરે એક દિવસ તેના દરબારીઓને પૂછયું કે, ''તમારા જીવનમાં સૌથી સારો દિવસ કયો?'' ઘણા દરબારીેએ ખુશામત કરવા કહ્યું કે જહાંપનાહનો જન્મદિવસ એ અમારે માટે શ્રેષ્ઠ દિવસ. કેટલાકે તેના તખ્તનશીન થવાના દિવસને સૌથી સારો દિવસ કહ્યા. પછી બાદશાહે બીરબલને પૂછયું. બીરબલ કહે, ''જહાંપનાહ, સવારે ઊઠતાવેંત ઝાડો સાફ આવે તે દિવસ સારામાં સારો.'' લંડનના 'સન્ડે ટાઇમ્સે' અક સર્વેક્ષણ કર્યુ છે તેમાં કહ્યાં છે કે જગતમાં કેટલાક રોગો કે શરીરની તકલીફો રાષ્ટ્રીય ચારિત્ર્ય સાથે જડાયેલી છે. બીરબલના કહેવા પ્રમાણે ભારતનો રાષ્ટ્રીય રોગ કબજિયાત છે. કદાચ આ કબજિયાત હોવાની મન્ટાલિટી આપણને અંગ્રેજો તરફથી મળી છે. અંગ્રેજા હંમેશાં સવારે દસ્ત સાફ આવે તેની ચિંતા બહુ રાખે છે. તેથી જુલાબની ગોળીઓ બ્રિટનમાં સૌથી વધુ ખપે છે. જર્મન લોકો હૃદયરોગના હુમલાથી બહુ ડરે છે. એટલે વધુમાં વધુ હૃદયરોગની દવા જર્મનીમાં ખપે છે. ફ્રૅન્ચ લોકો દારૂ બહુ પીઅ છે અટલે તેમને લીવર બગડવાની બહુ બીક લાગે છે. એટલે લીવરની દવા બહુ ખાય છે. પણ ફ્રાન્સમાં વધુ મરણો લીવરના રોગથી જ થાય છે. અમેરિકનોને હલ્થ ચૅક-અપ અને ઍપેન્ડિક્સના ઑપરેશનનો બહુ શોખ છે. તબિયતની કાળજી રાખવામાં પણ દરેક રાષ્ટ્રમાં વિચિત્ર ખાસિયતો હોય છે. ફ્રૅન્ચ લોકો પોતાને તાવ છે કે નહીં તેનો સ્પષ્ટ ખ્યાલ રાખવા માગે છે. જર્મન લોકો હૃદયરોગની દવા અમેરિકનો કરતાં છ ગણી લે છે અને બસમાં કે ટ્રેનમાં પોતે હૃદયરોગની ટીકડી ગળે તેમાં ગૌરવ પણ અનુભવે છે!

શ્વાનોની બાદશાહી

ક્યારેક કોઈક પોમેરિયન ડોગને ઍરકન્ડીશન આઇકોન ફોર્ડ કારની પાછલી સીટ પર પ્રવાસ કરતા કે કોઈ લલનાના ખોળામાં બેસેલું જાઈને પણ આપણને ઇર્ષ્યા થાય છે. મનમાં અમ થાય કે આવી બાદશાહી ભોગવતા કૂતરાના નસીબ પણ કેટલા ચડિયાતા હશે? એ દ્રષ્ટિએ જોઈએ તો આ સ્કાય, ડેઇઝી અને પિટપીન નામનાં કૂતરાઓ નસીબના ખરેખર બળિયા છે. એમના આરામ માટે આ ત્રણ ઍક્સ્લુઝિવ પલંગ અમના માલિકોઅ બનાવી આપ્યા છે. ઍન્ટિક ફર્નિચરના ઉત્તમ નમૂના સમા આ ત્રણ જુદા જુદા આકારના શાહી પલંગ પર શ્વાન જ્યારે પણ ઇચ્છા થાય ત્યારે આરામ ફરમાવી શકે છે. પ્રત્યેક પલંગની કિંમત છે પાંચ હજાર પાઉન્ડ.

ચાનું ઉત્પાદન કઈ રીતે થાય છે?

આપણે ચા પીએ છીએ, તેનું ઉત્પાદન કઈ રીતે થાય છે? ચાના છોડમાંથી સૌપ્રથમ ચાના પાંદડાં ચૂંટવામાં આવે છે. પછી પાંદડાંને સૂર્યપ્રકાશમાં કે કૃત્રિમ ગરમી આપીને કેટલાક કલાક કે એકાદ દિવસ પૂરતાં સૂકવવામાં આવે છે. સૂકવવાથી પાંદડાં નરમ બને છે. પછી પાંદડાંને દળી નાખવામાં આવે છે. પછી ભૂકીને 'ઑક્સિડાઇઝ' થવા દેવામાં આવે છે. આ પ્રક્રિયામાં ભૂકીમાં રહેલા ઍન્ઝાઇન્સ અને પ્રોટીન્સ તૂટીને તેમનું ઑક્સિડેશન થાય છે. જો કે તેમાં બે પ્રકાર છે. ગ્રીન અને બ્લેક. ગ્રીન ઑક્સિડાઇઝ નથી હોતા જ્યારે બ્લેક સંપૂર્ણ ઑક્સિડાઇઝ હોય છે. ત્યાર પછી ચાની ભૂકીને બાફ આપવામાં આવે છે. બાફ થકી ચાની અંદરના ઝીણા માઇક્રોબ્સ અને ફૂગની વસાહતને અનુકૂળ વાતાવરણ મળે છે અને ચા ટેસ્ટી બને છે. છેવટ તેનું બે પ્રકારે પેકિંગ થાય છે, સૂકું અને ભેજવાળું. સૂકી ચા લૂઝ પેકિંગમાં વેચાય છે. સૂકી ચાને સતત ઑક્સિજન મળતો હોવાથી ઑક્સિડેશનની પ્રક્રિયા હંમેશાં ચાલુ રહે છે. ભેજવાળી ચાનું પેકિંગ હવાચુસ્ત બરણીમાં કરવામાં આવે છે. તેનો અલગ જ ટેસ્ટ છે. છેલ્લે ક્વોલિટી મુજબ ચાના ૧ થી ૧૦ ગ્રેડ આપવામાં આવે છે. નંબર ૧ શ્રેષ્ઠ અને નંબર ૧૦ કનિષ્ઠ ગણાય છે. ચાના ઘણા પ્રકાર અને પેટા પ્રકાર હોય છે, જેમ કે બ્લેક ટી, ગ્રીન ટી, ઓલોંગ ટી, ફ્લેવર્ડ ટી, વ્હાઇટ ટી, ડિકેફ ટી, હર્બલ ટી વગેરે. તેમાંય પેટા પ્રકારો હોય છે. જેમ કે બ્લેક ટીના પેટા પ્રકારમાં ચાઇનીઝ બ્લેક, ઇન્ડિયન બ્લેક... વગેરે