Get The App

તમે કેવા અતિથિ છો? .

Updated: Aug 5th, 2025

GS TEAM

Google News
Google News
તમે કેવા અતિથિ છો?                                               . 1 - image

- એક જ દે ચિનગારી-શશિન્

- માણસ પોતાના જ ઘરમાં મહેમાન જેવી જિંદગી જીવતો થઈ ગયો છે. જેમનાં મકાન સાંકડાં છે એમનાં દિલ વિશાળ છે અને જેમનાં મકાન વિશાળ છે તેમના દિલ સાંકડાં છે એ દુઃખદ છે

આ પણો દેશ એટલે અતિથિઓને દેવ માનનારો દેશ, એમ કહી આપણે રાજા રતિદેવથી માંડી શેઠ સગાળશા સુધીની યાદી કડકડાટ બોલી જવામાં ગૌરવ અનુભવીએ છીએ. એક જમાનો હતો, જ્યારે તાર, ટપાલ, ટેલિફોન જેવી સુવિધાઓને અભાવે માણસ પોતાના આગમનની પૂર્વસૂચના આપી શકતો નહોતો. દ્રૂતગતિએ પહોંચાડનારા સર્વસુલભ યાંત્રિક વાહનોને અભાવે ચોક્કસ તિથિએ અને સમયે એ સ્વજન-સ્નેહીજન-પરિજનને ઘેર પહોંચી શકતો નહોતો, ત્યારે અતિથિ શબ્દની ઈજ્જત અને પ્રતિષ્ઠા હતી.

પણ આજે અતિથિઓ સતિથિઓ બની ગયા છે. યજમાનને અતિથિ-વિશેષના આતિથ્યથી ધન્ય બનવા માટે સામેથી જાણ કરી આવવાની કૃપા કરે છે. તિથિ નક્કી કર્યા છતાં ય તેઓ અતિથિમાં પલટાઈ જવાનો અધિકાર તો અક્ષત જ રાખે છે. અતિથિ તો દેવ છે...એને જળ, સ્થળ, નભ સર્વત્ર વિહરવાનો-વિચરવાનો અધિકાર છે. કેટલાક લોકો પોતાને અતિથિ-વિશેષ સમજે છે, જેમની આવવાની તિથિ નક્કી હોવા છતાં તેઓ યજમાનને કલાકો સુધી પ્રતીક્ષા કરાવી બીજે મહત્ત્વના યજમાનને ત્યાં પહોંચી જાય છે.

એક સમય હતો જ્યારે માણસ પાસે આજના જેવી વ્યસ્તતા નહોતી પણ બહારગામ વસતા સ્વજન કે સ્નેહી સાથેનું મિલન મુશ્કેલ રહેતું હતું. ત્યારે આકસ્મિક જ અતિથિઓનું આગમન મધુરું લાગતું, હૈયાનાં દ્વાર ખોલીને મનમૂકીને સુખ-દુઃખની વાતોની આપ-લે થતી. મનની મોકળાશ, જગાની મોકળાશ, ઘરમાં અન્ન-પાણીની પણ થોડી મોકળાશ....પરોણાના આતિથ્ય માટે માણસ સમય કાઢી શકતો અને દૂરથી આવેલા સ્વજનને પ્રેમપૂર્વક આગ્રહ કરીને રોકી શકતો હતો.

પણ સમય અને સંજોગો બદલાયા, શહેરી જીવનમાં યજમાને પણ જાતજાતની લાચારી વેઠવાનો વારો આવ્યો. મોંઘવારીએ મનની મોકળાશ ને ય મોંઘી બનાવી દીધી. મશીની સભ્યતાએ માણસનો આરામ અને ચેન છીનવી લીધાં. સ્થિતિ એવી આવી કે એક માણસ પોતાના જ ઘરમાં મહેમાન જેવી જિંદગી જીવતો થઈ ગયો ત્યાં બિચારા વ્યસ્તતાને આપણે મજબૂરી નહીં પણ 'મગરૂરી'નો વિષય ગણતા થઈ ગયા છીએ. 'મને તો મરવાની ય ફુરસદ ક્યાં છે !' કહેવામાં આપણે આપણો સામાજીક મોભો ગણીએ છીએ.

આજના માણસમાંથી આતિથ્યનું ઝરણું સુકાઈ ગયાની કે આત્મીયતાની ઉષ્મા ઘટયાની ફરિયાદ કરીએ છીએ ત્યારે આપણે એ વાતનો વિચાર કરીએ છીએ ખરા કે બદલાતા સમય અને સંજોગો અનુસારનો અતિથિધર્મ અદા કરી શકાય તેમ છે ખરો ? આપણે યજમાન પાસે આતિથ્યની અપેક્ષા ભલે રાખીએ, પણ યજમાનને આવકારવાનું મન થાય એવા અતિથિ બની શકીએ છીએ ખરા ?

અતિથિ બનવું એ પણ એક કળા છે. મહેમાન બનવું એ આપણો અધિકાર નથી. અને યજમાન માટેનું ફરજિયાત કાર્ય બનાવવાને બદલે એને પસંદગીની યાદીમાં મૂકવાની સ્થિતિ આપણે સ્વીકારવી જોઈએ.

આતિથ્યની વાત બાજુ રાખીએ તો પણ કહેવાતા અતિથિઓની કસમયે ટપકી પડવાની ટેવે જ આતિથ્યને ઘણું નુકસાન પહોંચાડયું છે. મળવાની સાચી રીત તો મુલાકાતનો સમય નક્કી કરીને જ જવાની હોઈ શકે. તેમ છતાં સ્વાર્થવશ લોકો સમયે-કસમયે બીજાને મળવા દોડી જાય છે. અને માણસ પોતાની વ્યસ્તતાને કારણે અપેક્ષિત ઉમળકો ન દેખાડે ત્યારે આપણે તેને ઘમંડી અને તોછડો સાબિત કરવાનું ચૂકતા નથી. આવા 'સમય-ખાઉં' માણસો બે રીતે નુકસાનકારક સાબિત થાય છે. એક તો જાણ કર્યા વગર કસમયે આવીને તથા આવ્યા બાદ જવાની 'નિરાંત' દાખવીને.

સિરિયલ કે ફિલ્મ પૂરી થાય ત્યાં સુધી તમારી આનંદયાત્રામાં સહભાગી બની જતા હોય છે.

યજમાન હોય કે મહેમાન માણસે વ્યવહારમાં ઉત્તમ શિષ્ટતા અને સમજણ દાખવવી જ જોઈએ. તમે જ્યાં જાઓ, જેને મળો ત્યાં સદવર્તનનું ફૂલ બિછાવો. તમે એવા મહેમાન બનો કે યજમાનના આનંદ, ઉત્સાહ અને પ્રસન્નતામાં વધારો થાય. યજમાનને જરાપણ અગવડ ના પડે તેનું ધ્યાન રાખો. બેજવાબદાર મહેમાનોની જેમ બેજવાબદાર નિમંત્રકો પણ ખતરનાક હોય છે. તમને મુલાકાતનો સમય આપે અને પોતે જ ગેરહાજર હોય. પોતાની ગેરહાજરી વિષે સૂચના કે સંદેશો પણ ન પાઠવે....તમે ફરીથી મળો ત્યારે દુઃખ પણ વ્યક્ત ન કરે એવા ખંધા માણસો ગમે તેટલા મોટા હોય, પણ શિષ્ટતાના દરબારમાં તો તેઓ વામણા જ ગણાય છે.

સામેની વ્યક્તિને ઉચિત સન્માન અપાયું એ તમારી ખાનદાનીની પારાશીશી છે. ભલે તમે મુલાકાત ન આપો, મળવાનો ઇન્કાર કરો પણ તમારી 'ના' કહેવાની રીત પણ 'હા' કહેવાતની રીતથી યે શાનદાર જ હોઈ શકે - હોવી અપેક્ષિત છે.

આપણે પારસ્પરિક વર્તનમાં મધુરતા, સરળતા, સમજણ અને વિવેકનો ઉપયોગ કરીએ તો યજમાન ધર્મ તથા અતિથિધર્મને ઉજ્જવળતા બક્ષી શકીએ. જોકે આજના મોબાઈલના જમાનામાં આતિથ્ય ભાવનામાં ઓટ આવી છે એવું આપણે માનીએ છીએ, પણ સાથે સાથે આજની પેઢી તો અતિથિ બનવામાં પણ ઉત્સાહ નથી દાખવતી અતિથિને આવકારવામાં રસ નથી દાખવતી. મોબાઈલ પર જ પોતાનું કામ પતાવી તેમને કોઈને પણ મળવાની ફુરસદ હોતી નથી. યુવા પેઢીની આત્મકેન્દ્રિતા કોઈ પણ સમાજ માટે આવકારદાયક ન જ હોઈ શકે. 

અતિથિધર્મ વિશે યાદ રાખવા જેવી સાત બાબતો કઈ ?

(૧) માથે પડુ મહેમાન ન બનો.

(૨) યજમાનને આવકારવાનું મન થાય એવી જીવનશૈલી અપનાવો.

(૩) મુલાકાત માટેનો સમય નિર્ધારિત કર્યા સિવાય કોઈને મળવા દોડી જવું એ અસંસ્કારિતા અને અશિષ્ટતા છે.

(૪) અતિથિ બનવા માટે ઉત્સુક વ્યક્તિને ભલે મુલાકાત આપવાની તૈયારી ન દર્શાવો પણ તમારો ઇન્કાર સ્વીકાર કરતાં પણ શાનદાર હોવો જોઈએ.

(૫) નાનામાં નાના માણસના નિમંત્રણને પણ કોઈ મોટાના નિમંત્રણ જેટલું જ મહત્ત્વ આપો.

(૬) કોઈને મળવા જાઓ ત્યારે નિંદા, કુથલીની વાતો કરવાનું ટાળો.

(૭) સમય પાલનનો ખાસ આગ્રહ રાખો. વાતચીતમાં લંબાણને બદલે ટૂંકાણનો માર્ગ અપનાવો.