Get The App

કાયદો કરોળિયાની જાળ જેવો છે .

Updated: Nov 4th, 2025

GS TEAM

Google News
Google News
કાયદો કરોળિયાની જાળ જેવો છે                                 . 1 - image

- એક જ દે ચિનગારી-શશિન્

- 'કાનૂન' કે 'ભગવાન'નો ડર કેવળ બીક રૂપે નહીં પણ મારો નાગરિક ધર્મ છે, એમ માનીને ચાલવું એનું નામ ચારિત્ર્ય

ધા ક ભગવાનની હોય કે કાયદાની એનો ઉદ્દેશ માનવ કલ્યાણ જ હોય છે. ધનની ધાક અરાજકતા સર્જી શકે, કાનૂની ધાક સુવ્યવસ્થા સર્જી શકે. કાનૂનનો ઉપયોગ અંતે તો માનવીની સુરક્ષા, ન્યાય- નીતિની હિફાજત અને શાંતિ, સલામતી તથા સુવ્યવસ્થાના નિર્મળ ઉદ્દેશથી જ થવી જોઈએ. પરંતુ જ્યારે આવા ઉચ્ચ આદર્શોને બદલે સ્વાર્થપૂર્ણ ગણતરીઓ અને મેલી મુરાદો બર લાવવા માટે કાયદાની નિર્મળતા સાથે ચેડાં કરી છટકબારીઓનો મનમાન્યો લાભ લેવા માટે કાયદાની ગરદન મરોડવાની કોશિશ થાય ત્યારે કાયદો લાચાર બને છે. બાકી તો કાયદાના હાથ મજબૂત હોય છે. કાયદો અંગત-વ્યક્તિગત ફાયદો મેળવવા પ્રયોજાય ત્યારે કાયદો હેબતાઈ જાય છે.

કાયદાનો રક્ષક જ ભક્ષક બને તો કઈ અદાલતમાં ન્યાય માગવો ? કાયદો સારો કે ખરાબ હોતો નથી. કારણ કે એ સ્વયંભૂ નથી. એનો ઘડનાર અંતે તો માણસ છે. એટલે માણસની મર્યાદાઓ કાયદાને પણ સ્પર્શવાની. કાયદાનો અમલ કરનાર પણ માણસ છે એટલે અમલ કરનારની સીમાઓ પણ કાયદા માટે જોખમી નીવડી શકે. કાયદાનું માન જાળવી હસતા મોંઢે કાયદાનું સ્વાગત નહીં જ કરવાનો. કાયદાને નિગ્રભ, નાકામિયાબ અને નબળો પાડવા માટે અપરાધી તન-મન-ધનથી મચી પડે છે. પરિણામે કાયદાએ અત્યાચાર કર્યો  હશે એના કરતાં અનેકઘણા અત્યાચારો માણસે કાયદા પર ગુજાર્યા છે.

કાયદો જેટલા અંશે ફાયદાને અવરોધે છે, માણસ તેટલા અંશે કાયદાને રહેંસી નાખવા તત્પર બને છે. કારણ કે માણસ કાયદાપ્રિય નહીં પણ ફાયદાપ્રિય પ્રાણી છે. એટલે એની નજર કાયદા પાલન તરફ નહીં ફાયદા પાલન તરફ વિશેષ રહે છે.

કાયદો સ્વાવલંબી નથી, પરાવલંબી છે એટલે એને સર્જક, રક્ષક અને પાલક તેમ જ તેનું અર્થઘટન કરવાની જરૂર પડે છે. કાયદાના હાથ લાંબા છે, પણ કાયદો પોતાની ફરજ ન બજાવે એ માટે પૈસો એનો પંથ અવરોધવા મેદાને પડે છે. માણસ અર્થની તાકાતથી કાયદાની તાકાતને વ્યર્થ બનાવવાની અથવા પોતાની તરફેણમાં ખેંચી લાવવાનાં કાવતરામાં રચ્યો-પચ્યો રહે છે. પરિણામે રક્ષણસ્થાનો અને ન્યાયાલયોમાં ધન અને ધર્મ વચ્ચે રક્તવિહીન યુધ્ધ સતત ચાલતું રહે છે.

ન્યાયાલયમાં સત્યની જીત તો જ થાય જો કાયદાની પ્રક્રિયામાં સંકળાયેલ પ્રત્યેક વ્યક્તિ સત્યની પ્રીતિ દાખવે. પણ કાનૂની યુધ્ધમાં માણસને સત્ય નહીં જીત જ ખપતી હોય છે. કાયદાએ સાબિતીઓ માટે સાક્ષી, પુરાવા અને દસ્તાવેજો વગેરે પર આધાર રાખવો પડે છે અને અંતે એનું અર્થઘટન પણ માનવીની વિવેકદ્રષ્ટિ, સત્યનિષ્ઠા, મૂલ્યનિષ્ઠા તથા ન્યાયશ્રધ્ધા પર જ આધારિત હોય છે. એમાંથી એકપણ વસ્તુને ધનનું પ્રલોભન ચલિત કરી શકે તો કાયદો સત્યરક્ષક બની શકતો નથી.

પ્રજાજનોની કાયદા પ્રત્યેની સન્માનની ભાવના, કાયદાની રક્ષા માટેનો સ્વયંભૂ સંકલ્પ અને કાયદાના અનુપાલનો આગ્રહ જ કાયદાનું બળ બની શકે. દાદા ધર્માધિકારીએ એટલે જ કહ્યું હતું કે, કાયદો માણસને ગેરકાનૂની આચરણ કરતાં રોકી શકે, પરંતુ એને દુરાચાર કરતાં રોકી શકતો નથી, જે કાયદાની સીમા બહારનો હોય ! પૈસો કાયદાની પકડ ઢીલી બનાવે છે એ જોઈને જે કોઈને એવી લોકોકિત વહેતી કરી હશે કે, 'કાયદો તો કરોળિયાની જાળ જેવો છે.' મોટા જીવ જાળાંને તોડીને ભાગી જાય છે, જ્યારે નાના જીવજંતુઓ એમાં ફસાઈને મોતનો શિકાર બને છે.

કાયદાના હાથ લાંબા છે, કબૂલ. પણ પૈસાના હાથ એને પણ આંબી જાય છે. કારણ કે કાયદાની ઈજ્જત એના પાલકો અને રક્ષકોના ચારિત્ર્ય પર અવલંબિત હોય છે. પ્રજાની જેટલી પ્રબળ ચારિત્ર્યશીલતા કાયદાની તેટલી વધુ સબળતા !

કાયદાનો ડર છે એવો જ ભગવાનનો પણ માણસને ડર લાગે છે. ભગવાનના ડરના નામે ય માનવી જો પાપભીરૂ બની સન્માર્ગે ચાલે તો એ દ્વારા, દેશ-દુનિયામાં સુવ્યવસ્થા સ્થપાવાની જ. માણસ ચમત્કાર વગર નમસ્કાર કરતો નથી એવું ધર્મોપદેશકો માનતા હોય છે. એટલે પાપ-નર્ક, મરણોત્તર જીવનમાં જમનો ત્રાસ વગેરેનાં વર્ણનો બહેલાવી બહેલાવીને, ઉમેરી ઉમેરીને કરે છે. આધિ વ્યાધિ ઉપાધિથી કંટાળે તો માણસ 'આ ભવ ભલે બગડયો, પણ પુણ્ય કાર્યોથી આવતો ભવ તો સુધરશે' - એવા ખ્યાલથી પાપનું ભારણ ઘટાડવા અને પુણ્યનું પાથેય વધારવા ભગવાનને ભજે છે, ભક્તિ કરે છે, કથા શ્રવણ કરે છે, દાન-દક્ષિણા આપે છે, સેવા કરે છે. આમ ભગવાનના રાજીપા ખાતર પણ માણસ ભગવાનની શ્રધ્ધાભીની ધાક સ્વીકારે તો એમાં કશું અજુગતું નથી. હા, એવી શ્રધ્ધા અંધશ્રધ્ધાનું રૂપ ધારણ કરે એ અજુગતું છે. માણસની ભગવાન પ્રત્યેની અતિ શ્રધ્ધાનો લાભ 'ભગવાનના દલાલોને' ફળ્યો છે, એ પણ હકીકત છે.

ભગવાનથી ડરીને ચાલવાનો અર્થ એટલો જ કે માણસો પવિત્રતાપૂર્ણ જીવન જીવવું. સમાજમાં ધન પણ લોકકલ્યાણ અર્થે વપરાય તો ધનની મહત્તા સ્વીકારવામાં વાંધો નથી. પણ ધનનું રાજ સ્થપાય તો જગત રાવણની લંકા બની જાય.

ધનને સ્વામી બનવા ન જ દેવાય. ધનને ઉત્તમ સેવક બનાવો તો ધન જગતને ઠારે અને તારે બાકી તો ધનનું વર્ચસ્વ વધે તો નીતિમત્તા ઘટે, માણસ 

ધનપ્રાપ્તિને જ જીવનનું લક્ષ્ય બનાવી દે અને ભ્રષ્ટાચારનો ભરડો વધૂ મજબૂત બને.

આજે અત્ર-તત્ર-સર્વત્ર ધનની ધાક જોવા મળે છે. ધન ધારે તે કરી શકે છે, કરાવી શકે છે. પરિણામે સમાજનું નૈતિક સ્વાસ્થ્ય જોખમાય છે.

એટલે જગતમાં ધાક ને બદલે પ્રેમ, સેવા, માનવતા અને લોકકલ્યાણનું સામ્રાજ્ય સ્થપાય એમાં જ એનું શ્રેય છે. કાનૂન કે ભગવાનનો ડર 'બીક' રૂપે નહીં પણ સારા નાગરિક કે સારા ઈન્સાન બનવું એ મારી ફરજ છે એવી સમજણ કેળવવાનો જીવન અવસર છે. પરિણામે ધાક એ ભયના બદલે આશીર્વાદનો વિષય બની જાય છે.

ન્ચુ એટલે કાયદો. કાયદાનું રાજ્ય ન્ર્ુ એટલે કે નીચું બની જાય તો, વિશ્વમાં ધરાર અવ્યવસ્થા ફેલાય. કાયદાના ઉપયોગમાં વિવેક જરૂરી છે. જ્ઞાતિઓ કાયદા ઘડે છે અને જ્ઞાતિનું પંચ તેનો અમલ કરાવે છે. ઘણી વાર આવાં પંચો એવી બેહૂદી સજા કરે છે કે માથું શરમથી ઝુકી જાય. માનવતાની બાદબાકી કરી કાયદો ઘડી શકાય નહીં કે તેનો અમલ કરી-કરાવી શકાય નહીં. કાયદાની બાતમાં માણસે પોતાની જાતને પૂછવા જેવા પાંચ સવાલો ઃ

૧. હું જે કાંઈ કરી રહ્યો છું, તે ન્યાયોચિત છે ?

૨. મારા કર્મથી માણસાઈ લજવાતી તો નથી ને.

૩. મારું કાર્ય સમાજના વિષય હિતને હાનિ તો નથી પહોંચાડતું ને ?

૪. મારું કાર્ય ઇશ્વરીય કાયદાને નુકસાન તો નથી પહોંચાડતું ને ?

૫. હું દેશવ્યક્તિથી પલાયનવાદી તો નથી બનતો ને ?