- રજનીગંધા-વિભાવરી વર્મા
- મન્વીતાને જે યુવાનની બાંહોમાં બાંહ પરોવીને નીકળતી જોઈ એ જોઈને રિતેશ રીતસર ઘીસ ખાઈ ગયો!
મ ન્વીતાનો ફોટો જોતાં જ રિતેશ ચોંકી ગયો ! તેના બોસે કહ્યું,
'આ છોકરીનો ફોટો ધ્યાનથી જોઈ લે. એ ક્યાં રહે છે એનો ફોન નંબર, વગેરે ડીટેલ્સ પણ એ ફાઇલમાં છે... તારે એનું ઇન્વેસ્ટીગેશન કરીને છ દિવસમાં રિપોર્ટ આપવાનો છે.'
'રિપોર્ટ ?' રિતેશ હજી ડઘાયેલો હતો. બોસ જરા કડક અવાજે બોલ્યાઃ
'આપણી એજન્સી જ ઇન્વેસ્ટીગેશનની છે, તો આપણા ક્લાયન્ટ જેની તપાસ કરાવવા માગતા હોય તેનો રીપોર્ટ તો આપવો પડે કે નહીં ?'
'પણ આ છોકરી -'
'ખબર છે, બહુ જ બ્યુટિફૂલ છે. એના કોર્ટ મેરેજ ઓસ્ટ્રેલિયાના એક એનઆરઆઇ છોકરા સાથે ઓલરેડી થઈ ગયા છે. છોકરો તો પાછો વિદેશ જતો રહ્યો છે પણ એમને ખાતરી કરવી છે કે છોકરીનાં કોઈ લફરા તો નથી ને ?'
'યસ સર.' રિતેશે હવે પોતાની જાતને સંભાળી લીધી.
'જો રિતેશ, તું નવો નવો આપણી ઇન્વેસ્ટીગેશન એજન્સીમાં જોડાયો છે. આમ પણ બી.કોમ. થયેલા કોઈ છોકરાને બીજી કોઈ ઢંગની નોકરી મળતી નથી. તું જાણે છે ને ? હા, આ તારા માટે સાવ નવું જ છે. પણ ધ્યાન આપીને કરી શકીશ તો -'
'યસ સર,' રિતેશ હવે ટટ્ટાર થઈ ગયો. 'ટૂંકમાં આ મન્વીતા નામની છોકરીને ફોલો કરવાની છે, એમ જ ને ?'
'હા, આપણા ક્લાયન્ટે જ ઇન્ફરમેશન આપી છે કે, મન્વીતા ચાર દિવસ માટે આબુ જવાની છે. ઘરમાં તેણે એમ કહ્યું છે કે તે તેની બેહનપણીઓ સાથે જઈ રહી છે. હવે આપણે એ જોવાનું કે -'
'સમજી ગયો સર...'
***
રિતેશ કેબિનની બહાર નીકળ્યો ત્યારે આખેઆખો હલબલી ગયો હતો. 'આ મન્વીતાના કોર્ટ મેરેજ ક્યારે થઈ ગયા ? મને એક ફોન તો ઠીક એક મેસેજ પણ ના કર્યો ?'
મન્વીતા અને રિતેશ એક જ કૉલેજમાં સાથે ભણતા હતા. રિતેશ મન્વીતાની બ્યુટિ અને સ્ટાઇલ ઉપર ફીદા હતો. કૉલેજમાં સામાન્ય ઓળખાણ થયા પછી તેણે મન્વીતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ફોલો કરવાનું ચાલુ કર્યું હતું.
મન્વીતાના બ્યૂટિફૂલ ફોટા અને વિડીયો ઉપર મસ્ત મસ્ત કોમેન્ટો કરતાં કરતાં તે ધીમે ધીમે મન્વીતાને ડીએમ (ડાયરેક્ટ મેસેજ) કરવા લાગ્યો હતો. શરૂ શરૂમાં મન્વીતાનો પણ સારો રિસ્પોન્સ આવતો જોઈને રિતેશે તેને 'આઇ લાઇક યુ' અને પછી 'આઇ લવ યુ' લખી નાખ્યું હતું!
એ, પછી તરત જ મન્વીતાએ રિતેશને 'બ્લોક' કરી દીધો હતો ! જો કે, કૉલેજમાં વારંવાર રિતેશે મન્વીતાની માફી માગી હતી જેના કારણે મન્વીતાએ તેને ફરી 'અન-બ્લોક' પણ કર્યો હતો..
છતાં રિતેશ હજી મન્વીતાને ભૂલી શક્યો નહોતો અને આજે ? આ નવીસવી બાર હજારની નોકરીમાં પહેલું જ કામ એની 'જાસૂસી' કરવાનું આવ્યું ! 'ચાલો, એ પણ કરી લઈએ બીજું શું ? એ બહાને મન્વીતાને દૂરથી જોવાનો મોકો તો મળશે ?'
***
આબુની એક હોટલમાંથી મન્વીતાને જે યુવાનની બાંહોમાં બાંહ પરોવીને નીકળતી જોઈ એ જોઈને રિતેશ રીતસર ઘીસ ખાઈ ગયો !
'મન્વીતા આ મોહિત સાથે ? એને બીજો કોઈ નહીં અને આ મોહિત જ મળ્યો ?'
એકદમ ડેશિંગ અને સ્માર્ટ દેખાતા મોહિત સાથે રિતેશને જૂનું વેર હતું. કૉલેજમાં એડમિશન લીધાના પંદર જ દિવસમાં થયેલા 'રેગિંગ'માં મોહિતે એનાં કપડાં ઉતરાવ્યાં હતાં ! એનો બદલો લેવા રિતેશે મોહિતની નવી નકોર બાઇકમાં પંચર પાડયા હતાં. જવાબમાં મોહિતે રિતેશને રસ્તા વચ્ચે અટકાવીને માર માર્યો હતો. એનો બદલો લેવા રિતેશે મોહિતનો ફોટો કૉલેજની બહાર એક મહિલા પ્રોફેસર જોડે મોર્ફ કરીને વાયરલ કર્યો હતો.
પરંતુ એ પરાક્રમમાં રિતેશ પકડાઈ ગયો હતો. પકડાવનારો પણ મોહિત જ હતો એણે તો ત્યાં સુધી ઘોંસ જમાવેલી કે રિતેશ કૉલેજમાંથી સસ્પેન્ડ થતાં થતાં માંડ બચ્યો હતો ! પણ હવે...
***
હવે આખું વર્તુળ પૂરું થઈ રહ્યું હતું. રિતેશના પ્રેમને ઠુકરાવનાર મન્વીતા પોતે જ કોઈ એનઆરઆઇની સાથે કોર્ટ- મેરેજ કરવા છતાં મોહિતને અંધારામાં રાખીને તેની સાથે અહીં રંગરેલિયા મનાવી રહી હતી !
રિતેશ પાસે હવે બે ચોઇસ હતા. એક ચોઇસ એ હી કે મોહિત અને મન્વીતાના ફોટો અને વિડીયો લઈને
એને ઉઘાડી પાડી દે ! જેથી એના મેરેજ તૂટી જાય અને ઓસ્ટ્રેલિયા જવાનું સપનું બરબાદ થઈ જાય !
અને બીજો ચોઇસ એ હતો કે, 'મન્વીતા તો એની બહેનપણીઓ સાથે જ હતી...' - એવો રિપોર્ટ મોર્ફ કરેલા ફોટા સાથે ફાઇલ કરે...
- જેથી મોહિત અહીં ઇન્ડિયામાં હાથ ઘસતો રહી જાય અને રિતેશનો 'રિવેન્જ' પૂરો થાય.


