- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
'ઍન ઍપલ અ ડે'ને બદલે 'અ કૅરટ-જ્યુસ-ગ્લાસ-અ-ડે' નામની કહેવત યાદ રાખવી પડશે. અમેરિકાના ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન ખાતાના બે ડૉક્ટરો પીટર હોગલૅન્ડ અને ફિલિપ પીફરે (ફિલાડેલ્ફિયા) તાજેતરમાં કહ્યું છે કે ત્રણ સપ્તાહ સુધી રોજ સવારે ૨૦૦ ગ્રામ ગાજરનો રસ પીવાથી લોહીનું કૉલેસ્ટરલ નીચું જાય છે અને હૃદયરોગીને આરામ થાય છે. આ ઉપરાંત કાંદા અને કાચી કોબી ખાવાથી પણ કૉલેસ્ટરલ ઓછું થાય છે. ગાજરના રસમાં જે પીળો રંગ છે તે કૅરોટીનનું તત્ત્વ છે. કૅરોટીન એટલે વિટામિન-એ. ગાજર ખાવાથી આંખો બગડતી નથી. રોજ સવારે ૨૦૦ ગ્રામ ગાજરનો રસ પીઓ. દિવસમાં વચ્ચે નહીં. જર્મન ઇન્સ્ટિટયૂટ ઑફ પ્લાન્ટ પ્રોડક્ટના પ્રોફેસર વર્નર શુફાન કહે છે કે ધાવણુ બાળક હોય ત્યારે માતા ગાજરનો રસ લે તો એ દૂધથી બાળકની તાકાત વધે છે. કૅન્સર, કિડની અને કૉલોઇટિસમાં ગાજરનો રસ સવારે પી આખો દિવસ મોળી છાશ પર રહેવાથી ઘણો ફાયદો થાય છે. એ સમયે અનાજ ન લેવું જાઇએ.
'ડાલડા' બંદર નામ કઈ રીતે પડયું?
૩૦ ટકા દરિયાકિનારો, એટલે કે ૧,૬૫૦ કિલોમીટર લાંબો દરિયાકિનારો ગુજરાત રાજ્યને સ્પર્શે છે. સૌરાષ્ટ્ર-ગુજરાતના માછીમારો ઓખા, રૂપેણ, વેરાવળ, પોરબંદર, જખો જેવા બંદરોએથી માછીમારી કરવા નીકળે છે. મોટા ભાગના માછીમારો જખૌ બંદરે થઈને કચ્છના અખાતમાંથી પશ્ચિમ દિશાએ માછલી પકડવા જાય છે. બોમ્બે હાઇની સ્થાપના પછી દરિયામાં પ્રસરતા તેલને કારણે મુંબઈ નજીકનો દરિયો માછીમારો માટે નકામો થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતના માછીમારો પહેલાં મુંબઈ બંદરેથી માછીમારી માટે જતા હતા, પરંતુ હવે છેલ્લાં ઘણા વર્ષથી ઓખા નજીક આવેલા ડાલડા બંદરેથી આ બધા માછીમારો માછલી પકડવા માટે દરિયામાં જાય છે. ખરેખર તો આ ડાલડા બંદર ઓખા બંદરનો જ એક ભાગ છે. દક્ષિણ ગુજરાતના માછીમારો વહાણને 'ડાલડા' કહે છે. ઓખા બંદરની નજીકના આ કિનારેથી સૌથી વધુ વહાણો દક્ષિણ ગુજરાતના માછીમારોનાં નીકળતાં હોવાથી આ સ્થળનું નામ પણ ડાલડા બંદર પડી ગયું છે.
સ્વેટર, પુલોવર અને જર્સી વચ્ચે શું તફાવત?
આજકાલ લંડનમાં વસ્ત્રોના નિષ્ણાતોમાં ચર્ચા ચાલે છે કે ઠંડી ઉડાડવા સ્ત્રી-પુરુષો પહેરે તેને સ્વેટર કહેવાય, પુલોવર કહેવાય કે જર્સી કહેવાય? ઘણા યુરોપ જઈ આવે છે તે વળી સ્વેટરને જંપર પણ કહે છે. ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી પણ બહુ મદદ કરતી નથી. આ ડિક્શનરી કહે છે, 'સ્વેટર એ ઊનનું વસ્ત્ર છે, અગર તો તે જર્સી પણ કહેવાય છે જે અખાડિયનો કસરત વખતે પહેરે છે.'' આમ ડિક્શનરીએ સ્વેટરની સ્પષ્ટ વ્યાખ્યા ન આપી. તો પછી સ્વેટરને જંપર કહેવાય? ના. જંપર એટલે બ્લાઉઝ જેવું સ્વેટર, જેને બટન હોતાં નથી કે લૂઝ બટન હોય છે. તો પુલોવર એટલે શું? ડિક્શનરી પ્રમાણે પુલોવર એટલે ગૂંથેલું જંપર કે સ્વેટર જેને બટન હોતાં નથી. આપણે ગરમ વસ્ત્રને સ્વેટર જ કહીઅ છીએ. પણ સ્વેટર એ સાચો શબ્દ નથી. ન્યુ ઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં સ્વેટરને બધા જર્સી કહે છે. સ્કોટલેન્ડના લોકો કહે છે કે ધાબળા જેવું અને ખૂબખૂબ ગરમ હોય તેને જ સ્વેટર કહેવાય. બાકી બધાં પુલોવર કે જર્સી! પરંતુ લંડનના છેલ્લા ફેશન શોએ ગ્રંથોની બધી જ ગરબડને સમાપ્ત કરી. સ્વેટર નહીં, જંપર નહીં અને જર્સી પણ નહીં. તે વસ્ત્રને માત્ર ટોપ્સ કહો.
કડવા લીમડાના મીઠા ગુણ
'ઇકૉલોજિસ્ટ' નામના લંડનના પ્રતિષ્ઠિત મૅગેઝિનમાં ગેઇલ હૅપબર્ન નામના વિજ્ઞાનીએ લીમડાના ગુણોનું વર્ણન કર્યું છે. સ્વામિનારાયણ પંથના ખેડૂતો જંતુધ્ન દવા વાપરતા નથી તેઓ લીમડાના વૃક્ષો ખેતરમાં ઉગાડી શકે છે. ઘઉંમાં લીંબોળીનો પાઉડર ભેળવવાથી જંતુ થતા નથી. ઇજિપ્શિયન કોટનના પાકમાં લીંબોળીના તેલમાંથી બનેલું પ્રવાહી છંટાય છે. ડાંગર પર પણ જંતુધ્ન
દવાને બદલે લીંબોળીનું તેલ છંટાય છે. લીમડામાંથી રસાયણ બને છે તેનાથી ૧૨૫ જાતના જંતુ મરે છે. અમેરિકામાં હવે નીમ-ઍક્સ્ટ્રેટક્ટ્સ મળે છે. લીમડાનાં તાજાં ફૂલ ખાવાથી અલ્સર થતું નથી. બ્લડપ્રેશર ઓછું થાય છે અને ડાયાબીટીસમાં ફાયદો થાય છે.
સુન્નત અટકાવવા પ્રવાસ પર પાબંદી
સ્પેનના કેટેલોનિયા વિસ્તારમાં પશ્ચિમ આફ્રિકાના ગામ્બિયા દેશના લગભગ સાડા સાત હજાર લોકો વસે છે. આ લોકો વાર-તહેવારે આફ્રિકા જાય ત્યારે પરિવારની છોકરીની સુન્નતની શક્રિયા ત્યાં વતનના ગામમાં જ કરાવી લેવામાં આવતી હોય છે. આ વાત સ્પેનના ન્યાયતંત્રના ધ્યાનમાં આવતાં હાલમાં સ્પેનિશ જજ ઇવા પ્લેટેરોએ કેટેલોનિયામાં રહેતી ત્રણ આફ્રિકી છોકરીઓનો એ ૧૮ વર્ષની ન થાય ત્યાં સુધી પાસપોર્ટ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે, જેથી એ છોકરીઓ આફ્રિકા જઈ જ ન શકે અને ત્યાં એમની સુન્નત ન કરવામાં આવે. સાથોસાથ જજે એવો પણ આદેશ આપ્યો છે કે છોકરીઓ પુખ્ત ન થઈ જાય ત્યાં સુધી ચોક્કસ સમયાતરે એ વાતની ચકાસણી કરવી કે એમના પરિવારના સભ્યોએ ક્યાંક સ્પેનમાં જ એમની સુન્નત નથી કરાવી લીધીને!


