Get The App

પ્રસન્નતાપૂર્વક જીવવાના આ રહ્યા પાંચ ઉપાયો

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
પ્રસન્નતાપૂર્વક જીવવાના આ રહ્યા પાંચ ઉપાયો 1 - image

- એક જ દે ચિનગારી-શશિન્

- માણસનું નિર્માણ જ કર્મ માટે થયેલું છે, કર્મ પલાયન માટે નહીં પડકારો માટે હંમેશા તૈયાર રહેવું એનું નામ જીવન

ઘ ણા લોકો મરણને ચિરશાન્તિ-વિશ્રાન્તિનો વિષય માને છે. પ્રત્યેક સવારની હોય છે એક સાંજ, એક રાત. અને પ્રત્યેક રાત્રિને હોય છે એક અરુણોદય, એક પ્રભાત. પ્રભાત અને રાત્રિનો ક્રમ જેટલો સાચો છે, જીવનની તેવી ગતિ પણ એટલી જ સાચી છે. પાર્થિવ જીવનનો અંત એ પટાક્ષેપ છે, નાટકનો અંત નથી. મૃત્યુ પછી પણ કોઈક સ્વરૂપે જીવન ચાલતું જ હશે. જિંદગીનો નિરંતર ક્રમ એ જ મહાજીવન છે. વ્યાખ્યાથી પર એવું જીવન !

જીવન એક જબરદસ્ત પ્રવાહ હોવાને કારણે માણસે ટકવું હોય તોપણ ટકી શકતો નથી. એક પ્રવાહ બાહ્યજગતનો અને બીજો પ્રવાહ આંતરિક જગતનો. અંદર વિચારો, ભાવનાઓ, તર્કો અને દ્વંદ્વોનું તોફાન અને બહાર જીવનની વાસ્તવિકતાઓનો ઝંઝાવાત. સુખ કહે છે રોકાઓ અને કર્મ કહે છે આગળ વધો. આનંદ કહે છે માણો અને જીવન કરે છે મને બરાબર રીતે જાણો, પિછાણો ગેટે કહ્યું છે કે જીવનના તમામ પુસ્તકિયા સિદ્ધાંતો ફીકા પડી જાય છે. જીવનમાં કશું લીલુંછમ હોય તો તે જીવન જીવવાની ભાવના જ છે. સત્ય સાંઈબાબા જીવનમાં આસક્તિ નહીં રાખવાનો સંદેશ આપે છે અને કહે છે કે પરિવર્તનશીલરૂપી સમુદ્ર પર જીવન એક પુલ જેવું છે. એની પર મકાન ન બંધાય. જીવનને જે લોકો ભાગ્યાધીન માને છે એમને અવશ્ય એવો પ્રશ્ન પૂછવાનું મન થાય કે જીવનમાં રોકવાનું, અટકી જવાનું શ્રેયસ્કર બની શક્યું છે ખરું ? શ્વાસ રોકાયો એટલે જિંદગીની સમાપ્તિ. નાડીગતિની સમાપ્તિ એટલે મોત. જીવનમાં એટલે જ ચાલવું, ચાલતા રહેવું, અટક્યા તો મર્યા, મોત તાકીને જ બેઠેલું છે.

માણસ વિશ્રાન્તિ કે આરામ ક્યારે ઝંખે છે ? થાકે ત્યારે. ચાલવાના કે દોડવાના પણ નિયમો હોય છે. એ નિયમો ચૂકે કે તેની ઉપેક્ષા કરે, એટલે માણસ હાંફે, હારે કે ગબડે. આપણે ઉતાવળે-ઉતાવળે જીવી લેવાની ટેવને કારણ જલદી હાંફી જઈએ છીએ, કલાની-શ્રાન્ત બની જઈએ છીએ અને ચાલવાનો આનંદ ગુમાવીને વિશ્રાન્તિના ઉપાસક બનવાના ઉધામા કરીએ છીએ આપણી મૂર્ખતા પર જીવન હસે છે, જીવનપંથ હસે છે, કદાચ જીવન દેનારો પરમાત્મા પણ હસતો હશે. માણસને જીવવાનો થાક નથી લાગતો, ખોટી રીતે જીવવાનો થાક લાગે છે. અમર્યાદ આકાંક્ષાઓ - મહત્વાકાંક્ષાઓ, અમર્યાદ સુખો અને અતિ આનંદ પામવાની ઘેલછાઓ, મોટાં પદો અને અહં પરિતુષ્ટ કરનારાં સન્માનો ઝોળીમાં એકઠાં કરી લેવાનાં અભરખા, આવી અનેકવિધ એષણાઓને લીધે માણસ બહાવરો બનીને દોડયા જ કરે છે, દોડયા જ કરે છે. અને થાકે છે ત્યારે એકાએક જ સચ્ચાઈનું ભાન થાય છે કે દોડ દોડ કરતાં ગઈ જિંદગાની !

માણસ રાગ-દ્વેષની ગલીઓમાં અથડાયા-અટવાયા કરે છે. રાગ-દ્વેષની માત્રા જેટલી પ્રબળ, મનોવેદનાની શક્યતા તેટલી જ પ્રબળ. મોટાં સ્વપ્નોની નિષ્ફળતા પચાવવાનું કામ પ્રત્યેક માટે સરળ નથી હોતું. એટલે સમજણ અને સંયમપૂર્ણ જીવનશૈલી જ માણસ માટે સુખદાયક હોઈ શકે ! કોઈકે સાચું જ કહ્યું છે કે 'ભગવાને માણસને જીવનનું વરદાન આપીને હાથમાં પકડાવી દીધાં છે કોદાળી અને પાવડો. એ બન્નેની મદદથી રસ્તો બનાવી સરખો કરી એને ચાલવા યોગ્ય બનાવવાની જવાબદારી અદા કરવા માટે તૈયાર રહેવું પડે છે.'

આમ પડકારો માટે હંમેશા તૈયાર રહેવું એનું નામ જીવન. સુખ માટે તૈયાર રહેવું, સંઘર્ષ માટે તૈયાર રહેવું, જીત માટે તૈયાર રહેવું અને હારને પચાવવા માટે તૈયાર રહેવું, એ જ જીવન જીવવાની કળા છે. માણસનું નિર્માણ જ કર્મ માટે થયેલું છે, કર્મ-પલાયન માટે નહીં. વિશ્રાન્તિનો અર્થ અકર્મણ્યતા કરવો એ ભૂલ છે. જીવનને રણ માની એના નીરસ મુસાફર બનવું એ જીવનનું અપમાન છે. જીવનને માણવું, પણ જીવનની લાલસાઓ જ આપણી ભાગ્યવિધાતા બની આપણને ભોગવી જઈ નિરર્થકતાના અંધકારમાં હડસેલી તે હદ સુધી અ-જાગ્રત રહેવું એ નાદાની છે. જાગૃતિનો અર્થ જ છે, કર્મક્ષેત્રમાં આત્મવિશ્વાસપૂર્વક પ્રસ્થાન. એ પ્રસ્થાનમાં સંઘર્ષની શક્યતાઓ ભરપૂર છે. પણ શૂરવીર સંઘર્ષને શિરતાજ ગણતો હોય છે અને એ સંઘર્ષમાં જ વિશ્રાન્તિ શોધતો હોય છે.

એટલે જીવન અને વિશ્રાન્તિ એ પરસ્પર વિરોધી શબ્દો નથી, પણ એકબીજાના પૂરક શબ્દો છે. વિશ્રાન્તિનો અધિકાર કર્મપૂર્વક જીવન જીવનારને જ છે, પ્રમાદી, આળસુ કે પલાયનવાદીને નહીં. સમજણ અને સંયમપૂર્વકનું ઉદાત્ત કર્મ એ જ મનોવિશ્રાન્તિ, એ જ સંતોષ અને એ જ સાર્થક આનંદ. જીવનમાં ડરી ડરીને જીવવાને બદલે પ્રસન્નતાપૂર્વક જીવવાના આ રહ્યાં પાંચ ઉપાયો. ૧. તમારી જાતને 'જીવી ખાવા' નહીં, પણ બહેતર મનુષ્ય બનાવવા પરિશ્રમપૂર્વકનો સંકલ્પ કરો. ૨. જો તમે પાપી હોત તો પરમેશ્વરે તમને મનુષ્ય જીવન આપ્યું જ ન હોત. એટલે પ્રત્યેક પળે. સદાચારી, સત્કર્મશીલ અને પ્રેમાળ બનો. ૩. કાયર સહિષ્ણુ બનીને નહીં, પણ શૂરવીર ઈનસાનની અદાથી આફતો, કુદરતી પરીક્ષાઓ અને નિષ્ફળતાની શક્યતા સામે લડતા રહો. ૪. તમે પ્રસન્ન રહેવા જ જન્મ્યા છો. એ ખજાનાની ચાવી કુદરતે આત્મબળ અને શ્રધ્ધાની ખીંટીએ લટકાવી છે. એ ચાવીને હાથવગી રાખો. ૫. તમે રજા આપશો તો જ આંખ રડશે. એટલે અશ્રુને જાકારો આપો અને આનંદને આવકારો. તમારી તમામ સમસ્યાઓનો સમય પાસે ઉકેલ છે માટે ધીરજ ધરી પ્રતીક્ષા કરો.