- ધર્મ, ખોરાક પોષાક સહિતની જીવનશૈલી માટે ભૌગોલિક પરિસ્થિતિ જવાબદાર છે. ચિંતન અને કૈંક અંશે તત્ત્વજ્ઞાન ઉપર પણ તેની અસર થાય છે
''ધી મીટ વ્હીચ યુ ઇટ, ઇઝ માય ફ્લેશ; ધી વાઈન વ્હીચ યુ ડ્રીંક ઇઝ માય બ્લડ'' પ્રભુ ઇસુ ખ્રિસ્તે વધસ્તંભ પર ચઢાવાના આગળના દિવસે મિત્રો અને નિકટવર્તીઓને આપેલાં ડીનર સમયે આ શબ્દો ઉચ્ચાર્યા હતા. મહાન ચિત્રકાર લીયોનાર્ડો દ'વિન્સીએ ''ધ લાસ્ટ સપર'' નામક ભવ્ય ચિત્રમાં તે પ્રસંગનું કલ્પના ચિત્ર રજૂ કર્યું છે.
એવું કદી ન હતું કે પ્રભુ ઇસુ ખ્રિસ્ત જીવ માત્ર પ્રત્યેની કરૂણાથી વિમુખ થયા હતા. વાસ્તવમાં જીવમાત્ર પ્રત્યેની કરૂણા તે તેઓનાં તત્ત્વજ્ઞાનનાં હાર્દમાં હતી.છતાં તેઓએ આ પ્રમાણે કહ્યું હતું. તો ઉત્તર સીધો અને સાદો છે. પ્રભુ ઇસુ ખ્રિસ્ત જે ભૌગોલિક સ્થિતિમાં જન્મ્યા જે ભૌગોલિક પરિસ્થિતિમાં ઉછર્યા અને જે ભૌગોલિક પરિસ્થિતિમાં તોએએ ચિંતન કર્યું, ત્યાં ઇઝરાયલમાં બારે માસ ચાલે તેટલું અનાજ ઉગવું અસંભવિત છે. તેથી મરઘાં, બતકાં, કે અન્ય પશુનું માંસ ક્ષુધા શાંતિ માટે અનિવાર્ય જ હતું.
ભગવાન મહાવીરે અહિંસાનો સંદેશો આપ્યો છે. જે અમૂલ્ય છે. છતાં જૈન ધર્મ ભારતમાં જ ઉત્તરે રાજસ્થાનથી શરૂ કરી બિહાર સુધી પ્રસરી શક્યો. દક્ષિણ ભારતમાં પ્રસરી શક્યો. પંજાબ અને તેથી ઉત્તરે અફઘાનિસ્તાન કાશ્મીર કે તિબેટમાં તે પ્રસરી ન શક્યો. કારણ સહજ છે. અહીંસાનો સિદ્ધાંત ભવ્ય છે, અનુસરણીય છે. પરંતુ ક્ષુધા તો સંતોષવી જ પડે. એક વિદ્વાને કહ્યું છે કે 'મોસ્ટ પ્રેશિયસ થિંગ ઇન લાઇફ ઇઝ ધી લાઇફ ઇસેલ્ફ એન્ડ પ્રોજીની ઇઝ ધ એક્ષટેન્શન ઑફ લાઇફ'.
ભગવાન બુદ્ધે ઘોર તપ કર્યું પરંતુ 'સત્ય' હજી પામી શક્ય નહીં. ત્યાં સુજાતાએ ખીર (ક્ષીરાન્ન) આપી. ભગવાનને 'સત્ય' લાધ્યું. સાથે તેઓએ તે સત્યને સ્વીકારી લીધું કે 'શરીરમ્ આદ્ય ખલુધર્મ સાધનમ્' (શરીર જ ધર્મ સાધનામાટેનું સાધન છે.) તેથી બૌદ્ધ ધર્મના સર્વોચ્ચ ધર્મગુરૂ દલાઈ લામા સહિત અન્ય લામાઓ પણ ઘેટાં બકરાંને આશિર્વાદ આપે છે કે, તું અમોને જીવાડે છે તેથી તું નિર્વાણ પામીશ.
તિબેટમાં એક માસ કે તેથી થોડું વધુ ચાલે તેટલું જ અનાજ થાય છે. શાકભાજી પણ નામ માત્રનાં થાય છે. ત્યાં આમિષાહાર જીવન ટકાવવા અનિવાર્ય છે. આમ ધાર્મિક માન્યતાઓ ઉપર પણ ભૂગોળની સ્પષ્ટ અસર છે. અખંડ ભારતના સરહદ પ્રાંત અને બલુચિસ્તાનથી શરૂ કરી છેક મોરોક્કો સુધીના અર્ધરણ અને રણ પ્રદેશ માટે પણ તિબેટ અંગે દર્શાવ્યું તે જ કારણ. આમીષાહાર માટે આપી શકાય તેમ છે.
માત્ર ધાર્મિક માન્યતાઓ જ નહીં ધર્મ સ્થળો વિષે પણ ભૂગોળનો પ્રભાવ છે. આપણે ઇઝરાયલની વાત લઇએ તો તેનાં સાયનેમોગ ઉપર અગાશી જેવી છત હોય છે. જ્યારે ઇસ્લામ ધર્મમાં આકાશનો ગોળ ગુંબજ જોઈ મસ્જિદો ઉપર ગોળ ઘુમ્મટ રચવામાં આવ્યા. વેદ ધર્મી તેમજ જૈન ધર્મી કે બૌદ્ધ ધર્મીઓએ હિમાલયનાં શિખરો ઉપરથી 'શિખર બંધ' મંદિરો રચ્યાં.
ભારતમાં બહુવિધ વનસ્પતિ અને જીવસૃષ્ટિ ઉપરથી જ 'બહુઇશ્વરવાદ' (પોલી થઈઝમ) ઉદ્ભવ્યો. ઇજીપ્તના પ્રાચીન ધર્મમાં મહામાતા નાઇલના વિશાળ મુખ્ય પ્રદેશમાં થતાં અનેકવિધ પશુઓ અને પ્રાણીઓ તેમજ મહામાતા નીલનાં (નાઇલ)નાં અસ્ખલિત જલ પ્રવાહને લીધે તેના તટ ઉપર રહેતાં પશુઓ પ્રાણીઓ, અને સર્પ સુદ્ધાંતને પૂજનીય માન્યા. ભારતમાં પણ સર્પને પૂજનીય મનાયો. ખેતી પ્રધાન દેશ હોઈ વૃષભને પણ પૂજનીય ગણ્યો. અને જીવનની વિવિધતા તથા આપત્તિઓમાંથી બચવા. 'કૂર્મ અંગાનીવ સર્વશ: - કાચબો જેમ અંગો સંકોચી તેનેથી બચાવ કરે છે તેમ જ જીવનનાં આધિ વ્યાધિ ઉપાધીમાંથી ઇશ્વર સ્મરણ બચાવ કરે છે. તેવો ભગવાન શ્રીકૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જણાવ્યું છે. બહુવિધ અને બહુરંગી નિસર્ગે ભારતીય તત્વજ્ઞાનને પણ ઓપ આપ્યો છે. તેમાં એકેશ્વરવાદ સહિત બહુઇશ્વરવાદ બંનેનું ગુંફન કરાયંુ છે. કર્મ કરતાં પણ મોક્ષ પ્રતિ જઇ શકાય તેવું સભર તત્ત્વજ્ઞાન સભર નિસર્ગમાં જ પ્રકટી શકે. મહાત્મા થોરોએ કહ્યું હતું કે કર્મ કરતાં પણ મોક્ષ મળી શકે તેવું આ તત્ત્વજ્ઞાન અદ્ભૂત છે.'
હવે જોઇએ ધર્મસ્થાનોની રચના સેંટ જ્હોન જ્યારે ખ્રિસ્તિ ધર્મનો પ્રચાર કરવા નીકળ્યા ત્યારે કોર્થે જ હજી બળવાન હતું. તેઓએ પોપની ગાદી ત્યાં રાખવા વિચાર્યું હતું પરંતુ કોઈ ચમત્કારિક ક્ષણે તેઓએ વિચાર બદલી સીટી ઓફ સેવન હીલ્સ (રોમ)ની વેટિકન હિલ ઉપર પોપનું મુખ્ય મથક રાખ્યું. જો કાર્થજ (ટયુનિશિયા પાસે) રાખ્યું હોત તો આક્રમણોને લીધે તે ધર્મ કદાચ ઉગતાં જ આથમી ગયો હોત.
આ પછી ખ્રિસ્તી ધર્મ યુરોપ અને યુરોપનાં વિસ્તરણ સમાન અમેરિકાના ખંડોમાં પ્રસર્યો. પહેલાં ઉત્તર અમેરિકામાં ગયો.
અહીં હિમવર્ષા (યુરોપ તથા ઉત્તર અમેરિકામાં) સહજ હોવાથી ચર્ચનાં છાપરાં એકદમ ઢાળવાળાં થયાં. જેથી બરફ સરી જાય. સાયનેગોગમાં તેવી જરૂર જ ન હતી તેથી તેમાં ઉપર અગાશીઓ જ રચાઈ. ખ્રિસ્તી ધર્મનાં સુરા, મદિરા કે માંસાહાર નિષિધ છે જ નહીં. જે આપણે પ્રભુ ઇસુ ખ્રિસ્તનાં જ વિધાનો ઉપરથી જાણી શક્યા છીએ. યુરોપ કે અમેરિકાના ઠંડા પ્રદેશોમાં માંસાહાર સહજ બની રહ્યો છે. સુરા કે મદિરા (વાઈન કે વ્હીસ્કી) અનિવાર્ય છે. તેમ ન કરે તો બીજું કશું ન થાય, મરી જવાય. અને મરી ગયા પછી તો બીજું કશું થવાનું હોતું જ નથી.
ભૂગોળની પોષાક અને જીવન પદ્ધતિ ઉપર પણ સીધી અસર છે. રાજકારણ ઉપર પણ સીધી અસર છે. ભૂમિગત સત્તાના લોકો એકાધિકારવાદથી 'ટેવાયા' હોય છે. જેમ કે ચીન, ભારત, રશિયા એ જર્મની વ. મધ્ય યુરોપીય દેશો જ્યારે સમુદ્રીય સત્તાના દેશો ફ્રાંસ, ઇંગ્લેન્ડ, યુ.એસ. કેનેડા, લોકશાહી તરફી રહ્યા છે. અહીં એકાધીકારવાદ કદાચ આવે તો પણ ટકી શકે નહીં.
ટૂંકમાં ભૂગોળ માનવીનાં જીવનનાં તમામ પાસાં ઉપર અસર કરે છે. જેમ કે અફઘાનિસ્તાન સરહદપ્રાંત બલુચીસ્તાનથી શરૂ કરી છેક મોરોક્કો સુધી માનવી લડાયક રહ્યો છે. લડે તો જ ટકી શકે. જ્યારે ભારત ચીન જેવા સમૃદ્ધ પ્રદેશમાં જીવન ટકાવવા માટે સંઘર્ષ નહીવત છે. માટે તેઓ શાંત રહ્યા છે. તે શાંતિએ જ તે દેશો તપ અને ધ્યાન દ્વારા તેમજ લેખન દ્વારા જીવનનાં ગૂઢ રહસ્યો ઉકેલી શક્યા છે. આમ ભૂગોળનો માનવજીવન ઉપર વ્યાપક પ્રભાવ છે.
- દિનેશ દેસાઈ


