Get The App

કેન આઈ કોલ યુ? .

Updated: Jun 3rd, 2025

GS TEAM


Google News
Google News
કેન આઈ કોલ યુ?                                                     . 1 - image


- રજનીગંધા-વિભાવરી વર્મા

- લતેશને જયાની યાદ તો આવતી હતી, એનો ફોન નંબર પણ હતો. છતાં થતું હતું કે છોડને હવે એની લાઈફમાં શું કામ માથું મારવાનું?

લ તેશ કંઈ એવો હેન્ડસમ અને ચાર્મિગ નહોતો. બસ, ઓર્ડિનરી કોલેજિયન હતો. એ જ રીતે જયા પણ કંઈ એવી બ્યુટિફૂલ અને એટ્રેકટીવ નહોતી.

લતેશ અને જયાની પહેલી મુલાકાત પણ સાવ અજીબ રીતે થઈ ગઈ હતી. એ વખતે બસમાં સખત ભીડ હતી. ભીડમાં લતેશની આગળ જ એ હતી. એવામાં પાછળથી ધક્કો આવ્યો ત્યારે લતેશે જાણીજોઈને પોતાનું શરીર આગળવાળી છોકરી સાથે દાબ્યુ હતું.

પણ એ છોકરીએ પાછળ જોઈને સ્માઈલ આપ્યું ! લતેશને આ ગમ્યું ! બીજી વાર ભીડનો હડસેલો આવ્યો ત્યારે લતેશે પોતાના શરીરને જરા વધારે દબાવા દીધું.

આ વખતે પણ એ છોકરીએ સ્માઈલ આપ્યું ! લતેશને થયું, હવે વાંધો નહિ.

એવામાં ભીડ ખાલી થઈ. બારીએ બેસવાની જગા થઈ. લતેશ બારીએ બેઠો કે તરત પેલી છોકરી પણ લગોલગ બેસી ગઈ. બન્નેની નજરો મળી. બન્નેની આંખોમાં ચમકારો થયો.. ત્યાં તો રસ્તામાં કંઈ અકસ્માત જેવું થયું ! બધા બારીમાંથી બહાર જોવા લાગ્યા, એ વખતે લતેશની પીઠ ઉપર પોતાની છાતી ઘસાય એ રીતે પેલી છોકરી પણ બારીમાંથી અકસ્માત જોતી રહી !

સિટીબસ આગળ વધી અને બધા પાછા બેઠા ત્યારે લતેશે પૂછી જ લીધું. 'કઈ કોલેજમાં ? છોકરીએ કહ્યું 'કોલેજમાં નહીં, સીવણ કલાસમાં જઉં છું.''

એ પછી કંઈ ખાસ વાત થઈ નહીં પણ બસનું છેલ્લું સ્ટોપ આવ્યું ત્યારે લતેશે કીધું: 'ફરી ક્યાંક મળાય ? નંબર આપોને ?'

બે દિવસ પછી જ જયાનો ફોન આવ્યો. કોલેજની બહાર ઉભી છું. લતેશ તરત જ બહાર પહોંચી ગયો. તેણે કહ્યું 'રેસ્ટોરન્ટમાં બેસીને ટાઈમપાસ કરવાને બદલે આવોને, મારી રૂમ નજીકમાં જ છે.'

લતેશ જે ભાડાની રૂમમાં રહેતો હતો તે ટેનામેન્ટ બિલકુલ રોડને અડીને હતું. એના માલિક બહારગામ રહેતા હતા. લતેશનો રૂમ-પાર્ટનર અત્યારે એની જોબ ઉપર ગયેલો હતો.

બન્ને રૂમમાં દાખલ થયા પછી એમને ખબર જ હતી કે બન્ને એકબીજાને શા માટે મળ્યા છે. લતેશને જરાય અંદાજ નહોતો કે આ બધું તેની જિંદગીમાં આટલી સહેલાઈથી મળી જશે.

ખેર, લતેશ અને જયા વારંવાર આ રીતે મળતા રહ્યાં. બન્ને વચ્ચે પ્રેમ જેવું તો કદી હતું જ નહીં. એમણે કદી પ્રેમનું નાટક પણ કર્યું નહીં. બન્ને અઠવાડીયે, પંદર દિવસે મળતા ત્યારે થોડીઘણી આલતુ ફાલતુ વાતો થતી. જેમકે 'કેમ આજે મોડું થયું ?' 'હજી રોકાવું છે કે પછી જવું જ છે ?' 'રીક્ષાના પૈસા છે ને કે હું આપું ?'

આમ એમની વચ્ચે લગભગ એકાદ વરસ જેવું ચાલ્યું. લતેશે કદી જ્યાના ફેમિલી વિશે પૂછ્યું નહોતું. જયાએ પણ લતેશની પર્સનલ લાઈફમાં કદી માથું નહોતું માર્યું.

બન્ને વચ્ચે બસ, આ જ સંબંધ હતા. કેમકે બન્ને જાણતા હતા કે આનાથી સારું એમને મળી શકે તેવું હતું જ નહીં. લતેશ કંઈ એવો લેડી-કિલર નહોતો કે બીજી બે-ચારને પટાવી શકે. એ જ રીતે જયા પણ કંઈ એવી સ્ટાઈલીશ નહોતી કે બે-ચાર છોકરાઓ એને લાઈન મારે.

એમાં એક દિવસે બપોરે છૂટા પડતાં જયાએ કહ્યું 'હવે હું નહીં આવું. મારી સગાઈ થઈ ગઈ છે.'

લતેશે કહ્યું 'ઠીક છે, ચલ, ચા પીવી છે ? સાથે બેસીને ?'

બન્ને બહાર નીકળ્યા ત્યાં જ વરસાદ તૂટી પડયો ! થોડે દૂર એક રીક્ષા ઉભી હતી જયા એ તરફ દોડીને એમાં બેસી ગઈ. રીક્ષા જતી રહી. સરખી રીતે 'બાય' પણ ના થયું.

એ પછી દિવસો અને મહિનાઓ વીતતા ગયા લતેશને જયાની યાદ તો આવતી હતી, એનો ફોન નંબર પણ હતો. છતાં થતું હતું કે છોડને હવે એની લાઈફમાં શું કામ માથું મારવાનું?

જો કે લતેશની કોલેજનાં હજી બે વરસ બાકી હતાં. જયાનો ખાલીપો પુરવા માટે એણે કોલેજની છોકરીઓ સાથે ફ્રેન્ડશીપ કરવાની કોશિશ ચાલુ કરી. પણ કંઈ જામતું નહોતું.

એક તો છોકરીને ભાવ આપવાનો, એનાં વખાણ કરવાનાં, એને ગિફ્ટ આપવાની રેસ્ટોરન્ટમાં લઈ જવાની, મુવીમાં સાથે આવવામાં તો કેટલાં નખરાં કરે ! પછી પાછું પૂછવાનું કેન આઈ હોલ્ડ 

યોર હેન્ડ ? 'ડુ યુ ંમાઈન્ડ ઇફ આઈ...'

લતેશને આમાનું કંઈ જ ફાવ્યું નહીં. તેણે હવે ભણવામાં ધ્યાન પરોવ્યું. એની ફાઈનલ એકઝામમાં લતેશ સારા માર્કે પાસ થયો. કેમ્પસ ઇન્ટરવ્યુમાં જોબ પણ મળી ગઈ. બસ, એક મહિના પછી જોઈન થવાનું હતું.

કોલેજથી બહાર નીકળીને તે રીક્ષા કરવા જતો હતો. ત્યાં બસ આવતી દેખાઈ. લતેશ બસમાં ચડી ગયો. બસમાં એટલી ભીડ નહોતી. માત્ર ચાર પાંચ પેસેન્જરો ઉભેલા હતા. ત્યાં જ-

લતેશની નજર તેની આગળ ઉભેલી વ્યક્તિ પર પડી ! એ જયા હતી ! બન્નેની આંખો મળી... લતેશે તરત જ કહ્યું: 'ક્યાંક જઈને બેસીએ ?'

રેસ્ટોરન્ટમાં બેઠા પછી લતેશે પહેલીવાર જયાને પૂછ્યું 'કેમ છે તું ? તારા હસબન્ડ શું કરે ?

જયા ફિક્કુ હસી. મેરેજ કયાં થયા છે હજી ? એ સગાઈ તો તૂટી ગયેલી, એ પછી તો-'

'તો અત્યારે શું કરે છે ?'

'લેડીઝ ટેલર છું. જોડે જોડે સીવણના કલાસ પણ ચાલે છે. પપ્પા એકસપાયર થઈ ગયા પછી...'

લતેશને પહેલીવાર ભાન થયું કે તે કોઈની જિંદગી વિશે જાણવાની કોશિશ કરી રહ્યો છે.

જયાની લાઈફ હજી સેટ થઈ નહોતી. હજી નાના ભાઈનું ભણવાનું ચાલુ છે, મમ્મીની દવાઓ.. ભાડુતી ઘર.

'એની વે તું શું કરે છે ? ઓલ વેલ ? ' જયા એ પૂછ્યું ત્યારે લતેશ જાણે ઝબકીને જાગ્યો !

હા, બધું બરાબર છે ભણવાનું પતી ગયું. સરસ જોબ મળી ગઈ છે. અને બસ-

બન્ને છૂટા પડયાં. 'બાય' પણ કીધું. પરંતુ જયાની રીક્ષા જતી રહી પછી લતેશને થયું. કેવી હતી અમારી રીલેશનશીપ ? કોઈ બનાવટ નહોતી કોઈ શો કરવાની જરૂર નહોતી.

કોઈ ઝગડા રીસામણાં-મનામણાં, કોઈ આઈ લવયુ, લવ યુ ટુ...મેલા શોના, મેલા બાબુ, મેરી જાન, કશું જ નહોતું ! શું બન્ને વચ્ચે બિલકુલ કલેરિટી નહોતી ? તો યાર એક ટ્રુ રીલેશનશીપમાં બીજું જોઈએ પણ શું ?

આમ વિચારતાં વિચારતાં લતેશને થયું 'શું એને ફોન કરવો જોઈએ ? કદાચ ફરી મળવા માટે ?'

થોડું વિચાર્યા પછી લતેશને થયું, એક મેસેજ તો કરવો જોઈએ કે 'કેન આઈ કોલ યુ ?'

લતેશે મોબાઈલ ખોલ્યો એ જ વખતે 'બીપ થયું એમાં જયાનો મેસેજ હતો: કેન આઈ કોલ યુ ?'

Tags :