- એક જ દે ચિનગારી-શશિન્
- વિજ્ઞાન એ ધર્મ કે ઇશ્વરનું દુશ્મન નથી સામા શ્રદ્ધાવાદી બનવા માટે માણસે પોતાના વ્યક્તિત્ત્વમાં કઇ પાંચ બાબતો વિકસાવવી જોઇએ?
કો ર્ટનો સમય થવા આવ્યો હતો. એક વેપારીને બીજા વેપારી સામે છેતરપિંડીનો કેસ કર્યો હતો. આજે ન્યાયાધીશ ચુકાદો આપવાના હતા. કેસ કરનાર વેપારીએ મંદિરમાં ભગવાનની મૂર્તિ સમક્ષ ઊભા રહી પ્રાર્થના કરતાં કહ્યું : 'મેં ખોટા પુરાવા ઉભા કરી મારો કેસ મજબૂત બનાવ્યો છે. હું જીતી જાઉં તો ભગવાન તને રાજી કરીશ. અને ભગવાનજી મેં શ્રાવણ મહિનો આખો ઉપવાસ કરવાનું નક્કી કર્યું છે. ધ્યાનમાં રાખજો.' ત્યારબાદ આરોપી વેપારી મંદિરમાં પ્રવેશ્યો અને એણે કહ્યું : 'ભગવાન, મેં મારી તમામ મિલકત મારા સગાને નામે ટ્રાન્સફર કરી દીધી છે. હું કેસ હારીશ તો ય ફરિયાદીના હાથમાં ફૂટી કોડીયે આવવાની નથી. પણ તું મને હારવા ન દેતો. મેં કેટકેટલા રૂપિયા આજ સુધીમાં સાધુ-સંતોના કલ્યાણાર્થે દાનમાં આપ્યા છે !'
બન્ને વેપારીઓની પોતપોતાની આસ્થા હતી. પોતાની તરફેણમાં ચુકાદો આવવાની શ્રધ્ધા હતી. બન્નેને પૂજારીએ વિજયતિલક કરી પ્રસાદ આપ્યો હતો. અને મનોમન બન્ને આશાવાદી હતા.
આસ્થા, શ્રધ્ધા અને આસ્તિકતાનો માણસ ખુલ્લે આમ દુરુપયોગ કરતો આવ્યો છે. માણસ પોતાની જાતને બુધ્ધિશાળી અને તાર્કિક ગણતો હોય છે, પણ આસ્તિકતાની વાત આવે એટલે વિવેક અને તર્કને દરવાજે તાળું વાસી દે છે અને આસ્તિકતાનો દોર્યો દોરવાય છે.
ગાંધીજી આસ્થાવાદી હતા, પણ અંધશ્રધ્ધાની તરફેણ નહોતા કરતા. એમની આસ્તિકતા રચનાત્મક હતી.
માણસે પોતાના કર્મની પવિત્રતા એવી રીતે જાળવી રાખવી જોઇએ, કે ઇશ્વરની મદદ મળવાની છે; પણ પરિશ્રમ, કાળજી, ચીવટ નિષ્ઠા અને સાવધાની એવી રીતે રાખવી જોઇએ કે પોતાને ઇશ્વર સહિત કોઇની પણ આકસ્મિક મદદ મળવાની નથી. ઇશ્વરની મદદ માગનારે સૌ પ્રથમ માનવધર્મને લાયક ઇન્સાન બનવું પડે. અને માનવનો ધર્મ એક જ છે - પોતે જ પોતાના ભાગ્યવિધાતા બનવાનો.
પરમેશ્વરને પણ પરાક્રમી અને પરોપકારી ભક્તો પ્રિય હોય છે નહીં કે દુર્લભ જન્મનો અણમોલ અવસર વેડફી દેનારા આખા હાડકાના ભિખારીઓ. જે ઇશ્વર કે પરમ શક્તિનો વિશ્વાસ રાખી આસ્તિક બને છે, એ પોતે પણ અંતે તો એકલો અને સ્વાવલંબી છે. ઇશ્વરને પોતાનામાં શ્રધ્ધા છે એનાં કરતાં પણ માણસમાં વધુ શ્રધ્ધા છે. કારણ કે એને માણસ અને માણસની પ્રચંડ તાકાતમાં શ્રધ્ધા છે ઇશ્વર પણ માણસને જ ચમત્કારોનો ય મહાચમત્કાર માને છે.
સંઘર્ષો અને કસોટીઓ તો જીવનમાં આવતી જતી રહેવાની જ. કસોટીની પળોમાં પ્રાર્થના કરવી હોય તો ભલે મનોમન પ્રાર્થના કરો, પણ પ્રાર્થના ફળવાની અપેક્ષાએ કાર્યસિધ્ધિ માટે જરૂરી પરિશ્રમ અને તકેદારીમાં સહેજ પણ ઓટ ન જ આવવા દેવાય.
શ્રધ્ધાવાદી કે આસ્તિક એ સાચો અને તર્કની કસોટીએ ઘટનાનું અર્થઘટન કરે તે તે ખોટો એવી ધારણા સતત પોતાનો પગદંડો જમાવતી રહી છે. માણસ આસ્તિકતાનો શોષણ માટે દુરુપયોગ કરે એ આસ્તિકતા અને ઇશ્વર બન્નેનું અપમાન છે. ધાર્મિક ક્ષેત્રે પણ આસ્તિકતાનો વિરોધ કરનારે ખાસ્સું વેઠવું પડયું છે. અને એવું પણ બન્યું છે કે બુધ્ધિના અતિવાદના રવાડે ચઢેલાઓએ આસ્તિકતાવાદીઓને સતાવવામાં જુલમ ગુજારવામાં કશું જ બાકી રાખ્યું નથી.
આસ્તિકતાવાદીઓનું જો કોઈ પરમ કર્તવ્ય હોય તો એ જ કે માણસને આસ્થાની મદદથી પાંગળો બનાવવાને બદલે ઇશ્વરની કૃપા ઝીલવા માટે સમર્થ ઇન્સાન બનાવે અને બુધ્ધિ તથા તર્કથી વિભૂષિત પણ સંવેદનશીલ માનવતાની પ્રસ્થાપના માટે પ્રયાસ કરે.
કાળાં બજાર કરવાં, ખોરાકમાં ભેળસેળ કરવી, નોકરીમાં ભ્રષ્ટાચાર કરવો, ધંધામાં શ્રમિકોનું શોષણ કરવું, કામ કરનારે કર્મને જ ભગવાન માનવાને બદલે કામચોરી, હરામખોરી કરવી, .. અને છતાંય પોતે એકાદ કથા સાંભળી, દાન કરી અકરણીય કામોના અપરાધમાંથી મુક્ત થઇ જશે એવી શ્રધ્ધા રાખવી અને ભગવાન તો એનું નામ માત્ર લેવાથી તમામ પાપો ભસ્મીભૂત કરી મોક્ષ આપશે, એવું મનમાં ઠસાવવું એ પણ આખરે તો એક પાપ જ છે. કેવળ કથા-વાર્તા અને ઉપદેશ કે દેવદર્શનથી માણસ સુધરી જતો હોય તો આ જગતમાં બગાડ ટકત જ ક્યાંથી ?
આજકાલ માણસમાં ભક્તિભાવની તથાકથિત 'ભાગીરથી' પૂરજોશમાં વહેલા લાગી છે. મોટાભાગનો સમય માનવને ન છાજે તેવાં કામોની વ્યસ્તતામાં અને અતિ અલ્પ સમય પૂજા-પ્રાર્થના કે દેવદર્શનમાં ફાળવીને માનસિક શાંતિ તલાશવાનો પ્રયત્ન કરવો એ જાતની છેતરપિંડી છે. આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ પણ જીવતાં હોઇએ ત્યાં સુધી શ્વાસોચ્છવાસની ક્રિયા ચાલતી રહે છે તેમ અંતિમ શ્વાસ સુધી માનવને છાજે એવું વર્તન સહજ રીતે કરતાં રહીએ એ જ સાચી આસ્તિકતા છે.
વિજ્ઞાન ધર્મ કે ઇશ્વરનું દુશ્મન નથી. પણ માણસને ભય અને ભ્રમમાં રાખવાના દુષ્કૃત્યનું દુશ્મન છે. પ્રમાણિક સત્યમાં શ્રધ્ધા એ જ પરમાત્માની ઉપાસના છે. ઇશ્વરનું અસ્તિત્વ પણ આખરે તો મનુષ્યની શ્રધ્ધા પર જ અવલંબિત છે.
વિજ્ઞાનની વિનાશાત્મક શક્તિને નજર સમક્ષ રાખીને આપણે તેને ભાંડવાનું ચૂક્તા નથી, પણ વિજ્ઞાને વરદાન બનીને માનવ-જાતને સુખ સુવિધાઓ આપી છે અને અનેક પ્રકારની પીડાઓમાંથી મુક્ત કરવાની કૃપા કરી છે. ૨૧મી સદીમાં જ્ઞાન એ જ ભગવાન અને કર્મ એ જ ભક્તિ. આપણે શોધની વંદના કરીએ છીએ, પણ રાતરાતના ઉજાગરા કરનાર, અંગત સુખોને હોડમાં મૂકનાર સંશોધનમાં ગળાડૂબ રહેનાર વૈજ્ઞાનિકની મહાનતાનું ભૂલથી યે સ્મરણ કરતા નથી જગતની આ અહેસાન ફરામોશી જ કહેવાય.
આદી માનવ સામે આશ્ચર્યોની વણઝાર હતી. તેજના ફુવારા ઉડાડતો સૂરજ, આકાશમાં રંગોળી સજાવતી ઉષા, બળબળતા બપોર, અસ્તમિત થતા સૂરજને વિદાય આપવા આકાશને આંગણે રચાતી સૌંદર્ય સૃષ્ટિ, વગર નોતરે હાજર થઇ જતા ચંદ્ર અને તારા, વર્ષાની ઝડીઓ, ઠંડીના ચમકારા, જન્મ અને મૃત્યુની અકળ લીલાઓ !! આ બધું સમજવાનું તેના જ્ઞાન માટે પડકારૂપ હતું. પરમશક્તિને ઘૂંટણિયે પડી સકૌતુક એણે અભિવંદના કરી. એની બુધ્ધિ જેટલો અને જેવો ઉકેલ મેળવી શકે તેટલા ઉકેલ એણે શ્રધ્ધાભાવે આપ્યા પણ એવી આસ્તિકતાને જગત સદાય વટાવતું રહે એવી એણે કલ્પના કરી નહોતી. કુદરતની દરેક લીલાઓનો તાગ માનવે પોતાનો બુધ્ધિ, તર્ક, અને અપાર સંઘર્ષો વેઠી કરી જગત સમક્ષ રજૂ કર્યો તે વિજ્ઞાન, વિશેષ જ્ઞાન જે ઇશ્વરદત્ત દિમાગને જ આભારી છે.
જ્યારે મનુષ્ય પોતાની બુધ્ધિ અને તર્કથી પણ કુદરતની લીલા સમજવા અસમર્થ રહે છે ત્યારે તેવા સમયે આસ્થાનો પ્રકાશ પપ્રખરૂપે ચમકે છે અને આપણી મદદ કરે છે.
આસ્થા અંધશ્રધ્ધાની જનની બને તો એવી આસ્થા વ્યર્થ છે. શ્રધ્ધાને જીવનનું બળ બનાવવી જોઇએ, નિર્બળતાની ધ્વજવાહક નહીં. આપણે માટીપગા માનવી ન બનીએ એ ભગવાનને મંજૂર છે.
સાચા શ્રધ્ધાવાદી કેવી રીતે બની શકાય ?
૧. વિજ્ઞાન અને ધર્મથી પાવન બનેલા દ્રષ્ટિકોણ દ્વારા.
૨. ભગવાન સાથેનો ઉપયોગિતાવાદી દ્રષ્ટિકોણ ન રાખવાની વૃત્તિ દાખવીને જીવનને વાંસડામાંથી વાંસળી બનાવવાની કલા વિકસાવીને.
૩. શ્રધ્ધાનો સ્વાર્થ સિધ્ધિના સાધન તરીકે ઉપયોગ ન કરીને.
૪. આપણી સ્વાર્થી માગણીઓ પૂરી કરવા ભગવાનને મજબૂર કરવાના વિચારોથી મુક્ત રહીને.
૫. 'હું હારવા જન્મ્યો નથી' એવી ખુમારી સાથે જીવન સંગ્રામમાં ઝઝૂમતા રહીને.
૬. વિજ્ઞાન એ ધર્મ કે ઇશ્વરનું દુશ્મન નથી.


