Get The App

ઓનલાઈન 'હેકીંગ' વડે મર્ડર? .

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
ઓનલાઈન 'હેકીંગ' વડે મર્ડર?                              . 1 - image

- રજનીગંધા-વિભાવરી વર્મા

- 'તો માય ડિયર ફ્રેન્ડ તારી ભૂલ થાય છે. કેમ કે મેં જ એનું મર્ડર કર્યું છે!'

'પે લા મલ્ટિમિલિયોનેર બિઝનેસમેનના એકના એક દિકરાની આત્મહત્યાના ન્યુઝ સાંભળ્યા કે નહીં ?'

'સાંભળ્યા ને ! ગજ્જબ કહેવાય! એ અઢાર વરસનો છોકરો હસતો રમતો હતો. એના ફ્રેન્ડઝમાં બહુ પોપ્યુલર હતો, સ્કુલમાં સારા ગ્રેડઝ લાવતો હતો... છતાં આ શી રીતે થયું?'

'વાહ, આટલી બધી ઇન્ફરમેશન તારી પાસે છે, તો પછી તને ખબર જ હશે ને, કે એણે આત્મહત્યા શા માટે કરી ?'

'એ જ તો મિસ્ટરી છે ! મિડીયામાં જબરી ચકચાર છે ! મિસ્ટર માથુર જે એક બહુ મોટી સોફ્ટવેર અને ગ્રેમિંગ કંપનીના માલિક છે, અને જેની પત્ની શું કહેવાય-'

'બહુ મોટી સોશિયલ મિડીયા સેલિબ્રિટી છે, એમ બોલ ને ? સાલા, તું પણ એ મિતાલી માથુરના ગ્લેમરમાં ઘાયલ થયો છે ને ?'

'એવું નથી, બટ યા, શી ઇઝ વેરી એટ્રેક્ટીવ.'

'અને તું એનો માત્ર ફોલોઅર નહીં પણ ડાઈ-હાર્ડ ફેન છે, રાઈટ ?'

'એ છોડને યાર ? પેલા અઢાર વરસના અર્ણવે સૂસાઇડ કેમ કર્યો હશે એની વાત કર ને ?'

'તું જ એની વાત કર ને ? પાક્કો મિડીયાસાવી તો તું છે ! આખી દુનિયાની ફાલતુ, છીછરી, આછકલી અને સૌથી અક્કલ વગરની સ્ટુપિડ સેલિબ્રિટીઝની ઝીણામાં ઝીણી અંગત વાતોની પંચાત સોશિયલ મિડીયામાં જોયા કરવાની તને જ આદત છે.'

'સાવ એવું નથી, પણ આ કેસમાં મિસ્ટર માથુર એના બિઝનેસમાં જ રચ્યા પચ્યા રહેતા હતા અને-'

'તારી ગ્લેમર વુમન મિતાલી માથુર પોતાની વર્ચ્યુઅલ દુનિયામાં જ છબછબિયાં કરવામાં ગુલતાન હતી.'

'યસ, એમાં પેલો ટીન એજર અર્ણવ શું કરે છે, શેમાં ખોવાયેલો રહે છે, શા માટે ખાસ બોલતો નથી કેમ એના રૂમમાં ભરાઈ રહે છે એની એના પેરન્ટસને ખબર પણ નહોતી.'

'અચ્છા, યુ મિન, એ છોકરાએ એની લોન્લીનેસને કારણે આત્મહત્યા કરી ?'

'એવું જ હોય ને ?'

'તો માય ડિયર ફ્રેન્ડ તારી ભૂલ થાય છે. કેમ કે મેં જ એનું મર્ડર કર્યું છે!'

'શું વાત કરે છે ? યુ મિન, તું એના બંગલામાં જઈને એનાા રૂમમાં તેં તારી જાતે જ એને ફાંસીના ગાળિયામાં લટકાવી દીધો હતો ?'

'નો વે... માય ફ્રેન્ડ ! મેં એનો મોબાઈલ અને લેપટોપ હેક કરીને એને સૂસાઈડ તરફ ધકેલ્યો હતો !'

'ઓ માય ગોડ ! હાઉ ઇઝ ઇટ પોસિબલ ?'

'બેટા, તું એ ભૂલી રહ્યો છે કે હું પોતે એક જિનિયસ સોફ્ટવેર એન્જિનિયર છું.'

'તો ?'

'તો મેં પહેલા એની સાથે ઓનલાઈન દોસ્તી કરી' એને પણ મોબાઈલ અને લેપટોપમાં ખતરનાક ગેઇમ્સ રમવાનો શોખ હતો ને ? તો મેં એને મારી જાતે ડેવલપ કરેલી ગેમ્સનો ચસકો લગાડયો.

'પછી ?'

'પછી એને લલચાવ્યો કે જો તું પર્સનલી મને મળે તો હું તને બહુ ઓછી કિંમતમાં આનાથી પણ જોરદાર એક્સ્લુઝિવ ગેમ્સ તારા મોબાઈલ અને લેપટોપમાં ડાઉનલોડ કરી આપી શકું છું.'

'અને એ તો આવ્યો જ હશે ?'

'આવે જ ને ? કેમ કે એના વડે તો એ એના ફ્રેન્ડઝ આગળ રૂઆબ મારી શકે કે જુઓ, મારી પાસે કેવી ફેન્ટાસ્ટિક ગેઇમ્સ છે ! અને જ્યારે એ મને મળવા આવ્યો...'

'ત્યારે ?'

'બે કલાક માટે મેં એનો મોબાઈલ અને લેપટોપ લઇને મારો ખાસ ડેવલપ કરેલો 'ડેવીલ વાયરસ' એમાં ઘૂસાડી દીધો !'

'ઓહ ! શું છે આ ડેવિલ વાયરસ?'

'શેતાનનું જ કામ કરે ને ? નામ જ ડેવિલ વાયરસ છે તો ?'

'આ તો બહુ ખતરનાક ગેમ છે.'

'છે જ ! સૌથી પહેલાં તો એ વાયરસ વડે મેં એની ગર્લ્ડ ફ્રેન્ડ સાથેની રીલેશનશીપ તોડાવી નાંખી ! એના જ મોબાઈલમાંથી એઆઈ વડે બનાવેલા એ છોકરીના બિભત્સ વિડીયો એની ગર્લફ્રેન્ડના મોબાઈલમાં ગયા !'

'ઓહ, તો તો પેલી એને છોડી જ દે ને ?'

'યસ ! એ પછી અર્ણવ ડિપ્રેશનમાં ગયો કે તરત જ મેં એના મોબાઈલ અને લેપટોપનાં અલ્ગોરિધમ બદલીને એમાં સતત નેગેટિવ અને સેલ્ફ ડિસ્ટ્રક્ટીવ મેસેજો, ગાયનો અને વિડીયોઝ સેન્ડ કરવા માંડયા ! જેનાથી તે વધારે ને વધારે ડિપ્રેસ થતો ગયો.'

'જેની એના મા-બાપને તો ક્યાંથી ખબર હોય ?'

'અરે, એના ફ્રેન્ડઝ સાથે મેં ગેરસમજ ઊભી કરાવી ! એના જ ફોન વડે મેં એના ફ્રેન્ડઝના બેન્ક એકાઉન્ટમાંથી ખુબ બધા પૈસાની ચોરી કરાવી ! ઉપરથી એવા મેસેજો લીક કરાવ્યા કે અર્ણવ એના દોસ્તોને મારી નાંખવાના પ્લાન બનાવી રહ્યો છે !'

'માય ગોડ ! આ તો સિસ્ટમેટિક કાવતરું કહેવાય !'

'અફ કોર્સ ! આઇ એમ એ જિનિયસ ! એને એના દોસ્તોથી અલગ કર્યા પછી માત્ર પંદર જ દિવસમાં એ જે 'ચેટ ટુલ્સ'માં સલાહો માગતો હતો એમાં મેં વારંવાર આત્મહત્યાના વિચારો ઘૂસાડે રાખ્યા. જેના કારણે છેવટે -

'છેવટે એણે પોતે જ ફાંસો ખાઈ લીધો !'

'યસ ! મેં તને શું કહ્યું, આઈ એમ અ જિનિયસ !'

'પણ તેં આવું કર્યું શા માટે ?'

'કારણ કે મારે બદલો લેવો હતો ! એના બાપ ઇન્દ્રસેન માથુરે મારી સાથે દગો કર્યો હતો. મેં અને અપ્રુવલ માટે એક ગેમ જોવા માટે આપી હતી. તે પસંદ નથી એમ કહીને તેણે કોપી કરી લીધી હતી અને ત્રણ જ મહિના પછી એણે પોતાની કંપનીના નામે માર્કેટમાં મુકી દીધી હતી !'

'પણ એનો આવો ક્રુર બદલો ?'

'હાસ્તો ! કેમ કે એ ગેઇમ મારું બ્રેઇન ચાઈલ્ડ હતું ! તો એ ચાઈલ્ડના બદલામાં મારે એના ચાઈલ્ડને જ ખતમ કરવું પડે ને ?'

'માય ગોડ ! તું પકડાઈ જઈશ તો ?'

'કોઈ ચાન્સ જ નથી ને ? ઉલ્ટું, હવે તો હું આ સોફ્ટવેરને મોટી મોટી ક્રિમિનલ ગેંગ્સને વેચીશ ! આતંકવાદી સંગઠનોને વેચીશ ! બિકોઝ, આઈ એમ અ જિનિયસ !'

આ વાતચીત ચાલી જ રહી હતી ત્યાં પાછળથી એક અવાજ આવ્યો; 'મિસ્ટર જિનિયસ, તમારી ગેમ ઓવર થઇ ગઇ છે. યુ આર અંડર એરેસ્ટ !'

જિનિયસે પાછળ ફરીને જોયું તો આખી પોલીસ ટીમ ઉભી હતી. એ ટીમના લિડર બોલ્યા 'મિસ્ટર જિનિયસ, જો તમે કોઇનું લેપટોપ હેક કરી શકો છો તો શું, પોલીસના એથિકલ હેકર્સ તમારું લેપટોપ હેક ના કરી શકે ? અત્યારે તમે પોતે જે તમારા લેપટોપમા ક્રિએટ કરેલા તમારા 'ઓલ્ટર ઇગો'સાથે વાતો કરી રહ્યા હતા તે તમામ વાતો અમારી સિસ્ટમમાં રેકોર્ડ થઇ ગઇ છે ! કેમ ઓન... ગેમ ઇઝ ઓવર...'