- સ્વાર્થી અપેક્ષાઓથી શુભેચ્છાના પવિત્ર ક્ષેત્રને ન અભડાવો
- એક જ દે ચિનગારી-શશિન્
- આશીર્વાદ સંદર્ભે મહત્ત્વની પાંચ બાબતો કઇ ? આશીર્વાદ કોઈ યંત્રવત્ ક્રિયા નથી પણ અંત:કરણનું ખુશ્બોદાર અત્તર છે
ન વા વર્ષે કે કોઈપણ સારા પ્રસંગે વાર-તહેવારે આપણે એકબીજાને શુભેચ્છા પાઠવીએ છીએ. શુભેચ્છા એટલે શુભત્વની શ્રદ્ધાના ગુલાબની બિનશરીત વહેંચણી આપણા અંતરમાં પડેલો અન્ય પ્રત્યેનો સદ્ભાવ આપણે શુભેચ્છારૂપે વ્યક્ત કરીએ છીએ. શુભેચ્છા એ કેવળ ઔપચારિકતા પ્રદર્શન કે સામેની વ્યક્તિને રિઝવવા, ખુશ કરવા કે નોંધ લેવડાવવાની ક્રિયા નથી. શુભેચ્છા પ્રદાનમાં એવી ઔપચારિકતા ભળે તો એ કેવળ દંભલીલા બની જાય. સાચા મન અને શુધ્ધ હૃદયથી આપેલી શુભેચ્છા સામેની વ્યક્તિનું ભલું થશે એવી શ્રધ્ધા જન્માવે છે. શ્રધ્ધા એટલે સત્ય તરફની ગતિ.
શુભેચ્છા એ અંત:કરણની ગંગોત્રીનું નજરાણું છે. ઝરણું વહેતું - વહેતું આગળ વધે છે, ત્યારે એ માર્ગમાં ભેટનાર સૌને પરિતૃપ્ત કરે છે. એને એક જ કર્તવ્યનું સ્મરણ હોય છે, કેવળ વહેતા રહેવાનું, શુભેચ્છાનું કામ એવું જ છે. આપણે શુભેચ્છા પ્રદાનનો ધર્મ અદા કર્યો એટલે આપણું કામ પૂરું થયું. એ શુભેચ્છા ફલે કે લાભદાયી બને એની ચિંતા અને ચિંતનમાં ડૂબ્યા રહેવાની વાત આપણી ફરજનો વિષય નથી. આપણી શુભેચ્છામાં એક વાત વણલખી હોય છે તે શુભનિષ્ઠા અને સત્યનિષ્ઠા. શુભેચ્છા દ્વારા આપણે અમુક વ્યક્તિને શુભત્વનો સાથ મળે એવી અભિલાષા સેવતા હોઈએ છીએ. અને શુભત્વનો સાથ હંમેશા વ્યક્તિના સત્સંકલ્પોને જ મળવો જોઇએ. એટલે શુભેચ્છા પાઠવીને આપણે એવું જ ઇચ્છતાં હોઇએ છીએ કે શુભ હોય તેટલું જ ફળો. એ વ્યક્તિનું ખરેખર હિત જેમાં સમાયું હોય તેવું જ થાઓ.
શુભેચ્છા ન ફળવાને કારણે નહીં, પણ ખરેખર તો પરસ્પર પ્રત્યે સાચી શુભેચ્છા ન હોવાને કારણે જ જગત દુ:ખી છે. તમે માણસના ખરા અંત:કરણથી શુભેચ્છા પાઠવો એટલે તમારું કામ પતી ગયું. બાકી બધું ઇશ્વર પર છોડી દો.
હકીકતમાં આપણે એવું જ ઇચ્છતા હોઈએ કે વ્યક્તિના શુભ સંકલ્પો તેના શુભ આયાસ-પ્રયાસ એના સન્નિષ્ઠ પરિશ્રમથી ફળાધિકારી બનો. જો એમ ન હોય તો માણસ બીજાના હલકા સ્વાર્થી, મેલી મુરાદો. અને અપ્રમાણિક આયોજનો પણ સફળ થવા માટેની ઇચ્છાઓ વ્યક્ત કરે.
ઘણીવાર આવો ભેદ નહીં સમજવાને કારણે જ માણસ ભગવાન પાસે ખોટું માગતો હોય છે, ખોટું ઝંખતો હોય છે અને ઇશ્વર તરફથી એવો ધાર્યો લાભ ન મળે ત્યારે ઇશ્વરને દોષ દેતો હોય છે. ઇશ્વર પણ માણસને શુભ કાર્યોમાં જ સહકાર આપતો હોય છે.
શુભેચ્છાનું અત્તર અંતરને શુભત્વની ભાવનાથી તરબતર બનાવે છે, એ જ એની સિધ્ધિ છે. અને એ જ એનું બળ છે. શુભેચ્છાનું અત્તર સામેની વ્યક્તિના મનમાં નવીન આશા અને શ્રધ્ધાનો સંચાર કરશે એની આત્મશક્તિ અને સંકલ્પબળ પરિષુષ્ટ બનશે અને એ જ એના જીવનમાં આવનાર અનિષ્ટો સામે લડવાનું વ્યક્તિને બળ આપે તો એ નિર્ભયપણે પરિસ્થિતિઓ સામે ઝઝૂમી શકે, અને એની એવી નિર્ભયતા જ એના સ્વપ્નો સાકાર કરવાનું, રોગ કે શત્રુ સામે લડવાનું સામર્થ્ય તેને પ્રદાન કરી શકે. માણસની અનેક નિષ્ફળતાએ એના અર્ધજાગૃત મન પર પડેલા ભયના સંસ્કારે જ નોંતરેલી છે.
આપણી શુભેચ્છાઓ અંગે પ્રશ્ન છે એવો જ આપેલા આશીર્વાદ પ્રત્યે પણ પ્રશ્ન ઉભો થાય છે. આપણી શુભેચ્છા કે આપેલા આશીર્વાદ ફળશે કે નહીં એવા ગણિતથી કોઇને શુભેચ્છા કે આશીર્વાદ આપવા કે નહીં એનો નિર્ણય ન જ કરવો જોઇએ.
સાચા આશીર્વાદ તો જ મળે, જો આપણું મસ્તક એને માટે અધિકારી બને. આશીર્વાદ આપનાર સંતો, મહંતો, પીર પયગંબરો વર્ષોથી યુગોથી એક જ આરઝૂ લઇને આ ધરતી પર આવ્યા છે અને કહી ગયા છે : 'આશીર્વાદ આપીએ એવાં મસ્તક અમને બતાવો. આશીર્વાદ પચાવે એવાં શ્રધ્ધાશીલ હૃદય અમને દેખાડો.
આશીર્વાદ જોઇએ તેટલા મળી શકે, જોઇએ ત્યારે મળી શકે, જોઇએ ત્યાં મળી શકે, સવાલ માત્ર એટલો જ છે કે એ આશીર્વાદ ઝીલવાની તાકાત છે આપણામાં ?
શ્રધ્ધાવિહોણી વ્યક્તિ આશીર્વાદના અમૃતને ઝીલવાને લાયક નથી, કારણ કે આશીર્વાદ ફળતા નથી, ફળે છે એ આશીર્વાદમાં રહેલી આપણી શ્રધ્ધા, એ આશીર્વાદની સત્યતા અંગેનો આપણો વિશ્વાસ એ આશીર્વાદ સફળ કરવા માટેનો આપણો પુરુષાર્થ અને આત્મવિશ્વાસ.
આશીર્વાદ આપનાર એ કરુણાશીલ પ્રભુ આપણી પ્રતીક્ષા કરે છે અહર્નિશ, નિરંતર. આશીર્વાદ પ્રદાન કરવા પોતાના હાથ ઊંચા રાખીને આપણી રાહ જુએ છે, પણ આપણને એ આશીર્વાદ મળી શક્તા નથી. કારણ કે આપણે એ પવિત્ર હાથ સુધી પહોંચી શક્તા નથી.
આપણી સામે એક પડકાર છે : પેલા આશીર્વાદ પ્રદાન કરવા ઉત્સુક હાથ સુધી પહોંચી જવાનો. પવિત્રતા, એકાગ્રતા, સન્નિષ્ઠા, નમ્રતા, સારાં કાર્યો કરવાની ભાવના, સત્કર્મો માટે જ આશીર્વાદ મેળવવાની ચાહના જેમાં કોઈ પોતાની જાત માટેનો સ્વાર્થ ભળેલો ના હોય ...
તે અવસ્થામાં જ આપણે આશીર્વાદના અધિકારી બની શકીએ. અને ઇશ્વરના આશીર્વાદ તો આપણે લઇને જ જન્મ્યા છીએ, અને તે છે મનુષ્ય તરીકેનો જન્મ. આપણી પ્રાર્થના એક જ આશીર્વાદ માટે હોઈ શકે 'હે પ્રભુ, અમને સાચા અર્થમાં ઇન્સાન બનવાની પ્રેરણા અને શક્તિ પ્રદાન કરો.'
શુભેચ્છા અને આપણાથી નાનેરાંઓને આપેલા આશીર્વાદનો આપણે અર્થ એવો ઘટાવવો જોઇએ કે 'હું વ્યક્ત કરું છું તેમાંથી જેટલું શુભ હોય તેટલું જ ફળો. હું જે ઇચ્છાઓ વ્યક્ત કરું છું એ માત્ર શબ્દલીલા નથી. મેં સાચા અંત:કરણથી ઉચિત વ્યક્તિ માટે વ્યક્ત કરેલી ઉચિત અપેક્ષા છે. એટલે હું ઇચ્છું છું કે એ વ્યક્તિ ઇચ્છે એવું નહીં પણ, એ વ્યક્તિનું ખરેખર હિત જેમાં સમાયું હોય તેવું જ થાઓ.'
શુભેચ્છા પાઠવવી અને આશીર્વાદ આપવા એટલે ઇશ્વરના કર્તવ્યમાં શ્રદ્ધા રાખવી. ભારતીય સંસ્કૃતિમાં એટલે જ પરસ્પરને મળે ત્યારે જયશ્રીકૃષ્ણ, રામ-રામ, નમો નારાયણ, જય સ્વામીનારાયણ, જૈનો જયજિનેન્દ્ર કહી નમસ્તે કહે છે. મુસ્લિમ બંધુઓ ખુદા-હાફિજ કહીને શુભેચ્છા પાઠવે છે. શુભેચ્છા પાસેથી ફળ કે લાભની વસુલાતની ખેવના એ એક મંગલમય ભાવનાને 'ગણતરી'ના દ્રષ્ટિકોણથી અભડાવવાની વૃત્તિ દાખવે છે. કારણ કે શુભેચ્છા એ શુભ ઇચ્છવાનો શિવ સંકલ્પ છે, શબ્દાચાર નથી.
શુભેચ્છા સંદર્ભે મહત્ત્વની બાબતો
૧. શુભેચ્છા એ 'પતાવવાની' વિધિ નથી પણ સામેની વ્યક્તિનું ખરેખર શુભ થાય તેવી ભાવના મનમાં રાખીને શુભેચ્છા પાઠવવી જોઇએ.
૨. શુભેચ્છા ફળસે કે નહીં... એવી ચિંતા કર્યા વગર સકારાત્મક ભાવ સાથે સામેની વ્યક્તિના કલ્યાણની ઇચ્છા સાથે શુભેચ્છા વ્યક્ત કરવી.
૩. તમે માણસને ખરા અંત:કરણથી શુભેચ્છા પાઠવો, એટલે તમારું કામ પતી ગયું, બાકી બધું ઇશ્વર પર છોડી દો.
૪. બીજાના હલકા, સ્વાર્થ, મેલી મુરાદો અને અપ્રમાણિક આયોજનો માટે શુભેચ્છા પાઠવવી એ ઇશ્વરના કામમાં દખલ કર્યા બરાબર છે. શુભ ઈચ્છા શુભ કર્મો માટે જ પાઠવી શકાય.
આશીર્વાદ સંદર્ભે મહત્ત્વની બાબતો
૧. આશીર્વાદ આપતી વખતે પ્રભુનું ધ્યાન ધરી સાચા મનથી આશીર્વાદ આપવા જોઇએ.
૨. જીવનમાં માતા-પિતા અને ગુરુ ત્રણેયને દેવ સમકક્ષ દરજ્જો આપવામાં આવ્યો છે. માટે મન-વચન-કર્મથી માતા-પિતા તથા ગુરુનું દિલ દૂભવીશ નહીં, એવી ભાવના સાથે તેમના આશીર્વાદના અધિકારી બની શકાય.
૩. આશીર્વાદ માગનારે આશીર્વાદ આપનાર પ્રત્યે હૃદયમાં પૂરો સદ્ભાવ અને આદર કેળવીને તેમને વંદન કરવાં જોઇએ.
૪. આશીર્વાદ માગનાર અને આશીર્વાદ લેનાર બન્નેનું કર્તવ્ય છે કે તેઓ મન-વચન-કર્મથી પવિત્ર રહી એકબીજાનું ભલું ઇચ્છે છે.
૫. ઇશ્વરના આશીર્વાદ મેળવવા માટે ઇશ્વરને સાથે રાખીને ચાલશો તો તમારા દરેક કાર્યો શુભ જ હોવાનાં અને તેનું ફળ પણ શુભ જ હોવાનું.


