- રજનીગંધા-વિભાવરી વર્મા
- 'ખાસ ચિંતા જેવું નથી...' આઇસીયુમાં આંખો બંધ કરીને સૂતેલી તન્વીને ડોકટરનો અવાજ સંભળાઈ રહ્યો હતો. 'બધા રીપોર્ટસ આવી ગયા છે. તમારી વાઇફનું હાર્ટ બિલકુલ સલામત છે.'
'અ ચાકન શું થઈ ગયું તન્વીબેનને?' 'સવારે તો સાજાંસમાં હતાં ?'
'અરે, છેલ્લા પાંચ વરસથી કોઈ તકલીફ નહોતી.. અને અચાનક આમ બેભાન થઈ ગયાં ?'
હોસ્પિટલના આઇસીયુ વોર્ડ તરફ જઈ રહેલા સ્ટ્રેચર પર અર્ધ-બેભાનાવસ્થામાં સુતેલી તન્વીના કાનમાં સંવાદો અથડાઈ રહ્યા હતા.
'અચાનક શું થઈ ગયું....'
***
ના, અચાક કશું નહોતું થયું. આજથી પાંચ વરસ પહેલાં અઢાર વરસની તન્વી પોતાના બાપુજીની ભાડૂતી ખોલીમાં એક ઝાંખા પડી ગયેલા અરીસા સામે ઊભી હતી...
ઉંડી ઉતરી ગયેલી આંખો, ચહેરા પર ખીલના ડાઘ, સાવ ફીક્કી ચામડી, માંદલું એકવડીયું શરીર.... એમાં વળી દસમા ધોરણમાં બે વાર નાપાસ થઈ... ઉપરથી બાપુજીની ગરીબાઈ... તન્વી અરીસા સામું ઊભી ઊભી વિચારતી હતી કે, 'આવી, મારા જેવી છોકરીને કોણ પરણશે ?'
પરંતુ એક દિવસ નસીબ બદલાયું. બાપુજીએ હાથમાં ગોળધાણા આપતાં કહ્યું, 'તારાં લગ્ન નક્કી કરી દીધાં છે !' તન્વીને ખબર નહોતી કે નસીબ કઈ દિશામાં બદલાયું છે ? કેમકે જ્યારે માંડવે જાન લઈ આવનાર મૂરતિયાને જોયો ત્યારે તન્વીની છાતી એક ધબકારો ચૂકી ગઈ હતી.
એ માણસ એનાથી બાર વરસ મોટી ઉંમરનો હતો ! દેખાવે પણ સાવ મામૂલી. તન્વીને થયું, હશે, મારા જેવીને આવો જ મળે ને ?'
લગ્ન પત્યાં પછી મોડી રાત્રે તન્વી જે ઘરે પહોંચી તે ત્રણ બેડરૂમનો ફલેટ હતો. રાત તો જેમતેમ કરીને જ વીતી...
સવારે ખબર પડી કે ઘરમાં બે નોકરાણીઓ આવે છે. કચરાં-પોતાં- વાસણ જેવી મજુરી તન્વીએ કરવાની નહોતી. પતિ ભલે દેખાવે ફાલતુ હતો પણ સ્વભાવે સારો હતો.
દિવસો વીતતા ગયા, મહિનાઓ પસાર થતા ગયા.... ધીમે ધીમે તન્વીની માંદલી કાયા ભરાવદાર થતી ચાલી. ચહેરા પર ચમક આવવા લાગી. એમાંય લગ્નના એક વરસે જ્યારે દીકરીને જન્મ આપ્યો ત્યારે તો તન્વીને લાગ્યું કે તે સાતમા આસમાનમાં ઊડી રહી છે ! આવું સુખ મળવાનું હશે એવું તો તેને કદી સપનું પણ આવ્યું નહોતું.
નવી જન્મેલી દિકરી નસીબદાર હશે, તે પતિનો ધંધો ધમધોકાર ચાલવા લાગ્યો. બે જ વરસમાં તન્વી ફલેટ છોડીને નવા જાજરમાન બંગલામાં રહેવા આવી ગઈ !
હવે અહીં તો પુરેપુરા ઠાઠમાઠ હતા. કપડાં-લતાં, પહેરવા ઓઢવા કે ઘરેણાં બાબતે તન્વીને કોઈ બંધન નહોતું. તન્વીનું રૂપ ઔર નીખરતું ગયું...
અને ફરી એકવાર નસીબે વધારે મોટો કૂદકો માર્યો.... તન્વીની બાજુના જ બંગલામાં જે લોકો રહેવા આવ્યા હતા તેનો જુવાનજોધ, હસમુખો અને સૌને લાડકો લાગે તેવો દિકરો હતો. એનું નામ વૈભવ.
પહેલા જ દિવસથી તન્વી અને વૈભવના મન એકબીજાં સાથે ગંઠાઈ ગયાં હતાં. વૈભવ દહાડામાં દસ વાર તન્વીના બંગલે આંટા મારતો હતો. એ ઘરમાં આવે ત્યારે તન્વીને લાગતું કે ઘરમાં સુગંધી ફૂલોનું વાવાઝોડું આવી ગયું છે ! અને વૈભવ જાય પછી વૈભવ તન્વી એ જ સુગંધમાં આખો દિવસ તરબતર રહેતી હતી.
તન્વીના પતિને અવારનવાર ધંધાના કામે બહારગામ જવાનું થતું હતું. એ દરમ્યાન વૈભવનું બંગલામાં આવવું એ તો આછા વરસાદના ભીનાં છાંટણા જેવું જ હતું ને ?
વૈભવ શરૂમાં તન્વીને 'તન્વીભાભી' કહેતો હતો. પછી એમાંથી 'તન્વી' કહેતો થયો અને છેલ્લે તો તન્વીને પોતાના બાહુપાશમાં જકડીને માત્ર 'તન' કહેતો થઇ ગયો હતો. તે તન્વીની આંખોમાં આંખો પરોવીને કહેતો :
'તન ! તું જ મારું મન છે અને તું જ મારું ધન છે ! ભલે તું મારા કરતાં બે વરસ ઉંમરમાં મોટી હોય પણ તારી સાથે મારે ૨૦૦ વરસ ગુજારવાં છે !
તન્વી કહેતી, 'વૈભવ એ શી રીતે શક્ય છે વૈભવ હું પરણેલી છું !' ત્યારે વૈભવ તેને તસતસતું ચૂંબન ચોડીને કહેતો, 'તો શું થયું? હું પણ તને જ પરણવાનો છું. બસ, મારી નવી કંપનીના સ્ટાર્ટ-અપને ૫૦-૬૦ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ મળી જાય કે તરત આપણે અહીંથી બેંગ્લોર જતાં રહીશું !'
તન્વી સતત એ જ સપનાં જોતી રહેતી હતી. વૈભવ તો તેની દિકરી મીતુલને પણ અપનાવવાત તૈયાર હતો. પણ...
***
હજી બે જ કલાક પહેલાં તન્વીના પતિએ ઘરમાં આવતાંની સાથે જ કહ્યું હતું :
'સાંભળ ! ખુશખબર છે ! તારો દિયર વૈભવ ફેકટરી પર આવ્યો હતો ! તે પોતાનાં લગ્નની કંકોતરી આપી ગયો છે ! હવે એને ગિફટ શું આપવાની અને બીજા વ્યવહાર શું કરવાના તેની તૈયાર કરવા માંડજે.. તારો તો લાડકો દિયર છે ને !'
બસ, એ કંકોતરી હાથમાં લઈને તન્વી રૂમમાં દાખલ થઇ કે તરત એની છાતીમાં ભયંકર પીડા ઊપડી અને...
***
'ખાસ ચિંતા જેવું નથી...' આઇસીયુમાં આંખો બંધ કરીને સૂતેલી તન્વીને ડોકટરનો અવાજ સંભળાઈ રહ્યો હતો. 'બધા રીપોર્ટસ આવી ગયા છે. તમારી વાઇફનું હાર્ટ બિલકુલ સલામત છે.'
'પણ એને ફરી વાર તો આવું નહીં થાય ને ?'
'એની પણ ખાતરી થઈ જશે..' ડોક્ટર બોલી રહ્યા હતા : 'એકવાર તમારાં વાઇફ ભાનમાં આવી જાય પછી વધુ ટેસ્ટ કરી લઈશું...'
'એની જરૂર નહીં પડે...' તન્વીએ આંખો ખોલીને ધીમે અવાજે કહ્યું, 'મને હવે કશું જ થવાનું નથી. હવે હું ભાનમાં આવી ગઈ છું...'


